સુરત : ISROના વૈજ્ઞાનિક હોવાનો દાવો કરતા મિતુલ ત્રિવેદીની ધરપકડ, શું છે તેના નકલી દાવાનું અસલી કારણ?

- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો)એ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક 23 ઑગસ્ટે ઉતાર્યું હતું. આ ઘટનાનો પોતાની પ્રસિદ્ધિ માટે લાભ લેનારા અને પોતે ઇસરોના આ મિશનમાં જોડાયેલા હોવાનો દાવો કરનારા મિતુલ ત્રિવેદીની આખરે સુરતની ક્રાઇમ બ્રાન્ચે 29 ઑગસ્ટના દિવસે ધરપકડ કરી લીધી છે.
મિતુલ ત્રિવેદીએ એવો દાવો કર્યો હતો કે ચંદ્રયાન-3ના લૅન્ડરની ડિઝાઇન તેમણે બનાવી હતી. એટલું જ નહીં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તે સ્પેસક્રાફ્ટ ડિઝાઇનિંગ ટીમના સભ્ય હતા અને તેમણે તેના કૉન્સેપ્ટ ડિઝાઇનિંગમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
મિતુલ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે તે ઇસરો સાથે પણ જોડાયેલા છે.
મિતુલ ત્રિવેદી સુરતના સ્થાનિક મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપી રહ્યા હતા અને દાવો કરી રહ્યા હતા કે તેઓ ઇસરો સાથે જોડાયેલા વૈજ્ઞાનિક છે, જેમણે ચંદ્રયાન-3ના વિક્રમ લૅન્ડરને ડિઝાઇન કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
તેમના દાવા અને ઇન્ટરવ્યૂ તથા ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણીનાં દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં.
સ્થાનિક મીડિયાએ પણ તેમના દાવાના આધારે તેમને સારું એવું કવરેજ પણ આપ્યું. પરંતુ જ્યારે કોઈએ ઇસરો સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે તેઓ જે પ્રકારે માહિતી આપી રહ્યા છે તેમાં ઘણી વિસંગતતા છે.
જ્યારે મીડિયાએ તેમની પાસે તેમના દાવા અંગે પુરાવા માગ્યા તો તેમની પાસે નહોતા.
મામલો એટલો ગંભીર બન્યો કે પોલીસ તપાસ શરૂ થઈ. બીબીસી ગુજરાતીએ પણ આ અંગે મિતુલ ત્રિવેદીના પરિવારજનો, તેમના શિક્ષક, સુરત પોલીસ અને ઇસરો સાથે વાત કરીને જાતતપાસ કરવાનો પ્રયત્ન કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મિતુલ ત્રિવેદી સુરત ખાતેની ઍક્સ્પેરિમૅન્ટલ સ્કૂલના વિદ્યાર્થી હતા. ચંદ્રયાન-3ની સફળતા બાદ તેમણે તેમની સ્કૂલના પૂર્વ શિક્ષક અર્જુનભાઈ પટેલ સાથે કરેલી વાતચીતની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
આ ક્લિપમાં મિતુલ દાવો કરતા સંભળાય છે કે 2011થી તેઓ ઇસરો સાથે સંકળાયેલા છે. તેઓ એવો પણ દાવો કરે છે કે 2013થી તેઓ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સાથે સંકળાયેલા છે. તેમણે અર્જુનભાઈ પટેલ સાથેની વાતચીતમાં એવો પણ દાવો કર્યો હતો કે હું અત્યારે બેંગલુરુમાં છું અને જ્યારે ચંદ્રયાન-3નું લૅન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઊતર્યું, ત્યારે તેઓ બેંગલુરુમાં જ હાજર હતા.
તેમણે દાવો કર્યો કે તેઓ ચંદ્રયાન-2, ચંદ્રયાન-3ની સ્પેસક્રાફ્ટ ડિઝાઇનિંગ ટીમના સભ્ય હતા.
એટલું જ નહીં તેમણે ઇસરો દ્વારા ભવિષ્યમાં થનારા મિશન આદિત્ય અને ગગનયાનમાં પણ સહભાગી હોવાનો દાવો કર્યો.
મીડિયાએ તેમની પાસે જ્યારે આ દાવા અંગેના જરૂરી દસ્તાવેજો માગવામાં આવ્યા ત્યારે તે તેમની પાસે નહોતા.
બીજી નવાઈની વાત એ હતી કે તેઓ દાવો કરતા હતા કે તેઓ વૈજ્ઞાનિક છે, પરંતુ તેમણે કૉમર્સના વિષયો સાથે ગ્રૅજ્યુએશન કર્યું છે.
જોકે તેમણે દાવો કર્યો કે ભલે તેઓ કૉમર્સના વિદ્યાર્થી હતા, પરંતુ તેમણે ધોરણ 12 સાયન્સની પરીક્ષા ઍક્સ્ટર્નલ પાસ કરી હતી. તેમણે એ પણ દાવો કર્યો કે તેમણે પહેલા ફિઝિક્સ વિષય સાથે બી.એસસી. કર્યું અને ત્યારબાદ તેમણે એમ.એસસી. પણ કર્યું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ક્વૉન્ટમ ફિઝિક્સમાં ડૉક્ટરેટ પણ કર્યું છે.
તેઓ એવો પણ દાવો કરતા હતા કે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે ઍન્થ્રોપોલૉજી અને વેદાંત પર રિસર્ચ કરીને પીએચ.ડી. પણ કર્યું છે.
ઉપરાંત તેઓ આર્કિયોલોજી સર્વે ઑફ ઇન્ડિયા સાથે પણ જોડાયેલા હતાં. તેઓ દરિયાના પેટાળમાં રહેલી દ્વારકાનાં ઉત્ખનન કામમાં એએસઆઈ સાથે જોડાયેલા હતા. તેઓ 45 પ્રાચીન ભાષા વાંચી-સમજી શકે છે અને તેને ડિકૉડ કરી શકે છે.
આટઆટલા દાવા બાદ જ્યારે મીડિયાએ તેમની પાસે પુરાવા માગ્યા તો તેઓ આપી શક્યા નહોતા. તેથી મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે.

શું કહેવું છે પોલીસનું?

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
સુરતમાં ભારતીય ગૌરક્ષા મંચ સંગઠનના પ્રમુખ ધર્મેન્દ્ર ગામીએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં લેખીતમાં એક ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં તેમણે માગ કરી છે કે, ‘વૈજ્ઞાનિક હોવાની ખોટી વાત કરતી મિતુલ ત્રિવેદી નામની વ્યક્તિ ચંદ્રયાન-3ની સફળતામાં પોતાનો ફાળો હોવાની સસ્તી પ્રસિદ્ધિ મેળવી સુરતના લોકોને ગુમરાહ કરી રહી છે. તેની સામે ગુનો દાખલ કરીને તપાસ કરવા વિનંતી.’
આ મામલે સુરત પોલીસની સ્પેશિયલ બ્રાંચે મિતુલની પૂછપરછ કરી. પોલીસની પૂછપરછમાં મિતુલ તેમના દાવા અંગેના કોઈ પુરાવા ન આપી શક્યા.
મિતુલની પૂછપરછ કરનારા પોલીસ અધિકારી અને સુરત પોલીસની સ્પેશિયલ બ્રાંચનાં ડીસીપી હેતલ પટેલે બીબીસી ગુજરાતી સાથે કરેલી ખાસ વાતચીતમાં કહ્યું, “તેમની પાસે એવા કોઈ પુરાવા નથી કે તેઓ ઇસરો સાથે જોડાયેલા છે. તેમનું શૈક્ષણિક બૅકગ્રાઉન્ડ પણ કૉર્મસનું છે, તેથી શંકા પ્રબળ બને છે. હાલ તપાસ ચાલુ છે. મામલાની ગંભીરતા જોતા આ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.”

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
જોકે, 29 ઑગસ્ટના દિવસે સુરત પોલીસે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી લીધી હતી.
સુરતના અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલે પત્રકારોને જણાવ્યું હતું, "મિતુલ ત્રિવેદીના આ દાવા સામે પોલીસ કમિશનર કચેરીને મળેલી ફરિયાદની અરજી બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે ઇસરોને મોકલેલા ઇમેલના જવાબમાં જાણવા મળ્યું હતું મિતુલ ત્રિવેદીએ રજૂ કરેલા કાગળ નકલી છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદીની પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે તેણે રજૂ કરેલા દસ્તાવેજો બનાવટી છે."
શરદ સિંઘલે મિતુલ ત્રિવેદીએ આવા બનાવટી કાગળો કેમ બનાવ્યા અને આવા ખોટા દાવા કેમ કર્યા તેની પાછળનું કારણ જણાવતા કહ્યું, "એણે ઇસરોનો લેટર એટલા માટે બનાવ્યો કારણ કે તે ટ્યુશન ક્લાસ ચલાવે છે અને એને એવું લાગ્યું કે જો એ આવો લેટર તેના વિદ્યાર્થીઓનાં માતાપિતાને બતાવશે તો વધારે બાળકો તેના ટ્યુશન ક્લામાં ભણવા આવશે."
આથી ક્રાઇમ બ્રાન્ચે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 419, 465, 468 અને 471 હેઠળ ગુનો નોંધીને તેની ધપકડ કરી છે.

ઇસરોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, @ISRO
મિતુલ ત્રિવેદીના દાવા અંગે જ્યારે બીબીસી ગુજરાતીએ અમદાવાદની ઇસરોની કચેરીનો સંપર્ક સાધ્યો. અમદાવાદ ઇસરોના પ્રવક્તા ધર્મેન્દ્ર માહિતકરે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “અમદાવાદ ખાતેના ઇસરોમાં મિતુલ ત્રિવેદી નામનો કોઈ કર્મચારી નથી.”
ધર્મેન્દ્ર માહિતકરે વધુમાં જણાવ્યું, “ઇસરો કેટલાક પ્રોજેક્ટ માટે વિવિધ યુનિવર્સિટી સાથે એમઓયુ કરે છે પણ તેમાં યુનિવર્સિટીના કુલપતિ કે પછી કૉલેજના આચાર્યો જોડાયેલા હોય છે. આ પ્રકારના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની જિજ્ઞાસા વધે તે માટેના હોય છે.”
જ્યારે અમે કહ્યું કે મિતુલ એવો દાવો કરે છે કે ચંદ્રયાન-3ના લૅન્ડરના ડિઝાઇનિંગ પ્રોજેક્ટમાં તેમણે બહુમૂલ્ય ફાળો આપ્યો છે તે વિશે તમારું શું કહેવું છે?
તેના જવાબમાં ધર્મેન્દ્ર માહિતકર કહે છે, “તમે તેની પાસે આઈકાર્ડ માગો? કરારના દસ્તાવેજ માગો? તેના પરથી ખબર પડી જશે કે તે કોણ છે?”
તેમણે ફરીવાર ચોખવટ કરતા કહ્યું કે મિતુલ ત્રિવેદી નામની કોઈ વ્યક્તિ ઇસરોની કર્મચારી નથી.

શું કહેવું છે મિતુલ ત્રિવેદીનું?

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
જ્યારે ચંદ્રયાન-3નું વિક્રમ લૅન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઊતર્યું ત્યારે બીબીસીના સુરત ખાતેના સહયોગી રૂપેશ સોનવાણેએ તેમની સાથે વાતચીત કરી હતી.
ત્યારે તેમણે દાવો કર્યો હતો કે, “સ્પેસક્રાફ્ટ ડિઝાઇનિંગ ટીમનો સભ્ય હતા. કૉન્સેપ્ટ ડિઝાઈનીંગમાં પણ મેં મહત્ત્વનો ફાળો આપ્યો છે.”
રૂપેશ સોનવાણે વધુમાં જણાવે છે, “અગાઉ પણ નાસાનું નામ લઈને તેમણે અનેક કાર્યક્રમો આપ્યા છે અને મીડિયામાં પ્રસિદ્ધિ લીધી છે. એટલે આ વખતે જ્યારે તેમણે દાવો કર્યો ત્યારે મીડિયાને શરૂઆતમાં લેશમાત્ર શંકા ગઈ નહોતી.”
અમે જ્યારે મિતુલનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો તો તેમનો સંપર્ક થઈ શક્યો નહીં. જોકે, અમે તમના પુત્ર જિનિલ ત્રિવેદીનો સંપર્ક સાધવામાં સફળ રહ્યા.
જિનિલ ત્રિવેદીએ બીબીસી ગુજરાતીએ પૂછેલા પ્રશ્નોના જવાબ ગોળગોળ આપ્યા.
બીબીસી ગુજરાતીએ જ્યારે જિનિલને પૂછ્યું કે જો તેઓ ઇસરો અને નાસા સાથે કામ કરવાનો દાવો કરે છે, ચંદ્રયાન-3ના લૅન્ડરની ડિઝાઇન ટીમમાં હોવાનો દાવો કરે છે તો તેમની પાસે કોઈ પુરાવા છે જે સાબિત કરી શકે કે તેમના દાવા સાચા છે?
જિનિલે જણાવ્યું, “અમે હાલ મીડિયાને કોઈ માહિતી આપવા માગતા નથી. પોલીસ તપાસ કરી રહી છે. અમે તમામ પુરાવાઓ પોલીસને આપીશું, ત્યારે સત્ય બહાર આવશે.”
અમે જ્યારે જિનિલને કહ્યું કે અમારે મિતુલ ત્રિવેદી સાથે વાતચીત કરવી છે. તો તેમણે અમને સ્પષ્ટ ના પાડતા કહ્યું કે હાલમાં તેઓ મીડિયા સાથે વાતચીત કરવા માગતા નથી.
અમે ફરી તેમને પૂછ્યું કે તેમના દાવાઓ અંગે જે શંકા ઉદ્ભવી છે તેના વિશે તમે કોઈ સ્પષ્ટતા આપવા માગો છો?
તો તેમણે અમને માત્ર એટલું જ કહ્યું કે હાલ પોલીસના હાથમાં તપાસ છે, સમય જતા તમને તમારા તમામ સવાલોના જવાબો મળી જશે.

તેમના પૂર્વ શિક્ષકનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, RUPESH SONVANE
જે શિક્ષક સાથે તેમની ઑડિયો ક્લિપ વાઇરલ થઈ છે તે અર્જુનભાઈ પટેલ સાથે પણ બીબીસી ગુજરાતીએ સંપર્ક સાધીને કેટલાક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો.
ચંદ્રયાન-3ની સફળતા બાદ અર્જુનભાઈ સાથે જ્યારે મિતુલે વાતચીત કરી હતી ત્યારે મિતુલે એવો દાવો કર્યો હતો કે તે હજુ બેંગલુરુમાં જ છે અને ઇસરો સાથે છે.
બીજે જ દિવસે સવારે તેઓ સુરતમાં હતા અને મીડિયામાં મુલાકાત આપતા હતા. ત્યારે પ્રશ્ન થાય કે જ્યારે ઇસરોની ટીમ એકસાથે હતી ત્યારે તેઓ તેમને છોડીને સુરત કેમ આવી ગયા.
અમે જ્યારે તેમના શિક્ષક અર્જુનભાઈ પટેલને આ વિશે પૂછ્યું તો તેઓ કહેવા લાગ્યા કે આ વિશે મારે કોઈ વાતચીત નથી કરવી.
અર્જુનભાઈ પટેલે કહ્યું, “હું દસ વર્ષથી નિવૃત્ત થયો છું. મારા હજારો વિદ્યાર્થીઓ છે. તેઓ તેમની જે તે સફળતાનો દાવો કરે તે જાણીને મારા માટે તો હર્ષની જ લાગણી થાય. હું તેઓ સાચું બોલે છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકું?”
જ્યારે મિતુલે તેમને ચંદ્રયાનની સફળતા બાદ ફોન કરીને જણાવ્યું હતું કે તે પોતે હાલ બેંગલુરુમાં છે તો અર્જુનભાઈ તેમની સફળતા બદલ ભાવુક થઈ ગયા હતા.
મિતુલે તો ત્યાં સુધીનો દાવો કર્યો હતો કે ઇસરોના આવનારા આદિત્ય મિશનમાં પણ તેઓ સામેલ છે.
આ વિશે અમે તેમને જ્યારે પુછ્યું કે શું તેઓ તેમના વિદ્યાર્થી દ્વારા છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે?
તો તેના જવાબમાં તેમણે કહ્યું, “હું શિક્ષક છું, હું હંમેશાં મારા વિદ્યાર્થીઓને આશીર્વાદ જ આપું છું. મને હંમેશાં તેમની સફળતા બદલ આનંદ જ થાય. તેમના વિશે હું કોઈ કટુ વચન ન બોલી શકું.”














