પીરિયડ્ઝમાં હોય તેવી સ્ત્રી માટે ઘરમંદિરના દરવાજા ક્યારે ખોલશો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
મારી નવપરણીત સખીએ લગભગ બે સપ્તાહ પહેલાં મને જણાવ્યું હતું કે તે તેના ત્રીજના પહેલાં વ્રતની તૈયારી કરી રહી છે.
ત્રીજ મુખ્યત્વે ઉત્તર ભારતમાં ઊજવાતું એક પર્વ છે, જેની ઊજવણી ખુશહાલ લગ્નજીવનની પ્રાર્થના સાથે કરવામાં આવે છે.
ત્રીજ માટે પરિણીત મહિલાઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને રાતના પ્રત્યેક પ્રહરમાં પૂજા કરે છે.
મારી સાથે વાત કરતી વખતે મારી સખીના અવાજમાં બહુ ઉત્સાહ અને ખુશી અનુભવાઈ હતી.
સખીએ ત્રીજના દિવસે પહેરવા માટે નવી સાડી લીધી હતી અને બન્ને હાથમાં મહેંદી પણ મૂકાવી હતી. તેને ખુશ જોઈને હું પણ રાજી હતી, પણ ત્રીજની સવારે તેના પીરિયડ્ઝ શરૂ થઈ ગયા.
એ પછી તેનાં માતા અને સાસુ બન્નેએ તેને વ્રત તથા પૂજા કરવાની મનાઈ ફરમાવી હતી.
ઘરની બીજી મહિલાઓએ પણ મારી સખીને પૂજાના ઓરડાથી દૂર રહેવાની સલાહ આપી હતી અને ભૂલથી પણ પૂજાના સામાનને નહીં અડવા જણાવ્યું હતું.
ત્રીજનું વ્રત કરી રહેલી બીજી મહિલાઓથી દૂર રહેવા પણ મારી સખીને કહેવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પીરિયડ્ઝ અને ઘરમંદિરમાં પ્રવેશ

ઇમેજ સ્રોત, SABARIMALA.KERALA.GOV.IN
એ ઘટના પછી સખીએ લગભગ રડતાં મારી સાથે બીજીવાર વાત કરી ત્યારે મને એવું લાગ્યું હતું કે કોઈએ જાણે મારાં હૈયામાં ખીલો ઠોકી દીધો છે.
મારી સખીના ઉત્સાહ અને ત્રીજ માટે તેણે કરેલી તૈયારીનો વિચાર મને આવ્યો. વૉટ્સઍપ પર મળેલા મહેંદી મૂકેલા હાથના ફોટોગ્રાફને ફરી એકવાર નિહાળ્યા અને મારી આંખો અચાનક ભીની થઈ ગઈ.
મેં તેને ગુસ્સામાં કહ્યું કે તારે ત્રીજની સાથે એવા ધર્મને પણ છોડી દેવો હતો, જે તારા દિલમાંના પ્રેમ અને સારપને બદલે પીરિયડ્ઝને લીધે મંદિરમાં તારા પ્રવેશનો નિર્ણય કરે છે.
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને હટાવતા સુપ્રીમ કોર્ટના આદેશના સમાચાર શુક્રવારે સવારે સંખ્યાબંધ ટીવી સ્ક્રીન્સ પર એકસાથે ફ્લૅશ થઈ રહ્યા હતા ત્યારે મને ભોપાલમાંની મારી એ સખી તથા ત્રીજનો કિસ્સો યાદ આવી રહ્યો હતો.

શું હતો સબરીમાલા મંદિરનો વિવાદ?

ઇમેજ સ્રોત, SABARIMALA.KERELA.GOV.IN
કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર અત્યાર સુધી પ્રતિબંધ હતો.
હિંદુઓના મુખ્ય તીર્થસ્થળો પૈકીનાં એક ગણાતા આ મંદિરમાં સેંકડો વર્ષોથી એ પ્રતિબંધ અમલમાં હતો.
આ ભેદભાવ પાછળ મંદિરના વહીવટીતંત્રનો તર્ક એવો હતો કે મંદિરની અંદર બેઠેલા ભગવાન અયપ્પા આજીવન બ્રહ્મચારી રહ્યા છે. તેથી માસિકની વયમાં હોય તેવી મહિલાઓ ત્યાં જઈને પૂજા કરી શકે નહીં.
'ઇન્ડિયન યંગ લૉયર્સ ઍસોસિયેશન'એ 2006માં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ કરીને મંદિરના એ પ્રતિબંધને પડકાર્યો હતો.
12 વર્ષ સુધીની સુનાવણી અને કલાકો સુધી બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે 2018ની 28 સપ્ટેમ્બરે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Reuters
વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરીમન, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ ચંદ્રચૂડની બંધારણીય ખંડપીઠે ચૂકાદો આપતાં મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને બંધારણની કલમક્રમાંક 14નું ઉલ્લંઘન ગણાવ્યો હતો.
ખંડપીઠે કહ્યું હતું, "કોઈને પણ, ભેદભાવ વિના મંદિરમાં પૂજા કરવાની પરવાનગી મળવી જોઈએ."
આ બંધારણીય ખંડપીઠમાંના પાંચમા અને એકમાત્ર મહિલા ન્યાયાધિશ જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ બાકી ચાર જજોના નિર્ણય સાથે અસહમતિ દર્શાવી હતી અને કોર્ટે 4-1થી ઉપરોક્ત ચૂકાદો આપ્યો હતો.

અંધવિશ્વાસની અતાર્કિક ધૂળ

ઇમેજ સ્રોત, AFP
કોર્ટના ચૂકાદા વિશે વાંચતાં મારા મનમાં મારી ભત્રીજીનો ચહેરો દેખાયો હતો. મારી કિશોર વયની એ ભત્રીજીને બે વર્ષ પહેલાં જ પીરિયડ્ઝ શરૂ થયા છે.
તેણે મને એક દિવસ ગભરાટભર્યા અવાજમાં જણાવ્યું હતું કે તે પીરિયડ્ઝમાં હોય ત્યારે ભગવાનજીના ઓરડામાં જવાની મનાઈ દાદીએ કરી છે. એ ઉપરાંત રસોડા જવાની અને અથાણાંની બરણીઓને અડવાની મનાઈ પણ ફરમાવી છે.
ભત્રીજીએ મને કહ્યું હતું, "એ દિવસે મમ્મીએ મને ભાવતી કઢી બનાવી હતી. બહુ ભૂખ લાગી હતી એટલે મને યાદ ન રહ્યું કે મારા પીરિયડ્ઝ ચાલી રહ્યા છે. તેથી કડાઈમાંથી કઢી લેવા માટે હું દોડતી રસોડામાં ચાલી ગઈ હતી."
"પાછળથી દાદી આવી ચડ્યાં અને તેમણે મમ્મી પર બહુ ગુસ્સો કર્યો હતો," આ વાત કહેવાની સાથે તેણે મને સવાલ કર્યો હતો કે આવું શા માટે?
મારી પાસે તેના સવાલનો કોઈ જવાબ ન હતો. મારી દૂરની ભત્રીજીની માફક ભારતનાં સેંકડો ઘરોમાં મોટી થઈ રહેલી કિશોરીઓ આપણી પાસેથી જવાબ માગી રહી છે.
સવાલ એ છે કે સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને તો સુપ્રીમ કોર્ટે ઉઠાવી લીધો, પણ આપણે આપણા દિમાગ પરની અંધવિશ્વાસની અતાર્કિક ધૂળને ક્યારે હટાવીશું?
પીરિયડ્ઝમાંથી પસાર થતી મહિલાઓ માટે આપણે આપણાં ઘરમંદિરો, આપણાં રસોડાં અને આપણા દિલનાં દરવાજા ક્યારે ખોલીશું?
પીરિયડ્ઝ કે માસિક મહિલાઓની શરીરમાં પ્રજનન સાથે જોડાયેલી એક સામાન્ય જૈવિક પ્રક્રિયા છે. જે પ્રક્રિયા સૃષ્ટિની રચના અને મનુષ્યના અસ્તિત્વનું કારણ હોય તે અપવિત્ર કઈ રીતે હોઈ શકે?
વળી કોઈ મહિલા મહિનાના એ પાંચ દિવસ અપવિત્ર હોય તો આપણે પવિત્રતાના આવા માપદંડને જ ખતમ કરી દેવો જોઈએ.
સુપ્રીમ કોર્ટ આખી દુનિયા સામે બંડ પોકારીને આપણી પડખે ઊભી રહી શકે છે, પણ સવાલ એ છે કે એક સમાજ તરીકે આપણે પોતે આપણી વસ્તીના બીજા અડધા હિસ્સાની પડખે ક્યારે ઊભા રહીશું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














