ગુજરાત : ઓબીસી સમાજને મળેલી 27 ટકા અનામતથી કેવા ફેરફારો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"ભારતીય જનતા પાર્ટી હંમેશાં દરેક જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકોને સાથે રાખીને કેવી રીતે ચાલી શકાશે એ માટે પ્રયત્ન કરે છે. આજે એમાં એક કડી ઉમેરતાં ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ - અન્ય પછાત વર્ગ) માટે 27 ટકા અનામતનો નિર્ણય કરાયો છે. કોઈપણ બીજી જ્ઞાતિને અસર ન થાય તેની પણ ખૂબ કાળજી રાખી છે અને દરેક વ્યક્તિ મુખ્ય પ્રવાહમાં આવે અને આગળ વધે તે માટે પ્રયત્નના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી છે."
આ શબ્દો ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના છે. તેમણે મંગળવારે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવાની જાહેરાત કરી.
આ અનામત લાગુ કર્યા બાદ રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ ભાજપ ઓબીસી અનામતને લાગુ કરવાના મુદ્દે એકબીજાની પીઠ થાબડી રહ્યા છે. તો બીજી તરફ, વિપક્ષ કૉંગ્રેસે ઓબીસી અનામત લાગુ કરવા માટે તેમણે દબાણ ઊભું કરીને સરકારને એમ કરવાની ફરજ પાડી હોવાનો દાવો કર્યો છે.
રાજ્ય સરકારે જુલાઈ 2022માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત મુદ્દે ઝવેરી આયોગની રચના કરી હતી. આ પંચ દ્વારા ગત જુલાઈ 2023માં પોતાનો રિપોર્ટ મુખ્ય મંત્રીને સોંપ્યો હતો પછી મંગળવારે કૅબિનેટ બેઠકમાં ઝવેરી આયોગની ભલામણો લાગુ કરવાનો નિર્ણય કરાયો હતો.
ગુજરાતમાં ઓબીસી કૅટેગરીમાં આવતી અંદાજે 146 જેટલી જ્ઞાતિઓ છે. વર્ષ 1931માં છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. ત્યારબાદ ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી તેના કોઈ સત્તાવાર આંકડા નથી. 1931ની વસ્તી ગણતરીના આધારે ગુજરાતમાં 52 ટકા જ્ઞાતિઓનો ઓબીસી કૅટેગરીમાં સમાવેશ થાય છે.
છેલ્લાં બે વર્ષથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવીકે, ગ્રામ પંચાયતોની ચૂંટણી અટકેલી હતી. આ વિલંબ પાછળનો મુખ્ય મુદ્દો 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવાનો હતો.
આથી હવે ગુજરાતમાં અટવાઈ પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી, રાજ્ય સરકારે ઝવેરી પંચની ભલામણો સ્વીકારી લીધી હોવાથી, નજીકના સમયમાં યોજાશે.

ઝવેરી પંચની ભલામણના આધારે જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા અનામત લાગુ કરવાના મુદ્દે મંગળવારે રાજ્ય સરકારના કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે ઝવેરી પંચની રચના કરી હતી અને તે આયોગની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામત આપી છે. 2022માં ઝવેરી કમિશનની રચના કરી અને 2023માં અહેવાલ મળ્યો. ત્રણ મહિનામાં આ ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્ય સરકારે આજે એક પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું છે કે, "રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમજ ચૅરપર્સનની બેઠકોમાં અનામતની ફાળવણી માટે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી.
આ કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કર્યો હતો. આ અહેવાલના અભ્યાસ માટે રાજ્ય સરકારે એક કૅબિનેટ સબ-કમિટીની રચના કરી હતી.
આ કૅબિનેટ સબ-કમિટીના અહેવાલની ભલામણોનો રાજ્ય સરકારે જનહિતમાં સ્વીકાર કર્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો (OBC)ને બેઠકો / હોદ્દા (પ્રમુખ, મેયર, સરપંચ) માટે 27 ટકા બેઠકો અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે."
આ પ્રેસનોટમાં વધુમાં માહિતી આપી છે કે, “નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ નિર્દેશોથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરતાં પહેલા “ટ્રિપલ ટેસ્ટ”ની કાર્યવાહી કરવા કરાયેલ નિર્દેશનો પણ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. આ ટ્રિપલ ટેસ્ટના નિર્દેશ પ્રમાણે રાજ્ય સરકારે સમર્પિત આયોગની રચના કરીને, વોર્ડ પ્રમાણે અનામતનું પ્રમાણ જાળવી અને મહત્તમ મર્યાદા નક્કી કરી છે.”
“જેના આધારે સ્વરાજ્યની સંસ્થાઓ માટે પછાતપણાના સ્વરૂપ અને અસરો અંગે સંપૂર્ણ અને કાળજીપૂર્વકની તપાસ કરવા માટે સમર્પિત આયોગની રચના અસરકારક સાબિત થશે. આયોગની ભલામણોને આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવામાં આવ્યું છે.”
“કોઈપણ સંજોગોમાં SC/ST/OBC માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનારી બેઠકો કુલ બેઠકોના 50 ટકાથી વધે નહીં તે પ્રમાણે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.”
રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે, “જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણોનો સ્વીકાર કરીને અમલવારી માટે સમર્પિત આયોગ દ્વારા ઓબીસી વસ્તીના આંકડા જે ગણતરીમાં લીધા છે, તેમાં કલેકટર કચેરીની ચૂંટણી શાખાના આંકડા, આરોગ્ય વિભાગના આંકડા, વર્ષ-2021-22 દરમ્યાન ધોરણ-1માં પ્રવેશ મેળવનારાં બાળકોના આંકડા, મતદાર યાદીમાં ઓબીસી મતદારોના આંકડા, બ્રિટિશ સમયની વસતી ગણતરીના આંકડા, કમિશન દ્વારા વિભાગીય કક્ષાએ વિવિધ સમાજો દ્વારા થયેલી રજૂઆતોના આંકડા, ગ્રામીણ વિસ્તારોમાં 52 ટકા અને શહેરી વિસ્તારોમાં 46.43 ટકા મળી ઓબીસીની વસ્તી રાજયમાં 49.20 ટકા અંદાજવામાં આવેલી છે."

ભાજપ અને ઓબીસી સમુદાય

ઇમેજ સ્રોત, BJP
ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું, “સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે આયોગની રચના કરી અને અનામત નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં ઓબીસી સમુદાયની લગભગ 52 ટકા વસ્તી છે. ભાજપમાં ઓબીસી સમુદાયના 50 જેટલા ધારાસભ્યો છે. ભાજપ હંમેશાં ઓબીસી સમુદાયને સાથે લઈને ચાલે છે.”
"એસ.સી. અને એસ.ટી. સમુદાયોને નુકસાન ન થાય તેની કાળજી રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત લાગુ કરવામાં આવશે. વિધાનસભા અને લોકસભામાં કોઈ ફેર પડશે નહીં. પેસા (PESA) ઍકટમાં 9 જિલ્લા અને 51 તાલુકા છે, ત્યાં વસ્તી પ્રમાણે બેઠકની ફાળવણી થાય અને એ વિસ્તારોમાં 10 ટકા ઓબીસી અનામત લાગુ કરાશે."

કાયદાકીય લડાઈ લડીશું - કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, @AmitChavdaINC
જોકે, કૉંગ્રેસ રાજ્ય સરકારે કરેલા આ નિર્ણય પાછળ તેમણે સમાજમાં ઊભા કરેલા દબાણને કારણભૂત ગણાવે છે. ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, "ડબલ એન્જિનની સરકાર 52 ટકા વસ્તી ધરાવતી ઓબીસીને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કર્યો છે. વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો. ત્યારબાદ વર્ષ 2022માં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જુલાઈ 2022માં ઓબીસીની 10% અનામત નાબૂદ કરવામાં આવી હતી."
"ઓબીસી સમાજનું સ્થાનિક સ્વરાજ્યમાંથી પ્રતિનિધિત્વ નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસ પક્ષ દ્વારા આ અંગે લડાઈ લડવામાં આવી. જેથી સરકાર દ્વારા ઝવેરી પંચની રચના કરવાની ફરજ પડી હતી. તા. 22 જુલાઈ 2022 કમિશનની રચના કરાઈ હતી. આ કમિશનને 90 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો પણ તેના બદલે બે વાર મુદત વધારી. ફેબ્રુઆરી 2023માં મુદત પૂરી થઈ હતી અને મુદત વધારી નહોતી, છતાં રિપોર્ટ આપ્યો નહોતો."
"વિધાનસભા સત્રમાં અમે સૌએ વિરોધ સાથે સરકારને રજૂઆત કરી હતી કે, રિપોર્ટ નહીં આવવાના કારણે ઓબીસી સમાજને તો અન્યાય થાય છે, પરંતુ તેની સાથે સાથે ચૂંટણીઓ નહીં આવવાના કારણે મોટા પ્રમાણમાં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે."
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતુ કે, "તા. 11 એપ્રિલ 2023ના રોજ અમે ગવર્નરને મળ્યા અને રિપોર્ટ રજૂ કરવા અંગે આદેશ આપવા કહ્યું હતું. ગવર્નરના આદેશ બાદ તા. 13 એપ્રિલ 2023ના રોજ સમર્પિત આયોગનો રિપોર્ટનો સ્વીકાર કરાયો હતો. ગત એપ્રિલમાં મળેલા રિપોર્ટ પર કાર્યવાહી ન થતા ઓબીસી સમુદાયો દ્વારા જેઓને કૉંગ્રેસ પક્ષ દ્વારા સમર્થન અપાયું હતું, તેઓએ તા. 22 ઑગસ્ટના રોજ ગાંધીનગર ખાતે સ્વાભિમાન સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું."
"જો સરકાર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો રસ્તા પર ઊતરી આવીને લડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા પાંચ મંત્રીઓની કમિટી બનાવી કૅબિનેટમાં આ મુદ્દો લીધો હતો."

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે વધુમાં કહ્યું, "દરેક રાજ્યનાં પોતાનાં યુનિટ એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાનાં એકમો પ્રમાણે વસ્તી ગણતરી કરાવી તે મુજબ અનામત આપવાની થાય એ અંગે રિપોર્ટમાં ભલામણ કરી છે. રિપોર્ટની ભલામણો અનુસાર મહાનગરોમાં ઓબીસી સમુદાયની વસ્તી 40% છે. જ્યારે 160 જેટલી નગરપાલિકાઓમાં 54 ટકા વસ્તી છે."
"પેસા ઍક્ટ હેઠળ આવતા 9 જિલ્લાને બાદ કરતા ગુજરાતમાં ઓબીસી સમુદાયોની વસ્તી 54 ટકા છે અને આ મુજબ ઓબીસી સમુદાયોને અનામત મળવી જોઈએ એવી રિપોર્ટમાં સ્પષ્ટ ભલામણો કરવામાં આવી છે. 50 ટકાની મર્યાદા ચોક્કસ છે. એસ.ટી. અને એસ.સી. સમાજને તેની વસ્તીના ધોરણે અનામત મળતી હોય તો ઓબીસી સમુદાયોને પણ તેમની વસ્તીના આધારે અનામત આપવામાં આવે તો કોઈ વાંધો નથી."
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, જે યુનિટમાં એસ.સી. સમાજને 7% અને એસ.ટી. સમાજને 14 % અનામત આપવામાં આવતી હોય તે યુનિટમાં ઓબીસીને 27% અનામત આપવામાં આવે તો વાંધો નથી. જે યુનિટમાં એસ.સી. સમાજને 2 ટકા અને એસ.ટી. સમાજને 1 ટકા અનામત આપવામાં આવતી હોય, તે યુનિટમાં ઓબીસી સમાજને 47% અનામત આપવામાં આવે તો કોઈ જ વાંધો હોઈ શકે નહીં, તેવી ઝવેરી કમિશનને સરકારને ભલામણ કરી હતી."
"પરંતુ સરકારે ઝવેરી કમિશનની ભલામણો માની નથી. રિપોર્ટને ઘોળીને પી ગયા છે. તેમને રાજકીય ફાયદા અને નુક્સાનને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી છે. આ જાહેરાત કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. આ જાહેરાત ઓબીસી સમાજને અન્યાયકર્તા છે. ઓબીસી સમાજના હક અધિકારને છીનવવા બરાબર છે."
અમિત ચાવડાએ મીડિયા સમક્ષ વધુમાં જણાવ્યું હતું કે, "નોટિફિકેશન આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને સામાજિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરીશું. ત્યારબાદ ન્યાય માટે કાયદાકીય લડાઈ, રાજકીય લડાઈ કે રસ્તા પર ઊતરીને અધિકારની લડાઈ લડવી પડશે તો પણ લડીશું."
તેમણે કહ્યું, "જસ્ટિસ ઝવેરી કમિશન અંતર્ગત સમર્પિત આયોગ બન્યું. તેમના દ્વારા અલગ-અલગ રીતે આંકડાઓ મેળવ્યા, સુનાવણીઓ કરી. સામાજિક, શૈક્ષણિક તમામ સંસ્થાઓ આગેવાનોએ તેમને રજૂઆત કરી તેના આધારે રિપોર્ટ તૈયાર કર્યો. તેમાં ભલામણ કરી કે દરેક યુનિટમાં જે પ્રમાણે વસ્તી છે તે મુજબ અનામત આપવામાં આવે. સરકારે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું ઉલંઘન કર્યું છે. તેમજ જસ્ટિસ ઝવેરીના રિપોર્ટનું પણ ઉલ્લંઘન કર્યું છે. ફક્ત રાજકીય લાભ અને નુકશાનને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેનો અમે વિરોધ કરીએ છીએ."

"ઓબીસીને 27 ટકા અનામત આપવી જરૂરી છે, પરંતુ પૂરતું નથી."

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષક અને પ્રોફેસર વિધુત જોષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ઝવેરી પંચની બેઠક મળી હતી ત્યારે તેમણે સમાજશાસ્ત્રીઓ તેમજ અન્ય આગેવાનો સાથે બેઠક કરીને ડેટા એકઠા કર્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અનામત 50% કરતાં વધવી જોઈએ નહીં જેથી 27% અનામત આપવામાં આવી છે ગુજરાતમાં 15 % એસ.ટી. અને 7% એસ.સી. અનામત છે."
"ભૂતકાળમાં કેટલાંક રાજ્યોમાં ઓબીસી અનામત વધારે આપવામાં આવી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે અનામત કુલ 50% કરતાં વધારી શકાય નહીં. કેન્દ્રમાં ઓબીસીની અનામત 27 ટકા છે."
"ગુજરાત રાજ્યમાં ઓબીસીની વસ્તી લગભગ 49% જેટલી છે, જેમાં કોળી સમાજ 22% જેટલા છે. અત્યાર સુધી માત્ર 10 ટકા જ અનામત હતી. 27 ટકા અનામત પણ ખોટી ના કહેવાય. આ અંગે લાંબા સમયથી માંગ હતી. અહીં (ગુજરાતમાં) કમિશન નીમવામાં મોડું થયું હતું. પંચાયતોની કેટલીક ચૂંટણીઓ થઈ શકી નથી તે ચૂંટણીઓ માટે હવે રસ્તો મોકળો થશે."
રાજકીય વિશ્લેષક અને પ્રો. ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "જે ગામોમાં ઓબીસી સમુદાયોની વસ્તી વધારે છે તેવા વિસ્તારોમાં તો પોઝિશન મળી જ જાય છે. સરકારની ઓબીસી સમુદાયોને 27 ટકા અનામતની જાહેરાતથી કેટલી પરિસ્થિતિ બદલાશે તે જોવાનું રહેશે."
"આ અનામતનો લાભ કયા ઓબીસી સમુદાયોને મળશે તે જોવાનું રહેશે. દા.ત. જે વિસ્તારમાં કોળી સમાજ વધારે છે અને તે વિસ્તારમાં કોઈ અન્ય ઓબીસી જ્ઞાતિ રહે છે. જે જ્ઞાતિની વસ્તી ઓછી છે, પરંતુ તે ઓબીસી સમુદાયોમાં આવે છે તો તેને કઈ રીતે લાભ મળશે?"
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "તમે અનામત આપો છો એની સાથે રાજકીય શક્તિ અને આર્થિક શક્તિ બદલાશે કે નહીં? એમના ઉત્કર્ષમાં કેટલો ફરક પડશે. ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમાજોના મતો અંકે કરવાની કૉંગ્રેસની) થિયરી પછી ઓબીસી સમુદાયોનું પ્રતિનિધિત્વ વધ્યું છે પણ જોવાનું એ રહ્યું કે આ સમુદાયોના પ્રતીનિધિઓનો સત્તા કેટલી મળી? હું માનું છું કે ઓબીસીને 27 ટકા અનામત આપવી તે જરૂરી છે. પરંતુ પૂરતું નથી."

'અનામત મોડી મળી'

ઇમેજ સ્રોત, Getty Images
સમાજશાસ્ત્રી અને પ્રોફેસર ગૌરાંગ જાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ભારતના બંધારણની જોગવાઈ મુજબ ઓબીસીને 27% અનામત મળવી જ જોઈએ પરંતુ તેમને મોડી મળી છે, ગુજરાતમાં ઓબીસીની વસ્તી લગભગ 50 ટકા જેટલી છે એટલે એવું કહી શકાય કે, સરકારના આ નિર્ણયનો લાભ લગભગ દરેક બીજા ગુજરાતીને થશે. જોકે ઓબીસીની વસ્તીના પ્રમાણમાં તેમને મળેલી અનામત ખૂબ જ ઓછી છે, પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર અનામત 50% કરતાં વધુ હોવી જોઈએ નહીં, તે વાતને ધ્યાનમાં રાખતા ઓબીસી સમુદાયને 27% અનામત આપવામાં આવી છે."
તેમણે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ 27%માં અંદર ઓબીસીની 147 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. જેમાં 19 જેટલા મુસ્લિમ સમુદાયો પણ ઓબીસીમાં આવે છે. આ સમુદાયોને પણ આ લાભ મળશે અને એવું કહી શકાય કે, ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ વધી શકે છે. બીજું કે ઓબીસી કૅટેગરીની મહિલાઓને પણ આ અંગે લાભ મળશે. હવે એવું કહી શકાય કે, ઓબીસીને ગામથી લઈને દિલ્હી સુધી પ્રતિનિધિત્વ મળશે."
ઓબીસી અનામત આયોગ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં અત્યાર સુધીમાં દરેક આયોગએ ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કર્યું છે, તેમ આ આયોગે પણ સરસ કામ કર્યું છે. આયોગને અભિનંદન. દેશમાં ઓબીસી આયોગની સ્થાપના સૌથી છેલ્લે ગુજરાતમાં થઈ હતી. તમિલનાડુ રાજ્યમાં તો હમણાં ઓબીસી અનામતને 100 વર્ષની ઉજવણી પણ કરવામાં આવી હતી."

કૅબિનેટ સબ-કમિટીની ભલામણો શું છે?
- ગ્રામ્ય સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત) તેમજ શહેરી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (નગરપાલિકા અને મહાનગરપાલિકા)માં અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના સમુદાયના લોકોને મળનાર હાલના પ્રતિનિધિત્વમાં સમર્પિત આયોગ દ્વારા કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી, તે બાબતની કૅબિનેટ સબ-કમિટી દ્વારા નોંધ લેવામાં આવી તેમજ તે બાબતે સંમતી દર્શાવવામાં આવી.
- ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયતોમાં, શિડ્યુલ (અનુસૂચિત) વિસ્તારો અને પેસા (PESA) ઍક્ટની જોગવાઈઓ લાગુ પડે છે, તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ / બેઠક માટે અને હોદ્દાઓ (પ્રમુખશ્રીઓ / સરપંચશ્રીઓ) અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે 27% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો / હોદ્દાઓ 50% ની મર્યાદામાં) રાખવા માટે કમિટીની ભલામણ છે.
- શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વોર્ડ / બેઠક અને હોદ્દાઓ માટે (પ્રમુખશ્રીઓ / મેયરશ્રીઓ) માટે અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે 27% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો/હોદ્દાઓ 50%ની મર્યાદામાં) માટે કમિટીની ભલામણ છે.
- બિન અનુસૂચિત વિસ્તારોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનુસૂચિત જનજાતિને (ST) અનુસૂચિત વિસ્તાર / પેસા ઍક્ટની જોગવાઈઓ મુજબ અનામત બેઠકો ફાળવવામાં આવેલ છે. જેમાં હાલની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) માટે જે પ્રતિનિધિત્વ સંસ્થાવાર અમલમાં છે, તેનો અમલ યથાવત્ રાખવાની ભલામણ કરી છે.
- સમર્પિત આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાવાર આંકડાકીય માહિતીનું અવલોકન કરતા સમગ્ર રાજ્યની ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સંસ્થાવાર હાલની 10 ટકાની નીતિ અનુરૂપ અન્ય પછાત વર્ગોના ફાળે બેઠકો ફાળવાયેલી છે, પરંતુ સમર્પિત આયોગ દ્વારા અન્ય પછાત વર્ગોને (OBC) બેઠકોની ફાળવણીની ભલામણ કરતાં પેસા વિસ્તાર અને નોન-પેસા વિસ્તારમાં કેટલીક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો રદ્દ થઈ જાય છે. તેવી સંસ્થાઓમાં (a) ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-9,10,11 તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 ની કલમ-6 તેમજ આ અધિનિયમોમાં થયેલ વખતો-વખતના સુધારા-વધારા અનુસાર અન્ય પછાત વર્ગોને (OBC) અગાઉની 10% નીતિ મુજબ ફાળવેલ આરક્ષિત બેઠકો યથાવત રાખવા કમિટીએ ભલામણ કરી છે. (મહાનગરપાલિકાઓમાં આ પ્રમાણેની પરિસ્થિતિ ઉદ્દભવેલ નથી.)














