પ્રશાંત ભૂષણ: ભારતના 'જનહિત અરજીઓમાં નંબર વન વકીલ' કે અરાજકતાવાદી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા
વાત જુની છે. કદાચ લગભગ 40-41 વર્ષ પહેલાંની. અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં 23 વર્ષના એક નવયુવક એક સાયન્સ ફિક્શન (વિજ્ઞાનના વિષય પરની નવલકથા) લખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ 'બ્રહ્માંડમાં પૃથ્વી ઉપરાંત પણ દુનિયા છે' એ વિષય પર લખાયેલી આ નવલકથા પ્રકાશિત ન થઈ શકી.
આગળ જતાં આ યુવકે બીજા અનેક પુસ્તકો લખ્યા, પરંતુ વિશ્વ આજે એ નવયુવક, પ્રશાંત ભૂષણને એક લેખક તરીકે નહીં પરંતુ એક વકીલના રૂપમાં જાણે છે. એક એવા વકીલના રૂપમાં જેમણે 500થી વધુ કેસ લડ્યાં છે.
એ કેસો પૈકી મોટા ભાગના પર્યાવરણ, માનવઅધિકાર અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા સાથે જોડાયેલા કેસ છે જેને કોઈ પણ ફી લીધા વિના કે સાવ નજીવી લઈને લડવામાં આવ્યા.
અંગ્રેજી મૅગેઝિન 'ઇન્ડિયા ટુડે'એ પોતાના એક લેખમાં એમને 'ભારતના જનહિત અરજીઓના નંબર વન વકીલ' કહ્યા હતા.
પ્રશાંત ભૂષણના આ કામોને જોકે કેટલાક લોકો 'ચર્ચામાં આવવા માટે કરાયેલા' કામ ગણાવે છે જેના તેઓ "સિદ્ધહસ્ત કલાકાર' છે. કેટલાંક પ્રમાણે તેઓ એક અરાજકતાવાદી છે.
ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે એમને કોર્ટની ગરિમા ઓછી કરવાના પ્રયાસમાં દોષિત ઠેરવ્યા છે અને નિવેદન બદલવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. પરંતુ જાણીતા વકીલનો અદાલતના અનાદરનો આ પહેલો કેસ નથી.
63 વર્ષના પ્રશાંત ભૂષણનો અન્ય પરિચય પણ છે. તેઓ એક પતિ છે, પિતા, રાજકારણી અને કલા સંગ્રાહક પણ છે.
પિતા શાંતિ ભૂષણની વકીલાત સાથે જોડાયેલા અને સફળ વકીલ હોવા છતાં પ્રશાંત ભૂષણનો આ વ્યવસાયમાં જવાનો કદાચ કોઈ ઈરાદો ન હતો, શરૂઆતમાં તો બિલકુલ નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વિજ્ઞાનનાં પુસ્તકોનો શોખ

ઇમેજ સ્રોત, Twitter
પહેલાં તેઓ એંજિનયરિંગના અભ્યાસ માટે IIT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી મદ્રાસ ગયા. પરંતુ એને એમણે એક સેમેસ્ટર પછી છોડી દીધો. કારણકે એમના શબ્દોમાં "બે વર્ષનાં નાનાં બહેન જેમનાં પર એમને ઘણું હેત હતું, એમને તેઓ ખુબ જ મિસ કરી રહ્યા હતા."
કાયદાના અભ્યાસ માટે અલાહાબાદ વિશ્વવિદ્યાલય તેઓ પ્રિન્સટનથી થઈને આવ્યા હતા જ્યાં તેમણે સાયન્સ ઑફ ફિલોસોફીનો કોર્સ કર્યો હતો.
ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ચૂંટણીમાં છેતરપિંડીનો કેસ શાંતિ ભૂષણ જ લડ્યા હતા. જેમાં તત્કાલીન વડાં પ્રધાન હારી ગયા હતાં અને દેશમાં કટોકટી લાગુ કરી દીધી હતી જે 21 મહિના સુધી ચાલી હતી.
કટોકટી હઠ્યા પછી થયેલી ચૂંટણી બાદ કેન્દ્રમાં મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકારમાં શાંતિ ભૂષણ 1977-79 સુધી કાયદામંત્રી રહ્યા.
ઇન્દિરા ગાંધી વિરુધ્ધ અલાહાબાદ હાઈકોર્ટમાં ચૂંટણીમાં છેતરપિંડીનો કેસ સમાજવાદી નેતા રાજનારાયણે દાખલ કરાવ્યો હતો.
પ્રશાંત ભૂષણ બે વર્ષ સુધી ચાલેલા કેસની સુનાવણીમાં હાજર રહ્યા હતા જે પછી એમણે 'ધ કેસ ધૅટ શુક ઇન્ડિયા' નામનું પુસ્તક લખ્યું. તેમનું બીજું પુસ્તક 'બોફોર્સ: સેલિંગ ઑફ અ નેશન' તે સમયના વડા પ્રધાન રાજીવ ગાંધીની સરકારના સમયે થયેલા કથિત ટોપ ગોટાળાથી સંબંધિત છે.
પ્રિન્સટન યુનિવર્સિટીના દિવસોમાં તેમના સાથી પ્રોફેસર હરજિંદરસિંહ કહે છે કે 'પ્રશાંતનો શોખ વિજ્ઞાનના પુસ્તકોમાં હજુ પણ બનેલો છે.'
હરજિંદર કહે છે, "લગભગ બે મહિના પહેલાં એમણે મને રસાયણના પરીક્ષણ સંબંધિત એક પુસ્તક વિશે પૂછ્યું હતું.'
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ

જનહિતનાં કેસોની જાળ

ઇમેજ સ્રોત, PTI
ત્યારે કૉંગ્રેસ(ઓ)ના સભ્ય શાંતિ ભૂષણે પોતાના સંસ્મરણ કોટિંગ ડેસ્ટિની: અ મૅમોઍર'માં લખ્યું છે કે 1976માં બંબઈ (ત્યારે તે આ જ નામે ઓળખાતું હતું)માં જયપ્રકાશ નારાયણે જે બેઠક બોલાવી હતી એમાં તેઓ સામેલ હતા. અને ત્યાં જ બે દિવસની બેઠક પછી નક્કી કરાયું કે જો ઇન્દિરા ગાંધીને હરાવવા હશે તો કૉંગ્રેસ(ઓ), જનસંઘ, સોશિયાલિસ્ટ પાર્ટી અને ભારતીય લોકદળનો વિલય કરવો પડશે.
શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણ લોકપાલ બિલની જૉઈન્ટ ડ્રાફ્ટિંગ કમિટિના સભ્ય પણ હતા.
આઈઆઈટી અને પ્રિન્સ્ટન પછી પ્રશાંત ભૂષણનો વિજ્ઞાન સાથે ભલે સીધી રીતે સંબંધ ન રહ્યો હોય પરંતુ એ જ કારણ બન્યું જ્યારે 1983માં દૂન વૅલીમાં ચુના પથ્થરના ખોદકામને કારણે પર્યાવરણને થઈ રહેલા નુકસાનનો કેસ એમની પાસે આવ્યો.
દેહરાદૂનથી બીબીસી સાથે ફોન પર વાત કરતા જાણીતા પર્યાવરણવિદ વંદના શિવાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ કેસમાં એક ઍમિકસ ક્યુરી (કોર્ટના મિત્ર વકીલ) નિયુક્ત કર્યા હતા. પરંતુ તેઓ પર્યાવરણ સાથે જોડાયેલી વાતોને જોડાયેલી વાતો સમજી શકતા ન હતા. ત્યારે કોઈએ મને પ્રશાંત ભૂષણનું નામ સૂચવ્યું.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા (સંવિધાનની ધારા-21) હેઠળ નિર્ણય સંભળાવ્યો હતો જે વંદના શિવા પ્રમાણે એક ઐતિહાસિક નિર્ણય હતો.
એ પછી આંતરરાષ્ટ્રીય ખાદ્ય-બીજ કંપની મોન્સૅન્ટો, 1984ના શીખવિરોધી રમખાણો, ભોપાલ ગેસ કાંડ, નર્મદા બંધ અને અન્ય જનહિતના કેસ એક પછી એક પ્રશાંત ભૂષણ પાસે પહોંચવા લાગ્યા અને તેમના પોતાના શબ્દોમાં તેઓ 'આ ભંવરમાં ખેંચાતા ગયા'.

ભૂષણ ઉપર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
શાંતિ ભૂષણ અને કુમુદ ભૂષણના 4 સંતાનોમાં સૌથી મોટા પ્રશાંત ભૂષણ પિતા સાથે જ દિલ્હી સાથે જોડાયેલા નોઇડામાં રહે છે, જ્યાં ત્રણ વર્ષ પહેલાં કેટલાક લોકોએ એમના ઘર પાસે હંગામો મચાવ્યો હતો અને એમના ઘર પર રંગ ફેંક્યો હતો.
ખબર અનુસાર તેમના ઘરની સામે આ પ્રદર્શન પ્રશાંત ભૂષણના એક ટ્વિટને કારણે થયું હતું, જેમાં એમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીની રોમિયો સ્કવૉડ વિશે કંઈક કહેતા 'હિંદુ દેવતા કૃષ્ણ'નો હવાલો આપ્યો હતો, જેને કારણે કેટલાક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી.
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ સમાચાર એજન્સી એએનઆઈને આપેલા એક નિવેદનમાં કહ્યું હતું, "પ્રશાંત ભૂષણજી એ ભગવાન કૃષ્ણ માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એનાથી કરોડો ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તમે ભગવાનની એ જ છબિ જોઈ શકશો, જે પ્રકારની તમારી માનસિકતા છે."
જોકે, પ્રશાંત ભૂષણનું કહેવું હતું કે 'એમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું છે.'
ઑક્ટોબર 2011માં પ્રખ્યાત વકીલ અને ત્યારે અન્ના હજારેની ટીમના સભ્ય રહેલા ભૂષણ પર સુપ્રીમ કોર્ટની સામે આવેલા તેમના કાર્યાલયમાં હુમલો કરાયો હતો. જ્યાં હુમલો કરનારાઓમાં એક-બે લોકો જયશ્રી રામના નારા લગાવી રહ્યા હતા અને પ્રશાંત ભૂષણને થપ્પડ મારી અને ધક્કો દઈ જમીન પર પાડી દીધા હતા. ત્યારે કેન્દ્ર અને દિલ્હીમાં કૉંગ્રેસની સરકાર હતી. તે સમયના ગૃહ મંત્રી પી.ચિદમ્બરમે પ્રશાંત ભૂષણ પર હુમલાની નિંદા કરી હતી.
હુમલાખોરો પૈકી એક તેજિંદરસિંહ બગ્ગા, એ સમયે પોતાને 'ભગતસિંહ ક્રાંતિ સેના'ના સભ્ય ગણાવતા હતા. પાછળથી તેજિંદરસિંહ બગ્ગાને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નિયુક્ત કરવામાં આવ્યા હતા.
હુમલાના સંદર્ભમાં પ્રશાંત ભૂષણના હવાલેથી કહેવાયું હતું કે 'એમણે કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાનું સમર્થન કર્યું હતું.'

ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં વિલય પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક પ્રસ્તાવ અનુસાર એક જનમત સંગ્રહ કરાવીને એ જાણકારી મેળવવાની હતી કે 'જમ્મુ-કાશ્મીરના લોકો ભારત સાથે રહેવા માંગે છે કે પછી આઝાદી.'
સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અમિતાભ સિંહા કહે છે, "કાશ્મીરને લઈને આ પ્રકારના નિવેદન આપવાનો મતલબ છે કે તમે પાકિસ્તાન સાથે ઊભા છો. આ દેશને તોડવાની વાત છે. અને દેશ નહીં બચે તો કોઈ નહીં બચે." વકીલ અમિતાભ સિંહા ભાજપના સભ્ય છે.
એક અગ્રણી વકીલ પર લૉયર્સ ચૅમ્બર પર હુમલા થવા છતાં સામાન્ય રીતે દરેક મામલે અગ્રેસર રહેતા વકીલોના સંગઠનોનો વિરોધ દબાયેલો રહ્યો, જેનાં પર કેટલાક લોકોએ આશ્ચર્ય જરૂર વ્યક્ત કર્યું હતું. પરંતુ પ્રશાંત ભૂષણે ઇન્ડિયા ટુડેને કહ્યું, "હું ખૂબ જ એકલો અટૂલો છું અને કાયદાકીય વર્તુળમાં મારા થોડાંક જ સારા મિત્રો છે. મેં અલગ-અલગ ક્ષેત્રોમાં ઘણા બધા લોકોનો ભાંડો ફોડ્યો છે. કૉર્પોરેટ જગત પણ મારી વિરુદ્ધ છે."
વડા પ્રધાન મનમોહન સિંહની યુનાઇડેટ પ્રોગ્રેસિવ અલાયન્સની સરકારના બીજા કાર્યકાળમાં પ્રશાંત ભૂષણે નીરા રાડિયા ટેપ કાંડ, કોલસા અને ટુ-જી સ્પેક્ટ્રમ ગોટાળા જેવા કેસ ઉઠાવ્યા હતા. જેના પરિણામે તે સમયના સૂચના અને પ્રસારણ મંત્રી એ ન માત્ર રાજીનામું આપવું પડ્યું ,પરંતુ જેલ પણ જવું પડ્યું હતું.
સુપ્રીમ કોર્ટે સ્પેક્ટ્રમ અને કોલ બ્લૉકની ફાળવણી રદ કરી દીધી હતી. આ મામલાઓમાં સીબીઆઈ તપાસનો આદેશ કરાયો હતો. જેને કારણે ટેલિકોમ કંપનીઓએ ભારે નુકસાન પણ ઉઠાવવું પડ્યું હતું.
ગોવામાં ગેરકાયદે આયર્ન ખનન મામલે એમની અરજી પછી અદાલતે ત્યાં ખનન ઉપર રોક લગાવી દીધી હતી.
આવા કેસ ઉઠ્યા પછી જ દેશમાં બનેલા માહોલ વચ્ચે 'ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન'ના અભિયાનની શરૂઆત થઈ. જે પછી આમ આદમી પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે ઉભરી અને પ્રશાંત ભૂષણ તેના સ્થાપક સભ્યો પૈકી એક હતા.
પરંતુ પાછળથી પક્ષના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે થયેલા મતભેદને કારણે એમને એનાથી અલગ થવું પડ્યું. જે પછી રાજકીય સહયાત્રી અને આપના એક અન્ય સભ્ય અને જાણીતા ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવ સાથે મળીને એમણે 'સ્વરાજ ઇન્ડિયા પાર્ટી' બનાવી.

કોર્ટનો અનાદર

ઇમેજ સ્રોત, Getty Images
આપના દિવસોના એમના જૂના સાથી આશિષ ખેતાન કહે છે, "પ્રશાંતજીએ આપ માટે એક માતા જેવી ભૂમિકા નિભાવી હતી અને પાર્ટી પ્રત્યે તેમના મનમાં સ્નેહ અને ખૂબ જ પ્રેમ હતો." આશિષ ખેતાન પણ આપથી અલગ થઈને હાલના દિવસોમાં મુંબઈમાં વકીલાત કરી રહ્યા છે.
વિશ્લેષકોના એક વર્ગનું માનવું છે કે પ્રશાંત ભૂષણના કોલસા અને ટુ-જી સ્પેક્ટ્રમ ગોટાળા, નીરા રાડિયા ટેપ કાંડ જેવા મામલા ઉઠાવાયા પછી દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે માહોલ તૈયાર થયો એણે ભાજપને 2014માં કેન્દ્રમાં સત્તામાં લાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવી.
નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પણ પ્રશાંત ભૂષણે રફાલ લડાકૂ વિમાન સોદામાં કથિત ગોટાળો, કોવિડ લૉકડાઉનને કારણે ઊભી થયેલી પ્રવાસી શ્રમિકોની સમસ્યા, પીએમ કૅર્સ ફંડની પારદર્શિતા જેવા મામલાઓ ઉઠાવવાનું ચાલુ રાખ્યું છે.
જોકે, આ મામલામાં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યા તે 'સરકારના પક્ષમાં ગયેલા' માનવામાં આવે છે.
અમિતાભ સિંહા કહે છે, કે જ્યારે તમે હંમેશાં ફરિયાદ કરો છો તો લોકોને લાગવા માંડે છે કે કારણ કે તમે પોતાને ઉપેક્ષિત અનુભવો છો તો એનાથી તમે વારે-વારે નારાજ થઈ ગયા છો અને પ્રશાંત ભૂષણે કોર્ટની અનાદરના કેસમાં એ જ કર્યું જે મૂર્ખ કાલિદાસે કર્યું હતું કે જે ડાળ પર બેઠા છે એને જ કાપી રહ્યા છે.
તેઓ કહે છે, "સત્તા વિરોધી બનવામાં હવે પ્રશાંત ભૂષણ અરાજકતાવાદી થઈ ગયા છે. અને દેશમાં અત્યાર સુધી જે બે સંસ્થાઓ - ન્યાયપાલિકા અને સૈન્ય -જેમાં લોકોનો ભરોસો છે, એને પણ બદનામ કરવા લાગ્યા છે, જેની મંજૂરી કોઈને અપાવી ન જોઈએ."

ગૅંગનો હિસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
પ્રશાંત ભૂષણના કેટલાક નજીકના મિત્રો જેઓ નામ જાહેર નથી કરવા માંગતા તેઓ કહે છે કે એમની પ્રમાણિકતા અને ભાવના પર કોઈ પ્રકારની શંકા ન કરી શકાય. પરંતુ ક્યારેક ક્યારેક તેઓ ભાવનાઓને ખાળી નથી શકતા અને જે પણ અસહમત હોય છે તેઓ તેમના વિરુદ્ધ થઈ જાય છે.
કેટલાક લોકો તો કોર્ટના અનાદર મામલે નિર્ણય આવ્યા પછી એમને 'ગૅંગનો હિસ્સો' કહેવા લાગ્યા છે.
યોગેન્દ્ર યાદવે બીબીસીના એક સવાલના જવાબમાં કહ્યું, "કોઈને ખાનામાં નાખવાની કોશિશ એક વિચારેલી રણનીતિનો ભાગ હોય છે. પરંતુ પ્રશાંત ભૂષણને કઈ રીતે કોઈ બૉક્સમાં નાખી શકાય? તેઓ ઓછામાં ઓછા ગત ચાર દાયકાથી જનતાના હિત માટે લડી રહ્યા છે પછી સરકાર કોઈની પણ હોય."
પાછલા રવિવારે એટલે કે 16 ઑગસ્ટે યોગેન્દ્ર યાદવ પોતાના પરિવાર સાથે લંચ માટે પ્રશાંત ભૂષણના ઘરે હતા.
યોગેન્દ્ર યાદવ કહે છે, "પ્રશાંત બિલકુલ શાંત અને કોઈપણ પ્રકારની ચિંતાથી દૂર જણાતા હતા. ઘરનું વાતાવરણ પણ બિલકુલ સામાન્ય હતું. ઉલટુ શાંતિ ભૂષણે મજાકમાં કહ્યું કે આજે લંચ સાથે કરી લો ખબર નહીં પ્રશાંતે આવતા અઠવાડિયે ભોજન ક્યાં કરવું પડે."
યોગેન્દ્ર યાદવે આગળ કહ્યું કે, લંચ પછી તેઓ મને તેમના ઘરના એ ભાગમાં લઈ ગયા જ્યાં તેમનું પૅઇન્ટિંગનું કલેક્શન છે. અને પછી આગળની વાતો એના પર જ થતી રહી.
પ્રશાંત ભૂષણ અનેક પ્રકારના પૅઇન્ટિંગનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. અને એમની પાસે મિનિએચર, કંપની અને અન્ય સ્કુલની પૅઇન્ટિંગનું ઉત્તમ કલેક્શન છે.
આ વચ્ચે કોર્ટના અનાદરનાં મામલામાં પ્રશાંત ભૂષણને બુધવારે સજા સંભળાવવા પર રોક લગાવવાની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

'હી કૅન અફૉર્ડ ટુ ડુ ધૅટ'

ઇમેજ સ્રોત, Getty Images
14 ઑગસ્ટે બે જૂના ટ્વિટને કારણે સુપ્રીમ કોર્ટના અનાદરના કેસમાં દોષિત ઠેરાવાયા પછી કેટલાક લોકો કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ સી એસ કરનન વિશે પ્રશાંત ભૂષણના જૂના ટ્વીટને રીટ્વિટ કરવા લાગ્યા જેમાં પ્રશાંત ભૂષણે ભૂતપૂર્વ જજ વિરુદ્ધ અનાદર મામલે લેવાયેલા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ તો એવી પણ આવી કે પ્રશાંતે ભૂષણ આવું એટલા માટે કર્યું કારણ કે જસ્ટિસ કરનન દલિત હતા. 2017ના આ કેસમાં ભૂતપૂર્વ જજે જસ્ટિસ જે એસ કેહર સહિત સાત જજો વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જારી કરી દીધું હતું.
કાયદાના જાણકારોનું કહેવું છે કે પ્રશાંત ભૂષણ અને ન્યાયાધીશ સી. એસ. કરનન વાળા કેસમાં સમાનતા શોધવી ખોટું છે.
પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટના અનાદરનો આ પહેલો કેસ નથી.આ પહેલાં તેમના વિરુદ્ધ આ મામલો ત્યારે પણ ઉઠ્યો હતો જ્યારે તેઓએ આરોપ લગાવ્યો હતો કે પાછલા 16-17 જજોમાંથી અડધા ભ્રષ્ટ હતા.
એમના એક જૂના મિત્ર કહે છે, 'હી કૅન અફૉર્ડ ટુ ડુ ધૅટ' (તેઓ આવો ખતરો ઉઠાવવાનું જોખમ લઈ શકે છે) કારણકે એમની પાસે એવી ક્ષમતા છે.
એક જાણીતા વકીલ અને ભૂતપૂર્વ રાજકીય નેતાના પુત્ર પ્રશાંત ભૂષણના અન્ય એક ભાઈ જયંત ભૂષણ સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. જ્યારે પત્ની દીપા ભૂષણ પણ અગાઉ વકીલ રહી ચૂક્યાં છે અને એમના ત્રણ પુત્રોએ દિલ્લી વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ લીધું છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














