મથુરામાં 1200 ગાયોની સેવામાં મગ્ન જર્મન મહિલા!

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે
હિંદુ ધર્મમાં ગાયની સેવાને પુણ્ય સાથે જોડવામાં આવી છે. ગાયને માતા માની હિંદુ ધર્મમાં તેની સેવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ગૌસેવા સાથે અનેક ભારતીયો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલાં છે
પરંતુ એક એવાં મહિલા જે હિંદુ કે ભારતીય નથી છતાં તેઓ વર્ષોથી મથુરાના વ્રજમાં ગૌસેવા કરી રહ્યાં છે.
વ્રજ વિસ્તારમાં ઘણી ગૌશાળાઓ છે, પરંતુ અહીંની સુરભિ ગૌસેવા નિકેતન ગૌશાળા અન્યોથી જુદી તરી આવે છે. અહીં વિકલાંગ, બીમાર તથા અસહાય ગાયોની સેવા કરવામાં આવે છે.
ખાસ વાત એ છે કે આ ગાયોની દેખરેખ એક વિદેશી મહિલા કરે છે. જેમનું નામ છે ફ્રેડરિક બ્રુઇનિંગ.
મૂળ જર્મનીના બર્લિન શહેરનાં રહેવાસી બ્રુઇનિંગ ભારત ફરવા માટે આવ્યાં હતાં.
ભારતના પ્રવાસ દરમિયાન તે મથુરા પહોંચ્યાં ત્યારે આ શહેર તેમને એટલું પસંદ આવી ગયું કે તેમણે કાયમ માટે અહીં જ રહેવાનો નિર્ધાર કરી લીધો.
તમને આ પણ વાંચવું ગમશે
પહેલાં તેમણે દીક્ષા લઈ એક આશ્રમમાં રહેવાની શરૂઆત કરી. એક દિવસ ઘાયલ વાછરડાંની પીડા જોઈ તેમણે પોતાનું જીવન ગાયોની સેવામાં સમર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

1200 ગાયોની ગૌશાળા

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
60 વર્ષનાં ફેડરિક બ્રુઇનિંગને ગૌશાળાના કર્મચારીઓ 'અંગ્રેજ દીદી' તરીકે ઓળખે છે.
છેલ્લાં ચાલીસ વર્ષથી ગાયોની સેવા કરતાં બ્રુઇનિંગની ગૌશાળામાં હાલ 1200 ગાયો છે.
સુંદર રીતે હિંદી બોલી શકતાં બ્રુઇનિંગ કહે છે, "ત્યારે મારી ઉંમર 20-21 વર્ષની હતી અને એક પ્રવાસી તરીકે હું દક્ષિણ એશિયાઈ દેશોના પ્રવાસે નીકળી હતી."
"જ્યારે હું ભારત આવી તો મેં ભગવદ્ ગીતા વાંચી અને મારું મન અધ્યાત્મ તરફ ખેંચાયું."
"તેના માટે મારે એક ગુરુની જરૂર હતી. ગુરુની શોધમાં હું વ્રજમાં આવી. જ્યાં મને ગુરુ મળ્યા અને મેં દીક્ષા લીધી."

કેમ બન્યાં ગૌરક્ષક?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
ગાયો પ્રત્યેના પ્રેમ અંગે બ્રુઇનિંગ એક ઘટનાની વાત કરતાં કહે છે, "દીક્ષા લીધા બાદ થોડાંક વર્ષો મંત્રજાપ, પૂજા-પાઠમાં વીત્યાં."
"પરંતુ એક દિવસ મને ઘાયલ વાછરડું રસ્તામાં જોવા મળ્યું. તેના પગમાં ઈજા થઈ હતી."
"લોકો વાછરડાને જોઈને જતાં રહેતાં હતા. પરંતુ વાછરડાંની આ હાલત જોઈને મને દયા આવી."
"હું વાછરડાને રિક્ષામાં બેસાડી આશ્રમમાં લઈ આવી અને અહીં જ તેની સારવાર કરવા લાગી. બસ અહીંથી મારું ગૌસેવાનું કાર્ય શરૂ થયું."
બ્રુઇનિંગ કહે છે કે પહેલાં તો તેમની પાસે માત્ર દસ ગાયો હતી, પરંતુ ધીમે ધીમે ગાયોની સંખ્યા વધતી ગઈ અને સો સુધી પહોંચી.
અહીં મોટાભાગની ગાયો બીમાર છે અથવા દૂધ ન આપતી હોવાથી લોકોએ તેને છોડી દીધી છે.
બ્રુઇનિંગ કહે છે, "મારા અહીં આવ્યા પછી ઘણાં વર્ષો બાદ મારા પિતા મારી મુલાકાતે આવ્યા હતા. મને ગાયો સાથે આ નાના કાચા ઘરમાં જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા."
"મારા પિતાએ મને ઘરે પરત ફરવા માટે આગ્રહ કર્યો, પરંતુ મેં તેમને કહ્યું કે હવે આ ગાયોને છોડીને હું ક્યાંય નહીં જઈ શકું."

પિતાએ મદદ કરી

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
બ્રુઇનિંગ કહે છે કે તેમણે તેમના પિતાને ગૌશાળા માટે આર્થિક મદદ કરવા કહ્યું અને તેઓ મદદ માટે તૈયાર થઈ ગયા.
હાલ તેઓ દર મહિને બ્રુઇનિંગને આર્થિક સહાય કરી રહ્યા છે.
બ્રુઇનિંગ ઉપરાંત અન્ય 70 લોકો અહીં ગાયોની સેવામાં કાર્યરત છે.
ગૌશાળામાં ગાયોની સારવાર માટેની મોટાભાગની દવાઓ રાખવામાં આવે છે.
જોકે, સારવારમાં ક્યારેક ડૉક્ટરની જરૂર પડે તો ઇલાજ માટે ડૉક્ટરને બોલાવવામાં આવે છે.
ગૌશાળાના સંચાલન અને ગાયોની સારવારમાં દર વર્ષે આશરે વીસેક લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
જોકે, આટલો ખર્ચ છતાં બ્રુઇનિંગ સરકાર પાસેથી કોઈ મદદ લેતાં નથી.
અન્ય સ્વયંસેવી સંસ્થાઓ તરફથી મળતા દાનમાંથી આ ગૌશાળાનો ખર્ચ નીકળે છે.
બ્રુઇનિંગ કહે છે કે કેટલાક લોકો ગાયોને ઘાસચારો તો કેટલાક લોકો અન્ય વસ્તુઓ આપે છે.

કેવી છે સુરભિ ગૌશાળા?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
સુરભિ ગૌશાળા ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે. બે ભાગમાં ગાયોને ઘાસચારો નાંખવામાં આવે છે.
એકભાગમાં ઘાસચારો તથા જરૂરી સામાન રાખવામાં આવે છે. આજ ભાગમાં નાની એવી જગ્યા છે જેની દિવાલ છાણથી લીંપાયેલી છે.
અહીં જ બ્રુઇનિંગ રહે છે અને ગાયોની સારવાર માટેની જરૂરી દવાઓ પણ ત્યાં જ રાખવામાં આવે છે.
ગૌશાળામાં કામ કરતાં લોકો આસપાસના ગામમાંથી આવે છે. જેમાંથી ઘણા લોકો ગૌશાળામાં જ રાત્રિ રોકાણ કરે છે.
જેથી રાત્રે પણ જરૂર પડ્યે ગાયોની સારવાર કરી શકાય.
ગૌશાળામાં ઘણાં વર્ષોથી કામ કરતા સતિશ જણાવે છે, "બીમાર ગાયોનો ઇલાજ અહીં કરવામાં આવે છે. વાછરડાંને અન્ય ગાયોનું દૂધ પીવડાવવામાં આવે છે. જો ગાય વાછરડાને દૂધ ના પીવડાવી શકે તો દીદી તેને બૉટલથી દૂધ પીવડાવે છે."
સતીશ કહે છે, "વાછરડાંને પીવડાવવા માટે પૂરતું દૂધ નથી. જેથી ચાલીસ-પચાસ લીટર દૂધ બહારથી મંગાવવામાં આવે છે."

ગાયનાં મૃત્યુ પર શાંતિપાઠ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
ગાયનું મૃત્યુ થયા બાદ શું કરવામાં આવે છે?
આ પ્રશ્નનો જવાબ આપતાં બ્રુઇનિંગ કહે છે, "ગાયના મૃત્યુ બાદ તેને સમાધિ આપવામાં આવે છે."
"અંતિમ સમયે ગાયના મોઢામાં ગંગાજળ મૂકવામાં આવે છે અને ગાયને સમાધિ આપ્યા બાદ શાંતિપાઠ કરવામાં આવે છે."
બ્રુઇનિંગને જ્યારે કથિત ગૌરક્ષકો અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, "હા, ગૌરક્ષકો અહીં આવે છે પરંતુ માત્ર બિમાર ગાયોને અહીં મૂકી જવા માટે."
દીક્ષા લીધા બાદ બ્રુઇનિંગનું નામ સુદેવી દાસ રાખવામાં આવ્યું હતું પરંતુ ઔપચારિક રીતે તેમનું જર્મન નામ જ ચલણમાં છે.
હિંદી અંગે બ્રુઇનિંગ જણાવે છે કે પહેલાં તેમને હિંદી આવડતી ન હતી. પરંતુ આશ્રમમાં તેમણે હિંદી શીખી જેમાં ધર્મગ્રંથોએ ઘણી મદદ કરી.

પ્રચારથી દૂર

ઇમેજ સ્રોત, EPA
બ્રુઇનિંગને મથુરા તો દૂર રહ્યું પરંતુ વૃંદાવનમાં પણ બહુ ઓછાં લોકો ઓળખે છે.
તેનું કારણ એ છે કે તેમને પોતાનાં કાર્યનો પ્રચાર પસંદ નથી અને આશ્રમમાં રહીને જ તેઓ ગાયોની સેવા કરે છે.
મથુરામાં રહેતા સામાજિક કાર્યકર્તા રાકેશ શર્મા કહે છે, "તેઓ સાચાં ગૌસેવક છે. મથુરા-વૃદાંવનમાં અનેક ગૌશાળાઓ આવેલી છે પરંતુ તેમાંથી ઘણાં લોકો કમાણી કરે છે."
"અંગ્રેજ દીદી તો પોતાના ઘરના પૈસે બીમાર ગાયોની સેવા કરે છે."
ભલે બહારના લોકો સાથે તેમનો સંપર્ક સીમિત હોય પરંતુ દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી બ્રુઇનિંગ પાસે હોય છે.
તેમને એ પણ ખબર છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગાયોની સેવા કરે છે.
ગાયોની દુર્દશા અટકે અને લોકો તેની સારી રીતે સંભાળ રાખે તે માટે બ્રુઇનિંગ એક સલાહ પણ આપે છે.
તેઓ કહે છે, "જો ગાયોનાં પાલનપોષણ માટે સારી જગ્યા મળે અને તેનાં છાણને ખરીદવા માટે વ્યવસ્થા કરવામાં આવે તો લોકો ગાયોને છોડશે નહીં."
"કારણ કે લોકોને એ વાતની જાણ હશે કે ગાયોનું દૂધ જ નહીં પરંતુ છાણ પણ વેચી શકાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














