દલિતો-મુસ્લિમોને કાબૂમાં રાખવા જ ગૌરક્ષાનો ઉપયોગ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય મકવાણા
- પદ, બીબીસી ગુજરાતી
ગૌરક્ષકો અને ટોળા દ્વારા થતી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે કાયદો હાથમાં લેવાનો કોઈને પણ હક ના હોવાનું જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે એવું પણ કહ્યું, ''મૉબોક્રસી'ને (ટોળાશાહી) કોઈ કાળે સ્વીકારી શકાય નહીં. આને નવો નિયમ બનવા ના દઈ શકાય.''
તુષાર ગાંધી અને તહસીન પૂનાવાલા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવાણી કરતા સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે.
ગૌરક્ષકોનું કહેવું છે કે ગોવંશના તસ્કરોના હાથે માર્યા ગયેલા ગૌરક્ષકોની પણ ચર્ચા થવી જોઈએ, તો ટોળાશાહીની હિંસાનો ભોગ બનેલાઓ આ ચુકાદાને આવકારે છે.
દલિત રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ માને છે કે આ એક આવકારદાયક પગલું છે.
શું સુપ્રીમની આ ટીપ્પણી બાદ ગૌરક્ષકો દ્વારા આચરવામાં આવતી હિંસાને સરકાર અટકાવી શકશે?

ગૌરક્ષકોની જરૂર જ કેમ પડે?

બે વર્ષ પહેલાં ગૌરક્ષકોના અત્યાચારનો ભોગ બનેલા 'ગૌરક્ષક પીડિત'નો ચહેરો બની ગયેલા ઉનાના બાલુભાઈ સાથે બીબીસી ગુજરાતીએ આ મામલે વાત કરી.
બાલુભાઈએ જણાવ્યું, ''સુપ્રીમ કોર્ટ આવું વિચારી રહી છે એ વાતને અમે આવકારીએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''અમારા પર અત્યાચાર કરનારા ગૌરક્ષકો જ હતા. એમને પોલીસ, સરકારી તંત્ર સૌનું સમર્થન પ્રાપ્ત હતું. એ ગુંડા નહોતા પણ સરકારના પાળેલા માણસો હતા.''
બાલુભાઈ એવો સવાલ પણ કરે છે કે સમાજમાં આખરે ગૌરક્ષકોની જરૂર શા માટે પડે છે?

'હિંસા તો ગૌરક્ષકો પર થઈ રહી છે.'

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ગૌરક્ષા માટે કામ કરતા અને ગૌરક્ષકોના સંગંઠનો સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ગુજરાતના મહામંત્રી રણછોડ ભરવાડ આ મામલે જૂદો મત ધરાવે છે.
બીબીસી સાથેની વાતચીતમાં ભરવાડે જણાવ્યું, ''ગૌરક્ષકો પર હિંસા થાય છે અને ગાય પર પણ હિંસા થઈ રહી છે.''
તેઓ ઉમેરે છે, ''ગુજરાતમાં એવા કેટલાય કિસ્સા છે કે ગાય બચાવવા જનારા ગૌરક્ષોની હત્યા કરી દેવાઈ હોય. ગાયોની હત્યા થઈ રહી છે એ વિશે પણ ચિંતા કરવાની જરૂર છે."
''ગૌરક્ષોની હત્યા કરાઈ રહી છે એની ચિંતા કરવાની જરૂર છે.''
ભરવાડે સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવતો કાયદો લાગુ કરવાની પણ વાત કરે છે.

'દલિતો અને મુસ્લિમોને કાબૂમાં રાખવાનો કાર્યક્રમ'

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલે બીબીસીએ દલિત કાર્યકર માર્ટિન મેકવાન સાથે વાત કરી.
મેકવાન જણાવે છે, ''ગૌરક્ષા એ ધર્મના અંચળા હેઠળ ચાલતો એક રાજકીય કાર્યક્રમ છે.''
તેઓ ઉમેરે છે, ''ગૌરક્ષકોને રાજકીય છત્રછાયા પ્રાપ્ત છે અને એટલે જ તો તેઓ બેરોકટોક ફરી રહ્યા છે."
"આટલો ગંભીર મુદ્દો હોવા છતાં આ મામલે કેમ કશું જ નથી થઈ રહ્યું?''
મેકવાન કહે છે, ''ગૌરક્ષકો પોલીસ સાથે જ કેમ દરોડો પાડે છે? એવા કેટલાય કિસ્સા પણ સામે આવ્યા છે કે જેમા ગૌશાળામાંથી જ ગાયોને કતલખાને વેંચવામાં આવી હોય.''
તેઓ ઉમેર છે, ''ગૌરક્ષકો અને ગૌરક્ષાનો આ સમગ્ર કાર્યક્રમ માત્ર દલિતો અને મુસ્લિમોને કાબૂમાં રાખવા માટેનો જ છે.
''ચિંતાનો સવાલ એ છે કે અરાજક્તા સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે. કાયદાનો ભય ઓસરી રહ્યો છે.''
''મને શંકા છે કે સુપ્રીમનો આ મામલે આદેશ આવ્યો હોવા છતાં કોઈ પગલાં લેવાશે કે કેમ?''

આ લોકોને કોનું સમર્થન?

ઇમેજ સ્રોત, Getty Images
દલિતઉત્થાન માટે કામ કરતા 'નવસર્જન ટ્રસ્ટ'નાં પૂર્વ ડિરેક્ટર મંજૂલા પ્રદીપ સુપ્રીમ કોર્ટના આ નિર્દેશને મહત્ત્વપૂર્ણ ગણાવે છે.
તેઓ કહે છે, ''ગૌરક્ષાના નામે સંગઠનો બનાવનારા લોકોને કોનું સમર્થન પ્રાપ્ત છે? હિંસા ફેલાવનારા આવા લોકોને કોણ ફૉલો કરે છે?''
"કાયદા ઘડવા કરતાં પણ લોકોની માનસિક્તામાં પરિવર્તન લાવવાની ખાસ જરૂર છે."
તેઓ કહે છે, ''કાયદાનો અમલ કરનારા લોકો પણ જાતિવાદી માનસિક્તાથી પીડાય છે."
"લોકોની માનસિક્તામાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી ગમે તેઓ અસરકારક કાયદાથી પણ ફરક નહીં પડે."
મંજૂલા ઉમેરે છે, ''કાયદાને લાગુ કરનારા લોકો પણ એ જ લોકો છે કે જેઓ ગૌરક્ષકોનું સમર્થન કરે છે.''

'ગાય એ ભાજપનો રાજકીય મુદ્દો'
દલિત કર્મશીલ ચંદુ મહેરીયા બીબીસી ગુજરાતીને આ અંગે જણાવે છે, ''સુપ્રીમ કોર્ટના આવા નિર્દેશ બાદ સરકારે કોઈ પણ જાતની ઢીલાશ વર્ત્યા વગર પગલાં લેવાં જોઈએ.''
કાયદાનો અમલ અને નાગરિકોની સલામતી એ કોઈ પણ સરકારની પ્રાથમિક જવાબદારી હોવાની. છતાં કાયદો હાથમાં લેવાની ઘટનાઓ અંગે કોર્ટને નિર્દેશ આપવો પડે તો?
ચંદુ મહેરીયા આ અંગે વાત કરતા જણાવે છે, ''ગાય એ ભાજપનો રાજકીય મુદ્દો છે અને એટલે જ ગૌરક્ષકોને ખુલ્લી છૂટ અપાઈ છે.''
''દેશમાં ગૌરક્ષકોની હિંસા ઉપરાંત ફેક ન્યૂઝને કારણે પણ કેટલાય લોકોની હત્યા કરી દેવાઈ છે. જે સુશાસનના તમામ દાવાઓને પોકળ સાબીત કરી દે છે.''

'સરકારની સંપૂર્ણ નિષ્ફળતા'

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં તાજેતરમાં જ ફેક ન્યૂઝના આધારે વાદી સમુદાયની એક મહિલાની હત્યા કરી દેવાઈ હતી.
મૃતક મહિલા અને તેમનાં પરિવારને ન્યાય અપાવવા માટે લડી રહેલા સામાજિક કાર્યકર દક્ષિણ છારા સાથે બીબીસી ગુજરાતીએ આ મામલે વાત કરી.
તેમણે જણાવ્યું, ''આતંક અને નફરતનું રાજકારણ આવી હિંસા પાછળ જવાબદાર છે. એકને મારીને તમે હજારોને ડરાવી શકો છો.''
''વળી, ગરીબ અને ચોક્કસ સમુદાય વિરુદ્ધ હિંસા નફરત ફેલાવવામાં આવે છે. વહેચાયેલો સમાજ રાજકારણીઓનું કામ સરળ કરી દેતો હોય છે.''
''ભીડ દ્વારા લોકોને મારી નાખવાની ઘટનાઓ કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે.
દક્ષિણ ઉમરે છે, ''કાયદો બનાવવાથી કોઈ સમસ્યાનો અંત નથી આવતો કારણ કે પહેલાંથી સંબંધીત કાયદાઓ છે જ. કાયદોનો અમલ કઈ રીતે કરવામાં આવે, સમસ્યાનો ઉકેલ તેના પર આઘાર રાખે છે. ''
ચંદુ મહેરીયા પણ આ મામલે જણાવે છે, ''નાગરિકોની સમાનતા અને સલામતી એ જ તો સુશાસન છે પણ એ મામલે આપણી સરકારો નિષ્ફળ નીવડી છે.''
મહેરીયા ઉમેરે છે, ''સરકારે પોતાની હાજરી નોંધાવવા માટે પણ આ મામલે પૂરતાં પગલાં ભરવા જ જોઈએ.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















