મુંબઈની જીવલેણ આગમાંથી 100 લોકોને બચાવનાર તારણહાર

ઇમેજ સ્રોત, JANHAVEE MOOLE/BBC
મુંબઈના લોઅર પરેલ વિસ્તારના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં લાગેલી આગને કારણે કમસેકમ 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
દૂર્ઘટનાસ્થળે રાહત કર્મચારીઓ પહોંચ્યા એ પહેલાં એક વ્યક્તિએ અંદાજે 100 લોકોને ઉગાર્યાં હતાં.
એ વ્યક્તિનું નામ મહેશ સાલ્વે છે અને એ કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.
બીબીસી મરાઠીનાં સંવાદદાતા જાહ્નવી મૂલેએ કહ્યું હતું કે ''આગ લાગી ત્યારથી જ મહેશે લોકોને ઝડપથી ઇમારતની બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. એ કારણે અંદાજે 100 લોકોનો જીવ બચી ગયો હતો.''

બાથરૂમમાં ફસાયેલા લોકોનાં મોત

ઇમેજ સ્રોત, ANMOL RODE/BBC MARATHI
જે ઇમારતમાં આગ લાગી હતી તેમાં ત્રણ હોટેલ આવેલી છે. તેમાં હોટેલ મોઝેસ, વન અબવ અને લંડન ટેક્સીનો સમાવેશ થાય છે.
એક અહેવાલ અનુસાર, આગ લાગી ત્યારે ત્યાં હાજર હતા એ લોકો બાથરૂમમાં છૂપાઈ ગયા હતા અને આગ ફેલાતાં એ લોકો જ્વાળાની લપેટમાં આવી ગયા હતા.
મહેશ સાલ્વે એ વખતે ઈમારતના ઉપલા ફ્લોર પર હતા.
આગ લાગી એટલે ભાગવાને બદલે તેમણે લોકોને ઉપરથી નીચે મોકલવાનું શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કામમાં મહેશને તેમના બે સાથી સૂરજ ગિરિ અને સંતોષે પણ મદદ કરી હતી. મહેશે તેમને અલર્ટ કર્યા હતા.
મહેશ લોકોને ઉપરથી નીચે મોકલતા રહ્યા હતા, જ્યારે સંતોષ અને સૂરજ ગિરિ તેમને સલામત રીતે બહાર પહોંચાડતા રહ્યા હતા.

કઈ રીતે લાગી આગ?

ઇમેજ સ્રોત, AMOL RODE/BBC MARATHI
જાહ્નવી મૂલેએ જણાવ્યું હતું કે ''જે વિસ્તારમાં આગ લાગી હતી ત્યાં સંખ્યાબંધ હોટેલો આવેલી હોવાથી મોડી રાત સુધી લોકો આવતાં-જતાં રહે છે.''
''ચાર માળની ઇમારતના ટોપ ફ્લોર પર આવેલા એક પબમાં આગ રાતે સાડા બારેક વાગ્યે લાગી હતી.''
''આગ લાગ્યા દસ જ મિનિટ પછી ફાયર બ્રિગેડનાં ચારથી છ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.''
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(બીએમસી)ના આપદા પ્રબંધન વિભાગના જણાવ્યા અનુસાર, આગમાં ઘવાયેલા લોકોને કેઈએમ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઘટનાસ્થળે હાજર એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારી અહમદ ઉસ્માન પઠાણ સાથે બીબીસીનાં સંવાદદાતા માનસી દાસે વાત કરી હતી.
અહમદ ઉસ્માન પઠાણે કહ્યું હતું કે ''કેઈએમ હોસ્પિટલ ઉપરાંત 13 ઘાયલોને હિંદુજા હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવી રહી છે.''
કેઈએમ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડો. નિખિલે જણાવ્યું હતું કે આગમાં ઘવાયેલા કુલ 25 લોકોને કેઈએમમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












