હવે અહીં પાર્કની સફાઈ માણસો નહીં પણ કાગડાઓ કરશે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતી બાળસાહિત્યમાં 'ચતુર કાગડા'ની વાર્તા તો માટાભાગે લોકોએ જ સાંભળી જ હશે કે કેવી રીતે એક તરસ્યો કાગડો ચતુરાઈ વાપરી પોતાની તરસ સંતોષે છે.
જોકે, કાગડો ખરી રીતે પણ ખૂબ જ ચતુર પક્ષી છે તેવું વિજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક પ્રયોગમાં સાબિત થયું હતું.
તો, કાગડાની ચતુરાઈનું વધુ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે ફ્રાન્સનું આ થીમ પાર્ક.
યુરોપીયન દેશ ફ્રાન્સના એક થીમ પાર્કમાં આ ચતુર ગણાતા પક્ષી કાગડાની ટુકડી તૈયાર કરવામાં આવી છે જે પર્યટકો દ્વારા ફેંકવામાં આવેલા નાના-મોટા કચરાને એકઠો કરી લેશે.
તમે આ વાંચ્યું કે નહીં?
પશ્ચિમ ફ્રાન્સના વેન્દી શહેર સ્થિત પ્યુ દુ ફૂ નામના થીમ પાર્કમાં 6 'હોશિયાર' કાગડાઓને શીખવવામાં આવ્યું છે કે કેવી રીતે પાર્કમાં સિગરેટનાં ફિલ્ટર્સ અથવા તો અન્ય નાના કચરાને એકઠો કરી એક બૉક્સમાં જમા કરવામાં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
આ પક્ષીઓને શીખવવામાં આવ્યું છે કે તેમણે એકઠો કરેલો કચરો એક બૉક્સમાં નાખવો.
જેવો જ કચરો બૉક્સમાં જાય કે તરત તેમાંથી આ પક્ષીઓની મહેનતના ફળ સ્વરૂપે ખાવાનું નીકળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેને નવાઈની વાત. હવે આ કાગડાઓને સમજ પડી ગઈ છે કે કંઈ ખાવું હોય, તો કચરો એકઠો કરી બૉક્સમાં નાખી દેવો.
હાલમાં પાર્કમાં રૂક્સ જાતિનો કાગડો કાર્યરત છે પરંતુ સોમવારે તેમના અન્ય સાથીઓ પણ તેની સાથે જોડાઈ જશે.

'પર્યાવરણની કાળજી ખુદ કુદરત લે'

ઇમેજ સ્રોત, Getty Images
AFP ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પાર્કના સચિવ નિકોલસ ડી વિલિયર્સે જણાવ્યું કે આ પગલું માત્ર સફાઈને ધ્યાનમાં રાખીને નથી લેવામાં આવ્યું.
"સામાન્ય રીતે અહીં જે પર્યટકો આવે છે તેઓ સફાઈનું ધ્યાન રાખે છે, એટલા માટે અમારું પગલું માત્ર સફાઈને અનુલક્ષીને નહોતું."
"અમે એવું બતાવવા માગીએ છીએ કે કેવી રીતે કુદરત જ આપણને પર્યાવરણની કાળજી લેતા શીખવી શકે છે."
ડિવિલિયર્સે એવું પણ જણાવ્યું કે પક્ષીઓની આ ટુકડીમાં કાગડાની પ્રજાતિના રૂક્સ સહિત રેવેન્સ અને જેકડૉસ પક્ષીઓ સામેલ છે.
આ પક્ષીઓ સામાન્ય રીતે અન્ય પક્ષીઓ કરતાં હોશિયાર અને માણસો સાથે સંકલન સાધી શકવા સમર્થ છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં વૈજ્ઞાનિકો દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં વિજ્ઞાનિકોએ એક મશીન બનાવ્યું હતું જેની મદદથી કાગડાની હોશિયારી ચકાસી હતી.
વૈજ્ઞાનિકોએ એક મશીન બનાવ્યું હતું જેમાં અમુક માપના ટુકડા નાખવાથી ખાવાનું નીકળતું હતું. ત્યારબાદ કાગડા સામે તે મશીન મૂક્યું હતું.
કેટલાં માપનો ટુકડો અંદર નાખવાથી ખાવાનું નીકળે એ કાગડો આસાનીથી સમજી ગયો હતો. ત્યારબાદ કાગડો દરેક વખતે એ પદ્ધતિનો ઉપયોગ કરતો નજરે પડ્યો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













