વ્યાજખોરના ત્રાસથી શ્રીલંકા જઈ કિડની વેચનાર ગુજરાતી શિક્ષકની આપવીતી

ઇમેજ સ્રોત, KALPESH MOKHRIYA
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું ભણીગણીને તૈયાર થયો. 2012માં હું વિદ્યાસહાયક તરીકે 2500 રૂપિયાના પગારમાં નોકરીએ જોડાયો હતો. મને નોકરી મળતાં મારાં લગ્ન નક્કી થયાં. આ અરસામાં મારી બહેનની દીકરીનાં પણ લગ્નનું મારે મામેરું કરવાનું હતું."
ઉત્તર ગુજરાતમાં શિક્ષણ તરીકે સેવા બજાતા રાજાભાઈ પુરિહિતના આ શબ્દો છે.
રાજાભાઈ પાસે પૈસા નહોતા અને પૈસાની જરૂર હતી. તેમજ તેમને બૅન્કમાં લૉન પણ નહોતી મળતી. એટલે રાજા પુરોહિતે ગામમાં ધીરધારનું કામ કરનારા પાસેથી પૈસા લેવાનું નક્કી કર્યું.
"હું એમની પાસે ગયો ત્યારે એમણે કહ્યું કે માસ્તર છો એટલે વધારે વ્યાજ નહીં લઉં. એમ કહીને મને ત્રણ લાખ વ્યાજે આપ્યા. છ મહિના પછી ખેતીની આવક થતા હું સામેથી એમને 30 હજાર આપવા ગયો ત્યારે મુશ્કેલીઓની શરૂઆત થઈ."
"ભરોસો રાખી મેં મોટી ભૂલ કરી હતી. એ માણસ પોતાની જુબાનથી ફરી ગયો. તેઓએ મને દસ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે હિસાબમાં ચાર લાખ બાકી બતાવ્યા અને હું વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયો."
ઉપરના શબ્દો દેવું ચૂકવવા પોતાની કિડની વેચનાર રાજાભાઈ પુરોહિના છે.
થરાદ ગામના હરેશભાઈ ભાટી ધીરધારના લાઇસન્સ વગર લોકોને વ્યાજે પૈસા આપતા હોવાનું અને તેમની પાસેથી જ વ્યાજે પૈસા લીધા હોવાનું રાજભાઈ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે.

વ્યાજનું ચક્કર

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારે માનવઅંગો વેચવાં પર પ્રતિબંધ લગાવ્યો છે, પણ પૈસાની જરૂરિયાતવાળા લોકો આજે પણ પરદેશ જઈને પોતાનાં અંગો વેચતા હોવાની વિગતો સામે આવતી રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર ગુજરાતના શિક્ષક રાજાભાઈ પુરોહિત દેવાની ચુંગાલમાં એવા ફસાયા કે ઇન્ટરનેટની મદદથી એક એજન્ટ દ્વારા પોતાની એક કિડની વેચી દીધી.
આમ છતાં વ્યાજખોરોએ પરેશાન કરતા નાછૂટકે એ પોલીસ પાસે ગયા અને પોલીસે વ્યારખોરોની ધરપકડ કરીને કિડની વેચનારની તપાસ શરૂ કરી છે.
પીડિત શિક્ષક રાજાભાઈ પુરોહિત વ્યાજના ચક્કરમાં એવા ફસાયા હતા કે એક સમયે તેઓએ આત્મહત્યા કરવાનો વિચાર પણ કરી લીધો હતો.

દેવાના ચક્કરમાંથી નીકળવા ફરી વ્યાજે પૈસા લીધા

ઇમેજ સ્રોત, KALPESH MOKHRIYA
મૂડી વગર પૈસા લઈને આપવા એ રાજા માટે સવાલ હતો. તેમણે પોતાના લગ્નમાં મળેલી ઘણી ચીજવસ્તુઓ વેચી દીધી અને પૈસા ચૂકવતા રહ્યા.
રાજા કહે છે કે એક દિવસ તેમણે સરવાળો માંડ્યો તો વ્યાજપેટે તેમણે છૂટકછૂટક કરીને નવ લાખ રૂપિયા આપી દીધા હતા. "આમ છતાં મારી પાસે ઉઘરાણી કરતો. માર મારતો હતો."
રાજાએ દેવાના આ ચક્કરમાંથી નીકળવા નીચા વ્યાજે પૈસા લેવાનું નક્કી કર્યું.
બીબીસી સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે "મેં એનો હિસાબ પૂરો કરવા માટે દેવાભાઈ રબારી પાસેથી ચાર લાખ વ્યાજે લીધા. એમણે મને સાડા છ ટકા વ્યાજે પૈસા આપવાનું કર્યું. એટલે મેં એમની પાસેથી વ્યાજે ચાર લાખ લઈને હરેશ ભાટીને આપ્યા. એ પણ ફરી ગયો અને 10 ટકા વ્યાજે ગણવાનું શરૂ કર્યું."

અને કિડની વેચવા તૈયાર થયા...

ઇમેજ સ્રોત, KALPESH MOKHRIYA
વ્યાજના ચક્કરમાં દુખી થઈ ગયેલા રાજાએ ક્યાંક વાંચ્યું હતું કે પરદેશમાં કિડની વેચવાના પૈસા મળે છે.
રાજા કહે છે કે તેમણે વર્ષ 2014માં ઇન્ટરનેટથી તપાસ કરી તો ખબર પડી કે શ્રીલંકાના કોલંબોમાં ડૉ. મોનિક નૉવલોક કિડની ખરીદે છે.
તેઓ કહે છે, "એમણે મને એક કિડનીના 15 લાખ 80 હજાર આપવાનું કહ્યું હતું. બધું બરાબર ચાલ્યું ને હું એમના કહેવા પર પૂણે ગયો. પૂણેની હોટલમાં એમનો માણસ આવીને કોલંબોની ટિકિટ આપી ગયો. 31 માર્ચ, 2014ના દિવસે હું પૂણેથી ફ્લાઇટમાં કોલંબો ગયો."
"શ્રીલંકામાં સવારે મને હૉસ્પિટલ બોલાવ્યો. બીજા દિવસે શ્રીલંકાની અલગઅલગ સરકારી કચેરીમાં લઈ જઈ મારી પાસે કાગળો પર સહીઓ કરાવી. મારી કિડની કાઢીને 9 એપ્રિલે મને રજા આપી. હું મુંબઈ ઍરપૉર્ટ પર ઊતર્યો એટલે ડૉ. મોનિકના માણસે મને 11 લાખ આપ્યા હતા. અને આપેલા એડ્રેસ પરથી સુરત કાપડ બજારમાંથી 4 લાખ 80 હજાર લીધા."
"થરાદ આવીને મેં હરેશ અને દેવાને પૈસા ચૂકવ્યા. હરેશને સાત લાખ અને દેવાભાઈને આઠ લાખ ચૂકવ્યા."
"મારી કિડનીનું ઑપરેશન થયું હતું એટલે બાકીના 80 હજાર મારી દવાઓ પાછળ ખર્ચ્યા."
"એટલું થયા પછી મને એમ કે હિસાબ પતિ ગયો છે અને મારી બદલી ખોડા ગામ થઈ. આ અરસા મારા પરિચિતે હરેશ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. એ લોકો એને પણ મારતા હતા."
"એ પરિચિતને બચાવવા મેં કહ્યું કે એ પૈસા આપી દેશે, પરેશાન ના કરો. બસ, એ મારી ભૂલ હતી.

ફરી વ્યાજખોરના ચક્કરમાં ફસાયા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રાજા કહે છે કે "પહેલા એમના સકંજામાંથી માંડ બહાર આવ્યો હતો ને ફરી ફસાયો. આ લોકોએ મને માર મારવાનું શરૂ કર્યું અને કીધું કે મુદ્દલના પૈસા બાકી છે તારા અને કહ્યું કે તારા પરિચિતના 20 લાખ બાકી છે એ કઢાવી આપ તો તારા પૈસા માફ થશે."
"મેં હા પાડી અને એ લોકોએ મારા પરિચિતને છોડી પૈસા માટે મને જામીન બનાવી એના પૈસા માટે મને માર મારીને કોરા ચેક પર સહીઓ કરાવી લીધી. 50 રૂપિયાના કોરા સ્ટેમ્પ પેપર પર સહીઓ કરાવી લીધી."
તેઓ કહે છે, "હું ખૂબ ડરી ગયો હતો, પણ મને હવે ડર લાગ્યો કે જો હું પૈસા નહીં આપું તો મારું ઘર અને ખેતર પણ પડાવી લેશે એટલે મેં પત્નીને પિયર મોકલી દીધી. અને કંટાળીને હું આત્મહત્યા કરવા જતો હતો, પણ મારા ભાણિયાએ મને બચાવી લીધો."
"મારા સાળા અને ભાણિયાએ હિંમત આપી એટલે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે હરેશની ધરપકડ કરી છે. હવે મને લાગે છે કે હું આ લોકોની ચુંગાલમાંથી બચી શકીશ."
આ અંગે બીબીસી સાથે વાત કરતા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. ચૌધરી કહે છે, "હરેશ અને એના સાથીઓ ગેરકાયદે વ્યાજે નાણાં ફેરવતા હોવાનું બહાર આવ્યું છે. અમે એની ધરપકડ કરી છે. કોરોનાના ટેસ્ટ બાદ એના રિમાન્ડ લેવાશે."
"અમે હવે આ પ્રકારના લાચાર લોકોને કેટલા પરેશાન કર્યા છે એની તપાસ કરી રહ્યા છીએ. એટલું જ નહીં કિડની વેચવી એ ગેરકાયદે છે એટલે કિડનીનો સોદો કરાવનાર એજન્ટ અને સુરતમાં બાકીનાં નાણાં આપનારાની તપાસ ચાલુ છે."
જે. બી. ચૌધરીએ તપાસ ચાલુ હોવાથી વધુ વિગત આપી શકે એમ ન હોવાથી માત્ર એટલું કહ્યું :
"અમે હવે સાઇબર ક્રાઇમની મદદ પણ લઈશું. અમને તપાસ કરતાં ખબર પડી છે કે ઇન્ટરનેટ પર હજી પણ કિડની વેચવાનું કૌભાંડ ચાલે છે, આ ક્યાંથી ઑપરેટ થાય છે અને એજન્ટો ગરીબ માણસોને પરદેશ મોકલી કેવી રીતે કિડની વેચે છે એનું સમગ્ર કૌભાંડ બહાર લાવીશું."
પોલીસના જણાવ્યા અનુસાર તેઓએ આ મામલે દેવા રબારીની પણ ધરપકડ કરી છે.

કેવી રીતે ચાલે છે કિડની વેચવાનું કૌભાંડ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ભારતમાં કિડની વેચવાનું ગેરકાયદે હોવાથી વિદેશમાં આ કૌભાંડ ચાલતું હોવાની વાતનો એકરાર કરતા મેડિકો લીગલ એક્સપર્ટ ડૉ. એમ. કે. જોશીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે :
"શ્રીલંકાના ડૉ. મોનિકે આ શિક્ષકની જેમ ઘણા લોકોને લોભામણી લાલચ આપીને કિડની ખરીદી છે, એણે પોતાના એજન્ટોની જાળ બનાવેલી હતી."
"ગરીબ લોકોને પૈસા આપી કિડની ખરીદી લેતો હતો."
જોશીના જણાવ્યા અનુસાર, એણે 58 ભારતીયોની કિડની અત્યાર સુધીમાં ખરીદી છે. એ કોલંબોની નોવાલોક જ નહીં પણ કોલંબોની વેસ્ટર્ન અને લંકન હૉસ્પિટલમાં પણ કિડનીના ખરીદ-વેચાણનું કૌભાંડ ચલાવતો હતો.
ડૉ. એમ. કે. જોશી વધુમાં કહે છે, "ભારતીય એજન્ટ એક કિડની લાવી આપે તો 50 હજારનું કમિશન આપતો હતો. એની સામે માર્ચ 2018માં કેસ પણ થયો હતો. એના છેડા મહારાષ્ટ્ર ,ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતમાં હતા. ગુજરાતમાં એજન્ટ હોવાનું હમણાં ખૂલ્યું છે."
"આ શિક્ષકે ખોટા દસ્તાવેજોના આધારે એજન્ટ દ્વારા કિડની વેચી હશે. કિડની ખરીદનાર-વેચનાર અને એજન્ટ સામે પણ હ્યુમન ઓર્ગોન ઍન્ડ ટીસ્યૂ ઍક્ટ હેઠળ ફોજદારી ગુનો બને છે, પરંતુ કિડની વેચનાર સામે પણ ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













