મંજુબાનું રસોડું : યુકેના લોકોને ગુજરાતી વાનગીઓનો ચસકો લગાડનારાં 85 વર્ષીય મંજુબા કોણ છે?

મંજુબાનું રસોડું
    • લેેખક, ગગન સભરવાલ
    • પદ, બીબીસી ન્યૂઝ
લાઇન
  • ગુજરાતમાં જન્મેલા મંજુલાબહેન પટેલ બાળપણથી માતા સાથે જમવાનું બનાવતા હતા
  • ત્રણ વર્ષની ઉંમરે તેઓ પરિવાર સાથે ભારતથી યુગાન્ડા સ્થાયી થયા હતા
  • 13 વર્ષની વયે તેમના પિતાનું મૃત્યુ થતા માતાને ઘર ચલાવવામાં મદદ કરતા હતા
  • 82 વર્ષની ઉંમરે ખુદનું રૅસ્ટોરાં શરૂ કરવાનું સપનું પૂર્ણ થયું હતું
લાઇન

મૂળ ગુજરાતનાં અને યુગાન્ડાથી શરણાર્થી તરીકે યુકે પહોંચેલા 85 વર્ષીય મંજુબા યુકેનાં સૌથી જૂના રૅસ્ટોરાંમાંનું એક ધરાવે છે.

મૂળ ગુજરાતના મંજુલાબહેન યુકેના સ્વાદરસિકોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસે છે.

તેઓ યુકેના દરિયાકાંઠે આવેલા શહેર બ્રાઇટનમાં એક લોકપ્રિય રૅસ્ટોરાં 'મંજુ'સ'નાં માલિક છે.

સંઘર્ષભર્યું જીવન જીવનારાં મંજુલાબહેન હાલમાં પોતાના પરિવાર સાથે આ રૅસ્ટોરાં ચલાવી રહ્યા છે.

line

શરૂઆતનું જીવન

મંજુબાનું રસોડું

ઇમેજ સ્રોત, Manju patel

ઇમેજ કૅપ્શન, 1979માં મંજુલાબહેન પટેલ પોતાના માતા સાથે

મંજુલાબહેન ત્રણ વર્ષની ઉંમરે પોતાના પરિવાર સાથે યુગાન્ડાના કમ્પાલા શહેરમાં સ્થાયી થયા હતા. તેમના પિતા ઘણા સમય સુધી ત્યાં એક જનરલ સ્ટોર ચલાવતા હતા.

બાળપણ વિશે વાત કરતા મંજુલાબહેન કહે છે, "શરૂઆતમાં બધુ સારી રીતે ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ પિતાનું મૃત્યુ થયું અને તે દિવસથી આખું જીવન બદલાઈ ગયું."

રાતોરાત તેમનાં માતા ઘરના એકમાત્ર મોભી બની ગયા અને મંજુલાબહેને તેમની મદદ કરવાનું શરૂ કર્યું. તેઓ પોતાની માતા સાથે રોજ 35 ટિફિન બનાવતા હતા અને આસપાસની ઑફિસોમાં પહોંચાડતા હતા.

મંજુલાબહેન કહે છે, "પરંપરાગત ગુજરાતી વાનગીઓની સાથેસાથે માતા પાસેથી હું શિસ્ત અને કામ પ્રત્યેના મૂલ્યો શીખી છું. જે હજી સુધી જાળવીને રાખ્યા છે."

1964માં મંજુલાબહેને એક વેપારી સાથે લગ્ન કર્યં અને તેમના પરિવારમાં બે સંતાનોનો ઊમેરો થયો.

પરંતુ 1972માં તેમના શાંતિપૂર્ણ જીવનનો અંત આવ્યો.

line

'ખિસ્સામાં 1200 રૂપિયા સાથે આખો પરિવાર યુકે આવ્યો'

મંજુબાનું રસોડું

ઇમેજ સ્રોત, Manju patel

ઇમેજ કૅપ્શન, પોતાના પતિ સાથે મંજુલાબહેન

1972માં સરમુખત્યાર ઈદી અમીને યુગાન્ડા પર કબજો કર્યો અને એશિયનોને 90 દિવસમાં દેશ છોડવા કહ્યું હતું.

તે સમયે એશિયનો યુગાન્ડાના 90 ટકા વ્યવસાયોની માલિકી ધરાવતા હતા અને ટૅક્સ ચૂકવવામાં પણ તેઓ મોખરે હતા.

ઈદી અમીનની આ જાહેરાત બાદ લાખો એશિયન લોકો વિસ્થાપિત થયા હતા. ઘણા લોકોને અન્ય દેશોમાં જવાની ફરજ પડી.

મંજુલાબહેન, તેમના પતિ અને બે યુવાન પુત્રો સાથે યુગાન્ડાથી લંડન પહોંચ્યા હતા. જ્યાં તેમનો ભાઈ રહેતો હતો. તે સમયે તેમની પાસે અંદાજે 1200 રૂપિયા હતા.

તેઓ કહે છે, "અમે જેવા યુકે પહોંચ્યાં, મેં ત્રીજા જ દિવસથી નોકરી શોધવાનું શરૂ કર્યું હતું કારણ કે ખિસ્સામાં પૈસા ન હતા."

તેમને લંડનમાં એક સ્થાનિક ફેક્ટરીમાં મશીન ઑપરેટર તરીકે કામ મળ્યું. તેઓ 65 વર્ષની વયે નિવૃત્ત થયા ત્યાં સુધી ફેક્ટરીમાં ઇલૅક્ટ્રિક પ્લગ બનાવવાનું કામ કરતાં હતાં.

મંજુલાબહેન હંમેશાંથી પોતાનું રૅસ્ટોરાં ચલાવવાનું સપનું જોતા હતા પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિના કારણે તે શક્ય બન્યું ન હતું. જોકે, આ પડકારે તેમનો રસોઈ પ્રત્યેનો પ્રેમ ઓછો કર્યો ન હતો.

રોજ ફેક્ટરીમાં કામ કરીને આવ્યા બાદ તેઓ પોતાના પરિવાર માટે ભીંડા અને બટાકાના શાકથી માંડીને થેપલાં બનાવતાં હતાં.

મંજુબાનું રસોડું
ઇમેજ કૅપ્શન, યુકેના બ્રાઇટનમાં આવેલું રૅસ્ટોરાં

મંજુલાબહેનના પુત્રો હંમેશાથી માતાનું રેસ્ટોરાં શરૂ કરવાનું સ્વપ્ન પૂર્ણ કરવાં માગતાં હતાં. જેથી તેમણે થોડાં વર્ષો પહેલાં તેમણે રેસ્ટોરાં માટે જગ્યા શોધવાનું શરૂ કર્યું તું.

તેમના મોટા પુત્ર જયમીન પટેલ કહે છે, "જ્યારે આ જગ્યા વેચાવા માટે આવી ત્યારે અમે ખરીદવાનું નક્કી કર્યું. મમ્મીનાં 80મા જન્મદિવસે જગ્યાનો સોદો થયો."

તે મંજુલાબહેનના જીવનના સૌથી સારા દિવસોમાંનો એક હતો.

તેઓ કહે છે, "મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા પુત્રો મારા માટે રેસ્ટોરાં ખરીદશે. હું ખુબ ખુશ હતી કારણ કે મારું સપનું અંતે પૂરૂ થયું અને એ ખુશીમાં જ રડી પડી હતી."

મંજુલાબહેનના નાના પુત્ર નૈમેશ કહે છે, "અમે ગુજરાતી રેસ્ટોરાં ખોલવાનું શરૂ કર્યું કારણ કે તે અમારો ખુદનો ખોરાક છે અને આ ખોરાક મમ્મી નાના હતા ત્યારથી બનાવી રહ્યા હતા."

જોકે, શાકાહારી રેસ્ટોરાં ચલાવવામાં ઘણા પડકારો સામે આવ્યા હતા.

તેઓ કહે છે, "ઘણા લોકો ચિકન ટિક્કા મસાલા ખાવાની ઇચ્છા સાથે આ રેસ્ટોરાંમાં આવતા હોય છે પણ જ્યારે અમે તેમને કહીએ કે અમે માત્ર શાકાહારી ભોજન પીરસીએ છીએ, તો તેઓ ચાલ્યા જતા હોય છે. જોકે, એક વખત અહીં શાકાહારી ભોજન ખાધા બાદ લોકોને તે ગમવા લાગે છે."

line

પરિવાર દ્વારા ચાલે છે રેસ્ટોરાં

મંજુબાનું રસોડું
ઇમેજ કૅપ્શન, મંજુલાબહેન પોતના પુત્રો અને પુત્રવધૂઓ સાથે

યુકેના બ્રાઇટનમાં આવેલું 'મંજુ'સ' પરિવારના સભ્યો દ્વારા જ ચલાવવામાં આવે છે. મંજુલાબહેનના પુત્રો ગ્રાહકોને આવકારે છે અને તેમનાં ઑર્ડર લે છે. જ્યારે તેમનાં પુત્રવધુઓ દિપાલી અને કીર્તિ રસોડું સંભાળે છે.

એક દિવસમાં લગભગ 48 ગ્રાહકો ધરાવતા આ રોસ્ટોરાંમાં નાનકડું મૅનુ છે.

મંજુલાબહેનનાં મોટાં પુત્રવધૂ કીર્તિ કહે છે, "રોજ મૅનુમાં 12 વાનગીઓ હોય છે જે સિઝન પ્રમાણે બદલાતી રહે છે."

અન્ય વ્યવસાયોની જેમ યુકેમાં કોરોના મહામારી અને મોંઘવારીના કારણે તેમના ધંધાને પણ અસર પડી છે.

પરંતુ મંજુબાનું કહેવું છે કે તેમની નિવૃત્તિ લેવાની કોઈ યોજના નથી.

તેઓ કહે છે, "હું બને ત્યાં સુધી લોકો માટે રાંધવાનું અને તેમને ખવડાવવાનું ચાલુ રાખવા માગુ છું."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન