ગુજરાતની આ જેલની મહિલા કેદીઓ બની છે પૅડવુમન

પૅડવુમન

ઇમેજ સ્રોત, Hemington James

    • લેેખક, હેમિન્ગટન જેમ્સ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદ મધ્યસ્થ જેલની મહિલા કેદીઓ સવાર પડતાની સાથે જ ઑડિટોરિયમની સામેના રૂમમાં પહોંચી જાય છે અને તેમાંથી અવાજ પણ આવતો બંધ થઈ જાય છે.

આવું કેમ થાય છે? તેમને બંધનમાં રાખવામાં આવે છે, એવું નથી. આવું થાય છે, કારણ કે ત્યાં તેઓ પૅડવુમન બની જાય છે અને મહિલાઓ માટેના સેનિટરી નૅપ્કિન બનાવવાનું ચાલુ કરે છે.

આ કામ મોડી સાંજ સુધી ચાલે છે. આરોપોનો સામનો કરી રહેલાં અને સજા કાપી રહેલાં મહિલાઓ પૈકીની 11 મહિલાઓ અહીં આખો દિવસ કામ કરે છે.

આ પૅડને સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહેલી કિશોરીઓ માટે ઉપલબ્ધ કરાવાશે.

તમે આ વાંચ્યું કે નહીં?

અમદાવાદ શહેર અને જિલ્લાની લગભગ 30 શાળાઓમાં વેન્ડિંગ મશીન લગાવાશે, જેમાં એક રૂપિયામાં એક નૅપ્કિન ખરીદી શકાશે.

મશીનની સાથે સાથે એક ઇન્સિનરેટર મશીન મૂકવાનું પણ આયોજન છે, જેથી વપરાયેલા નૅપ્કિનને તેમાં બાળીને તેનો નિકાલ કરી શકાશે.

પૅડવુમન

ઇમેજ સ્રોત, Hemington James

ડિરેક્ટર જનરલ ઑફ પ્રિઝન્સ મોહન જ્હાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "જેલમાં સુધારણા માટેના અનેક કાર્યક્રમો ચાલે છે."

"મહિલાઓ માટે જ્યારે આ કામનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે સહેજ પણ રાહ જોયા વગર અમે પરવાનગી આપી દીધી હતી. અમે ઇચ્છીએ છીએ કે કેદીઓ બહાર નીકળીને સામાન્ય માણસ જેવું જીવન નિર્વાહ કરી શકે."

જ્હાએ વધુમાં જણાવ્યું હતું કે આ મહિલાઓ દ્વારા રોજના 1500થી વધારે નંગનું ઉત્પાદન થાય છે અને ભવિષ્યમાં આ સંખ્યા વધારવા પર વિચાર કરાશે.

જેલ ઉદ્યોગના જેલર એન. બી. પરમારે ક્હયું કે, દરેક મહિલા કેદીને એક કલાક કામ કરવાના 12 રૂપિયા 30 પૈસા આપવામાં આવે છે.

પૅડ બનાવવા માટે કર્મા ફાઉન્ડેશન દ્વારા મશીન મૂકવામાં આવ્યાં છે અને તેમના વતી રોમાબેન ચૈહાણને ત્યાં ટ્રેનર તરીકે મૂકવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં મહિલા કેદીઓને રૂપિયા 18 હજારનું પેમેન્ટ કરી દીધું છે.

કર્મા ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસર કરણ ખન્નાએ જણાવ્યું હતું કે, અમે જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) સાથે વાત કરી રહ્યાં છીએ જેથી આ પૅડ કિશોરીઓ કે મહિલાઓ સુધી પહોંચાડી શકાય.

અમે જે મટીરિયલનું ઉત્પાદન કરીએ છીએ તે ગુણવત્તામાં સારું અને સસ્તું પણ છે.

ડીડીઓ અરુણ મહેશ બાબુએ બીબીસીને જણાવ્યું હતું કે, અત્યારે અમે 30 શાળાઓમાં વેન્ડિંગ મશીન લગાવવાનો નિર્ણય લીધો છે અને એક પેડ એક રૂપિયામાં મળે તે માટેનું આયોજન છે, અને એવું આયોજન થઈ રહ્યું છે કે વેન્ડિંગ મશીનની બાજુમાં જ વપરાયેલાં પૅડના નિકાલ માટેનાં મશીન પણ મૂકવામાં આવે.

એવું પણ આયોજન છે કે ભવિષ્યમાં આ પૅડ નિઃશુલ્ક આપી શકીએ.

line

કેવી રીતે બને છે આ પૅડ?

પૅડવુમન

ઇમેજ સ્રોત, Hemington James

  • સૌપ્રથમ વૂડ પલ્પ કટિંગ થાય છે
  • વૂડ પલ્પ સામે જેલ શીટ મુકવામાં આવે છે
  • લીડલૉક જેલથી ફિટિંગ થાય છે
  • મટીરિયલ્સનું બોન્ડિંગ કરવામાં આવે છે
  • મટીરિયલને કટ કરવામાં આવે છે
  • માપ પ્રમાણે કટિંગ કરવામાં આવે છે
  • પેકિંગ કરવામાં આવે છે
line

શું કહે છે મહિલા કેદીઓ?

પૅડવુમન

ઇમેજ સ્રોત, Hemington James

પૂજા ગોસ્વામી, એક અંડર ટ્રાયલ કેદી છે અને હત્યાના અરોપનો સામનો કરી રહ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે, આ કામના કારણે દિવસ પસાર થઈ જાય છે અને સામે વળતર પણ મળે છે. કામ સારું છે અને કરવાનું ગમે છે.

એની મારીયા મોસાગો, એનડીપીએસની આરોપી છે અને પોતાનો આખો દિવસ આ કામમાં પસાર કરે છે. તેમણે કહ્યું કે, આ કામના કારણે બીજા બધા વિચારો આવતા બંધ થઈ જાય છે તથા અન્ય લોકો સાથે બેસીને કામ કરવાથી મન પણ પ્રફુલ્લિત રહે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો