ઉંમર અને સુંદરતાની વચ્ચે પીડાતી મહિલાઓની મૂંઝવણ

ઇમેજ સ્રોત, FACEBOOK/AISHA GHANI
- લેેખક, નવીન નેગી
- પદ, બીબીસી સંવાદદાતા
ચમકદાર અજવાળું, કૅમેરા ફ્લૅશ અને સ્ટેજ પર પોતાના અવાજ અને અદાઓથી માહોલ બનાવી રહેલાં સુંદર હોસ્ટ, જેમની દરેક અદા પર દર્શકો તાળીઓ પાડે છે.
કદાચ તમે અંદાજ લગાવી લીધો હશે કે આ તસવીર કોઈ ગ્લૅમરસ સ્ટેજ શોની છે. પણ આ રોશનીથી અલગ એક દુનિયા આ સ્ટેજ પાછળ પણ હોય છે.
જ્યાં સુધી ચમકદાર રોશની પહોંચતી નથી, કૅમેરાના ફ્લૅશ મંદ થઈ જાય છે અને દર્શકોની તાળીઓ હવામાં ઓગળી જાય છે.
જે સુંદર ચહેરાઓથી સ્ટેજ પર રોશની પથરાય છે, તેમના પર એક ઉંમર પછી પણ પોતાની સુંદરતા જાળવી રાખવાનું દબાણ રહે છે.
એવા અનેક ચહેરાઓ છે કે જે એક સમયે દરેક ઘરોમાં જાણીતા હતા, સમય જતાં આ ચહેરા પણ ઝાંખા થઈ ગયા.
વર્ષ 2001માં ટીવી પર એક સીરિયલ આવતી હતી 'કુસુમ'. આ સીરિયલમાં મુખ્ય પાત્રની ભૂમિકા નિભાવનાર નૌશીન અલી સરદાર એ વખતે દરેક ઘરમાં 'કુસુમ' નામથી જ ઓળખાતાં હતાં.

ઇમેજ સ્રોત, NAUSHEEN/INSTAGRAM
હવે 35 વર્ષનાં થઈ ગયેલાં નૌશીન ઇંસ્ટાગ્રામ પર પોતાની તસવીર અપલોડ કરતાં રહે છે. તેઓ એક નવી સીરિયલ 'અલાદ્દીન'માં જોવા મળ્યાં.
આ શો સાથે સંકળાયેલી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી અને ત્યારબાદ લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રોલ કરનાર લોકોએ નૌશીનની ઉંમર અને તસવીરો પર ફિલ્ટરનો ઉપયોગ કરવા અંગે મજાક કરી.
સોશિયલ મીડિયા પર થયેલા ટ્રોલિંગના જવાબમાં નૌશીને બીબીસીને કહ્યું કે જ્યારે તેઓ કુસુમ સીરિયલમા કામ કરતાં હતાં, ત્યારે તેમની ઉંમર 17-18 વર્ષ હતી એ સમયે તેઓ 29-30 વર્ષની મહિલાનો રોલ કરતાં હતાં.
લોકોને લાગે છે કે અત્યાર સુધી તો હું 50 વર્ષની મહિલા થઈ ગઈ હોઈશ, જોકે એવું જરાય નથી.
ગ્લૅમરની દુનિયામાં મહિલાઓની ઓછી ઉંમરનું કેટલું મહત્ત્વ છે, આ અંગે નૌશીન જવાબ આપે છે કે બોલીવૂડની દુનિયા પુરુષપ્રધાન છે એમ ટીવીની દુનિયામાં મહિલાઓ વધારે રોલ કરે છે.
તેઓ કહે છે, "ટીવીની દુનિયામાં તમે 21 વર્ષના હોવ કે પછી 41 વર્ષના હોવ તમને માતાનો રોલ મળી શકે છે. જો લીડ રોલ છોડી દેતી અભિનેત્રીઓની વાત કરીએ તો તેમણે પારિવારિક જવાબદારીઓના કારણે બ્રેક લેવો પડે છે."

ઉંમર અને કૅરિયર

ઇમેજ સ્રોત, Nausheen
નૌશીને વાતવાતમાં એક અત્યંત જરૂરી બાબત તરફ ધ્યાન ખેંચ્યું.
તેમણે કહ્યું કે જો કોઈ એક્ટ્રેસ સતત કામ કરે તો વધારો પ્રશ્નોનો સામનો કરવો પડતો નથી, પણ જો કોઈ પારિવારિક કારણોસર કે અંગત કારણોસર નાનામોટા બ્રેક લે તો તેમને લોકો ફરીથી તરત સ્વીકારતાં નથી.
તેમને મળતાં રોલમાં પણ પરિવર્તન આવી જાય છે.
જોકે નૌશીન આ વાત ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંદર્ભે કરતાં હતાં પણ મહિલાઓની ઉંમર અને કૅરિયર સાથે જોડાયેલું આ સત્ય તમામ અન્ય નોકરીઓમાં પણ લાગુ પડે છે.
ફોર્બ્સ ઇન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ જણાવે છે કે ભારતમાં મહિલાઓ ક્યારેય એક લીનિયર કૅરિયર જૉબ(સતત નોકરી) કરી શકતી નથી.
આ રિપોર્ટ પ્રમાણે, સેન્ટર ફૉર ટૅલેન્ટ ઇનોવેશન (સીટીઆઈ)એ વર્ષ 2012માં દુનિયાના અલગ-અલગ ભાગોમાં મહિલાઓની નોકરી કરવાની પૅટર્ન પર અભ્યાસ કર્યો.
આ અભ્યાસમાં ભારત તરફથી 3 હજાર મહિલા અને પુરુષના ઇંટરવ્યૂ થયા, ત્યાર બાદ નિષ્કર્ષ નીકળ્યો કે ભારતમાં 36 ટકા મહિલાઓ પોતાની નોકરીથી બ્રેક લઈ લે છે.
લગભગ સમાન આંકડા જર્મની અને અમેરિકાના હતા.

ઇમેજ સ્રોત, PRIYA KURIAN
આ અભ્યાસમાં આગળ જણાવ્યું છે કે જે મહિલાઓ પોતાની નોકરી છોડે છે, એમાંથી 58 ટકા જ મહિલાઓ જ ફરીથી ફૂલ ટાઇમ વર્કમાં આવે છે.
ગ્લૅમરની દુનિયાની વાત કરીએ તો મહિલાઓની સુંદર અને જવાન દેખાવાની શરત માત્ર ટીવી અને ફિલ્મમાં જ હોય છે એવું નથી, એમાં સ્ટેજ શો એન્કર અને એર હૉસ્ટેસ જેવી કૅરિયરનો પણ સમાવેશ થાય છે.
દિલ્હીમાં અને શો હોસ્ટ કરી ચૂકેલાં એન્કર કૃષ્ણા વર્મા માને છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે. પણ તેઓ એમ પણ કહે છે કે ગ્લૅમરની દુનિયામાં ઉંમરના આ નંબરનું મહત્ત્વ વધી જાય છે.
તે કહે છે, "ગ્લૅમર વર્લ્ડ સાથે જોડાયેલી છોકરીઓ પર હંમેશાં જવાન દેખાવાનું દબાણ રહે છે, જો તમે ફિટ અને આકર્ષક ન રહો તો તમારે ટૂંકા ગાળામાં જ રિજેક્શનનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે."
મૂળ હરિયાણામાં રહેતાં કૃષ્ણા હાલમાં 36 વર્ષના છે, વર્ષ 2009માં તેમનાં લગ્ન થઈ ગયાં હતાં અને હાલમાં તે બે બાળકોનાં માતા છે.
પોતાના કરિયરનો સૌથી સારો સમય યાદ કરતાં કૃષ્ણા કહે છે કે લગ્ન પહેલાં તેઓ એટલા વ્યસ્ત હતાં કે એક મહિનામાં લગભગ 20-22 શો એન્કર કરતાં હતાં. પણ લગ્ન થઈ ગયા બાદ તેમને સ્ટેજ શોની ઑફર આવતી ઓછી થઈ ગઈ.

ઉંમર ઘટાડવાના પ્રયાસ

ઇમેજ સ્રોત, KRISHNA MAHRA
આમ તો સુંદરતાને ઉંમર સાથે સંબંધ નથી, પણ જ્યાં કૅરિયર અને કામની વાત આવે ત્યાં ઉંમરનું મહત્ત્વ વધી જાય છે.
દર વર્ષે એક-એક પગથિયું ચઢી રહેલી ઉંમરને કેવી રીતે ઓછી કરી શકાય, અથવા તો એવું કહીએ કે ઉંમરને કેવી રીતે છુપાવી શકાય, આ બાબતમાં બજારની ભૂમિકા પણ કંઈ ઓછી નથી.
આ જ રીતે અભિનેતા શાહિદ કપૂરનાં પત્ની મીરા રાજપૂતની એક જાહેરાત ચર્ચામાં રહી હતી.
ઍન્ટિ-એજિંગ ક્રીમની આ જાહેરાતમાં મીરા કહે છે કે મા બન્યા બાદ તેમની ત્વચા પર ઉંમરની અસર દેખાવા લાગી હતી, ખાસ ક્રીમની મદદથી તેમણે આ અસર દૂર કરી લીધી.
મીરાની આ જાહેરાતની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ, સોશિયલ મીડિયા યૂઝર્સે લખ્યું કે માંડ 23 વર્ષની મીરા એન્ટી-એજિન્ગ ક્રીમની જાહેરાત કેમ કરી રહી છે.
દક્ષિણ ભારતીય અભિનેત્રી અમલાએ ગયાં વર્ષે ટીવીની દુનિયામાં મહિલાઓની ઉંમર પર થતી ચર્ચા અંગે બીબીસીને કહ્યું હતું, "એક પ્રકારની માનસિકતા છે કે મહિલાઓએ વૃદ્ધ ન થવું જોઈએ, દુનિયાનું કોઈ પણ પ્રાણી જોઈ લો તમામ પોતાની જવાનીના દિવસોમાં જ સૌથી સુંદર દેખાય છે."

નવા ચહેરાઓના પડકારો
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
ગ્લૅમરની દુનિયામાં એક મોટો પડકાર દરરોજ નવી છોકરીઓ અને ટૅલેન્ટની એન્ટ્રી સંદર્ભે છે.
ઇવેન્ટ શો હોસ્ટ કરી ચૂકેલાં કૃષ્ણા કહે છે, "ઉંમર વધવાની સાથેસાથે નવી યુવતીઓ પણ પડકાર સર્જે છે. ઇવેન્ટ મૅનેજર કહે છે કે નવા ચહેરાઓ શોમાં સામેલ થાય. જોકે અનુભવ પણ મહત્ત્વનો છે પણ આ ગ્લૅમરની દુનિયા છે અહીં યુવાન દેખાવું એ જ પહેલી શરત છે."
બીજી તરફ યુવાન મૉડલના દિલ અને દિમાગમાં ચાલતી ઊથલપાથલ પણ કંઈ ઓછી નથી.
દેહરાદૂનમાં રહેતાં આયેશા ધાની છેલ્લાં પાંચ વર્ષથી દેશ-વિદેશમાં મૉડલિંગ અને ઇવેન્ટ શો હોસ્ટ કરે છે.
તેઓ કહે છે કે હાલમાં તેમના હાથમાં ઘણા પ્રોજેક્ટ છે, તે એટલાં વ્યસ્ત છે કે ઘણી વખત પોતાના ખાસ મિત્રો અથવા સંબંધીઓ સાથે પળભર વાત પણ કરી શકતાં નથી.

ઇમેજ સ્રોત, FACEBOOK/AISHA GHANI
આયેશાને જે પડકારોનો સામનો કરવો પડે છે એ વિશે તેઓ કહે છે, "હંમેશાં પ્રેઝન્ટેબલ દેખાવાનું દબાણ રહે છે, સ્થિતિ ભલેને ગમે તેવી હોય અમારે હસતાં રહેવું પડે છે."
"સૌથી મોટો ડર ઉંમર વધવાનો છે. મને ખબર છે કે આવનારાં ચાર-પાંચ વર્ષોમાં મારે પણ લગ્ન કરવા પડશે, કદાચ આ ગ્લૅમરની દુનિયા એ વખતે જ ખતમ થઈ જાય."
મહિલાઓ માટે ગ્લૅમરની દુનિયા જેટલી ઝડપથી ખ્યાતિ લઈ આવે છે, એટલી જ ઝડપથી તેમને એકલતામાં ધકેલી દે છે.
ફરી વખત જ્યારે નૌશીન સમક્ષ આ પ્રશ્ન મૂકવામાં આવે છે કે શું ઉંમર ખરેખર કરિયર પર અસર કરે છે?
તેઓ હસીને કહે છે, "90ના દાયકામાં એવું હતું, જો આજે પણ એવું જ માનીશું તો આપણે આગળ કેવી રીતે વધીશું? મૅચ્યોર થઈને વિચાર કરવાની જરૂર છે. ઉંમર માત્ર એક સંખ્યા છે એ સમજવું જરૂરી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














