આફ્રિકાના ત્રણ દેશોમાં શું કરવા ગયા છે નરેન્દ્ર મોદી?

ઇમેજ સ્રોત, twitter/@narendramodi
- લેેખક, પ્રોફેસર સ્વર્ણસિંહ
- પદ, આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર, બીબીસી ગુજરાતી માટે
છેલ્લાં ચાર વર્ષોમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાને આફ્રિકાના દેશોની 23 યાત્રાઓ કરી છે.
આ વર્ષે ફેબ્રુઆરી સુધી ભારતની આયાત-નિકાસ બૅન્કે આફ્રિકાના ચાલીસ દેશોમાં ચાલી રહેલા પ્રોજેક્ટો માટે 167 વખત ઋણ મંજૂર કર્યું છે. આ રકમ દસ અબજ ડૉલર સુધીની છે.
ભારતીય અધિકારીઓને આશા છે કે તેઓ આફ્રિકા અને ભારત વચ્ચે વર્ષના 52 અબજ ડૉલરના વેપારને આવતા પાંચ વર્ષો સુધી ઓછામાં ઓછો ત્રણ ગણો કરી દેશે.
આ હેતુસર ભારતે આ મહિને આફ્રિકાના દેશોમાં પોતાના દૂતાવાસની સંખ્યા 29 થી વધારીને 2021 સુધી 47 કરવાનો નિર્ણય લીધો છે.
એટલે કે આવતા ચાર વર્ષોમાં 18 નવાં મિશન સ્થાપિત કરવામાં આવશે.
જોકે, આફ્રિકાના દેશોમાં ભારતના આ વધી રહેલા પ્રભાવની સરખામણી જ્યારે ચીન સાથે કરવામાં આવે છે ત્યારે એની ચમક ઝાંખી પડી જાય છે.

ઇમેજ સ્રોત, Twitter/@narendramodi
વર્ષ 2014માં ચીનનો આફ્રિકા સાથે 220 અરબ ડૉલરનો વેપાર હતો પણ હવે તે 2017માં 170 અરબ ડૉલર પર સ્થિર છે.
આફ્રિકાના કુલ 55 દેશોમાંથી 54 દેશોમાં ચીનના 61 મિશન છે. આ ભારતના ડિપ્લૉમેટિક મિશનોની સરખામણીમાં બે ગણાં છે.
ભારતના વડા પ્રધાન રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગયેલા છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સૅનેગલ, રવાન્ડા, દક્ષિણ આફ્રિકા અને મૉરિશિસની યાત્રા કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું તમે આ વાંચ્યું?
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન જ્યારે રવાન્ડાના કિગાલી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઊતર્યું ત્યારે એની થોડીવાર પહેલાં જ શી જિનપિંગ અહીંયાથી દક્ષિણ આફ્રિકા જવા માટે વિમાનમાં નીકળી ચૂક્યા હતા.
બન્ને નેતાઓના આ કાર્યક્રમથી હવાઈ મથક પર પ્રોટોકોલ સાથે જોડાયેલી ઘણી પરેશાનીઓ ઊભી થઈ હશે.

બ્રિક્સનું ખાસ સંમેલન

ઇમેજ સ્રોત, Twitter/@narendramodi
મજાની વાત એ છે કે પોતાની વિદેશ યાત્રાઓ માટે જાણીતા વડા પ્રધાન મોદીએ ચાર વર્ષનાં કાર્યકાળમાં અત્યાર સુધી કુલ 87 દેશોની યાત્રાઓ કરી છે, છતાં હજી સુધી તેઓ માત્ર સાત જ આફ્રિકાનાં દેશોમાં ગયા છે.
ભારતના વડા પ્રધાન પોતાની આ યાત્રા જોહાનિસબર્ગમાં પૂરી કરશે જ્યાં તેઓ બ્રિક્સ સંમેલનના ખાસ સત્રમાં ભાગ લેશે.
આ સત્ર બ્રિક્સની આફ્રિકામાં પહોંચ વધારવા માટે રાખવામાં આવ્યું છે અને આમાં બ્રિક્સ દેશો( બ્રાઝિલ, રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા )ના નેતા, નવ આફ્રિકાના દેશો અંગોલા, ઇથિયોપિયા, ગેબોન, નામિબિયા, રવાન્ડા, સેનેગલ, ટોંગો, યુગાન્ડા અને ઝામ્બિયાનાં નેતાઓ સાથે વાતચીત કરશે.
વડા પ્રધાન મોદી પાસે ભારતની આફ્રિકા માટેની વિદેશ નીતિને પરંપરાગત પૂર્વી તટથી આગળ લઈ જવાની આ ઉત્તમ તક હશે.
મોદીની રવાન્ડા અને યુગાન્ડાની મુલાકાત દર્શાવે છે કે ભારત હવે સમગ્ર આફ્રિકામાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે.
મોદી સોમવારે સાંજે છ વાગ્યે રવાન્ડા પહોંચી ગયા છે. રવાન્ડા ભારતનું રણનીતિક સહયોગી રહ્યું છે.
એવામાં મોદીની આ મુલાકાત ખૂબ અગત્યની છે. રવાન્ડાના રાષ્ટ્રપતિ પૉલ કગામે હાલમાં બે વખત ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે.
તેઓ જાન્યુઆરી 2017માં વાઇબ્રન્ટ ગુજરાતના સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા.
આ વર્ષે માર્ચમાં આંતરરાષ્ટ્રીય સોલ અલાયન્સમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.
આનાથી પણ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ વર્ષે જાન્યુઆરીમાં રવાન્ડાને 55 આફ્રિકાના દેશોના યૂનિયનના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
રવાન્ડા ની રાજધાની કગાલીને આફ્રિકાનું સૌથી સ્વચ્છ શહેર પણ માનવામાં આવે છે.
જ્યાં કચરા નિકાલ વ્યવસ્થા પરથી ભારત પોતાના સ્વચ્છ ભારત અભિયાન માટે કંઈક બોધપાઠ લઈ શકે છે.
દર મહિને છેલ્લા શનિવારના રોજ કગાલીના દરેક નાગરિકને સમાજ સેવામાં ભાગ લેવો જરૂરી હોય છે, જેને ઉમૂગાંડા કહેવામાં આવે છે.
ટીકાકારો આ અંગે કગાલી વહીવટતંત્રની ટીકા પણ કરે છે. જો કે કગાલીના લોકો આ શિસ્ત વિશે પોતાનો અસંતોષ વ્યક્ત કરતા નથી.
1994માં રવાન્ડામાં હૂતિઓ અને તુત્સિઓ વચ્ચેનાં ગૃહયુદ્ધમાં આઠ લાખ કરતાં વધુ લોકો માર્યા ગયા હતા.
એ વખતે રવાન્ડાની વસ્તી 73 લાખ જ હતી. અહીંના ઘણા લોકોના મનમાં હજી પણ આની યાદો તાજી છે.
આ બરબાદીમાંથી બહાર આવવા રવાન્ડામાં ઘણા પ્રકારના નવા અને પ્રેરક કાર્યક્રમ ચાલુ કરવામા આવ્યા હતા.
એમાં રવાન્ડાનો જાણીતો ગિરિંકા કાર્યક્રમ પણ સામેલ છે. કુપોષણ અને ગરીબી સામે લડવા માટે 2006માં શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમ હેઠળ દરેક ગરીબ પરિવારને ગાય આપવામાં આવે છે.
આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી એક લાખ કરતાં વધારે પરિવારને ગાયો અપાઈ ચૂકી છે.
પોતાની રવાન્ડા ની યાત્રા દરમિયાન વડા પ્રધાન મોદી 200 ગાયો આપશે.

રવાન્ડા બાદ યુગાન્ડામાં મોદી

ઇમેજ સ્રોત, TWITTER/@narendramodi
મોદી કગાલી નરસંહાર સ્મારક અને સંગ્રહાલય પણ જશે. આ સ્માકર લોકોને પોતાના ઇતિહાસના સત્યનો સ્વીકાર કરી ભવિષ્યમાં નિરાકરણનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપે છે.
ભારત રવાન્ડાને દવાઓ, દ્વિ-ચક્રીય વાહન, પ્લાસ્ટિક ઉત્પાદન અને મશીનરીની નિકાસ કરે છે. બન્ને દેશો વચ્ચે પાંચ કરોડ ડૉલરનો વેપાર થાય છે.
મંગળવારે વડા પ્રધાન મોદી યુગાન્ડા માટે રવાના થશે. રવાન્ડાને ભારત પાસેથી ચાલીસ કરોડ ડૉલર સુધીનું ઋણ લેવાની સગવડ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત રવાન્ડાના વિદ્યાર્થીઓ પ્રશિક્ષણ કાર્યક્રમો અને શિષ્યવૃતિનો લાભ પણ મેળવી શકે છે.
પોતાની યાત્રા દરમિયાન મોદીએ, રવાન્ડામાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે દસ કરોડ ડૉલરનું ઋણ તેમજ ખેતી અને સિંચાઈ માટે દસ કરોડ ડૉલરનું ઋણ આપવાની જાહેરાત કરી છે.
બન્ને દેશો વચ્ચે સંબંધોને મજબૂત આધાર પૂરો પાડવા સંરક્ષણ, સંસ્કૃતિ, ખેતી ક્ષેત્રોમાં સહયોગ માટેની સમજૂતી પણ કરવામાં આવી છે.

ચીન સાથે બાથ ભીડવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images
રવાન્ડા અને ભારતના સામાજિક સંબંધો મજબૂત છે.
બન્ને દેશોના સંબંધોમાં ઈદી અમીનના શાસનકાળની કડવી યાદો પણ સામેલ છે.
જ્યારે 60 હજાર ભારતીયોને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા.
21 વર્ષ બાદ કોઈ ભારતીય વડા પ્રધાન યુગાન્ડા જઈ રહ્યા છે. બન્ને દેશો વચ્ચે વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધવાની આશા છે.
2010 થી જિંજામાં ભારત સૈન્ય પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવે છે. પોતાની યાત્રા દરમિયાન મોદી યુગાન્ડાની સંસદમાં ખાસ સત્રને સંબોધિત કરશે અને ભારત-યુગાન્ડા વેપાર સંમેલનને પણ સંબોધશે.
મોદી યુગાન્ડામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળશે. અત્યારે યુગાન્ડામાં કુલ ત્રીસ હજાર ભારતીયો રહે છે.
ભારત યુગાન્ડાને વીજળીના તારો નાખવા માટે 16.4 કરોડ ડૉલર અને દૂધ ઉત્પાદન તેમજ ખેતી માટે 6.4 કરોડ ડૉલરનું ઋણ પણ આપશે.
ભારત અને યુગાન્ડા વચ્ચે 1.3 અરબ ડૉલરનો વેપાર છે.
યુગાન્ડા, ભારતને ચા અને લાકડાનાં ઉત્પાદનો વેચે છે જ્યારે ભારત યુગાન્ડાને દવાઓ, સાયકલ, દ્વિ-ચક્રીય વાહન, ખેતીનાં મશીનો અને રમતનાં ઉત્પાદનોની નિકાસ કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
યુગાન્ડા પોતાની ત્રીસ ટકા જેટલી દવાઓ ભારત પાસેથી મંગાવે છે. 2013માં ભારતે યુગાન્ડાને 1.2 અરબ ડૉલરની નિકાસ કરી હતી પણ 2017માં આ સ્તર ઘટીને 59.9 કરોડ ડૉલર થઈ ગયું હતું.
આનું એક કારણ એ છે કે આ દરમિયાન યુગાન્ડાએ ચીન પાસેથી વધારે સામન આયાત કર્યો હતો.
ચીને વર્ષ 2013માં, 55 કરોડ ડૉલરનો સામાન યુગાન્ડાને નિકાસ કર્યો હતો જે વર્ષ 2016માં વધીને 86.1 કરોડ ડૉલર થઈ ગયો હતો.
આ દર્શાવે છે કે આફ્રિકા સાથે ધંધાકીય સંબંધોમાં ચીન ભારતનું હરીફ છે.
ભારતને ચીનની ભારે આર્થિક શક્તિ સામે સ્પર્ધા કરવાને બદલે પોતાની તાકાત ઓળખી એ ક્ષેત્રોમાં આગળ વધવું જોઈએ કે જેમાં તેને મહારત પ્રાપ્ત છે.
આ ઉપરાંત ભારતે ચીન સાથે સંયુક્ત એકમો અંગેની તકો પણ શોધવી જોઈએ.
વુહાનમાં મોદી અને શી જિનપિંગની મુલાકાત બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં જે ગરમી આવી છે તે આફ્રિકામાં પણ દેખાવી જોઈએ.
અહીંયા અમેરિકાની હાજરી ઘટી રહી છે એવામાં ભારત અને ચીન પાસે પરસ્પર સહયોગ વડે સંયુક્ત હેતુ સાધવા સાથે મળી આગળ વધવાની તક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














