અતિપછાત જ્ઞાતિઓને અનામતમાંથી અલગ અનામત આપવામાં આવે તો શું થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુરુવારે ભારતની સર્વોચ્ચ અદાલતે અનામતના વર્ગોમાં પેટા-વર્ગીકરણ કરવાના રાજ્યના અધિકારને માન્યતા આપતું નિરીક્ષણ કર્યું છે.
સર્વોચ્ચ અદાલતના નિરીક્ષણ અનુસાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગ (SC, ST અને SEBC) માટે કરાયેલ અનામતની વ્યવસ્થામાં હવેથી અતિપછાત સમુદાયના લોકોને ન્યાય મળવાની આશા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.
નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી અનામતની વ્યવસ્થાનો લાભ વંચિત સમાજમાં પણ કેટલાક નિશ્ચિત વર્ગના લોકોને જ મળી રહ્યો હોવાના કારણે વંચિત સમાજના અતિપછાત વર્ગ દ્વારા અવારનવાર અનામતના વર્ગોમાં પેટાવર્ગીકરણ કરવાની માગણી ઊઠી રહી હતી.
નોંધનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે રાજ્ય દ્વારા અનામતનો લાભ મેળવતા વર્ગોમાં અમુક ચોક્કસ સમુદાયને પ્રાથમિકતા આપવા માટે કરાયેલ પેટાવર્ગીકરણની વ્યવસ્થાને ગેરબંધારણીય જાહેર કરી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે, હાલના નિરીક્ષણ પ્રમાણે સુપ્રીમ કોર્ટે આ પ્રકારના વર્ગીકરણ અંગે સંમતિયુક્ત નિરીક્ષણ કર્યું છે.
હવે જ્યારે સર્વોચ્ચ અદાલતે આ મુદ્દો પોતાના હાથમાં લીધો છે ત્યારે આખરે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં અનામત મેળવતા વર્ગોમાં પણ કેમ અલાયદા વર્ગીકરણની વ્યવસ્થા ગોઠવવાની માગ ઊઠી રહી છે એ જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.
એ પહેલાં જાણી લઈએ કે સુપ્રીમ કોર્ટ બાદ ચર્ચાનો વિષય બની ગયેલો આ મામલો ખરેખર શું છે?

શું હતો મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2004માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બૅન્ચે ઈ. વી. ચિનૈયા વિરુદ્ધ આંધ્રપ્રદેશ રાજ્ય મામલામાં ઠરાવ્યું હતું કે “અનામત સમાન લોકોના સમૂહને અપાઈ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિર્ણય પ્રમાણે સુપ્રીમ કોર્ટે તે સમયે ઠરાવ્યું હતું કે, “અનુસૂચિત જાતિના લોકો એક ચોક્કસ જૂથનું નિર્માણ કરે છે. તેથી આ જાતિમાં આંતરિક વર્ગીકરણ એ બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન ગણાશે.”
સાદી ભાષામાં સુપ્રીમ કોર્ટે એ ચુકાદાથી અનામત મેળવતી જાતિઓમાં પેટાવર્ગીકરણ કરવાના સરકારના અધિકારને ગેરબંધારણીય ઠેરવી દીધો હતો.
જોકે ગુરુવારે જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પીઠે આ ચુકાદા વિરુદ્ધનું નિરીક્ષણ રજૂ કર્યું છે.
આ નિરીક્ષણમાં નોંધાયું છે કે, સરકાર SC, ST અને OBC વર્ગોમાં પેટાવર્ગીકરણ કરી શકે છે. જેથી અનામતનો ખરો હેતુ સિદ્ધ કરી શકાય.
જોકે, આ મામલે આ અંતિમ નિરીક્ષણ ન કહી શકાય. કારણ કે જસ્ટિસ મિશ્રાની બૅન્ચે આખરી નિર્ણય માટે આ મામલાની સુનાવણી સાત જજ કે તેથી વધુની સંખ્યાવાળી બંધારણીય બૅન્ચ સમક્ષ કરવા માટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરી છે.

કોણ છે આ નબળા વર્ગો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના સામાજિક ન્યાય વિભાગની વેબસાઇટ પર દર્શાવેલ યાદી અનુસાર ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય તેવી 146 જ્ઞાતિઓનાં નામ નોંધાયેલાં છે. જે પૈકી ડફેર, મેતા, મેણા અને કાંગસીયા જેવી 12 જ્ઞાતિઓને અતિ પછાત જ્ઞાતિઓ તરીકે માન્યતા અપાઈ છે.
સામાજિક ન્યાય વિભાગની વેબસાઇટ પરની અન્ય વિગતો અનુસાર કુલ 36 જ્ઞાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવી લેવાઈ છે. જે પૈકી સેનવા, તુરી અને માતંગ જેવી 12 જ્ઞાતિઓને અતિ પછાત જ્ઞાતિઓ તરીકેની માન્યતા અપાઈ છે.
આદિવાસીઓના અધિકારો માટે કાર્યરત્ પ્રોફેસર આનંદ વસાવાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનીમાં કુલ 29 જ્ઞાતિઓ સમાવિષ્ટ છે. તેમજ તેમાં પછાત અને અતિ પછાત એવું વર્ગીકરણ કરાયું નથી.
નિષ્ણાતો અનુસાર અવારનવાર અનામત મેળવતા વર્ગો પૈકી અમુક ચોક્કસ સમુદાયને જ લાભ મળતા હોવાની ફરિયાદો ઊઠતી રહે છે.
જે કારણે આવા વર્ગોમાં રહેલી અતિ પછાત જ્ઞાતિના લોકો દ્વારા પોતાની કૅટેગરીમાં અલાયદી અનામત આપવાની રજૂઆતો થતી રહે છે. જેથી શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં જે-તે સમાજના લોકોનું પૂરતું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય.

‘યોગ્ય અમલ થવો જરૂરી’

દલિત અધિકારો માટે કામ કરતાં સમાજસેવક રાજુ સોલંકી SC, ST અને OBC વર્ગોમાં પેટાવર્ગીકરણ આ સમાજના અતિ પછાત લોકો માટે લાભકારક સાબિત થઈ શકે તેવો મત રજૂ કરે છે.
આ વિશે તેઓ જણાવે છે કે, “જો સંપૂર્ણ અનામતપ્રથાની યોગ્ય રીતે અમલવારી થાય તો જ આ પ્રકારના પેટાવર્ગીકરણનો યોગ્ય લાભ મળી શકે.”
આ સિવાય તેઓ આર્થિક આધારે અપાતી અનામતને અનામતના પેટાવર્ગીકરણ અને સમગ્ર અનામતપ્રથા માટે એક ભયસ્થાન ગણાવે છે.
તેઓ આ વિશે કહે છે, “જો સરકાર ખરેખર અનામત મેળવતા વર્ગોમાં અતિ પછાત રહી ગયેલા સમુદાયો માટે પેટાવર્ગીકરણ કરવા માગતી હોય તો સૌપ્રથમ આર્થિક આધારે અપાતી અનામત બંધ કરવી પડે.”
“જો આવું શક્ય બને તો જ સંપૂર્ણ અનામતપ્રથા અને પેટાવર્ગીકરણનો લાભ મળી શકશે.”
તેઓ આગળ વાત કરતાં કહે છે કે, “જોકે, સરકાર હાલની અનામતપ્રથાનો બરોબર અમલ કરવામાં રસ ધરાવતી હોય તેવું નથી લાગતું તો પછી અનામત મેળવતા વર્ગોના પેટાવર્ગીકરણની વાત તો દૂરની છે.”
તેઓ દેશમાં અનામતપ્રથાના અપૂરતા અમલ તરફ ધ્યાન દોરતાં જણાવે છે, “દેશમાં શિક્ષણના ક્ષેત્રે અને ન્યાયવ્યવસ્થા ક્ષેત્રે પણ અનામતનો અમલ બરાબર થતો નથી. તેથી પહેલાં આવાં બધા ક્ષેત્રોમાં અનામતની અમલવારી થાય અને પછી પેટાવર્ગીકરણની વાત થાય એ ઇચ્છનીય છે.”

‘સમાજમાં અંદરોઅંદર ઘર્ષણ વધશે’

ઇમેજ સ્રોત, Getty Images
સાંસ્કૃતિક કાર્યકર અને ચિંતક ગણેશ દેવી અનામતના પેટાવર્ગીકરણનાં પરિણામો વિશે વાત કરતાં જણાવે છે કે, “હાલ અનામતના લાભ મેળવનાર લોકોની સંખ્યા વધુ છે જ્યારે તેની સરખામણીએ તકો ઘણી ઓછી છે."
"આવી પરિસ્થિતિમાં આ પેટાવર્ગીકરણની વ્યવસ્થા જુદી-જુદી જ્ઞાતિઓ વચ્ચે ઘર્ષણનું કારણ બની શકે છે. અનામત મેળવતા વર્ગોનું પેટાવર્ગીકરણ આવા સમાજો માટે અહિતકારી સાબિત થશે.”
તેઓ આ વિશે આગળ વાત કરતાં કહે છે કે, “અત્યારની પરિસ્થિતિ પ્રમાણે નવી-નવી જ્ઞાતિઓ અનામત માટેની માગણી કરી રહી છે, ત્યારે પેટાવર્ગીકરણની વ્યવસ્થા કરવા માટે સરકાર અને કોર્ટે એ પણ જોવું પડશે કે આ બધામાંથી ખરેખર વંચિત કોણ છે.”
“હાલ પ્રમાણમાં ઓછી ગરીબ કોમો દ્વારા પણ અનામતની માગણી કરાઈ રહી છે, આવા પ્રકારની માગણીઓને સંતોષવાના પણ પ્રયત્નો ઘણી સરકારો દ્વારા થઈ રહ્યા છે."
"જો આવી પરિસ્થિતિ સર્જાશે તો તે સામાજિક ન્યાયના સિદ્ધાંતને નકારશે તેમાં કોઈ બેમત નથી.”

‘મિશ્ર અસરો થઈ શકે’

ઇમેજ સ્રોત, Reuters
ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર ઝવેરભાઈ પટેલ આ વિશે વાત કરતાં જણાવે છે કે, “જો અનામત મેળવતા વર્ગોમાં પેટાવર્ગીકરણને મંજૂરી અપાય તો તેની હકારાત્મક અને નકારત્મક બંને પ્રકારની અસરો થઈ શકે છે.”
“જો આ વ્યવસ્થા અમલમાં આવે અને અતિપછાત વર્ગને અનામતનો લાભ મળે એ રીતે તેનું યોગ્ય અમલ થાય તો આ વ્યવસ્થા કરવી સાર્થક નીવડે. આટલાં વર્ષોમાં સરકારે અનામતનો લાભ મેળવનાર જ્ઞાતિઓની પૂરેપૂરી જગ્યાઓ યોગ્ય રીતે ભરી હોત, તો અનામતના પેટાવર્ગીકરણનો પ્રશ્ન ઊભો જ નહોતો થવાનો.”
ગણેશ દેવીને જેમ પ્રોફેસર પટેલ પણ આ પ્રકારનું વર્ગીકરણ સામાજિક ઘર્ષણ માટે કારણભૂત બની શકે તેની શક્યતા વ્યક્ત કરે છે.
તેઓ કહે છે કે, “અતિ પછાત વર્ગને આ પ્રકારની વ્યવસ્થાથી લાભ તો થશે, પરંતુ જે-તે વર્ગના અન્ય જ્ઞાતિના લોકો અને આવી અતિ પછાત કોમના લોકો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.”
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને વકીલ આનંદ યાજ્ઞિક અનામતનો લાભ મેળવતા વર્ગો પૈકી અતિ પછાત વર્ગો માટે હિતકારી ગણાવે છે.
તેઓ આ વિશે વાત કરતાં જણાવે છે કે, “બંધારણની કલમ 15 (4) મુજબ રાજ્ય SC, ST અને SEBC માટે અનામતની જોગવાઈ કરી શકે છે."
"સુપ્રીમ કોર્ટે યોગ્ય રીતે અર્થઘટન કરતા નિર્ણય લીધો છે કે હવેથી રાજ્ય SC, ST અને SEBC વર્ગોને મળતી અનામતમાં પેટાવર્ગીકરણ કરી શકશે. હું તેને આવકારું છું.”
“SC, ST અને SEBCમાં ઘણી જ્ઞાતિઓના લોકો આરક્ષણનો લાભ લઈને ભણ્યા અને આગળ આવ્યા છે. જ્યારે તેની સામે અન્ય ઘણા લોકો તેનો લાભ લઈ શક્યા નથી."
"જે કારણે એક જ સમાજની અંદર અસામનતા ઊભી થઈ છે. આ અસમાનતાના નિવારણ માટે સુપ્રીમ કોર્ટે સમાજમાં અનામત માટે પેટાવર્ગીકરણનો સ્વીકાર કર્યો છે. જોકે, નેતાઓ દ્વારા આ વ્યવસ્થાનો રાજકીય લાભ ન લઈ લેવાય એ જોવું પણ જરૂરી છે.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












