આ યુવતીઓને કારણે હવે દગાબાજ NRI પતિઓની ખેર નથી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
રૂપાલી, અમૃતપાલ, અને અમનપ્રીત, ત્રણે પંજાબના અલગ અલગ શહેરોના રહેવાસી છે, પરંતુ ત્રણેયની પીડા એક સમાન છે.
ત્રણેયના પતિ લગ્ન બાદ તેમને છોડીને વિદેશ જતા રહ્યા. ત્રણેયે પોલીસ સ્ટેશન, મહિલા આયોગ અને એનઆરઆઈ કમિશન અને કોર્ટના એટલા આંટા-ફેરા કર્યા કે હવે કયા કાયદા હેઠળ કોને કેટલી સજા થશે તે તેમને મોઢે થઈ ગયું છે.
આ વર્ષે જાન્યુઆરીમાં જ ત્રણેયની મુલાકાત ચંડીગઢની આર.પી.ઓ. ઓફિસમાં થઈ અને ત્રણેયે તેમના કેસમાં પોતાના પતિ અને સબંધીઓના પાસપોર્ટ જપ્ત કરાવ્યા.
ચંડીગઢના પાસપોર્ટ અધિકારી સિબાશ કવિરાજે બીબીસીને કહ્યું, "આટલા મોટાપાયે દગાબાજ એનઆરઆઈ પતિઓ વિરુદ્ધ આટલી સખ્તાઈથી કાર્યવાહી ક્યારેય થઈ નથી.
"અમે ચંડીગઢ ઓફિસમાં આ પ્રકારના કેસનું નિવારણ કરવા અલગ વિશેષ સેલની રચના કરી છે."

કેવી રીતે કામ કરે છે આ સેલ ?

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલના જવાબમાં સિબાશ કહે છે, "આ પ્રકારના લગ્નથી પીડિત ચાર છોકરીઓ અને વિદેશ મંત્રાલયના બે કર્મચારીઓની સાથે મળીને અમે આ સેલ ચલાવી રહ્યાં છે.
"એનઆરઆઈ સાથે લગ્ન કરનાર પીડિતોના જેટલા બનાવો અમારી સામે આવ્યાં છે, તેમાં પૂરતાં કાગળો ન હોવાને કારણે મંત્રાલય ઇચ્છે તો પણ વિદેશમાં તેમની સામે કાર્યવાહી કરી શકતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
"આ સેલ કાયદાની ઝીણવટ સમજાવીને તેમની સાથે કામ કરે છે. આ સેલ સાથે પોતાની મરજીથી જોડાયેલી ચાર છોકરીઓમાંથી ત્રણે બીબીસી સાથે વાત કરી.

રૂપાલીની કહાણી

ઇમેજ સ્રોત, BBC/ RUPALI
આ વર્ષે જાન્યુઆરીમાં કડકડતી ઠંડીના દિવસો હતા. રૂપાલી ભટીંડાથી ચંડીગઢ પહોચ્યાં.
વર્ષ 2017ના સપ્ટેમ્બરમાં તેમનું લગ્ન થયું હતું. તેમના પતિ કૅનેડા રહેતા હતા. લગ્નના બીજા જ દિવસથી સાસરિયાએ તેમની સતામણી શરૂ કરી દીધી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "હું ફક્ત એક મહિનો સાસરે રહી. એ એક મહિનામાં જ મને જાણ થઈ કે મારા પતિ પહેલાંથી વિવાહિત હતાં.
"આ બધાની વચ્ચે હું ગર્ભવતી પણ થઈ, ડિપ્રૅશનમાં સરી પડવાને કારણે મારો ગર્ભપાત થઈ ગયો.
"એક મહિના બાદ મારા પતિ મને છોડીને કૅનેડા જતા રહ્યા, ત્યાં જઈને એમણે કોઈ દિવસ ના તો ફોન પણ કર્યો ના તો મૅસેજનો કોઈ જવાબ આપ્યો."
રૂપાલીએ પોતાના પિયરની મદદથી સાસરિયાંઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી, પરંતુ રૂપાલીના સાસરિયાંઓએ એવું કહીને ધ્યાન ન આપ્યું કે "દીકરો તો વિદેશમાં છે, તું અમારું શું કરી લઈશ."

ઇમેજ સ્રોત, Getty Images
એનઆરઆઈની સાથે લગ્ન બાબતે આ પ્રકારની ફરિયાદો છે. અનેક મહિલાઓનાં પતિ લગ્ન કરીને તેમને ભારતમાં છોડીને જતા રહ્યા.
કેટલાક કિસ્સામાં તેઓ પત્નીને સાથે લઈ ગયા બાદમાં વિદેશમાં તેમની સતામણી કરાઈ. વિદેશમાં તેમની મદદ કરનાર કોઈ નથી હોતું.
રૂપાલીનાં કિસ્સામાં તેમના પતિ કૅનેડા જતા રહ્યા. કોર્ટમાં દરેક સુનાવણીમાં તારીખ પડતી રહી, પરંતુ તેમના પતિ કે સાસરિયાંઓ હાજર થયાં નહીં.
રૂપાલી આમ તો એન્જિનિયર છે, પરંતુ હવે તેમને નોકરીમાંથી રજા લઈને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે.
આ વર્ષે જ જૂનમાં એમને સફળતા મળી અને તેમના પતિનો પાસપોર્ટ જપ્ત કરી લેવાયો છે.
હવે તેઓ ભારત છોડીને ક્યાંય નહીં જઈ શકે. રૂપાલીએ હવે નક્કી કરી લીધું છે કે તેઓ તેમના જેવી મહિલાઓની મદદ કરશે.
ચંડીગઢના આરપીઓ સિબાશના કહેવા મુજબ, પાસપોર્ટ જપ્ત કર્યા બાદ તેના વિશેની સૂચના વિદેશમાં ફરિયાદી મહિલાના એનઆરઆઈ પતિ જ્યાં કામ કરતાં હોય તેને પણ માહિતી આપવામાં આવે છે.
જેથી સંસ્થા દ્વારા પણ આ પ્રકારના કર્મચારી પર તેને પરત મોકલવાનું દબાણ વધારવા સફળતા મળે.
પાસપોર્ટ જપ્ત થયા બાદ વિઝા જાતે જ સમાપ્ત થઈ જાય છે અને વિદેશમાં કામ કરવાની અનુમતિ નથી મળતી.
સિબાશનું કહેવું છે, "પાસપોર્ટ જપ્ત થયા બાદ આવા પતિઓ પાસે ભારત પરત આવવાનો જ એકમાત્ર વિકલ્પ રહે છે.
"તેના માટે જે તે દેશ સ્થિત ભારતીય દૂતાવાસની મદદ લેવામાં આવે છે. તેઓ ઇચ્છે તો સમાધાન કરી શકે છે.
"સમાધાન ન થાય તો કાનૂની રીતે જે કાર્યવાહી થવી જોઈએ તે કરવામાં આવે છે. તાજેતરમાં જ એક કિસ્સામાં તો અમે એનઆરઆઈ પતિને જેલમાં મોકલ્યા છે"
વિદેશ મંત્રાલય મુજબ, એનઆરઆઈ પતિઓથી પરેશાન પત્નીઓના કિસ્સા સૌથી વધુ પંજાબમાં છે, જ્યારે બીજા નંબરે તેલંગાણા અને ત્રીજા નંબરે કર્ણાટક છે.
સિબાશના કહેવા મુજબ, "પંજાબ અને હરિયાણામાં લગભગ 25000 મહિલાઓ આ પ્રકારના લગ્નથી પરેશાન છે."

વાત ચંદીગઢની અમૃતપાલની

ઇમેજ સ્રોત, BBC/AMRITPAL
રૂપાલી સાથે જ ચંદીગઢ એનઆરઆઈ સેલમાં અમૃતપાલ કૌર પણ કામ કરે છે.
અમૃતાપલ કૌર અને રૂપાલીની મુલાકાત જાન્યુઆરીમાં થઈ અને દુખમાં એક બીજાના મદદગાર બન્યા.
વર્ષ 2013ના ઑક્ટોબર મહિનામાં તેમનું લગ્ન થયું હતું. 14 દિવસ તેઓ પતિ સાથે રહ્યા હતા. અમૃતપાલ કૌરના કહેવા મુજબ, તેમના પતિએ ત્રણ લગ્ન કર્યાં છે, પરંતુ તેમને આ વાતની જાણ નહોતી.
લગ્નના પંદરમા દિવસે પતિ અને સાસુ કામકાજનું બહાનું કરીને ઑસ્ટ્રેલિયા રવાના થઈ ગયા.
અમૃતપાલનુ કહેવું છે કે તેમને લગ્ન રજિસ્ટર કરાવવાનો સમય પણ મળ્યો નહીં. તેમણે એક વર્ષ સુધી પતિની રાહ જોઈ.
જ્યારે રૂપાલી સાથે તેમની મુલાકાત થઈ તો બન્નેએ પોતાનું દુખ એક બીજાને વર્ણાવ્યું.
એક સરખું દુખ અને એક સરખી ઉંમર હોવાના કારણે બન્ને વચ્ચે આત્મિયતા બંધાઈ ગઈ.

ઇમેજ સ્રોત, Getty Images
અમૃતપાલના કહેવા મુજબ, લગ્નનાં એક વર્ષ બાદ તેમના પતિ ભારત પરત આવ્યા. તેઓ મળવા માટે નહીં પરંતુ છૂટાછેડા આપવા માટે આવ્યા હતા.
અમૃતપાલના કહેવા મુજબ, એ સમન્સ તેમને ચાર વર્ષ બાદ મળ્યું. તેઓ કહે છે, "મેં ફોન પર છૂટાછેડા આપવાનું કારણ પૂછ્યું તો તેમણે દહેજની માગણી કરી."
હાલમાં અમૃતપાલનાં સાસુનો પાસપોર્ટ જપ્ત કરી લેવાયો છે, પરંતુ તેમના પતિનો પાસપોર્ટ જપ્ત થઈ શક્યો નથી.
અમૃતપાલનાં પતિ ઑસ્ટ્રૅલિયાના નાગરિક છે. લગ્ન સમયે તેમને આ વાતની જાણકારી નહોતી. હવે અમૃતપાલ ઇચ્છે છે કે તેમના પતિને ભારત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર પગલાં ભરે.
અમૃતપાલ પોસ્ટ ગ્રૅજ્યુએટ છે, પરંતુ કોર્ટ કચેરીના ચક્કરમાં નોકરી નથી કરી શકતા. તેઓ પંજાબના માંસા જિલ્લાના વતની છે.

અમનપ્રીતની આપવીતી

ઇમેજ સ્રોત, BBC/ AMANPREET
અમૃતપાલ અને રૂપાલીનો પરિચય ક્યારે મિત્રતામાં પરિણમ્યો તેની ખબજ ન રહી. બન્ને સાથે રહેવા લાગ્યા. એક દિવસ તેમની આ લડાઈમાં એક નવી મિત્ર મળી અમનપ્રીત.
અમનપ્રીતની વાત પણ આ બન્ને જેવી જ હતી. તેમનું લગ્ન ફેબ્રુઆરી 2017માં થયું હતું. દહેજની માગણી તો લગ્નના દિવસથી જ શરૂ થઈ ગઈ હતી.
અમનપ્રીતના કહેવા મુજબ, એક મહિના બાદ તેમના પતિ ઇટલી જતા રહ્યા, ત્યાં તેઓ કામ કરતા હતા. તેમની માગ હતી કે લગ્નમાં તેમને વધુ ઘરેણાં આપવામાં આવે.
અમનપ્રીતને એ પણ ખબર નહોતી કે તેમના પતિ પહેલેથી જ પરિણીત છે, પરંતુ ફેસબુક પર તેમણે પોતાના પતિ અને એક બાળકનો ફોટોગ્રાફ ઘણીવાર જોયો હતો.
અમનપ્રીતનાં પતિનો પાસપોર્ટ જપ્ત થઈ ગયો છે, પરંતુ તેમનાં સાસુ-સસરાનો પાસપોર્ટ જપ્ત થવાનો બાકી છે. અમનપ્રીત પંજાબના ગોવિંદગઢના રહેવાસી છે.

ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી?

ઇમેજ સ્રોત, Getty Images
કાયદા મુજબ એનઆરઆઈ લગ્ન સાથે જોડાયેલા બનાવોની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગમાં કરી શકાય છે.
આયોગ ફરિયાદની એક કૉપી વિદેશ મંત્રાલયને અને એક કૉપી પોલીસને મોકલે છે. આયોગ સ્થાનિક પોલીસની મદદથી બન્ને પક્ષો સાથે વાત કરે છે.
જો છોકરા વિરુદ્ધ રેડ ઍલર્ટ નોટિસ જાહેર કરવાની હોય તો પોલીસ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બાદમાં વિદેશ મંત્રાલય છોકરો જ્યાં રહેતો હોય એ દેશનો સંપર્ક કરે છે.
છોકરી પાસે જે સાબિતી હોય તે રજૂ કરી શકે છે. જેમ કે પતિના પાસપોર્ટની કૉપી અને અન્ય જાણકારી.
જો છોકરાની કંપની વિશે માહિતી હોય તો રાષ્ટ્રીય મહિલા આયોગ તે કંપનીનો સંપર્ક કરી શકે છે. આ રીતે છોકરા પર દબાણ વધારી શકાય છે.
જ્યારે છોકરાની નોકરી પર વાત આવે છે ત્યારે તે સમસ્યાનો જલ્દી ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.
રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્મા કહે છે કે કેટલાક બનાવો ખૂબજ ગૂંચવણભર્યા હોય છે.
જો એનઆરઆઈ પતિ ભારતના નાગરિક ન હોય અને તેમનો પાસપોર્ટ અન્ય દેશનો હોય, તેવા સંજોગોમાં બેથી ત્રણ દેશનો સમગ્ર ઘટનામાં સમાવેશ થઈ જતો હોય છે.
તદુપરાંત કેટલીક એવી પણ ફરિયાદો આવે છે જ્યાં એનઆરઆઈ છોકરાઓ પત્નીઓને વિદેશ લઈ જઈને શારીરિક અને માનસિક રીતે ત્રાસ ગુજારે છે.
વિદેશ મંત્રાલયના કહેવા મુજબ, આ પ્રકારના બનાવોમાં મહિલાઓ જે તે દેશના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.
ત્યારબાદ સ્થાનિક દૂતાવાસ ભારતના વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને મહિલાની મદદ કરે છે.
આ પ્રકારના કિસ્સામાં વિદેશ મંત્રાલય વિદેશ સ્થિત પતિઓથી પરેશાન થયેલી મહિલાઓને કેટલાક પસંદ કરાયેલા એન.જી.ઓ.ની મદદથી આર્થિક અને કાયદકીય સહાયતા આપે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.















