આ નવ કારણો દર્શાવે છે કે ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ પૂર્વઆયોજીત ઝુંબેશ થઈ રહી છે

ઇમેજ સ્રોત, SUBODH/BBC
દેશનાં સંખ્યાબંધ શહેરોમાં દુકાનોને ચૂંટી-ચૂંટીને આગ ચાંપવાની અને તોડફોડની ઘટનાઓમાં ઘણી એવી છે, જેમાં લગભગ સમાનતા જોવા મળે છે.
બિહાર અને બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસા તથા તંગદિલીની લગભગ દસ ઘટના બની હતી. એ તમામમાં એક ખાસ પ્રકારની પેટર્ન દેખાય છે.
એ જ કારણસર તેને સ્થાનિક કારણોસર આપોઆપ શરૂ થયેલી બબાલ માનવાનું મુશ્કેલ છે.
દરેક કિસ્સામાં બબાલની શરૂઆતથી અંત સુધીનું બધું એકસરખું છે. હિંસા આચરનારા અને તેનો શિકાર બનેલા લોકો તમામ શહેરોમાં એકસમાન છે.
તેનો અર્થ એ છે કે આ પ્રકારની હિંસા તથા આગચંપી સુનિયોજિત, સંગઠીત અને નિયંત્રિત હતી.
બિહાર અને બંગાળનાં જે શહેરોમાં રામનવમીના સરઘસ બાદ હિંસા થઈ હતી અને સંખ્યાબંધ દુકાનોને આગ ચાંપવામાં આવી હતી.
એ શહેરોની મુલાકાત બીબીસીના સંવાદદાતા રજનીશ કુમાર અને દિલનવાઝ પાશાએ લીધી હતી.
તમામ ઘટનાઓમાં નવ બાબતો એવી છે, જે લગભગ એકસમાન છે. તેથી તે હિંસાના છૂટાછવાયા બનાવોને બદલે એક ષડયંત્ર હોય એવું લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

1) ઉગ્ર સરઘસ, યુવાનો, ઝંડા, બાઇક્સ

બિહારમાં કોમી તંગદિલી અને મુસલમાનો પરના હુમલાનો સિલસિલો ગત 17 માર્ચથી શરૂ થયો હતો.
કેન્દ્રના પ્રધાન અશ્વિની ચૌબેના દીકરા અર્જિત ચૌબેએ 17 માર્ચે હિન્દુ નવવર્ષ નિમિત્તે ભાગલપુરમાં એક શોભાયાત્રા યોજી હતી.
એ પછી રામનવમી સુધી ઔરંગાબાદ, સમસ્તીપુરના રોસડા અને નવાદા જેવા શહેર કોમી નફરતની લપેટમાં આવ્યાં હતાં.
તમામ શહેરોમાં રામનવમી નિમિત્તે સરઘસ કાઢવામાં આવ્યાં હતાં.
તમે વાંચ્યું કે નહીં?
તેમાં બાઈક પર સવાર યુવાનોએ માથા પર ભગવો પરચમ પહેર્યો હતો અને તમામ બાઇક્સ પર ભગવા ઝંડા પણ હતા.
રોસડાના સરઘસમાં અપવાદરૂપે બાઇક્સ ન હતી, પણ તેમાં સામેલ થયેલા લોકો ઉગ્ર હતા અને તેમના હાથમાં ભગવા ઝંડા હતા.
હિન્દુ નવવર્ષનું સરઘસ નવો આવિષ્કાર છે. રામનવમી નિમિત્તે પણ ઘણાં શહેરોમાં અગાઉ સરઘસ કાઢવામાં આવતાં ન હતાં.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં તો ગયા વર્ષે રાણા પ્રતાપ જયંતિના નામે સરઘસ કાઢવામાં આવ્યું હતું.
એ પછી દલિતોને હિંસાનું નિશાન બનાવવામાં આવ્યા હતા. મેવાડના રાણા પ્રતાપની જયંતિનું સરઘસ સહારનપુર કાઢવામાં આવે એ એકદમ નવી બાબત હતું.

2) જાતજાતના સંગઠન સરઘસના આયોજક

તમામ શહેરોમાં સરઘસના આયોજકો સમાન વિચારોવાળા સંગઠનો હતાં.
તેમનાં નામ ભલે અલગ-અલગ હોય, પણ તેમના તાર સત્તાધારી ભારતીય જનતા પાર્ટી(બીજેપી) ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને બજરંગ દળ સાથે જોડાયેલા છે.
ઔરંગાબાદ અને રોસડામાં તો બીજેપી અને બજરંગ દળના નેતાઓ તેમાં પ્રત્યક્ષ રીતે સામેલ હતા.
ઔરંગાબાદના સરઘસમાં બીજેપીના સંસદસભ્ય સુશીલ સિંહ, બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય રામાધાર સિંહ અને હિન્દુ યુવા વાહિનીના નેતા અનિલ સિંહ સામેલ હતા.
ભાગલપુરમાં કેન્દ્રના પ્રધાન અશ્વિની ચૌબેના દીકરા સામેલ હતા.
અનિલ સિંહની ધરપકડ પણ કરવામાં આવી છે. રોસડામાં બીજેપી અને બજરંગ દળના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ દરમિયાન કેટલાંક નવાં હિન્દુત્વવાદી સંગઠનોનો જન્મ થયો હતો અને તેમણે આ સરઘસોમાં જોરશોરથી ભાગ લીધો હતો.
ભાગલપુરમાં 'ભગવા ક્રાંતિ' અને ઔરંગાબાદમાં 'સવર્ણ ક્રાંતિ' મોરચાનો જન્મ થયો હતો.
કોમી ઘર્ષણ પછી આ સંગઠનોના નેતાઓ મળવા અને વાત કરવા તૈયાર થયા ન હતા.
પશ્ચિમ બંગાળના આસનસોલમાં પણ રામનવમીના સરઘસને બીજેપીનો ટેકો મળ્યો હતો.
આસનસોલમાં હિન્દુઓની દુકાનો તથા ઘરોને પણ આગ ચાંપવામાં આવી હતી.
અહીં પણ રામલીલાના સરઘસ દરમ્યાન જ કોમી તંગદિલી ફેલાઈ હતી. તેથી હિન્દુઓઓએ તેમનાં ઘર છોડીને ભાગવું પડ્યું હતું.

3) ચોક્કસ રૂટ માટેની જીદ

તમામ શહેરોમાં મુસ્લિમોના મોટી વસતી હોય તેવા વિસ્તારોમાંથી સરઘસ લઈ જવાની જીદ કરવામાં આવી હતી.
નવાદામાં રામનવમી પહેલાં જિલ્લા વહીવટીતંત્રે શહેરના ધાર્મિક નેતાઓ સાથે એક શાંતિ બેઠક યોજી હતી.
એ બેઠકમાં એવી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી કે સરઘસ મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થાય ત્યારે 'પાકિસ્તાન મુર્દાબાદ'ના નારા પોકારવા નહીં. તેની સામે બીજેપીએ જોરદાર વાંધો લીધો હતો.
નવાદાના સંસદસભ્ય અને કેન્દ્રના પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું હતું, "પાકિસ્તાન મુર્દાબાદના નારા ભારતમાં નહીં પોકારવામાં આવે તો ક્યાં પોકારવામાં આવશે?"
ઔરંગાબાદ, રોસડા, ભાગલપુર અને આસનસોલમાં પણ આવું જ થયું હતું.
સ્થાનિક લોકોનું કહેવું છે કે મુસ્લિમોની મોટી વસતી હોય તેવા વિસ્તારોમાંથી જાણીજોઈને સરઘસ કાઢવામાં આવ્યું હતું.
અલબત, આસનસોલની ઘટનામાં મુસ્લિમ વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારો પણ હિંસાની લપેટમાં આવી ગયા હતા અને તેમણે તેમનાં ઘર છોડીને બહારના વિસ્તારમાં આશ્રય લેવો પડ્યો હતો.

4) ઉશ્કેરણીજનક નારાબાજી અને ડીજે

જે શહેરોમાં સરઘસ કાઢવામાં આવ્યાં હતાં ત્યાં રહેતા મુસલમાનોને 'પાકિસ્તાની' કહેવામાં આવ્યા હતા. સુત્રોચ્ચારની સાથે ડીજેએ સંગીત પણ બજાવ્યું હતું.
'જબ-જબ હિન્દુ જાગા હૈ, તબ-તબ મુસલમાન ભાગા હૈ' જેવા નારા પોકારવામાં આવ્યા હતા.
મુસલમાનોના સુત્રોચ્ચાર વડે ભડકાવવાના પ્રયાસ કઈ રીતે કરવામાં આવ્યા હતા એ ઔરંગાબાદ અને રોસડામાં આ ઘટનાના સાક્ષી બનેલા હિન્દુઓએ બીબીસીને જણાવ્યું હતું.
ઔરંગાબાદના કબ્રસ્તાનમાં ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા, જ્યારે રોસડાની ત્રણ મસ્જિદોમાં તોડફોડ કરવા ઉપરાંત ભગવા ઝંડા લગાવવામાં આવ્યા હતા.
તમામ સરઘસમાં એક જ કેસેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આસનસોલમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા રાજેશ ગુપ્તાએ બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશા સાથે વાત કરતાં સ્વીકાર્યું હતું કે રામનવમીના સરઘસમાં તેમણે ગીતો વગાડ્યાં હતાં.
રાજેશ ગુપ્તાએ કહ્યું હતું, "હા. અમે ગીતો વગાડ્યાં હતાં. એ તમામ ગીતો પાકિસ્તાનવિરોધી હતાં, પણ એ પૈકીના એકેયમાં ઉશ્કેરણીજનક નારાબાજી ન હતી."
રામનવમી અને પાકિસ્તાનવિરોધી ગીતો વચ્ચે શું સંબંધ, એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું, "અમે અમારી દેશભક્તિ અને રાષ્ટ્રવાદી વિચારધારા પ્રદર્શિત કરવાની એક પણ તક જતી કરતા નથી."
"પાકિસ્તાનવિરોધી ગીતો ભારતમાં નહીં વગાડવામાં આવે તો ક્યાં વગાડવામાં આવશે?"

5) ક્રિયા-પ્રતિક્રિયાની થીયરી

મુસ્લિમો પરના હુમલાને આરએસએસ અને બીજેપીના નેતાઓએ 'ક્રિયાની પ્રતિક્રિયા' ગણાવ્યા હતા.
બીજેપીના બિહાર પ્રદેશ મહામંત્રી રાજેન્દ્ર સિંહે બીબીસીને જણાવ્યું હતું કે મુસલમાનો વિરુદ્ધની હિંસા 'ક્રિયાની પ્રતિક્રિયા' છે.
ઔરંગાબાદમાં પણ આરએસએસના એક નેતા સુરેન્દ્ર કિશોર સિંહે આ વાત કરી હતી.
ઔરંગાબાદ, રોસડા અને ભાગલપુરમાં સરઘસ દરમ્યાન મુસલમાનોએ ચપ્પલ કે પથ્થર ફેંક્યા હોવાની અફવા ફેલાઈ હતી.
પથ્થર કે ચપ્પલ ફેંકવાને ક્રિયા માનવામાં આવ્યું હતું. જોકે, કોઈ ખાસ સમુદાયના લોકોએ જ પથ્થર કે ચપ્પલ ફેંક્યાં હતાં એવા નિષ્કર્ષ પર હજુ સુધી તપાસ પહોંચી નથી.

6) મર્યાદિત હિંસા, પણ ચોક્સાઈપૂર્વક આગચંપી

ઇમેજ સ્રોત, KAMIL/BBC
આ શહેરોમાં જીવલેણ હિંસા આચરવામાં આવી ન હતી. લોકોના ધંધા-રોજગાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઔરંગાબાદમાં સરઘસ પછીની હિંસામાં 30 દુકાનોને આગ ચાંપવામાં આવી હતી.
એ 30માંથી 29 મુસલમાનોની હતી. મુસલમાનોની દુકાનોને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી હતી.
ઔરંગાબાદ જિલ્લા વહીવટીતંત્રે પણ જણાવ્યું હતું કે મોટાભાગની દુકાનો મુસલમાનોની હતી.
તેથી એવું લાગે છે કે કઈ દુકાન હિન્દુની છે અને કઈ મુસલમાનની છે એ આગ ચાંપવાવાળા લોકો જાણતા હતા.
ઔરંગાબાદમાં હિન્દુ યુવા વાહિનીના નેતા અનિલ સિંહના ઘરમાં મુસલમાનોની દુકાનો હતી, પણ એ સલામત રહી હતી.
આ ઘટનાઓમાં કોઈનો જીવ ગયો ન હતો, પણ ધંધા-રોજગારને એવી રીતે બરબાદ કરવામાં આવ્યા છે કે તેનો લાંબા સમય સુધી ગાઢ પ્રભાવ રહેશે.
ભીડમાં સામેલ લોકો કોણ હતા એ વિશે સ્થાનિક લોકો અને વહીવટીતંત્રનું મિશ્ર અનુમાન છે.
ઔરંગાબાદના મુસલમાનોનું કહેવું છે કે તોડફોડમાં સામેલ મોટાભાગના લોકો બહારના હતા.
બીજી તરફ ભાગલપુર અને નવાદામાં એવા લોકો સ્થાનિક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઓરંગાબાદના ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાહુલ રંજન માહિવાલે જણાવ્યું હતું કે તોડફોડમાં બીજા રાજ્યના લોકો પણ સામેલ હતા.
રોસડાના લોકોનું કહેવું છે કે ભીડમાં સ્થાનિકની સાથે બહારના લોકો પણ સામેલ હતા.

7) વહીવટીતંત્રની ભૂમિકા

ઇમેજ સ્રોત, PTI
કેટલાક અપવાદોને બાદ કરતાં વહીવટીતંત્રની ભૂમિકા લાચાર દર્શકની જ હતી.
ઔરંગાબાદમાં 26 માર્ચના સરઘસ દરમ્યાન મસ્જિદમાં ચપ્પલો ફેંકવાની, કબ્રસ્તાનમાં ઝંડા લગાવવાની અને મુસલમાનવિરોધી અપમાનજનક નારાબાજીની ઘટનાઓ બની હતી.
આટઆટલું થયા છતાં બીજા દિવસે 27 માર્ચે મુસ્લિમ વિસ્તારોમાંથી સરઘસ કાઢવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ સંબંધે સવાલ કરવામાં આવ્યો ત્યારે વહીવટીતંત્રે જણાવ્યું હતું કે કોઈ વાંધાજનક ઘટના નહીં બને તેવી લેખિત ખાતરી પછી પરવાનગી આપવામાં આવી હતી.
નવાદામાં મુસ્લિમ વિસ્તારોમાં નારાબાજીથી દૂર રહેવાની દરખાસ્ત વહીવટીતંત્રે રજૂ કરી તો તેનો બીજેપીએ વિરોધ કર્યો હતો.
ભાગલપુર, રોસડા અને આસનસોલમાં પણ ભીડ સામે વહીવટીતંત્ર લાચાર જોવા મળ્યું હતું.
જોકે, નવાદા, ભાગલપુર અને રોસડાના મુસલમાનોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર સતર્ક ન રહ્યું હોત તો પરિણામ વધુ ઘાતક આવ્યું હોત.
બીજી તરફ ઔરંગાબાદના પીડિતોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રની નજર સામે જ શહેર સળગતું રહ્યું હતું.

8) સોશિયલ મીડિયા પર અફવા

ઇમેજ સ્રોત, BBC/ DILNAWAZ PASHA
બિહારનાં જે શહેરોમાં કોમી નફરત ફેલાઈ હતી ત્યાં વહીવટીતંત્રે સૌથી પહેલાં ઈન્ટરનેટ સેવા થોડા દિવસો માટે બંધ કરી દીધી હતી.
સોશિયલ મીડિયા મારફત અફવા ઝડપભેર ફેલાવવામાં આવી હતી.
ઔરંગાબાદમાં વોટ્સએપ મારફત એવી અફવા ફેલાવવામાં આવી હતી કે મુસલમાનોએ ચાર દલિતોની હત્યા કરી છે.
એ ઉપરાંત રામનવમીએ એવી અફવા ફેલાવવામાં આવી હતી કે મુસલમાનોએ સરઘસ પર હુમલો કર્યો છે.
આસનસોલમાં મોટા કોમી રમખાણની અફવા સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી હતી. તેથી લોકો ઘરબાર છોડીને નાસવા લાગ્યા હતાં.

9) મુસલમાનોમાં આતંક, વિજયનું વાતાવરણ

આ ઘટનાઓ મારફત મુસલમાનોમાં ભય ફેલાવવામાં આવ્યો હતો.
ઔરંગાબાદમાં ઇમરોઝ નામની એક વ્યક્તિના પગરખાંના શો-રૂમને હુલ્લડખોરોએ આગ ચાંપી હતી.
ઇમરોઝે અખાતી દેશમાંથી કમાણી કરીને આ બિઝનેસ શરૂ કર્યો હતો.
હવે ભારતમાં કોઈ બિઝનેસ નહીં કરવાનો નિર્ણય ઇમરોઝે કર્યો છે. તેઓ તેમના પરિવાર સાથે હોંગ કોંગ જવાની તૈયારી કરી રહ્યા છે.
અન્ય શહેરોના મુસલમાનોએ પણ જણાવ્યું હતું કે તેઓ પોતપોતાનો બિઝનેસ સમેટવાની તૈયારી કરી રહ્યા છે.
બીજી તરફ, આ હિંસામાં સામેલ હિન્દુ યુવાનોને લાગે છે કે આ તેમનો વિજય છે.
ભાગલપુરમાં શેખર યાદવ નામના એક યુવાને જોશભેર કહ્યું હતું, "તેઓ ઈંટ ફેંકશે તો તેનો જવાબ એ રીતે જ આપવામાં આવશે."

એકસરખી પેટર્ન

ઇમેજ સ્રોત, BBC/DILNAWAZ PASHA
દિલ્હી યુનિવર્સિટીમાં સોશિયલ સાયન્સના પ્રોફેસર સતીશ દેશપાંડેએ જણાવ્યું હતું કે સાંપ્રદાયિક નફરતની તમામ ઘટનાઓની પેટર્ન એકસરખી છે, કારણ કે તેમનો ઉદ્દેશ એક જ છે.
સતીશ દેશપાંડેએ કહ્યું હતું, "મુસલમાનો વિરુદ્ધની નફરત એક રાજકીય પગલું છે, પણ તેને મળતા સામાજિક સમર્થનનો દાયરો વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે."
"મુસલમાનો વિરુદ્ધની નફરત માટે વધુમાં વધુ સમર્થન મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે."
"કોઈ પણ સાંપ્રદાયિક ઘટનાને સંરક્ષણ મળે છે ત્યારે સમાજના પૂર્વગ્રહ પણ ખુલીને બહાર આવતા હોય છે."
"મુસલમાનો સામેની હિંસા હવે સ્વીકાર્ય બની રહી છે, પણ દલિતો વિરુદ્ધની હિંસાની સ્વીકાર્યતાને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે."
સતીશ દેશપાંડેએ ઉમેર્યું હતું, "હુલ્લડમાં કોઈ સંગઠન સંડોવાયેલું હોય તો ખાસ પદ્ધતિ અપનાવવામાં આવે છે."
"ભારતીય રાજકારણમાં આ રીતે હિંસાને કાયમી સ્વરૂપ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. હવે ખુલ્લેઆમ હુલ્લડ કરવાની જરૂર નથી."
"કોઈ અસાધારણ ઘટના ન બને તો પણ આતંક પેદા કરવાના પ્રયાસ હવે કરવામાં આવે છે. એ સમુદાયને એટલો ઝુકાવી દેવાય કે એ લાચાર થઈ જાય તેવા પ્રયાસ કરવામાં આવે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















