પાકિસ્તાનમાં પૂર : ઝાડ પરથી મળ્યા મૃતદેહો, રાહતશિબિરોમાં પૂરતું ખાવાનું નથી

પાકિસ્તાન વર્ષોના સૌથી ભયાનક પૂરની આફત સામે ઝઝૂમી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન વર્ષોની સૌથી ભયાનક પૂરની આફત સામે ઝઝૂમી રહ્યું છે
    • લેેખક, પુમ્ઝા ફિહલાની
    • પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ
લાઇન
  • પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરમાં આખાં ગામો તણાયાં છે. 500 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે. પૂરમાં આ વિસ્તારના 50 હજાર જેટલા ઘરોને નુકશાન થયું છે અથવા તો સાવ પડી ગયા છે. સર્વત્ર વિનાશનાં દૃશ્યો જોવાં મળે છે.
  • ડિઝાસ્ટર મેનેજમૅન્ટ ઑથોરિટીએ જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય કરતાં 133 ટકા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં આવું થયું નથી. રાહત છાવણીઓમાં પૂરતું ભોજન પણ નથી મળી રહ્યું. આગળની વિનાશની દાસ્તાન માટે વાંચો આ અહેવાલ...
લાઇન

22 વર્ષીય મહમદ અસલમ પોતાના ઘરમાં આમતેમ ફરી રહ્યા છે જ્યાં હવે માત્ર કાટમાળ બચ્યો છે.

મોહમ્મદનુ ગામ સદોરી ગામ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે. આખુ સદોરી ગામ જૂનમાં આવેલા ભીષણ પૂરમાં નાશ પામ્યું છે, આ પૂરમાં 500 જેટલા લોકોનાં મૃત્યુ થયા છે. પૂરમાં આ વિસ્તારના 50 હજાર જેટલા ઘર નુકસાનગ્રસ્ત થયાં છે અથવા તો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ વિનાશના કારણે હજારો લોકો ઘરવિહોણા થયા છે.

પૂરના પાણી ઓસરતા મોહમ્મદ અસલમ અને અન્ય ગ્રામજનો ગામમાં પરત ફર્યા છે અને એ તપાસ કરી રહ્યા છે કે તેમના ઘર ફરી ઊભા કરી શકાય તેમ છે કે નહીં અને જીવનને કેવી રીતે ફરી પાટે ચડાવી શકાય.

મોહમ્મદ કહે છે કે "મેં મારું બધું જ ગુમાવી દીધું. કંઈ પણ બચી શક્યું નથી. ખેતીની જમીન પર પણ કાદવ ફરી વળ્યો છે."

પાકિસ્તાનમાં જૂન મહિનામાં વરસાદને લઈને ડિઝાસ્ટર મેનેજમૅન્ટ ઑથોરિટીએ જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય કરતાં 133 ટકા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા ઘણા વર્ષોમાં આવું થયું નથી.

ભારે વરસાદના કારણે વિસ્તારમાં પૂર આવ્યું તેમાં આખા ગામ, રસ્તા, પુલ તણાઈ ગયા કે ધ્વસ્ત થયાં.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પૂરમાં ઘણા દિવસો સુધી લોકો ફસાયેલા રહ્યા હતા અને તેમની પાસે ખાવા-પીવાનું ખાસ કંઈ બચ્યુ નહોતું.

સદોરીમાં હજુ પણ ગાઢ વાદળો છે. હવામાં જાણે કે ચિંતા ફેલાયેલી છે.

line

રાહત છાવણીમાં પૂરતું ખાવાનું નથી

મોહમ્મદ સાલેહનું ઘર તણાઈ ગયું
ઇમેજ કૅપ્શન, મોહમ્મદ સાલેહનું ઘર તણાઈ ગયું

મોહમ્મદ અસલમ કહે છે કે આગામી અઠવાડિયામાં તેમને વરસાદની વધારે ચિંતા છે અને તેમણે તેમના પરિવારને ઊંચાણવાળા વિસ્તારમાં રાખ્યો છે.

તંત્ર દ્વારા સહાયના નામે કેટલાક તંબુ ઊભા કરવામાં આવ્યા છે.

એકલા બલુચિસ્તાનમાં જ આશરે 18 હજાર કરતાં પણ વધારે ઘર આંશિકરૂપે અથવા સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

સદોરીના લોકો કહે છે કે હવે તેમને ખબર નથી કે તેમનું શું થશે. તેમનો ડર પણ વાજબી છે.

પાકિસ્તાનના હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે અને આશંકા છે કે ભારે પવન સાથે દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.

માંડ નદીઓનું પાણી સામાન્ય સ્તરે થઈ રહ્યું હતું ત્યાં આ આગાહી સાંભળવા મળી.

પાકિસ્તાનમાં મોટાભાગના લોકો ખેતી અથવા પશુપાલન પર નભે છે.

મોહમ્મદ સાલેહ કપાસ અને ઘઉંની ખેતી કરે છે. તેમણે અમને જણાવ્યું કે આ પૂરમાં તેમણે આખા વર્ષની ખેતી ગુમાવી દીધી છે.

તેઓ કહે છે, "એ બધું નાશ પામ્યું. બધું જ."

"મારી પાસે 350 કિલો ઘઉં હતા, અમારો 8 મહિનાનો દાણોપાણી હતો. હવે અમારી પાસે કંઈ જ બચ્યું નથી."

વીડિયો કૅપ્શન, ભારત-પાકિસ્તાન ભાગલા વખતે છૂટા પડેલા સ્નેહીજનોને મળાવતા બે મિત્રોની મુલાકાત

બે દીકરાના પિતા 40 વર્ષીય મોહમ્મદ સાલેહ તેમના ભાઈ અને અન્ય 27 પરિવારજનો સાથે ખુલ્લામાં રહે છે.

તેમનો બાકીનો પરિવાર અસ્થાયી આવાસમાં આશરો લઈ રહ્યો છે.

સ્થાનિકોએ બીબીસીને જણાવ્યું કે આ રાહત સ્થળે પણ ઘણી વખત જમવા માટે કંઈ નથી મળતું અને રૅશન પણ અપૂરતું હોય છે.

સ્થાનિક સરકારી એજન્સીઓએ રાહત સંસ્થાઓની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં કૅમ્પ ખોલ્યા છે અને હવે તેઓ પરિવારના સ્થળાંતરમાં મદદ કરી રહ્યા છે.

તંત્રએ માન્યું છે કે રાહતના કાર્યો થોડાં ધીમા થયા છે. તેનું કારણ આપતાં તેઓ કહે છે કે આમ તેમની કાર્યક્ષમતાના લીધે નહીં, પણ સંસાધનોની કમીના કારણે કામ ધીમું થયું છે.

મોહમ્મદ સાલેહે કહ્યું કે તેઓ મજૂરી કામ મળે તેની તપાસ કરી રહ્યા છે પરંતુ બધા ખેતરો ધોવાઈ ગયા છે અને કામ મળવું ખૂબ અઘરું છે.

"શિયાળો આવી રહ્યો છે અને અમારી પાસે કંઈ જ નથી. અમારી પાસે સુવાની પણ કોઈ જગ્યા નથી. મને નથી ખબર કે અમે કેવી રીતે જીવીશું અને અમારા બાળકોને કેવી રીતે જીવાડીશું."

line

મૃતદેહો ઝાડમાં અટવાયેલા મળ્યા

અહમદે પૂરમાં ત્રણ પરિવારજનો ગુમાવ્યા
ઇમેજ કૅપ્શન, અહમદે પૂરમાં ત્રણ પરિવારજનો ગુમાવ્યા

લસબેલા જિલ્લાના બીજા એક ગામમાં સમાજના લોકો પૂરમાં પોતાના ત્રણ સ્નેહીજનોને ગુમાવ્યા છે તેથી તેઓ પરિવાર સાથે બંદગી કરવા એકઠા થયા છે.

અહેમદ એ દુર્ભાગી પરિવારમાંથી એક છે જેઓ સવારે ઉઠ્યા ત્યારે તેમને સમાચાર મળ્યા કે તેમનો દીકરો, વહુ અને પૌત્રી રાતોરાત મૃત્યુ પામ્યાં છે.

એક રાત પહેલાં તેમણે તેમના દીકરાને કહ્યું હતું કે તે અને તેનો પરિવાર બીજે સુવે. પરંતુ તેમના દીકરાએ એ વિચારીને ના પાડી દીધી કે હવે પૂર રૌદ્ર સ્વરૂપ ધારણ નહીં કરે.

અહેમદ કહે છે, "અમને બીજી સવારે તેમના મૃતદેહો ઝાડમાં અટવાયેલા મળ્યા. તેમને આ રીતે ગુમાવવા મારા માટે ખૂબ દર્દનાક છે."

NGO જર્મન વૉચના ક્લાઇમેટ ચેન્જ રિસ્ક ઇન્ડેક્સ 2021 પ્રમાણે પાકિસ્તાન વૈશ્વિક ઉત્સર્જનના માત્ર 1 ટકા ઉત્સર્જન માટે જવાબદાર છે છતાં જળવાયુ પરિવર્તન સામે તેની સ્થિતિ સૌથી ખરાબ દેશો પૈકીના એકની છે.

સ્થાનિક હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જળવાયુ સંકટના કારણે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને તેના સંકેતો જોવા પણ મળી રહ્યા છે.

આ વર્ષે આવેલા વરસાદમા ગ્રામીણ વિસ્તારો ઉપરાંત શહેરી વિસ્તારો પણ પૂરમાં ડૂબી ગયા છે.

કરાચીમાં રસ્તાઓ પર ઘણા દિવસો સુધી પાણી ભરાયેલું રહ્યું હતું.

પૂરના કારણે જોવા મળ્યું છે કે દેશમાં માળખાગત સુવિધાના અભાવની પોલ છતી થઈ ગઈ હતી અને અતિવૃષ્ટિનેને કારણે લોકો ભારે દયનીય સ્થિતિમાં જોવા મળ્યા છે.

જળવાયુ નિષ્ણાતો માને છે કે પાકિસ્તાને જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધા વિકસાવવી જોઈએ.

મોહમ્મદ સાલેહ પણ તે જ દુઆ કરે છે.

તેઓ કહે છે, "અમે ઇચ્છીએ છીએ કે સરકાર પાણીના નિકાલના રસ્તાનો વિસ્તાર કરે. જ્યારે વરસાદ આવે અને નદીઓ તાંડવ મચાવે છે અને અમારા જીવને જોખમ ઉભું થાય છે."

"અલ્લાહનો આભાર કે અમે બચી ગયા, પરંતુ કંઈક સુધારો થાય તે જરૂરી છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન