ગ્રાઉન્ડ રિપોર્ટ : 'અફરાઝુલની ભૂલ કે તે મુસલમાન હતા'

- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, રાજસમંદ, રાજસ્થાન
અહીં માટીથી બનેલા ચૂલા પર મોટા વાસણમાં ભોજન બનતું હતું. તે ચૂલ્હો ઠંડો પડ્યો છે. કપચી પર પડેલા પાવડા હજુ ત્યાં જ પડ્યા છે.
વરંડા વગરની ઓરડીમાં ચારપાઈ પડી છે. તેના પર પણ હિસાબની ચોપડી ત્યાં ને ત્યાં જ પડી છે.
જૂના ટેબલ પર એક જૂનું ટીવી બંધ હાલતમાં પડ્યું છે. તેની પાસે એક મોટી બોઘરડું અને કડાહી પડી છે અને સાથે જ બટાટાની બોરીઓ પડી છે.
તેનાંથી જાણી શકાય છે કે, આ ઘરમાં એક સાથે ઘણાં લોકોનું ભોજન બનતું હતું. રૂમની બહાર ઘણાં જૂતાં એમનાં એમ જ પડ્યાં છે.
તમને આ પણ વાંચવું ગમશે

ડરના કારણે બંગાળી મજૂરોની હિજરત

આ રૂમ 50 વર્ષીય મજૂર અફરાઝુલનો છે, જે હવે ખાલી પડ્યો છે.
અફરાઝુલ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના સૈયદપુર કલિયાચક ગામથી આવીને રાજસ્થાનના રાજસમંદમાં રહેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફરાઝુલ તેમના ભાણેજ ઇનામુલ, જમાઈ મુશર્રફ શેખ અને ઘણા બંગાળી મજૂરો સાથે અહીં રહેતા હતા.
અફરાઝુલના મૃત્યુનો વીડિયો વાઇરલ થયો છે. તેમની ચીસથી પેદા થયેલા ડરના ઓછાયા હેઠળ રહેતા મજૂરો પશ્ચિમ બંગાળ પરત ફરી ગયા છે.
જેઓ નથી ગયા તે હવે શહેરના અન્ય વિસ્તારમાં રહે છે. મકાનના માલિક પંડિત ખેમરાજ પાલીવાલ શોકાતુર છે, તેઓ બસ એટલું જ કહી શકે છે કે એક ભલા વ્યક્તિ સાથે આવું નહોતું થવું જોઇતું.

'ભલા વ્યક્તિ હતા અફરાઝુલ'

ઑટો ચાલક રામલાલ છેલ્લા નવ વર્ષોથી અફરાઝુલ અને તેમના સાથી મજૂરોને કામ કરવાની જગ્યાએ પહોંચાડતા હતા.
રામલાલ કહે છે કે તેઓ ખૂબ ભલા અને સાફ મનના વ્યક્તિ હતા. તેમને ચા પીવી ખૂબ ગમતી હતી. તેઓ મને પણ હંમેશા ચા પીવડાવતા હતા.
રામલાલની એટલી હિંમત ન થઈ કે તેઓ અફરાઝુલના મૃત્યુનો વીડિયો જોઈ શકે. અફરાઝુલને યાદ કરતા રામલાલ ડૂસકાં ભરવા લાગ્યા.
અફરાઝુલ લગભગ બારથી તેર વર્ષ પહેલા પશ્ચિમ બંગાળથી રાજસમંદ આવ્યા હતા અને મજૂરી શરૂ કરી હતી.
તેર વર્ષમાં તેઓ મજૂરથી ઠેકાદાર બની ગયા હતા અને રસ્તાનું નિર્માણ કરવા લાગ્યા હતા. તેઓ બીજા ઠેકાદારોનું કામ ઓછી મજૂરીએ કરાવી દેતા હતા.

થોડા દિવસ પહેલા ખોલાવ્યું હતું બેંકમાં ખાતું

અફરાઝુલે મોટરસાઇકલ ખરીદી હતી, જેના નંબરમાં અંતે 786 આવે છે અને હાલ જ તેમણે વીસ હજાર રૂપિયાના એક સ્માર્ટફોન ખરીદ્યો હતો, જે તેમની સાથે જ સળગી ગયો.
થોડા દિવસ પહેલા તેમણે બેંકમાં ખાતું ખોલાવ્યું હતું, જેનું ATM કાર્ડ હજુ પણ એ કવરમાં જ છે જેમાં તે આવ્યું હતું.
ત્રણ દીકરીઓના પિતા અફરાઝુલની બે દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યાં છે અને મોટા જમાઈ મુશર્રફ તેમની સાથે જ રહેતા હતા.

મુશર્રફ શેખ અફરાઝુલના અંતિમ દિવસોને યાદ કરતા જણાવે છે, "મંગળવારે વરસાદ પડ્યો તો અમે કામ અડધા દિવસમાં જ બંધ કરી દીધુ હતું. બુધવારે પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો, એટલે અમે કામ શરૂ ન કર્યું."
"બે મજૂરોએ જમવાનું બનાવ્યું અને અમે બધા જમ્યા.
"તેઓ ચા પીવાનું કહીને બહાર નીકળ્યા હતા. લગભગ સાડા દસ કલાકે ફોન કરી તેમણે કહ્યું કે 'મજૂરોને હિસાબ કરી પૈસા આપી દેજો, હું થોડીવારમાં આવી જઈશ.'
"લગભગ સાડા અગિયાર કલાકે તેમણે ફરી ફોન કર્યો અને કહ્યું કે 'આખો દિવસ સુતા જ રહેશો તો મજૂરોને પૈસા ક્યારે આપશો.' ત્યારબાદ મારી તેમની સાથે વાત નથી થઈ.
"તેમણે કહ્યું હતું કે હું 10 મિનિટમાં આવી જઈશ, પરંતુ તેઓ ન આવ્યા અને હું ઉંઘતો જ રહ્યો."

મનમાં ડર બેસી ગયો

બપોરે મુશર્રફના એક ઓળખીતા વ્યક્તિનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે અફરાઝુલનો અકસ્માત થયો છે.
મુશર્રફને લાગ્યું હતું કે મોટરસાઇકલની ટક્કર થઈ હશે, પરંતુ જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો તેમના હોંશ ઉડી ગયા.
તેઓ કહે છે, "તેમને જોતા જ મને રડવું આવી ગયું હતું. મને કંઈ સમજાયું નહીં. એવું લાગ્યું કે હું પણ મરી ગયો છું. હું ત્યાં જ મારું માથું પકડીને રડવા લાગ્યો."
મુશર્રફે જ્યારે અફરાઝુલના મૃત્યુનો વીડિયો જોયો તો તેઓ કંઈ જમી પણ ન શક્યા.
મુશર્રફની અંદર એવો ડર બેસી ગયો કે મકાન માલિક પર વિશ્વાસ હોવા છતાંય તેઓ પોતાના રૂમમાં તાળું લગાવીને બીજા વિસ્તારમાં અન્ય મજૂરો સાથે રહે છે.
અફરાઝુલના ભાણેજ ઇનામુલ કહે છે, "અમે મજૂર છીએ, પેટ ભરવા માટે અહીં આવ્યા હતા. માંડમાંડ આઠથી દસ હજાર રૂપિયા કમાઈ શકીએ છીએ.
"ભારતના લોકો ભારતમાં ગમે ત્યાં જઈને કામ કરી શકે છે, પરંતુ જો સરકાર એવી ઘટનાઓને નહીં અટકાવે તો લોકો કામ કરવા માટે બહાર કેવી રીતે નીકળશે?
"ભૂખનાં કારણે અમે ઘરથી ખૂબ દૂર મજૂરી કરીએ છીએ. અમે અન્ય લોકોથી સારું અને ઝડપી કામ કરીએ છીએ.
"અમે સસ્તી મજૂરીએ કામ કરીએ છીએ, એટલે જ અમને કામ મળે છે. જો અમને સુરક્ષા નહીં મળે તો કામ કેવી રીતે કરીશું?"

'અમે કમજોર છીએ, શું બદલો લઈએ'

જ્યારે ઇનામુલને પૂછવામાં આવ્યું કે, 'વીડિયો જોઈને કેવી ભાવના ઉત્પન્ન થઈ હતી', તો તેમણે કહ્યું, "અમે લાચારીનો અનુભવ કર્યો. અમે શું બદલો લઈએ. અમે કમજોર છીએ. અમારો બદલો લેવાની જવાબદારી તો સરકારની છે."
"સરકાર આરોપીઓને ફાંસી પર ચઢાવે, ત્યારે જ અમને લાગશે કે અમે સુરક્ષિત છીએ. જો આરોપીને જામીન મળી ગયા તો અમે કંઈ નહીં કરી શકીએ. અમે અમારા ઘરે પરત જતાં રહીશું."
બરકત અલી માલદામાં અફરાઝુલના ઘરની નજીક જ રહે છે. તેઓ તેમની સાથે રાજસમંદ કામ કરવા માટે આવ્યા હતા. અફરાઝુલના મૃત્યુનો વીડિયો જોતા તેમની આંખોમાં આંસુ આવી જાય છે.
તેઓ કહે છે, "તેઓ દયાની ભીખ માગી રહ્યા હતા, પણ હત્યારાના મનમાં કોઈ દયા નહોતી. આ વીડિયો જોઈને અમે રાત્રે ઊંઘી નથી શકતા.
"કોઈ એક વ્યક્તિ સાથે કારણ વગર આટલો ખરાબ વ્યવ્હાર કેવી રીતે કરી શકે છે?"
અફરાઝુલને કેમ મારી નાખવામાં આવ્યા, તેનું કારણ મુશર્રફ, ઇમાનુલ અને બરકત અલી જાણી નથી શક્યા. 'લવ જેહાદ' જેવો શબ્દ પણ તેમના માટે નવો છે.
બરકત અલી કહે છે, "બે ટંકનું ભોજન મેળવવા માટે હજારો કિલોમીટર દૂર આવેલી વ્યક્તિ પરસેવો પાડી મજૂરી કરી રહ્યો છે, તે શું 'લવ જેહાદ' કરશે. અમે તો ભૂખથી વિશેષ કંઈ વિચારી જ નથી શકતા."
શું અફરાઝુલના પણ કોઈ મહિલા સાથે સંબંધ હતા? આ સવાલ પર બરકત અલી કહે છે કે એવું વિચારવું પણ ગુનો છે.
તો પછી અફરાઝુલની હત્યાનું કારણ શું હશે? તેના પર બરકત અલી કહે છે, "હત્યારાએ બીજા કોઈને મારવા હતા, તેને અફરાઝુલ મળી ગયા તો તેમને મારી નાખ્યા. હું મળ્યો હોત, તો મને મારી નાખ્યો હોત."

રાજસમંદના મહેતા નગરી વિસ્તારમાં જ્યાં અફરાઝુલ રહેતા હતા, ત્યાંના કેટલાક યુવાનો કહેતા હતા કે, જો તેમની કોઈ ભૂલ હતી તો શંભૂલાલે પોલીસમાં ફરિયાદ કરવાની જરૂર હતી.
એક સ્થાનિક યુવકે કહ્યું, "માની લઈએ કે તેમણે કોઈ ગુનો કર્યો હતો, તો પણ તેમને આ રીતે મારવાનો અધિકાર કોણે આપ્યો? પોલીસ છે કાયદો છે. તેમને જાણ કરો."
ખેમરાજ પાલીવાલના બીએનો અભ્યાસ કરતા દીકરી પણ આવું જ કહે છે, "જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો તેમના માટે પોલીસ છે. કાયદો છે. કાયદો હાથમાં લેવાની શું જરૂર છે?"
પણ અફરાઝુલની ભૂલ શું હતી? ઇનામુલ કહે છે, "એ જ કે તેઓ એક મજૂર હતા, મજબૂર હતા, મુસ્લિમ હતા."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













