સ્ટિફન હૉકિંગની લોકપ્રિયતાના સાત કારણો

ઇમેજ સ્રોત, MIGUEL RIOPA/Getty Images
ધ હિચહાઇકર્સ ગાઇડ ટુ ધ ગેલેક્સીની નવી સિરિઝમાં પ્રોફેસર સ્ટિફન હૉકિંગ ધ ગાઇડ માર્ક ટુ તરીકે અચાનક દેખાયા તેથી ઘણાને આશ્ચર્ય થયું હતું.
તેમણે કહ્યું, 'મારા જમાનામાં હું બહુ લોકપ્રિય હતો.' તેમની વાત ખોટી નથી. હૉકિંગ લોકપ્રિય રહ્યા છે અને આ છે તેના સાત કારણો.
1. ગંભીર વિજ્ઞાનના વિષયને તેમણે ખરેખર લોકપ્રિય બનાવ્યો હતો
વિષયના નિષ્ણાત ના હોય તેવા લોકો માટે લખાયેલી હૉકિંગની અ બ્રિફ હિસ્ટરી ઓફ ટાઇમ (સમયનો ઇતિહાસ) એ ખૂબ જ લોકપ્રિય વિજ્ઞાન પુસ્તક સાબિત થયું હતું.
એવો જોક પણ પ્રચલિત થયો હતો કે ભાગ્યે જ કોઈએ તે વાંચી હશે (હૉકિંગ પોતે પણ આ જોક સંભળાવતા).
સાચી વાત એ છે કે એક કરોડથી વધુ નકલો તેની વેચાઈ છે અને તે પ્રથમવાર પબ્લિશ થયું તેના 30 વર્ષ પછી હજીય તેની આવૃત્તિઓ પ્રગટ થતી રહે છે.

ઇમેજ સ્રોત, Bryan Bedder/Getty Images
2. તેઓ પ્રસિદ્ધ રિથ લેક્ચરર રહી ચૂક્યા છે
હિચહાઇકર્સની સિરિઝમાં હાજર રહ્યા તે તેમનું રેડિયો પરનું પ્રથમ લેક્ચર નહોતું. આ અગાઉ તેઓ બીબીસીના પ્રસિદ્ધ રિથ લેક્ચર્સ સિરિઝમાં હાજર રહી ચૂક્યા છે.
તેમણે પોતાની બ્લેક હોલની થિયરી વિશે બે યાદગાર લેક્ચર્સ આપ્યા હતા. બીબીસીની લેક્ચર સિરિઝના તેમના આ પ્રવચનોને કારણે દુનિયાના સૌથી પ્રસિદ્ધ વિજ્ઞાનીના મનની વાતો આપણે જાણી શક્યા હતા.
3. તેઓ ખૂબ રમુજી છે
હિચહાઇકર્સમાં તેમણે કોમેડી કરી બતાવી તે પણ કંઈ પહેલીવારનું નથી. તેમણે ધ બીગ બેન્ગ થિયરી અને સ્ટાર ટ્રેકઃ નેક્સ્ટ જનરેશન જેવી સિરિયલોમાં હાજર રહીને સૌને હસાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તેઓ ધ સિમ્પસન્સ સિરિઝમાં વારંવાર એક પાત્ર તરીકે હાજર રહે છે તે વધુ યાદગાર છે. એક વાર તેમણે હોમરની 'ડોનટ આકારના બ્રહ્માંડની થિયરીને' ચોરી લેવાનો પ્રયાસ કરીને દર્શકોને ખૂબ હસાવ્યા હતા.

ઇમેજ સ્રોત, Tim P. Whitby/Getty Images
4. તેમના પાત્રને એડી રેડમેય અને બેનેડિક્ટ કમ્બરબેચ જેવા કલાકારોએ ભજવ્યું છે
2014માં હિટ ગયેલી ફિલ્મ ધ થિયરી ઓફ એવરીથિંગમાં એડી રેડમેયે હૉકિંગનું પાત્ર ભજવ્યું હતું. તે ભૂમિકા બદલ એડીને ઑસ્કર પણ મળ્યો હતો (બાદમાં બાફ્ટા અને ગોલ્ડન ગ્લોબ પણ મળ્યા હતા) તે જાણીતું છે.
પણ તેના એક દાયકા પહેલાં બેનેડિક્ટ કમ્બરબેચે પણ હૉકિંગનું પાત્ર ભજવ્યું હતું. શેરલોક હોમ્સ ફિલ્મો પહેલાં બેનેડિક્ટે આ ભૂમિકા કરી હતી.
બીબીસી-2 પર હોકિંગ સિરિયલ બની હતી, તેમાં પીએચ. ડી.ના વિદ્યાર્થી તરીકેની હૉકિંગની પ્રારંભિક કરિયરની વાત હતી. આ પાત્ર બદલ કમ્બરબેચને તેનું પ્રથમ બાફ્ટા નોમિનેશન મળ્યું હતું.
5. બાળકો માટેના પુસ્તકની સિરિઝમાં તેઓ સહલેખક રહ્યા છે.
કિશોરોમાં ફિઝિક્સના વિષયની રુચિ જાગે તેવા હેતુથી સ્ટિફન હૉકિંગે બાળકો માટે પુસ્તકોની સિરિઝ લખી છે. તેમની પુત્રી લ્યુસી સાથે સહલેખક તરીકે તેમણે આ બાળસાહિત્ય રચ્યું હતું.
2007માં જ્યોર્જ્સ સિક્રેટ કી ટુ ધ યુનિવર્સ એ નામનું (ક્રિસ્ટોફર ગેલ્ફર્ડ સાથે સહલેખક તરીકેનું) પ્રથમ પુસ્તક બહાર પડ્યું હતું.
તે પછી તેમણે નવ વર્ષથી મોટી ઉંમરના કિશોરો માટે બીજી ચાર સાહસકથાઓ લખી હતી, જેના ખૂબ વખાણ થયા છે.

ઇમેજ સ્રોત, Bruno Vincent/Getty Images
6. શારીરિક ઉણપ ધરાવનાર વ્યક્તિઓ માટે તેઓ રોલ મોડેલ છે.
તેમને મોટર ન્યૂરો ડિસિઝ થયો હતો અને તેમ છતાં તેઓ આટલી સિદ્ધિઓ મેળવી શક્યા છે. તેઓ પોતે બોલી શકતા નથી, તેથી સિન્થેસાઇઝર સાથે બોલે છે.
તે અવાજ પ્રતીકરૂપ બની રહ્યો છે. બિમારી પોતાનો અવાજ દબાવી દે તેવું તેમણે થવા દીધું નથી તે વાતનું આ પ્રમાણ છે.
તેમની મક્કમતા સૌ માટે પ્રેરણા છે અને તેઓ પ્રથમથી જ શારીરિક ખામી ધરાવતા લોકો માટેના અધિકારો પ્રત્યે જાગ્રત છે. 2012ની સમર પેરાલિમ્પિક્સના ઉદ્ધટાન સમારોહમાં તેમના અવાજનો ઉપયોગ કરાયો હતો.
7. તેઓ એક નિર્વિવાદ પ્રતિભાશાળી વિજ્ઞાની છે.
તેઓ એટલા લોકપ્રિય બન્યા છે કે તેની પાછળના પરિબળો કરતાં તેમની લોકપ્રિયતા મહત્ત્વની બની જાય છે. પણ સાચી વાત એ છે કે તેઓ ખરેખર એક ઉત્તમ ફિઝિસ્ટ છે.
તેમણે આ ક્ષેત્રમાં નવી જ શોધો કરી છે. તેમની બ્લેક હોલ (જેમના વિશે તેમણે રિથ લેક્ચર્સ આપ્યા હતા તે) વિશેની થિયરી ખૂબ અગત્યની છે.
બ્લેક હોલની શોધમાં તેમણે આપેલું પ્રદાન નકારી શકાય તેમ નથી. તેમના માનમાં જ બ્લેક હોલ રેડિયેશનને 'હોકિંગ રેડિયેશન' તરીકે ઓળખવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












