કાશ્મીરી પંડિત સુનીલકુમારની હત્યા, ક્યારેય કાશ્મીર ન છોડનાર પરિવાર પર આભ તૂટ્યું

સુનીલકુમાર

ઇમેજ સ્રોત, IMRAN ALI

ઇમેજ કૅપ્શન, સુનીલકુમાર
    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી બીબીસી હિંદી માટે
લાઇન
  • શોપિયાંમાં કાશ્મીરી પંડિત સુનીલકુમારની હત્યા બાદ માહોલ તણાવગ્રસ્ત
  • પરિવારજનોમાં શોકનો માહોલ, પાડોશીઓ સાંત્વના પાઠવવા પહોંચ્યા
  • સુનીલકુમારના અંતિમ સંસ્કારની તૈયારીમાં મુસ્લિમ પરિવારો પણ જોડાયા
લાઇન

"મારી ચાર દીકરીઓ છે. તેમનો ઉછેર હવે કોણ કરશે? જેમણે મારા પતિને મારી નાખ્યા તેમનો પણ અંજામ આવો જ થવો જોઈએ. મારા પતિને આતંકવાદીઓએ માર્યા છે. ઘરથી નીકળ્યાના દસ મિનિટ બાદ અમને ગોળીઓનો અવાજ સંભળાયો. મેં કહ્યું પણ ખરું કે તેમની હત્યા થઈ ગઈ. મારાં માતા અને દીકરીઓએ કહ્યું કે આ ફટાકડાનો અવાજ છે. જ્યારે અમે બહાર ગયાં તો ખબર પડી કે તેઓ ત્યાં પટકાયેલા હતા. તે બાદની વાત અમને ખબર નથી."

રોતાં-કકળતાં સુનીતા પોતાના પતિના મૃતદેહ પાસે બેઠાં છે અને આ વાત કહી રહ્યાં છે.

સુનીતા પાસે બેઠેલાં તેમનાં સબંધી મહિલાઓ, તેમને શાંત પાડવાની કોશિશ કરી રહ્યાં છે. પરંતુ આ તમામ કોશિશો બેઅસર સાબિત થઈ.

મંગળવારના રોજ દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં જિલ્લાના ચોટીપુરા ગામમાં સુનીલકુમારની ચરમપંથીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

હુમલામાં સુનીલકુમારના મોટા ભાઈ પિતાંબરનાથ ગંભીરપણે ઘાયલ થઈ ગયા છે. હાલ તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. પોલીસે આ હત્યા માટે આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે.

ચોટીપુરા ગામમાં સુનીલકુમારના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચેલ ગ્રામીણો

ઇમેજ સ્રોત, IMRAN ALI

ઇમેજ કૅપ્શન, ચોટીપુરા ગામમાં સુનીલકુમારના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચેલ ગ્રામીણો

સુનીલકુમારના પરિવાર સિવાય ચોટીપુરા ગામમાં વધુ બે પંડિત પરિવાર રહે છે. બંને નજીકના કુટુંબીઓ છે. આ ત્રણેય ઘરોમાં કુલ 16 લોકો રહે છે.

જ્યારે સુનીલકુમાર અને તેમના ભાઈ પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતાના ઘર પાસે 100 મિટરના અંતરે બાગમાં કામ કરી રહ્યા હતા.

સુનીલકુમારની હત્યા બાદ ચોટીપુરા ગામમાં સન્નાટો છે. દરેક સ્થળે સેના અને પોલીસના જવાનો તહેનાત હતા. આ ઘટના બાદ ગામની બધી દુકાનો બંધ હતી.

કાશ્મીરના ડિવિઝનલ કમિશનર પાંડુરંગ કે. પૉલ તેમના ઘરે પહોંચ્યા ત્યારે પરિવાર વધુ ગુસ્સે ભરાયો.

સુનીલકુમારના પરિવારના એક સભ્ય અનિલકુમારે પાંડુરંગ કે. પૉલનો રસ્તો રોક્યો અને તેમને આગળ ન વધવા દીધા.

અનિલકુમારે પાંડુરંગ કે. પૉલને પ્રશ્ન કરતાં કહ્યું, "હું અનિલકુમાર છું. તમારી પાસે આવ્યો હતો, એ સમયે અમારા અન્ય ભાઈ પર ચાર માસ પહેલાં હુમલો થયો હતો. મેં તમને કહ્યું હતું કે અમારા પ્રાણની સુરક્ષા વિશે વિચારો. તમે કહ્યું હતું કે હું કશું જ કરી શકું તેમ નથી. મારા હાથમાં કંઈ જ નથી. એવું પણ કહ્યું હતું કે અમે અમારા ઘરમાં રહીએ."

સુનીલકુમારની ઠાઠડી બનાવી રહેલ ગામના લોકો

ઇમેજ સ્રોત, IMRAN ALI

ઇમેજ કૅપ્શન, સુનીલકુમારની ઠાઠડી બનાવી રહેલ ગામના લોકો

નારાજ અનીલકુમારે પાંડુરંગ કે. પૉલને પ્રશ્ન કર્યો, "તમે આજે અહીં શું કામ આવ્યા છો? જવાબ આપો."

બાદમાં અનિલકુમારને ત્યાંથી પોલીસે હઠાવી દીધા અને પછી પોલીસ અધિકારી પૉલ સુનીલકુમારના ઘરમાં પ્રવેશી જાય છે.

ડિવિઝનલ કમિશનરે પરિવારના આરોપો ફગાવતાં કહ્યું કે જ્યારે ગત વખત તેમના ભાઈ બાલકૃષ્ણ પર હુમલો થયો હતો ત્યારે એ હુમલા બાદ ઘર પાસે સિક્યૉરિટી ગાર્ડ તહેનાત કરાયા હતા. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે આતંકવાદને થોડ સમય હજુ વેઠવો પડશે.

આ જ વર્ષે અનિલકુમારના પિતરાઈ ભાઈ બાલકૃષ્ણને પણ ઉગ્રવાદીઓએ આ જ ગામમાં તેમના ઘરની પાસે ગોળી મારી હતી પરંતુ તેમનો જીવ બચી ગયો હતો.

અનિલકુમારે લગભગ બે કલાક સુધી કોઈ પણ મીડિયાવાળાને ઘરની અંદર જવા નહોતા દીધા.

line

સુનીલના પરિવારે ક્યારે કાશ્મીર નહોતું છોડ્યું

સુનીલકુમારનો પરિવાર ક્યારેય કાશ્મીર મૂકીને નથી ગયો

ઇમેજ સ્રોત, Imran Ali

ઇમેજ કૅપ્શન, સુનીલકુમારનો પરિવાર ક્યારેય કાશ્મીર મૂકીને નથી ગયો

સુનીલકુમારનો પરિવાર ક્યારેય કાશ્મીર મૂકીને નથી ગયો. આ પરિવારે ત્યારે પણ કાશ્મીર નહોતો છોડ્યો, જ્યારે ત્યાં ખૂનામરકી ચરમ પર હતી.

સુનીલકુમાર ખેતી કરતા હતા. સુનીલકુમારના પરિવારમાં હવે તેમની ચાર દીકરીઓ અને પત્ની રહ્યાં છે.

સુનીલકુમારના ઘરે સ્થાનિકો ભારે સંખ્યામાં સાંત્વના પાઠવવા આવી રહ્યા હતા. એક પાડોશી મહિલા શાહીના સુનીલકુમારના ઘરે પહોંચ્યાં.

શાહીનાએ બીબીસીને કહ્યું કે, "અમને તેમના મૃત્યુનો ઘણો અફસોસ છે. તેમની ચાર દીકરીઓ છે. પાડોશી સાથે તેમના ખૂબ સારા સંબંધો હતા. તેમના મૃત્યુથી અમે ઊંડા આઘાતમાં છીએ. અમારા એક સારા પાડોશી જતા રહ્યા."

ચોટીપુરા ગામના ઘણા મુસ્લિમો સુનીલકુમારના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા.

અંતિમ સંસ્કારની તમામ જવાબદારીઓ પરિવાર સાથે મળીને સ્થાનિક મુસ્લિમોએ સંપૂર્ણપણે કરી. એવું લાગી રહ્યું હતું કે તેમના જ કોઈ ખાસ ગુજરી ગયા હોય. સુનીલકુમારના એક પાડોશી મુદસ્સિર અહમદ લોને કહ્યું કે, "સુનીલકુમારની હત્યા અત્યંત દુ:ખદ છે. અમને આ સ્વીકાર્ય નથી."

line

કાશ્મીરમાં પંડિતો, પ્રવાસી મજૂરો અને સામાન્ય નાગરિકોની હત્યા

શાહીના

ઇમેજ સ્રોત, Imran Ali

ઇમેજ કૅપ્શન, શાહીના

પાછલા અમુક મહિનાથી કાશ્મીરી પંડિતો, પ્રવાસી મજૂરો અને બીજા સામાન્ય નાગિરકોને કાશ્મીરમાં નિશાન બનાવાઈ રહ્યા છે. અમુક મહિના પહેલાં કાશ્મીર પાછા ફરેલા કાશમીરી પંડિતો રાહુલ ભટ્ટની હત્યા બાદ કાશ્મીરના વડા પ્રધાન પૅકેજ અંતર્ગત કામ કરનારા હજારો કાશ્મીરી પંડિતોએ રસ્તા પર વિરોધપ્રદર્શન કર્યું હતું.

પોતાના ટ્રાંઝિટ કૅમ્પની અંદર કાશ્મીર પંડિતોનાં પ્રદર્શન બે માસ સુધી ચાલુ રહ્યાં. કાશ્મીરી પંડિતો અને બીજા બિન-કાશ્મીરી નાગરિકો પર હુમલા બાદ કાશ્મીરી પંડિતોએ કાશ્મીરથી બહાર શિફ્ટ કરવાની માગ કરી હતી.

સરકારે આશ્વાસન આપ્યું હતું કે કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે કઠોર પગલાં ભરવામાં આવશે. આ સરકારી આશ્વાસન બાદ જ વડા પ્રધાન પૅકેજ અંતર્ગત કામ કરનારા હજારો કાશ્મીરી પંડિતોએ પોતાનાં પ્રદર્શન બંધ કર્યાં હતાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ