ભાજપને 2024-25માં કયા લોકોએ વ્યક્તિગત રીતે સૌથી વધારે દાન આપ્યું?

ભાજપ, કૉંગ્રેસ, રાજકારણ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, ભારતીય જનતા પાર્ટી, ભારત, ગુજરાત, પાર્ટીને ફંડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ અને જાસ્મિન નિહલાની
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2024માં ઇલેક્ટોરલ બૉન્ડ યોજના સમાપ્ત કરી દીધી હતી. ત્યાર પછી નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને લગભગ 6 હજાર કરોડ રૂપિયા દાનમાં મળ્યા છે.

આ 6 હજાર કરોડ રૂપિયાના દાનમાં ભાજપને 3 હજાર 689 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા મળ્યા, જે કુલ રકમના લગભગ 62 ટકા છે.

ભારતમાં કંપની ઍક્ટ હેઠળ રજિસ્ટર કોઈ પણ કંપની એક ઇલેક્ટોરલ ટ્રસ્ટ બનાવી શકે છે. ભારતના કોઈ પણ નાગરિક, ભારતમાં રજિસ્ટર કંપની, કોઈ ફર્મ, હિંદુ સંયુક્ત કુટુંબ કે ભારતમાં રહેતા લોકોનો સમૂહ આ ઇલેક્ટોરલ ટ્રસ્ટને દાન આપી શકે છે. પછીથી ઇલેક્ટોરલ ટ્રસ્ટ આ પૈસા રાજકીય પક્ષોને આપે છે.

આ ઉપરાંત, ઇલેક્ટોરલ ટ્રસ્ટને દાન આપવાના બદલે કોઈ પણ નાગરિક કોઈ પણ રાજકીય પક્ષને વ્યક્તિગત રીતે સીધું દાન આપી શકે છે. જો દાનની રકમ 20 હજાર રૂપિયા કરતાં વધારે હોય, તો રાજકીય પક્ષોએ દર વર્ષે તેની માહિતી ચૂંટણી પંચને આપવી પડે છે.

બીજી તરફ, એક સમાચાર અનુસાર, કૉંગ્રેસ પાર્ટીને વર્ષ 2024-25માં 517 કરોડ રૂપિયા કરતાં વધારે દાન મળ્યું. તેમાંથી 313 કરોડ રૂપિયા ચૂંટણી ટ્રસ્ટો દ્વારા મળ્યા. એક અન્ય સમાચાર અનુસાર, કૉંગ્રેસને 522 કરોડ રૂપિયા કરતાં વધારે મળ્યા છે. જોકે, બીબીસી આ આંકડાની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી કરતું.

જ્યારે પશ્ચિમ બંગાળમાં સરકાર ચલાવી રહેલી તૃણમૂલ કૉંગ્રેસને આ જ વર્ષે 184.5 કરોડ રૂપિયા મળ્યા. તેમાંથી 153.5 કરોડ રૂપિયા ચૂંટણી ટ્રસ્ટો દ્વારા આવ્યા.

કેમ કે, વર્ષ 2024-25માં ભાજપને ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા સૌથી વધારે દાન મળ્યું છે, તેથી એ જોવું રસપ્રદ છે કે આ પાર્ટીને કયા લોકોએ વ્યક્તિગત રીતે સૌથી વધારે દાન આપ્યું.

અમે કઈ પદ્ધતિ અપનાવી?

આ વિશ્લેષણ ભાજપ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયામાં જમા કરાવાયેલા યોગદાન રિપોર્ટ પર આધારિત છે. આ રિપોર્ટમાં પાર્ટીને અપાયેલાં એ દાનનો સમાવેશ છે જે 20 હજાર રૂપિયા કરતાં વધારે છે.

જો કોઈ વ્યક્તિ કે કંપનીએ ઘણી વાર દાન આપ્યું હતું, તો તે બધી રકમોનો સરવાળો કરીને એ નાણાકીય વર્ષમાં પાર્ટીને અપાયેલા કુલ દાનની ગણતરી કરવામાં આવી છે.

પાર્ટીના યોગદાન રિપોર્ટ્સ પીડીએફ ફૉર્મેટમાં પ્રકાશિત થયા હતા. તેમાંથી ટેક્સ્ટ (લખાણ)ને પસંદ કરી શકાતું હતું, પરંતુ નામો અને દાનની રકમમાં ઘણી ખામીઓ અને અસંગતિઓ હતી, આ કારણે 'ઑટોમેટેડ ટેક્સ્ટ એક્સ્ટ્રેશન ટૂલ્સ' સાચું પરિણામ ન આપી શક્યાં. તેથી બધા આંકડાને મૂળ દસ્તાવેજનાં પાનાંમાં જોઈ જોઈને ખરાઈ કરવામાં આવી છે.

સૌથી વધારે વ્યક્તિગત દાન આપનાર

ભાજપ, કૉંગ્રેસ, રાજકારણ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, ભારતીય જનતા પાર્ટી, ભારત, ગુજરાત, પાર્ટીને ફંડ, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1. સુરેશ અમૃતલાલ કોટક

ભારતીય જનતા પાર્ટીને વ્યક્તિગત સ્તરે સૌથી વધારે દાન સુરેશ અમૃતલાલ કોટકે આપ્યું છે.

વર્ષ 2024-25માં સુરેશ અમૃતલાલ કોટકે ભાજપને 30 કરોડ રૂપિયાનું દાન આપ્યું. સાથે જ તેમણે કૉંગ્રેસને પણ સાડા સાત કરોડ રૂપિયાનું દાન આપ્યું.

કોટક એક બિઝનેસમૅન છે અને ભારતની કૉટન ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેમને ઘણી વાર 'કૉટન મૅન ઑફ ઇન્ડિયા' કહેવામાં આવે છે. તેઓ 'કૉટન એસોસિએશન ઑફ ઇન્ડિયા'ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

વર્ષ 2022માં કેન્દ્ર સરકારે કોટકની અધ્યક્ષતામાં 'કૉટન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા'ની રચનાની જાહેરાત કરી હતી.

2. અલ્લા દક્ષાયની

બીજા નંબરે અલ્લા દક્ષાયની છે. તેમણે વર્ષ 2024-25માં ભાજપને 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું.

અલ્લા દક્ષાયની રૅમકી ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અને મૅનેજિંગ ટ્રસ્ટી છે. રૅમકી ઉન્ડેશન રૅમકી ગ્રૂપની કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી (સીએસઆર) શાખા છે. તેને વર્ષ 2006માં સ્થાપવામાં આવી હતી. આ સંસ્થા સામાજિક કલ્યાણનાં કાર્ય કરે છે.

રૅમકી ગ્રૂપની વેબસાઇટ અનુસાર આ કંપનીનો વાર્ષિક બિઝનેસ સાડા ચાર હજાર કરોડ રૂપિયા કરતાં વધુ છે. આ કંપની સડકો, પર્યાવરણ અને કચરા વ્યવસ્થાપન સાથે સંકળાયેલી પરિયોજનાઓ પર કામ કરે છે. સાથે જ સરકાર અને ખાનગી કંપનીઓ સાથે મળીને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ પર પણ કામ કરે છે. ભારતમાં 55 શહેરોમાં તેની ઑફિસ છે. સંયુક્ત અરબ અમીરાત (યુએઇ) અને સિંગાપુરમાં પણ તેની ઑફિસ છે.

અલ્લા દક્ષાયનીના પતિ અલ્લા રામી રેડ્ડી છે. તેઓ ઉદ્યોગપતિ હોવાની સાથોસાથ આંધ્ર પ્રદેશથી વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ છે.

ઍસોસિયેશન ઑફ ડેમોક્રેટિક રિફૉર્મ્સ (એડીઆર)ના વર્ષ 2023ના એક રિપોર્ટ અનુસાર, અલ્લા અયોધ્યા રામી રેડ્ડી રાજ્યસભામાં સૌથી અમીર સાંસદોની સૂચિમાં બીજા ક્રમે છે.

એડીઆરના રિપોર્ટ અનુસાર, તેમની પાસે તે સમયે 2 હજાર 577 કરોડ રૂપિયા કરતાં વધારેની સંપત્તિ હતી. ભારતીય રાજકારણમાં ભાજપ અને વાયએસઆર કૉંગ્રેસ પાર્ટીના સંબંધ બે સ્તરે જોવા મળે છે.

રાષ્ટ્રીય સ્તરે વાયએસઆર કૉંગ્રેસે સંસદમાં ઘણી વાર કેન્દ્ર સરકારનાં ઘણાં બિલોનું સમર્થન કર્યું છે. તેનાથી બંને પક્ષો વચ્ચે સહયોગ જોવા મળે છે.

જોકે, આંધ્રપ્રદેશના રાજકારણમાં બિલકુલ અલગ તસવીર છે. રાજ્યમાં ભાજપે તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી) અને જન સેના પાર્ટી સાથે ગઠબંધન કરીને વાયએસઆર કૉંગ્રેસને પડકાર આપ્યો હતો. આંધ્ર પ્રદેશની અગાઉની ચૂંટણીઓમાં આ ગઠબંધન વાયએસઆરને સત્તામાંથી બહાર કરવામાં સફળ રહ્યું. એટલે દિલ્હીમાં રણનીતિલક્ષી દોસ્તી, પરંતુ આંધ્રપ્રદેશમાં જોરદાર ટક્કર.

3. દિનેશચંદ્ર અગ્રવાલ

દિનેશચંદ્ર અગ્રવાલે વર્ષ 2024-25માં ભાજપને 21 કરોડ રૂપિયા દાન આપ્યા.

દિનેશચંદ્ર અગ્રવાલ, ડીઆરએ ઇન્ફ્રાકૉનના સંસ્થાપક, ચેરપર્સન અને મૅનેજિંગ ડિરેક્ટર છે. આ કંપની માળખાકીય સુવિધાના વિકાસ માટે કામ કરે છે.

વર્ષ 2024-25માં જ ડીઆરએ ઇન્ફ્રાકૉને પણ ભાજપને 61.78 લાખ રૂપિયાનું દાન આપ્યું.

આ વર્ષે 3 એપ્રિલે પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં જણાવાયું હતું કે દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકૉન પ્રાઇવેટ લિમિટેડને 121 કિલોમીટર લાંબા ગુવાહાટી રિંગ રોડ પ્રોજેક્ટનો કૉન્ટ્રૅક્ટ આપી દેવાયો છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 5 હજાર 729 કરોડ રૂપિયા છે.

4. હાર્દિક અગ્રવાલ

હાર્દિક અગ્રવાલે વર્ષ 2024-25માં ભાજપને 20 કરોડ રૂપિયાનું દાન આપ્યું.

હાર્દિક અગ્રવાલ દિનેશચંદ્ર અગ્રવાલના પુત્ર છે અને ડીઆરએ ઇન્ફ્રાકૉન લિમિટેડમાં ડાયરેક્ટર છે.

5. રમેશ કુન્હીકન્નન

રમેશ કુન્હીકન્નને વર્ષ 2024-25માં ભાજપને 17 કરોડ રૂપિયાનું દાન આપ્યું.

રમેશ કુન્હીકન્નન એક જાણીતા ભારતીય ઉદ્યોગસાહસિક અને અબજપતિ છે. તેઓ મૈસૂર સ્થિત કેન્સ ટેક્‌નૉલોજી ઇન્ડિયા લિમિટેડના સંસ્થાપક છે.

વર્ષ 2024-25માં જ કેન્સ ટેક્‌નૉલોજીએ ભાજપને 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું.

પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો (પીઆઇબી)ની 2 સપ્ટેમ્બર 2024એ પ્રસિદ્ધ થયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર, કેન્દ્ર સરકારે ગુજરાતના સાણંદમાં સેમિ-કન્ડક્ટર એકમ સ્થાપવા માટે કેન્સ સેમિકૉન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપી. જે કેન્સ ટેક્‌નૉલોજીની જ એક સહાયક કંપની છે.

પીઆઇબી અનુસાર, આ પ્રસ્તાવિત યુનિટ 3 હજાર 300 કરોડ રૂપિયાના રોકાણથી સ્થપાઈ રહ્યો છે. આ એકમની ક્ષમતા પ્રતિ દિવસ 60 લાખ ચિપ્સ બનાવવાની હશે.

સમાચારો અનુસાર, સાણંદ એકમનો કુલ ખર્ચ 3 હજાર 307 કરોડ રૂપિયા છે. તેમાંથી ઇન્ડિયા સેમિ-કન્ડક્ટર મિશન હેઠળ કેન્દ્ર સરકાર 1,653.5 કરોડ રૂપિયાની સહાયતા આપી રહી છે અને ગુજરાત સરકારે આ પ્રોજેક્ટમાં 661.4 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટમાં કેન્સનું રોકાણ 992.1 કરોડ રૂપિયા છે.

ભાજપના ઘણા નેતાઓએ દાન આપ્યું

ભાજપ, કૉંગ્રેસ, રાજકારણ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, ભારતીય જનતા પાર્ટી, ભારત, ગુજરાત, પાર્ટીને ફંડ, બીબીસી ગુજરાતી

જે લોકોએ વર્ષ 2024-25માં વ્યક્તિગત રીતે ભાજપને દાન આપ્યું તેમાં પાર્ટીના ઘણા નેતા અને જાણીતા ચહેરા સામેલ છે.

બધા મળીને ભાજપના નેતાઓએ પોતાની પાર્ટીને લગભગ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ઉત્તરાખંડથી ભાજપના લોકસભા સાંસદ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પાર્ટીને 11 લાખ 51 હજાર 113 રૂપિયાનું દાન આપ્યું.

ઓડિશાના ભાજપના લોકસભા સાંસદ વૈજયંત જય પાંડાએ પાર્ટીને 6 લાખ રૂપિયાનું દાન આપ્યું. જ્યારે કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામે પાર્ટીને 5 લાખ રૂપિયાનું દાન આપ્યું.

આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ પાર્ટીને 3 લાખ રૂપિયાનું દાન આપ્યું. આ દાન 25 હજાર રૂપિયાના ઘણા હપતાથી અપાયું છે.

આસામથી ભાજપના લોકસભા સાંસદ પરિમલ શુક્લ બૈદ્યએ પાર્ટીને 3 લાખ રૂપિયાનું દાન આપ્યું. જ્યારે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પાર્ટીને 1 લાખ રૂપિયાનું દાન આપ્યું.

ઓડિશાથી ભાજપના લોકસભા સાંસદ નબા ચરણ માઝીએ પાર્ટીને 2 લાખ રૂપિયાનું દાન આપ્યું. અરુણાચલપ્રદેશથી ભાજપના લોકસભા સાંસદ તાપિર ગાઓએ પાર્ટીને 1 લાખ 59 હજાર 817 રૂપિયાનું દાન આપ્યું.

રસપ્રદ વાત એ છે કે, પાર્ટીને બરાબર આટલી જ રકમ (1,59,817 રૂપિયા)નું દાન અરુણાચલ પ્રદેશથી ભાજપના ધારાસભ્ય મહેશ ચોઈએ પણ આપ્યું છે.

સાથે જ, આસામથી ભાજપના 9 ધારાસભ્યોએ પાર્ટીને કુલ 27.25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. તેમાંથી 7 આસામ સરકારમાં મંત્રી છે.

ઓડિશાથી ભાજપના લોકસભા સાંસદ સંબિત પાત્રા અને પ્રતાપચંદ્ર સારંગીએ પાર્ટીને બે-બે લાખ રૂપિયાનું દાન આપ્યું.

આ ઉપરાંત, ઓડિશા વિધાનસભામાં ભાજપના 49 ધારાસભ્યોએ પાર્ટીને લગભગ 55 લાખ રૂપિયાનું દાન આપ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન