દેહવ્યાપાર માટે હોર્મોનના ઇંજેક્ષન આપી કિશોરીઓને બનાવવામાં આવે છે 'યુવતી'

ઇમેજ સ્રોત, PA
- લેેખક, પ્રતીક્ષા દુલાલ
- પદ, બીબીસી નેપાળી સંવાદદાતા
નેપાળમાં માનવ તસ્કરીનો શિકાર બનેલી છોકરીઓએ જણાવ્યું છે કે એમને જલ્દી યુવાન કરવા માટે અને સેક્સ વેપારમાં ધકેલી દેવા માટે હોર્મોનનાં ઇંજેક્ષન આપવામાં આવે છે.
માત્ર આઠ વર્ષની ઉંમરમાં તસ્કરી દ્વારા ભારતમાં લાવવામાં આવેલી નેપાળની એક છોકરીએ બીબીસીને જણાવ્યું હતું :
''મને દરરોજ લાલ દવા આપવામાં આવતી હતી. દર વખતે એ દવા ખાધા પછી હું ઊલટી કરતી હતી. મને એ દવા લેવી બિલકુલ ગમતી નહોતી પણ મને બળજબરી એ દવા આપવામાં આવતી હતી.
''જો હું ના પાડું તો મને માર મારવામાં આવતો. તેઓ મને કહેતા કે દવા લેવાથી હું જલ્દી મોટી થઈ જઈશ અને હું જલ્દી મારા ઘેર પાછી ફરી શકીશ.''
તમે આ વાંચ્યું કે નહીં?
ઉત્તરી નેપાળનાં એક પરિવારની આ દીકરી આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી. એક મહિલાએ આ પરિવારને જણાવ્યું હતું કે તે એમની દીકરીને સારું શિક્ષણ અપાવશે.
એની બિછાવેલી જાળમાં પરિવારજનો ફસાઈ જતાં એ મહિલા સાથે એને કાઠમંડૂ મોકલવા તૈયાર થઈ ગયા.
પણ કાઠમંડૂમાં તે થોડોક જ સમય રહી હતી અને એને એક નેપાળી પરિવાર સાથે ભારત મોકલી દેવામાં આવી હતી. અહીંયા આ બાળકી સાથે ચાર પરિવારોએ ઘરકામ કરાવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બે વર્ષ સુધી આ પરિવાર સાથે રહ્યા બાદ એને બીજા શહેરમાં મોકલી દેવામાં આવી હતી.
તે બાળકી જણાવે છે, ''ત્યાં પણ હું એક નેપાળી પરિવાર સાથે બે વર્ષ રહી. અહીંયા તેઓ મને એ ગંદી દવા આપતા હતા. ત્યાર બાદ મને ગંદી જગ્યાએ વેચી દેવામાં આવી. હું ત્યાં સૌથી નાની બાળકી હતી.
''મેં મારા માલિકોને મને ત્યાં ના મોકલવા માટે આજીજી કરી. પણ એમને કહ્યું જે ખર્ચો મારા ઉછેર પાછળ થયો છે તે એમને પાછો જોઈએ છે. એમને મારી સાથે મારઝૂડ પણ કરી.
''મારું નસીબ સારું હતું કે એ જગ્યાએ પોલીસનો દરોડો પડ્યો અને છ મહિના બાદ જ હું એ ગંદી જગ્યામાંથી મુક્ત થઈ ગઈ.''

નિશાન પર ગરીબ બાળકીઓ

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ અને માનવ તસ્કરી પર કામ કરી રહેલી સંસ્થાઓએ ભારત-નેપાળ સરહદ પર જાપ્તો કડક કરી દીધો છે અને કેટલીક તપાસ ચોકી પણ ઊભી કરવામાં આવી છે.
તસ્કરી વિરુધ્ધ કામ કરી રહેલી સંસ્થા મૈતી નેપાલનાં નિયામક બિશ્વરમ ખડકા જણાવે છે કે આ જ કારણે હવે તસ્કરો નાની ઉંમરની છોકરીઓને લઈ જાય છે.
એમણે જણાવ્યું, "યુવાન છોકરીઓને સરળતાથી ઓળખી કાઢવામાં આવે છે પણ બાળકીઓ સાથે સરહદ પાર કરવી સરળ હોય છે, કારણ કે તપાસ કરનારની નજર તો યુવાન છોકરીઓ પર હોય છે.
"જો કોઈએ સવાલ કર્યો તો પણ પોતાની બાળકી જણાવી સરળતાથી છટકી શકે છે.''
ખડકાના જણાવ્યા મુજબ, તસ્કર ગરીબ અને પછાત વિસ્તારની બાળકીઓને નિશાન બનાવે છે. તેઓ તેમના કુંટુંબીજનોને સારા શિક્ષણની લાલચ આપી જાળમાં ફસાવી લે છે.

આરોગ્ય સંબંધી સમસ્યાઓ

તસ્કરીની શિકાર યુવતીઓની સંસ્થા શક્તિ સમૂહની સ્થાપક અને નિયામક સુનિતા દાનુવાર જણાવે છે કે એમણે એવી છોકરી જોઈ છે કે જેને યુવાન કરવા માટે હોર્મોન આપવામાં આવ્યા હોય.
તે જણાવે છે, ''અમે જ્યાં રહેતાં હતાં ત્યાંથી એક છોકરીને લગભગ બે મહિના માટે લઈ જવામાં આવી હતી. જ્યારે તે પાછી ફરી ત્યારે એનામાં વિચિત્ર રીતનો ફેરફાર જણાતો હતો. એનું શરીર કોઈ યુવાન છોકરી જેવું દેખાતું હતું અને અવાજ બાળકો જેવો હતો."
દાનુવર જણાવે છે કે મોટેભાગે નવથી બારની વચ્ચે બાળકીઓને હોર્મોન આપવામાં આવે છે.
ડૉક્ટરોનાં જણાવ્યા અનુસાર, જે બાળકીઓને ગ્રોથ હોર્મોન આપવામાં આવે છે એમની છાતી અને નિતંબ જલ્દી મોટા થઈ જાય છે અને તે યુવાન દેખાવવા માંડે છે.
ડૉક્ટર અરુણા ઉપ્રેતી જણાવે છે, ''આ હોર્મોન બાળકીઓને શરીરને યુવાન બનાવી દે છે અને આ કારણે એમને આખી જિંદગી આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ ઊભી થતી રહે છે.
''આની અસર એમનાં હાડકાં અને ગર્ભાશય પર પણ પડતી હોય છે.''

ગ્રોથ હોર્મોનની આડઅસરો

ઉપ્રેતીએ એક એવી મહિલાનો અનુભવ જણાવ્યો, જેમણે બાળપણમાં ગ્રોથ હોર્મોન આપવામાં આવ્યા હતા.
તે જણાવે છે, "હું થોડાક વર્ષ પહેલાં ભારતમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં ભાગ લઈ રહી હતી, ત્યાં મને મોટાં સ્તન ધરાવતી એક યુવતી મળી.
"એણે જણાવ્યું કે બાળપણમાં એને તસ્કરી કરી ભારતમાં લાવવામાં આવી હતી અને વેશ્યાગૃહમાં કામ કરાવતા પહેલાં એમને ગ્રોથ હોર્મોન આપવામાં આવ્યા હતા.''
નેપાળી પોલીસે જણાવેલા આંકડા અનુસાર, માનવ તસ્કરી વધી રહી છે. છેલ્લા ચાર વર્ષોમાં તસ્કરીની ફરિયાદો 181થી વધીને 268 થઈ ગઈ છે.
આમાં 80 ટકા ફરિયાદો તો મહિલાઓ તરફથી જ નોંધાવવામાં આવી છે.
નેપાળી પોલીસનાં પ્રવક્તા શૈલેશ થાપા છેત્રી જણાવે છે, ''છોકરીઓને ખાડીનાં દેશોમાં નોકરી અને યૂરોપ-અમેરિકામાં નાગરિકતાની લાલચ આપી ફસાવવામાં આવે છે.
છોકરીઓને જાળમાં ફસાવવાની તસ્કરોની આ સરળ રીત છે.''
જો કે તેમનું એમ પણ કહેવું છે કે પોલીસને બાળકીઓની તસ્કરી અંગેની કોઈ ફરિયાદ મળી નથી.
છેત્રી જણાવે છે, ''નાની ઉંમરની છોકરીઓને લઈ જવાની અને તેમને ગ્રોથ હોર્મોન આપવાની કોઈ ફરિયાદ અમને મળી નથી.''
કાર્યકર્તાઓનું કહેવું છે કે હાલનાં વર્ષોમાં તસ્કરીની રીતો બદલાઈ છે અને સરકારે આને પહોંચી વળવા સતર્કતા રાખવી જોઈએ.
માત્ર નવા કાયદા અને નીતિ બનાવવાથી જ આનું નિરાકરણ નહીં આવી શકે.
કાર્યકર્તાઓનું કહેવું છે કે જાગરુકતા ઝુંબેશ ચલાવવી જોઈએ અને લોકોને તસ્કરીની નવી રીતો વિશે જાગૃત કરવા જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













