કર્ણાટકમાં અલગ ધર્મની માગ કરનારા લિંગાયત હિંદુ નથી?

- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, કર્ણાટકથી
આ એક એવી ચર્ચા છે કે જેને કારણે કર્ણાટકમાં કેટલુંય લોહી વહી ચૂક્યું છે.
જોકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની સરકારે લિંગાયતને અલગ ધર્મ તરીકેની માન્યતા આપવાની ભલામણ કરી તો અન્ય રાજકીય પક્ષોમાં ભારે હોબાળો મચી ગયો.
લિંગાયતોનું માનવું છે કે તેઓ હિંદુ નથી કારણ કે પૂજાની તેમની પદ્ધતિ હિંદુઓથી સાવ અલગ છે.
તેઓ નિરાકાર શિવની પૂજા કરે છે. પણ, તેઓ ના તો મંદિર જાય છે કે ના તો મૂર્તિપૂજામાં માને છે.
લિંગાયતોમાં જ એક પંથ છે વિરેશૈવા. તેમનું કહેવું છે કે તેઓ શિવની મૂર્તિની પૂજા પણ કરે છે અને લિંગને ધારણ પણ કરે છે.
વીરેશૈવા સમુદાય લિંગાયતોના હિંદુ ધર્મથી અલગ થવાનો વિરોધ કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વીરેશૈવા પંથની શરૂઆત જગતગુરુ રેણુકાચાર્યએ કરી હતી. આદિ શંકરાચાર્યની માફક જ તેમણે પાંચ મઠોની સ્થાપના કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પાંચ મઠોમાં સૌથી મહત્ત્વપૂર્ણ ચિકમંગલૂરનો રંભાપુરી મઠ છે.
ઇતિહાસકાર સંગમેશ સવાદાતીમઠ તેરમી સદીના કન્નડ કવિ હરિહરને ટાંકીને જણાવે છે, ''વીરેશૈવા પંથ બહુ જ પ્રાચીન છે. પંથના સંસ્થાપક જગતગુરુ રેણુકાચાર્યનો ઉદય આંધ્રપ્રદેશના કોલ્લિપક્કા ગામમાં સોમેશ્વર લિંગથી થયો હતો.''
જગતગુરુ રેણુકાચાર્ય અંગે શિવયોગ શિવાચાર્યે પણ લખ્યું છે, ''સંસ્કૃતના કેટલાય દસ્તાવેજો થકી જાણવા મળે છે કે વીરેશૈવા પંથના અનુયાયીઓ કઈ રીતે પૂજા કરે છે. તેઓ લિંગ પણ ધારણ કરે છે અને મૂર્તિની પૂજા પણ કરે છે. વીરેશૈવા વૈદિક ધર્મો પૈકીનો એક છે.''
પણ, 12મી સદીમાં બસવાચાર્યનો ઉદય થયો કે જેઓ જગતગુરૂ રેણુકાચાર્યના અનુયાયી હતા.

બસવાચાર્ય એટલે કે બસવન્નાએ સનાતન ધર્મના વિકલ્પ રૂપે એક અલગ પંથ ઊભો કર્યો.
જેણે નિરાકાર શિવની પરીકલ્પના કરી. બસવન્નાએ જાતિ અને લિંગના ભેદ વિરુદ્ધ ચળવળ ચલાવી. તેમના વચનોમાં કામને જ પૂજા ગણવામાં આવ્યું.
જગતગુરુ શિવમૂર્તિ કહે છે, ''બસવન્નાના વચનોથી પ્રભાવિત થઈને તમામ જાતિના લોકોએ લિંગાયત ધર્મ અપનાવી લીધો. એ ધર્મમાં જાતિ અને કાર્યને લઈને કોઈ પણ ભેદ નહોતો.''
તેઓ ઉમેરે છે, ''નિરાકાર શિવની પ્રાર્થના અને આડંબર વિરુદ્ધ કામ કરવું એ જ લિંગાયત ધર્મમાં કર્મ અને ધર્મ માનવામાં આવે છે.''
વીરેશૈવા પંથને માનનારા જનોઈ ધારણ કરે છે. જ્યારે લિંગાયતો માત્ર ઇષ્ટ શિવલિંગને જ અપનાવે છે. તેને જ ધારણ કરે છે અને તેની જ ઉપાસના કરે છે.
લિંગાયતોના એક મહત્ત્વપૂર્ણ મઠના મઠાધિશ શિવમૂર્તિ મરુગા શરાનારુએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે ''જગતગુરુ બસવન્નાએ વૈદિક ધર્મોને ફગાવી દીધા હતા અને એક અલગ જ પદ્ધતિ અપનાવી હતી.''
એક બાજુ જ્યાં વીરેશૈવા વેદ અને પુરાણોમાં આસ્થા રાખે છે ત્યારે બીજી બાજુ લિંગાયત બસવન્નાના 'શરણ' એટલે કે વચનો પર ચાલે છે. જે સંસ્કૃતમાં નહીં પણ સ્થાનિક કન્નડ ભાષામાં છે.
જ્યારે કોંગ્રેસની સરકારે લિંગાયતને અલગ ધર્મ રૂપે માન્યતા આપવાનો પ્રસ્તાવ પાસ કર્યો ત્યારે અન્ય રાજકીય પક્ષોમાં ભારે હોબાળો મચી ગયો હતો.
લિંગાયતોના મતો થકી જ બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકમાં પ્રથમવાર ભારતીય જનતા પક્ષની સરકાર રચી હતી.
વર્ષ 2011ની વસતી ગણતરી અનુસાર કર્ણાટકમાં લિંગાયત સમાજની વસતી 17 ટકા હોવાનું જાણવા મળ્યું હતું.
જેમાં વીરેશૈવાને પણ સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, વીરેશૈવા પંથના અનુયાયી માત્ર ત્રણથી ચાર ટકા જ હોવાનું અનુમાન છે.
વીરેશૈવા પંથના સૌથી મહત્ત્વપૂર્ણ મઠ રંભાપૂરીના મઠાધીશ જગતગુરુ વીરા સોમેશ્વરાચાર્ય ભગ્વત્પદારુએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ''વીરેશૈવા અને લિંગાયત શિવના ઉપાસક છે એટલે તેઓ બધા એક જ છે.''
કર્ણાટક રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય અંગે વાત કરતા તેમણે કહ્યું, ''આ ધર્મનું સ્થાન છે. અહીં ધર્મની વાત થાય છે. ધર્મનો પ્રચાર થાય છે. અહીં કોઈ રાજકીય પક્ષ કે નેતાનો પ્રચાર નથી થતો. આ લોકોની આસ્થાનું કેન્દ્ર છે.''

રંભાપુરી મઠના સંયોજક રવિનું કહેવું હતું કે શિવની પૂજા કરતા હોવા છતાં લિંગાયત પોતાને હિંદુ નથી ગણતા.
જોકે, લિંગાયત પીઠાધીશના સંયોજક એસએમ જામદાર કહે છે કે, ''એવો દ્વંદ હમેંશા રહે છે કે લિંગાયત વિરેશૈવા છે. પણ, એવું નથી."
"લિંગાયત વીરેશૈવાથી બિલકુલ અલગ જ છે અને તેમની પૂજા અને ઉપાસનાની રીત પણ હિંદુઓથી એકદમ અલગ જ છે.''
બેંગ્લુરુમાં લિંગાયત મઠાધિપતિઓના સંમેલનમાં જ્યારે તમામ મઠાધીશોએ કોંગ્રેસના સમર્થનની જાહેરાત કરી તો એ મુદ્દે ફરી એક વિવાદ શરૂ થઈ ગયો કે લિંગાયત હિંદુ છે કે નહીં.
224 બેઠકો ધરાવતી કર્ણાટકની વિધાનસભામાં લગભગ 100 બેઠકો એવી છે કે જેના પર લિંગાયતોનો પ્રભાવ છે.
જાણકારોનું માનવું છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લિંગાયતને અલગ ધર્મના રૂપે માન્યતા આપવાનો પ્રસ્તાવ મંત્રીમંડળમાં મંજૂર કરાવી કેન્દ્ર સરકારને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધી છે.
હવે ભાજપ કોંગ્રેસની આ ચાલમાં ફસાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જો રાજ્ય સરકારના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવે તો લિંગાયત નારાજ થઈ શકે છે.
જો પ્રસ્તાવને મંજૂર કરી દેવાય તો તેનો ફાયદો સીધો જ કોંગ્રેસને થઈ શકે એમ છે. આ શતરંજની રમતની શેહ અને માત જેવી ચાલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















