ચીની મહિલાઓના 'મેલ ગોડ' છે આમીર ખાન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વંદના
- પદ, ટીવી એડિટર, ભારતીય ભાષાઓ
મીડિયા તેમને ભારતને એક દિશા બતાવનાર ફિલ્મસ્ટાર કહે છે. ચાહકો તેમને નાન શેન (મેલ ગૉડ) કહે છે અને બાળકોમાં તેઓ આમીર અકંલ તરીકે પ્રખ્યાત છે.
આ તમામ નામ આમિર ખાનને ભારતીય નહીં પણ તેમના ચીનના ચાહકોએ આપ્યાં છે.
ચીનમાં આમિર ખાનની લોકપ્રિયતાનો આ એક નાનો પુરાવો છે.
એક એવો દેશ જેની સાથે ભારતની સંસ્કૃતિ વધુ સુસંગત નથી અને જેની સાથે સંબંધો વધુ સારા નથી.
14મી માર્ચે આમિર ખાન તેમનો જન્મદિવસ તો મનાવી જ રહ્યા છે, પણ સાથે સાથે ચીનમાં તેઓ તેમની ફિલ્મ સિક્રેટ સુપરસ્ટારના સફળતાની ઉજવણી પણ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, SPICE PR
આ ફિલ્મ ચીનમાં જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. ગત વર્ષે દંગલ ફિલ્મ અહીં જબરદસ્ત હિટ થઈ હતી.
પાંચ વર્ષ પહેલાં 2013માં અભિનેતા જેકી ચેન ભારત આવ્યા હતા અને કેટલાક ગણતરીના પત્રકારોને મળ્યા હતા.
જેમાં હું પણ સામેલ હતી. ભારતીય ફિલ્મો વિશે પૂછતાં મને ત્રણ બાબતો જાણવા મળી હતી- આમિર ખાન, થ્રી ઇડિયટ્સ અને બોલીવૂડનો ડાન્સ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમને આ પણ વાંચવું ગમશે
ત્યારે મને પહેલી વખત અનુભૂતિ થઈ કે ચીન સાથે આમિર ખાનનો થોડો ઘણો સંબંધ છે. હવે આ સંબંધ ઘણો ગાઢ થઈ ગયો છે.
અન્ય દેશોમાં હિંદી ફિલ્મો ભલે ઘણી જોવામાં આવતી હોય પણ રાજ કપૂરના જમાના બાદ પ્રથમ વખત એવું થયું છે કે કોઈ ભારતીય ફિલ્મસ્ટાર ચીનમાં આટલા બધા પ્રસિદ્ધ થયા છે.

ચીનમાં મોદી કરતાં પણ આગળ

ઇમેજ સ્રોત, WEIBO
આમિરનું ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઇટ વીબો (જેને ત્યાંનું ટ્વીટર કહેવાય છે) પર એકાઉન્ટ છે.
વીબો પર તેઓ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ભારતીય છે. 13 માર્ચ સધી આમિર ખાનના 12,56,740 ફોલોઅર્સ હતા જ્યારે વડાપ્રધાન મોદીના 1,83,499 ફોલોઅર્સ હતા.
આમિર તેમના ફોલોઅર્સ સાથે સતત સંપર્કમાં રહે છે.
ક્યારેક તેમને ચીનના નૂતન વર્ષના અભિનંદન પાઠવે છે, તો ક્યારેક તેમની નવી ફિલ્મનો લૂક શેર કરે છે.
વળી ક્યારેક ચીનના કલાકારોને ડાન્સ શિખવાડતી તસવીર, તો ક્યારેક ચીનના વ્યજંનની લિજ્જત માણતી તસવીર શેર કરે છે.
તેમને ચાઇનીઝ વાનગીઓ ધણી પંસદ છે. ચીનમાં લોકો તેમને વર્ષ 2000માં આવેલી ફિલ્મ લગાનથી ઓળખવા લાગ્યા.
પણ થ્રી ઇડિયટ્સ ફિલ્મથી તેમની વ્યક્તિગત ઓળખ બનવાની શરૂ થઈ. ટૂંક સમયમાં જ ધૂમ-થ્રી, પીકે અને દંગલ રિલીઝ થઈ.

આમિર કેવી રીતે સફળ થયા?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, જે દેશમાં અન્ય ફિલ્મસ્ટાર સફળ ન થયા ત્યાં આમિર કેવી રીતે સફળ થયા?
તમે ચીનમાં સોશિયલ મીડિયા અને અખબારો તપાસો તો તેમાંથી એક વાત જરૂર જાણવા મળશે.
આ વાત એ છે કે ત્યાંના મીડિયા અને લોકોને એવું લાગે છે કે આમિરની ફિલ્મમાં એવા મુદ્દાઓ હોય છે જે ચીનના યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે.
કોલેજમાં સારા માર્ક્સ લાવાનું દબાણ, પોતાની ઇચ્છાઓ વિરુદ્ધ માતાપિતાની ઇચ્છાઓનું દબાણ, એજ્યુકેશન સિસ્ટમની ખામી આ બધા મુદ્દા થ્રી ઇડિયટ્સ ફિલ્મમાં વણી લેવાયા હતા.
ચીનના યુવાઓ પોતે આ મુદ્દાઓ સાથે જોડાયેલા હોવાનું અનુભવ્યું હતું.
ચીનની સ્કૂલ અને કોલેજોમાં આ ફિલ્મને દર્શાવવામાં આવી હતી.
આમિરની ફિલ્મો હોલીવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મો અને ઍક્શન ફિલ્મો કરતાં જુદી હોય છે.
તેમાં સામાજિક ન્યાય, મહિલાઓની સમાનતા, પારિવારિક મૂલ્યો તથા પોતાના સપનાં પૂરા કરવાના સંઘર્ષની વાત હોય છે.
આ બાબત ચીનના લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે.

દંગલની સફળતા

ઇમેજ સ્રોત, DINEY
થ્રી ઇડિયટ્સ, દંગલ અને ધૂમ-થ્રીને લોકોએ પંસદ કરી પણ આમિરને સફળતા ત્યારે મળી જ્યારે ગત વર્ષે દંગલ ફિલ્મ નવ હજાર સ્ક્રીન્સ પર ચીનમાં રિલીઝ થઈ હતી.
જોતજોતામાં તે ચીનમાં સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મ બની ગઈ હતી.
એટલું જ નહીં પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં આ ફિલ્મના વખાણ પણ કર્યા હતા.
ગત વર્ષે બીબીસી સાથેની વાતચીતમાં ચીનના કેટલાક દર્શકોએ જણાવ્યું હતું કે દંગલમાં તેમને તેમના અંગત જીવનની ઝલક જોવા મળી.
પોતાના સપના પૂરા કરવાનો સંઘર્ષ, પિતા અને બાળકો વચ્ચેના સંબંધ તથા ચીનમાં મહિલાઓને થતી મુશ્કેલીઓની ઝલક જોવા મળી.
આમિરનું આ બાબતે કહેવું છે કે, "મને ચીન આવવું પંસદ છે. ચીનના લોકો ખુલ્લા દિલના છે."
"આ વાત મને આકર્ષિત કરે છે. પ્રેમથી તે લોકો મને મીચૂ કહે છે. હું અહીં વારંવાર આવવા માંગુ છું."

ચીનમાં લોકપ્રિયતાનું આ પણ એક કારણ

ઇમેજ સ્રોત, UTV
ટેલિવિઝન કાર્યક્રમ ‘સત્યમેવ જયતે’ના કારણે આમિર ખાનની છબી સમાજમાં લોકોને સાચી દિશામાં ચાલવાનું શિખવનાર વ્યક્તિ બની ગઈ છે.
ચીનમાં આમિરની લોકપ્રિયતાનું આ પણ એક કારણ છે. કેમકે ચીનની એક વેબસાઇટ પર પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરાયું હતું.
જોકે, ભારત અને ભારત બહાર આ કાર્યક્રમને કારણે આમિરની ટીકા થઈ હતી.
વૉલ સ્ટ્રીટ જર્નલે આ કાર્યક્રમ પર સવાલ કરતા કેટલાક બ્લોગ પણ પ્રકાશિત કર્યા હતા.
ભારત મામલે ચીનનું વલણ સામાન્યરીતે આક્રમક રહેતું હોય છે.

ઇમેજ સ્રોત, AFP
પરંતુ ચીન અને તેના પાડોશી દેશોના મીડિયા આમિરની પ્રશંસાથી ભરેલા હોય છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે લખ્યું, "મળો આ છે ચીનના સિક્રેટ સુપરસ્ટાર : આમિર ખાન."
સ્ટ્રેટટાઇમ્સે લખ્યું છે - સિક્રેટ સુપરસ્ટાર આમિરની ચીનમાં વધુ એક હિટ ફિલ્મ.
ડિપ્લોમેટના લેખમાં લખ્યું છે - આમિર ખાન ચીનમાં ભારતનો સોફ્ટ પાવર.

ફિલ્મોના માર્કેટીંગ અને પ્રમોશનની રણનીતિ

ઇમેજ સ્રોત, WEIBO
ચીનમાં ફિલ્મ રસીકો સાથે સંબંધ વિકસાવવામાં તેઓ સફળ તો થયા છે પણ તેની પાછળ ફિલ્મોના માર્કેટીંગ અને પ્રમોશનની રણનીતિની પણ મહત્ત્વની ભૂમિકા છે.
કેમકે તે શરૂઆતી તબક્કાથી જ કરવામાં હાથ ધરવામાં આવી હતી અને ખૂબ જ અસરકાર રીતે તેને પાર પાડવામાં આવી.
રણનીતિ હેઠળ તેઓ ચીનના લોકો સાથે ભળતા ગયા અને તેમાં સ્થાનિક કાલાકારોને પણ નિમંત્રણ આપવામાં આવે છે.
સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મના પ્રમોશન માટે તેમણે આ વર્ષે સાત શહેરોની મુલાકાત લીધી હતી.
દંગલ ફિલ્મ વખતે પણ તેમણે આવું જ કર્યું હતું.
માર્કેટીંગ અને પ્રમોશનની વાત કરીએ તો ભારતમાં પણ તેમની ઘણી પ્રશંસા થાય છે.
ભલે કેટલાક લોકો આ બાબતને સમજી વિચારીને બનાવવામાં આવેલી છબી માને છે.

ચીનમાં દર વર્ષે માત્ર ચાર ભારતીય ફિલ્મો

ઇમેજ સ્રોત, Vandana Vijay
ચીનમાં દર વર્ષે માત્ર ચાર ભારતીય ફિલ્મો જ રિલીઝ કરી શકાય છે.
પણ 2018માં પ્રથમ વખત એવું બનશે જેમાં ત્રણ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
આમિરની સિક્રેટ સુપરસ્ટાર અને સલમાન ખાનની બજરંગી ભાઈજાનને આ વર્ષે સારી સફળતા મળી છે.
હવે આ વર્ષે ઇરફાન ખાનની હિંદી મીડિયમ રિલીઝ થવાની છે.
જોકે, આમિરની સફળતાને લીધે ચીનમાં અન્ય ભારતીય કલાકારોને પણ ફાયદો થશે એવું કહેવું મુશ્કેલ છે. પરંતુ આમિરે એક લાંબી મજલ કાપી છે.

આમિરની શરૂઆત
એક લાંબી મજલ જે સ્કૂલના અભ્યાસ બાદ ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે 40 મિનિટની એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું.
આ ફિલ્મ તેમના સ્કૂલના મિત્ર આદિત્ય ભટ્ટાચાર્યએ બનાવી હતી. આદિત્ય ભટ્ટાચાર્ય બિમલ રોયના પૌત્ર અને બાસુ ભટ્ટાચાર્યના પુત્ર છે.
ફિલ્મમાં આમિર અભિનેતા પણ હતા, સ્પોટબોય પણ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને પ્રોડક્શન મેનેજર પણ હતા.
કદાચ ત્યારથી જ તેમનામાં એક ડાયરેક્ટર, અભિનેતા અને પ્રોડ્યુસર બનવાના ગુણ વિકસી ગયા હતા.
સ્વિત્ઝર્લેન્ડ અને લંડનના બ્રિજ પર ભલે શાહરૂખ ખાનનું રાજ હોય પણ ચીનની દીવાલ પાર કરનાર તો આમિર જ છે.
આમિરે તેમના ચાહકો માટે થોડી મેંડરિન શિખવાનું પણ વચન આપ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












