સાઉદી અરામકો : ઇસ્લામિક દેશની એ કંપની જેણે ત્રણ મહિનામાં જ દુનિયાના અડધાથી વધુ દેશોના જીડીપી જેટલી કમાણી કરી

સાઉદી અરામકો

ઇમેજ સ્રોત, Reuters

લાઇન
  • સાઉદી અરામકોએ જાહેરાત કરી છે કે તે તેના ડિવિડન્ડમાં કોઈ ફેરફાર નહીં કરે. જે ત્રીજી ત્રિમાસિક માટે 18.8 બિલિયન અમેરિકન ડૉલર રહેશે
  • અરામકો વિશ્વની સૌથી મોટી તેલકંપની છે. હાલમાં સંપૂર્ણપણે સાઉદી અરેબિયા દ્વારા નિયંત્રિત આ કંપનીની સ્થાપના 1933માં કરવામાં આવી હતી
  • સાઉદી અરેબિયાને અરામકોથી બહુ તાકાત મળી છે. એકલા અરામકોએ સાઉદી અરેબિયાને દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરી દીધું છે
  • રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ એ સાઉદી અરામકોના નફાનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે
લાઇન

જો આ એક દેશ હોત તો વર્લ્ડબૅન્કની યાદીમાં તેનું સ્થાન 88મા નંબરે હોત. આ યાદી દુનિયાના જીડીપી પ્રમાણે દેશોને રૅન્કિંગ આપે છે. પરંતુ આ વાત કોઈ દેશની નહીં, પણ માત્ર એક કંપનીની છે.

આ કંપની છે સાઉદી અરેબિયામાં આવેલી 'સાઉદી અરામકો'.

આ કંપનીએ કમાણીમાં નફા મામલે પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે અને ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં 48.4 બિલિયન અમેરિકી ડૉલરનો નફો મેળવ્યો છે.

આ આંકડો બોલિવિયા, અલ-સાલ્વાડોર, હોન્ડ્યુરાસ, હૈતી અને નિકારગુઆ જેવા દેશોના જીડીપી કરતાં પણ ઘણો વધારે છે.

કંપનીની ચોખ્ખી આવક ગયા વર્ષની સરખામણીએ 90 ટકા વધી છે અને તે દુનિયાની સૌથી વધુ નફો કમાતી ઊર્જાકંપની બની છે.

તેને જે નફો થયો છે તે દુનિયાના અડધા કરતાં વધારે દેશોના જીડીપીથી વધુ છે.

line

રશિયા-યુક્રેન યુદ્ધ

સાઉદી અરામકો

ઇમેજ સ્રોત, Reuters

સાઉદી અરામકોના નફાનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ.

આ યુદ્ધથી ઑઇલ અને ગૅસના ભાવ આસમાને પહોંચ્યા છે. રશિયા એ મોટા દેશોમાંથી એક છે જે આ ઈંધણની નિકાસ કરે છે પરંતુ યુદ્ધના કારણે અમેરિકા અને કેટલાક યુરોપિયન દેશોએ રશિયા પરથી પોતાની નિર્ભરતા ઘટાડી દીધી છે.

સાઉદી અરામકોએ જાહેરાત કરી છે કે તે તેના ડિવિડન્ડમાં કોઈ ફેરફાર નહીં કરે. જે ત્રીજી ત્રિમાસિક માટે 18.8 બિલિયન અમેરિકન ડૉલર રહેશે.

કંપનીનું કહેવું છે કે વધી રહેલી માગને પહોંચી વળવા માટે માટે તેઓ સતત પ્રોડક્શન વધારશે.

અરામકોના ચૅરમૅન અને સીઈઓ અમીન નાસરે કહ્યું છે, "વૈશ્વિક બજારમાં ઉતારચઢાવ અને આર્થિક અનિશ્ચિતતા છે, અને પહેલા છ માસિકના ઘટનાક્રમને જોઈને લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરવું જરૂરી છે, જેનાથી માર્કેટમાં તેની સપ્લાઈ પણ મળતી રહે અને ઊર્જાનો વ્યવસ્થિતપણે ઉપયોગ થાય."

તેઓ ઉમેરે છે, "આ દાયકાનાં બાકી વર્ષોમાં પણ તેલની માગ વધતી જોવા મળી રહી છે."

યુક્રેનમાં યુદ્ધ પહેલાં પણ તેલના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો. મોટી કંપનીઓ જેવી કે એક્સનમોબિલ, શેવરોન અને બીપીએ આ વર્ષે ખૂબ નફો કમાવ્યો છે.

જૂન મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે એક્સન એ કંપની છે જેણે આ વર્ષે 'ઇશ્વર કરતાં પણ વધારે પૈસા કમાવ્યા છે.'

OPEC (ઑર્ગેનાઇઝેશન ઑફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) દેશોમાં સાઉદી અરેબિયા ક્રૂડઑઇલનું સૌથી મોટું નિર્માતા છે.

OPEC+ એ ગ્રૂપ છે જે OPEC સભ્યોની સાથે બીજા મોટા સભ્યોને જોડે છે જેવા કે રશિયા.

રશિયા ગયા અઠવાડિયે તેલના ઉત્પાદનમાં વધારે કરવા માટે તૈયાર થયું હતું જેનાથી તેલના ભાવોમાં થોડી રાહત મળી શકે. જોકે, હાલ પ્રોડક્શનમાં વધારો ધીમી ગતિએ ચાલી રહ્યો છે.

line

કેટલી મોટી કંપની છે અરામકો?

સાઉદી અરામકો

ઇમેજ સ્રોત, Getty Images

અરામકો વિશ્વની સૌથી મોટી તેલકંપની છે. હાલમાં સંપૂર્ણપણે સાઉદી અરેબિયા દ્વારા નિયંત્રિત આ કંપનીની સ્થાપના 1933માં કરવામાં આવી હતી. ત્યારબાદ અમેરિકાની પણ આમાં ભાગીદારી હતી.

અરામકોનું પૂરું નામ 'આરબ અમેરિકન ઑઈલ કંપની' છે. 1980માં સાઉદી સરકારે અરામકોનો સંપૂર્ણ હિસ્સો ખરીદી લીધો અને કંપનીનું નામ બદલીને સાઉદી અરામકો રાખવામાં આવ્યું.

અરામકો ઑઇલ અને ગૅસ સૅક્ટરમાં કામ કરે છે. હાલમાં કંપનીમાં 66 હજાર 800 કર્મચારીઓ છે. મે 2021 સુધીના આંકડા અનુસાર, કંપની વાર્ષિક 229.7 બિલિયન ડૉલરનું વેચાણ કરે છે.

મે 2021માં કંપનીની માર્કેટ કૅપ 1.9 ટ્રિલિયન ડૉલર હતી. જે હવે વધીને 2.46 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે.

line

અરામકોની સફળતાનું શું છે કારણ?

અરામકો

ઇમેજ સ્રોત, Getty Images

અરામકોના આગળ વધવા પાછળ તેલ અને ગૅસના વધેલા ભાવ છે. આ સિવાય નિષ્ણાતો કંપનીની સંસ્કૃતિને પણ આનું મોટું કારણ માને છે.

જાણીતા ઊર્જાનિષ્ણાત નરેન્દ્ર તનેજા કહે છે, અરામકો અમેરિકન ભાગીદારથી બની હતી, ભલે આજે આ કંપની સંપૂર્ણ રીતે સાઉદી સ્વામિત્વની હોય પરંતુ આમાં અમેરિકન ડીએનએ છે. અહીંયા આજે પણ અમેરિકાનું કૉર્પોરેટ વર્ક કલ્ચર છે."

સાઉદી અરેબિયાની વસતી ખૂબ વધુ નથી જોકે ક્ષેત્રફળના હિસાબથી આ એક મોટો દેશ છે. સાઉદી અરેબિયાની વસતી લગભગ સાડા ત્રણ કરોડ છે જે દુનિયાના મોટા દેશોની સરખામણીમાં બહુ વધારે નથી.

સાઉદી અરેબિયાનું અર્થતંત્ર મોટા પ્રમાણમાં તેલ પર આધારિત છે.

સાઉદી અરેબિયાને અરામકોથી બહુ તાકાત મળી છે. એકલા અરામકોએ સાઉદી અરેબિયાને દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરી દીધું છે.

નરેન્દ્ર તનેજા કહે છે કે, "જી-20 આજે દુનિયામાં સૌથી મોટું આર્થિક શક્તિનું સમૂહ છે. સાઉદી આનું સભ્ય છે , ભારત પણ છે, માત્ર તેલને કારણે સાઉદી આ સમૂહમાં સામેલ છે."

સાઉદી અરેબિયાની પાસે માત્ર તેલ જ નહીં પરંતુ ધર્મની શક્તિ પણ છે. મક્કા-મદીના મુસ્લિમોનાં બે સૌથી પવિત્રસ્થળો છે અને બંને સાઉદી અરેબિયામાં જ છે

તેલ અને ધર્મની શક્તિ સાઉદીને મધ્ય પૂર્વ અને દુનિયાનો મહત્ત્વનો દેશ બનાવે છે.

નરેન્દ્ર તનેજા કહે છે, "આજે સાઉદી અરેબિયાની જે દુનિયામાં તાકાત અને સાખ છે તેની પાછળ મોટી ભૂમિકા અરામકો કંપનીની છે જે તેના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન