સુરત: 86 ઇજાઓ સાથે મળ્યો બાળકીનો મૃતદેહ, પ્રાઇવેટ પાર્ટ પર ઇજાના નિશાન

- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
નવ વર્ષની બાળકીનો મૃતદેહ સુરતના ભેસ્તાન વિસ્તારની ઝાડીઓમાંથી છઠ્ઠી એપ્રિલે મળી આવ્યો હતો. પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ પ્રમાણે, બાળકી પર ભારે અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને ગળું દાબીને તેની હત્યા કરી દેવાઈ હતી. ઉપરાંત બાળકીનાં પ્રાઇવેટ પાર્ટ્સમાં ઊંડી ઈજાઓ મળી આવી હતી.
રેપની આશંકાને પગલે વધુ તપાસ અર્થે મૃતકના નમૂનાઓને ગાંધીનગર ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
પોલીસના કહેવા પ્રમાણે, હજુ સુધી મૃતક બાળકી કે તેના પરિવારજનોની ઓળખ થઈ શકી નથી.
તેની ઓળખને પ્રસ્થાપિત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ તથા જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને કારણે આ બાબત પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું છે.

ભેસ્તાનમાંથી મળ્યો હતો મૃતદેહ

ઇમેજ સ્રોત, Getty Images
છઠ્ઠી એપ્રિલે, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેની ઝાડીઓમાંથી નવ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આઠ દિવસ બાદ પણ પોલીસ મૃતક બાળકી કે તેના પરિવારજનોની ઓળખ મેળવવામાં નિષ્ફળ રહી છે.
આ કેસની તપાસ કરી રહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે. બી. ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મૃતકની ઓળખ થઈ શકે તે માટે પોલીસે આસપાસના અઢી કિલોમીટરના વિસ્તારમાં ઘરેઘરે જઈને આ બાળકીના ફોટોગ્રાફ્સ દેખાડ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
"ઉપરાંત સુરતના ગીચ વિસ્તારોમાં પણ આ બાળકીનાં પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે.
"આમ છતાંય આ બાળકીની કોઈ ઓળખ નહીં મળતાં, પોલીસે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે."
ઇન્સ્પેક્ટર ઝાલાએ ઉમેર્યું હતું કે, બાળકીના ફોટોગ્રાફ ઉત્તર પ્રદેશ, ઓડિશા તથા પશ્ચિમ બંગાળ પોલીસને પણ મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતા (આઈપીસી) તથા પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સયુઅલ ઑફેન્સિસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

86 ઇજાઓના નિશાન

સુરત સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. ગણેશ ગોવિરકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,
"પોસ્ટમોર્ટમ દરમિયાન સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું હતું કે આ નાનકડી બાળકીને સળંગ આઠ દિવસ સુધી માર મારવામાં આવ્યો છે.
"ત્યારબાદ ગળે ટૂંપો આપીને બાળકીની હત્યા કરવામાં આવી હતી."
ગોવિરકરે ઉમેર્યું હતું, "બાળકીનાં શરીર પર 86 જેટલી ઈજાઓના નિશાન છે.
"જેમાં પ્રાઇવેટ પાર્ટ પર ઇજાના ઊંડા નિશાન છે. એટલે મૃતકના શરીર પરથી મળેલા નમૂનાઓને વધુ તપાસાર્થે ગાંધીનગર એફએસલ ખાતે મોકલવામાં આવ્યા છે.
"પીડિતા બાળકી પર પાંચ કલાક સુધી પોસ્ટમોર્ટમ ચાલ્યું હતું."

ભેસ્તાનમાં પરપ્રાંતીયોનો વસવાટ

ઇમેજ સ્રોત, Getty Images
સુરતના ભેસ્તાન વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળથી આવેલા લોકો મોટાપાયે વસવાટ કરે છે.
આ શ્રમિકો ભેસ્તાન, ઉધના તથા પાંડેસરા વિસ્તારમાં આવેલી કાપડ અને ડાઇંગની ફેક્ટરીઓમાં કામ કરે છે.
અન્ય રાજ્યોમાંથી આવેલા મોટાભાગે કાચા કે અસ્થાયી મકાનોમાં વસવાટ કરે છે.
મૃતક બાળકીની ઓળખ પ્રક્રિયામાં સામાન્ય નાગરિકોનો પણ સહકાર મળી રહે તે માટે સુરત પોલીસ દ્વારા મદદરૂપ થનારને રૂ. 20 હજારનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં મહિલાઓ/બાળકીઓની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
- નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 'ક્રાઇમ ઇન ઇન્ડિયા-2016' અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં મહિલાઓ સામે અત્યાચારના 8,532 કેસ નોંધાયા હતા.
- આ રિપોર્ટ મુજબ, સુરતમાં 2015માં 502 તથા 2016માં 565 કેસ નોંધાયા હતા. જોકે, 2014માં આ આંક 694નો હતો.
- ફેબ્રુઆરી 2018માં નીતિ આયોગ દ્વારા 'Healthy States, Progressive India'ના નામે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે મુજબ 2011-13 દરમિયાન ગુજરાતમાં બાળકીઓનો જન્મદર દર 100 બાળકોએ 911નો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












