મોદી અને જિનપિંગ શા માટે મળી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે શુક્રવારની અનૌપચારિક મુલાકાત બન્ને દેશોના સંબંધોમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે.
આ અંગે વિશ્લેષક શશાંક જોશી જણાવે છે કે શું કામ આ અનૌપચારિક વાતચીત થવા જઈ રહી છે.
ગત વર્ષે ભારત-ચીન છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલા સીમાના ગંભીર મુદ્દે સામસામે આવી ગયા હતા. અને ચીનમાં સરકારના અંકુશ હેઠળ ચાલતું મીડિયા 'યુદ્ધના એંધાણ'ની ધમકીના સમાચારો આપતું હતું.
બંને દેશો તરફથી સેનાને પણ સીમા પર તૈનાત કરવામાં આવી હતી.
આ ઘટનાના આઠ જ મહિનામાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગ મળી રહ્યા છે એ વાત જરા ગળે ઉતરે એવી નથી. પણ, ચીનના વુહાન શહેરમાં આ બંને વડાઓ અનૌપચારિક મુલાકાત કરી રહ્યા છે.
અનૌપચારિક્તાનો અર્થ એ કે તે બંને કોઈ એજન્ડા વિના માત્ર થોડા સમય માટે વધી રહેલા મતભેદો વિષે વાત કરશે.
તમે આ વાંચ્યું કે નહીં?

બન્ને દેશોના પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આ મુલાકાત અચાનક જ નક્કી નથી થઈ. ઓગસ્ટમાં આ સીમા પરનો વિવાદ જ્યારે વધ્યો ત્યારે મોદી અને જિનપિંગે સપ્ટેમ્બરમાં રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે બ્રિક્સ સમિટમાં અંતર ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે પછી ભારતથી એક હાઈ-લૅવલ ડેલિગેશન ચીનની મુલાકાતે જઈ આવ્યું. આ ડેલિગેશનમાં ભારતના વિદેશ સચિવ, રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર, વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી હતાં.
ફેબ્રુઆરીમાં ભારત સરકારે એક પ્રાઇવેટ નોટ લખી હતી. જેમાં તેમણે અધિકારીઓને કહ્યું હતું કે દલાઈ લામાના તિબેટના દેશનિકાલની 60મી તિથિ નિમિત્તે થનારા કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું.
ચીન દલાઈ લામાને અલગતાવાદી ગણે છે અને તેમને એક આધ્યાત્મિક ગુરૂની છાપને અલગ રાખીને વિદેશના નેતાઓને તેમનાથી દૂર રહેવા કહે છે.
માર્ચમાં મોદીએ શી જિનપિંગને ફરી એક વાર રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ પછી થોડા સમય પહેલાં ચીને ભારતમાં વહેતી નદીઓના હાયડ્રોલોજીકલ ડેટા ફરી શેર કરવાની વાત કરી. બંને દેશો ફરી એક વાર નાના પાયે સૈન્યની તાલીમ શરૂ કરશે. જે ગત વર્ષના તણાવ બાદ બંધ કરવામાં આવી હતી.

પરસ્પરના હિત

ઇમેજ સ્રોત, Getty Images
આ મુલાકાત થવાના કેટલાક કારણો છે.
સૌથી પહેલા તો ભારત માને છે કે ગત વર્ષે જે મુશ્કેલી ઊભી થઈ તેના કારણે આ સંબંધ એક જોખમી તબક્કે આવી પહોંચ્યો હતો.
ખાસ કરીને 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આ તણાવ વધે નહીં તેના પર નજર રાખવી જરૂરી છે. ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતાં પાંચ ગણી વધારે છે અને તે ભારત કરતાં ત્રણ ગણું વધારે ખર્ચ સૈન્ય પર કરે છે.
ભારતને સરહદ પર સ્થાનિક સૈન્યનો લાભ મળી રહે છે છતાં તેણે પોતાની શક્તિ વધારવાની જરૂર છે.
બીજી વાત. ભારત ઘણી બાબતોમાં બિજિંગના સહયોગની આશા સેવે છે. એવી બાબતો કે જેમાં ચીનની ભૂમિકા મહત્વની રહી શકે.
જેમાં પાકિસ્તાનના આતંકી જૂથો પર દબાણ બનાવવું, ન્યુક્લિર સપ્લાયર ગ્રુપ (NSG) માં ભારતની એન્ટ્રી નિશ્ચિત કરવી.
ત્રીજી વાત, ભારતને ચિંતા છે કે બિજીંગ અમેરિકાના ઉત્તર કોરિયા સાથે વધી રહેલા તણાવથી વોશિંગટન સાથે મજબૂત સંબંધો વિકસાવશે અને બીજા માસ્કો સાથે.
કેમ કે પશ્ચિમ રશિયા સાથેના તેમના સંબંધોમાં તકલીફ છે. આ બધું દિલ્હીના ભોગે થશે. આથી ભારતે હવે ધ્યાન આપવાની જરૂર જણાઈ રહી છે.
ભારત સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અંગે સલાહ આપતી એજન્સીના પૂર્વ ઍમ્બેસેડર પીએસ રાઘવને કહ્યું કે ''રશિયા-ચીનના સંબંધો અને રશિયાને પહોંચી વળવા અમેરિકાની ચીન પર નજર છે.''
''એવામાં ભારત માટે ચીન સાથે સુમેળ ભર્યા સંબંધો બહુ જરૂરી છે. કેમકે આપણે બીજા બે દેશો સાથે પણ ઠીક-ઠીક સંબંધો રાખીએ છીએ.''
''ચીન માટે પણ અહીં લાભ છે. ગત વર્ષે ભારત એ એક માત્ર દેશ હતો, જેણે જાહેરમાં 'બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશ્યેટિવ' (BRI) માટે ચીનની ફ્લેગશીપને નકારી દીધી હતી.''
BRI એ એક નેટવર્ક છે જેમાં એશિયાથી યુરોપ સુધીના 'ઇન્ફ્રસ્ટ્રક્ચર' માટેનું રોકાણ કરાયું છે.

ભૌગોલિક રાજનીતિ વિષયક બદલાવ

ઇમેજ સ્રોત, Getty Images
થોડા સમય પહેલા અમેરિકા, જાપાન અને યુરોપ આ આખા પ્રોજેક્ટને લઈને શંકાશીલ હતા. તેમનો વાંધો ચાઈનીઝ કંપનીઓ સામે હતો. જેના કારણે નાના અર્થતંત્ર પર દેવાનું ભારણ વધી રહ્યું છે.
જોકે, એ કહેવું અયોગ્ય હશે કે આ પ્રોજેક્ટ બંને રાષ્ટ્રો વચ્ચે સુમેળ સ્થાપી દેશે. દરિયો, હવા અને જમીન પર બંને દેશો વચ્ચેની સ્પર્ધા ઘણી વધારે છે.
ભારતે થોડા સમય પહેલા જ સૌથી મોટા પાયાની હવાઈ કવાયત પૂર્ણ કરી. જેમાં કઈ રીતે 48 કલાકમાં અનેક એરક્રાફ્ટ પાકિસ્તાન તરફના વેસ્ટર્ન સેક્ટરથી ચીન તરફના પૂર્વ સેક્ટર બાજુ મોકલી શકાય તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
જમીન પર આ તણાવ વધારે છે. ચીને પોતાનું સૈન્ય સીમાથી એકદમ નજીક ખડકી દીધું છે. જ્યારે ભારતે પેટ્રોલિંગ વધારે આક્રમક્તાથી કરે છે.
જ્યારે દરિયામાં બંને દેશો વચ્ચે વિવાદ ગંભીર છે. ચીન પોતાનો સૌથી પહેલો વિદેશ મિલિટરી બેઝ જુબોતી (આફ્રિકા)માં શરૂ કરશે. જેથી ભારતના દક્ષિણે આવેલા નાના ટાપુ દેશોમાં ચીનની ભાગીદારી વધારી શકાય.
ભારતીય નૌસેનાની મહત્ત્વની કામગીરીમાં હિંદ મહાસાગરમાં ચીનના નેવી જહાજો પર નજર રાખવાનું રહેશે. કેમકે છેલ્લા થોડા સમયથી આ જહાજોની સંખ્યા ઘણી વધી ગઈ છે.
વુહાનની ખુશનુમા આબોહવા બંને નેતાઓને અનૌપચારિક વાત કરવાની તક જરૂર આપશે, જેમાં તેઓ ઘર્ષણ પેદા કરી રહેલી બાબતો અંગે વિચારણા કરી શકશે. આના થકી આપણને નજીકના ભવિષ્યમાં થોડો સુમેળ ભર્યો વ્યવહાર જોવા મળશે.
લેખક શશાંક જોશી રોયલ યુનાઈટેડ સર્વિસીઝ ઈન્સ્ટીટ્યુટમાં સિનિયર રિસર્ચ ફેલો છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












