સનાતન અને હિંદુ ધર્મ એક છે? ધર્મ અને ઇતિહાસના જાણકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની ‘સનાતન ધર્મ’ અંગેની ટિપ્પણી પર સતત વિવાદ ચાલી રહ્યો છે.
ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરના રોજ તામિલનાડુમાં આયોજિત એક કાર્યક્રમમાં સનાતન ધર્મને અનેક ‘સામાજિક બદીઓ માટે જવાબદાર ઠેરવતાં એ સમાજને ખતમ કરવાની વાત કરી હતી.’
તેમણે કહ્યું હતું કે, “સનાતન ધર્મ એ લોકોને જાતિ અને ધર્મના નામે વિભાજિત કરનારો વિચાર છે, જેને ખતમ કરવાનું કામ એ માનવતા અને સમાનતા પ્રોત્સાહિત કરવા જેવું છે.”
તેમણે એવું પણ કહ્યું કે, “જેવી રીતે આપણે મચ્છર, ડેન્ગ્યૂ, મલેરિયા અને કોરોનાને ખતમ કરીએ છીએ, એવી જ રીતે સનાતન ધર્મનો વિરોધ કરવો એટલું જ પૂરતું નથી. તેને સમાજમાંથી સંપૂર્ણપણે ખતમ કરી દેવો જોઈએ.”
આ નિવેદન અંગે આરએસએસ, ભાજપ અને દક્ષિણપંથી જૂથમાંથી આકરી પ્રતિક્રિયા આવી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, “આ આપણા ધર્મ પર હુમલો છે.”
તેમજ ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) પર લખ્યું કે, “ઉદયનિધિએ સનાતન ધર્મને મલેરિયા અને ડેન્ગ્યૂ સાથે જોડ્યો. તેમનું માનવું છે કે ન માત્ર એનો વિરોધ થવો જોઈએ બલકે તેને ખતમ કરી નાખવો જોઈએ. સંક્ષિપ્તમાં કહીએ તો આ ભારતના 80 ટકા લોકોની કતલનું આહ્વાન છે, કારણ કે તેઓ સનાતન ધર્મનું પાલન કરે છે.”
પરંતુ ઉદયનિધિએ કહ્યું કે તેમણે સમાજના પ્રતાડિત અને હાંસિયે ધકેલાયેલા લોકો માટે અવાજ ઉઠાવ્યો છે, જેઓ સનાતન ધર્મને કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, “અમે અમારી વાત પર કાયમ છીએ અને ગમે એ કાયદાકીય પડકારનો સામનો કરવા માટે પણ તૈયાર છીએ. અમે દ્રવિડ ભૂમિથી સનાતન ધર્મને હઠાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ વાતથી એક ઇંચ પણ પીછેહઠ નથી કરવાના.”

સંઘ નેતાઓની સનાતન ધર્મની વ્યાખ્યા

ઇમેજ સ્રોત, UDHAY/X
લોકો એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે ઉદયનિધિએ સનાતન ધર્મને ઘણી સામાજિક બદીઓ માટે શા માટે જવાબદાર ઠેરવ્યો?
શું સનાતન ધર્મનો અર્થ હિંદુ ધર્મ એવો છે?
શું હિંદુ ધર્મની માફક સનાતન ધર્મેય વર્ણાશ્રમ એટલે કે જાતિવ્યવસ્થા અને પિતૃસત્તાનું સમર્થન કરે છે?
શું હિંદુ ધર્મ ‘બ્રાહ્મણવાદ’નો પર્યાય છે?
ઉદયનિધિના નિવેદન બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક નેતાઓએ સમાચારપત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે સનાતન ધર્મ દર્શન સાથે સંકળાયેલું પાસું છે. એ ભારતીય સભ્યતાનાં મૂલ્યો સાથે જોડાયેલી શાશ્વત જીવનશૈલી છે.
સાથે જ, સંઘે સનાતનને ઘણી વાર હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રની અવધારણા સાથે જોડ્યો છે.

ઇમેજ સ્રોત, X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓનું કહેવું છે કે સનાતન ધર્મ શાશ્વત છે અને ચિરકાળથી ચાલ્યો આવે છે.
જેને ધર્મ કહેવાય છે એ આનો એક રૂપ છે. જે લોકો આને બ્રાહ્મણવાદ સાથે જોડે છે તેમને આના વિશે જાણકારી નથી.
અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં સંઘ સાથે જોડાયેલા એક નેતાએ કહ્યું કે ‘બ્રાહ્મણવાદ’ પણ એક કાલ્પનિક અવધારણા છે. જે લોકો એને બ્રાહ્મણવાદ સાથે જોડીને જુએ તેઓ પોતાની અજ્ઞાનતા અને સ્વાર્થમાં આવું કરી રહ્યા છે.
સંઘના નેતાઓનું કહેવું છે કે ભારતમાં જન્મ લેનારા ધર્મો અને તેમની પરંપરા લોકો વચ્ચે સમાનતા અને સહ-અસ્તિત્વની વાત કરે છે, જ્યારે બહારના ધર્મ ભેદભાવ અને અલગાવની વાત કરે છે.
સંઘ સાથે જોડાયેલા નેતાઓનું કહેવું છે કે સનાતન ધર્મમાં ભેદભાવની કોઈ વાત નથી.
જ્યારે ઉદયનિધિ સ્ટાલિને પોતાના ભાષણમાં આ ભેદભાવનો ઉલ્લેખ કર્યો છે. આના કારણે જ તેઓ સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરે છે.
જોકે, તેમણે આ વિવાદ બાદ પોતાનું વલણ નરમ કરતાં કહ્યું, “હું એ સ્પષ્ટ કરી દઉં કે મેં હિંદુત્વ અને હિંદુઓ વિરુદ્ધ કશું નથી કહ્યું. હું એ ખરાબ પ્રથા અને અસમાનતાઓની નિંદા કરું છું, જેને સનાતન ધર્મ પ્રોત્સાહિત કરે છે. જો આ શયતાની તાકતો મને પોતાની વિરુદ્ધ ન બોલવાની ધમકી આપે તો એવું નથી થવાનું. હું સનાતન ધર્મ અંગે વારંવાર બોલતો રહીશ.”

વિશેષજ્ઞોના મતે સનાતન ધર્મ

ઇમેજ સ્રોત, Getty Images
હાલ આ વિવાદને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે સનાતન ધર્મ શું છે? શું એમાં ભેદભાવ જેવી બદીઓ છે?
પૌરાણિક કથાઓના વિશ્લેષક અને લેખક દેવદત્ત પટનાયકે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક વીડિયો જાહેર કરીને એનો અર્થ સમજાવ્યો છે.
પટનાયક કહે છે કે, “19મી સદીમાં સમાજ તમામ જાતિઓ અને મહિલાઓમાં શિક્ષણના પ્રસાર પર લાગેલો હતો. પરંતુ પોતાની જાતને સનાતની હિંદુ કહેનારા રૂઢિવાદીઓએ એ વાતનો વિરોધ કર્યો. પરંતુ એ એવા લોકો હતા જેઓ એ પરંપરાનું પાલન કરી રહ્યા હતા જે જાતિવ્યવસ્થા અને પિતૃસત્તાને પ્રોત્સાહિત કરે છે.”
તેઓ કહે છે કે, “સનાતન ધર્મનો પ્રથમ ઉલ્લેખ શ્રીમદ ભગવદગીતામાં મળે છે. તેનો અર્થ આત્મના જ્ઞાન સાથે છે, જે શાશ્વત છે. એ પુનર્જન્મની વાત કરે છે અને તેને શાશ્વત કહે છે. સનાતન શબ્દનો ઉપયોગ જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ થાય છે, કારણ કે એ ધર્મોય પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે. પરંતુ ઇસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મના અર્થમાં સનાતનનો ઉલ્લેખ નથી કારણ કે આ ધર્મો પુનર્જન્મની વાત પર વિશ્વાસ નથી કરતા. એ યાદ રાખવું જોઈએ કે સનાતન શબ્દ વેદોમાંથી નથી આવ્યો.”
બીબીસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપકો પૈકી એક કેશવ બલિરામ હેડગેવારના જીવનકથાલેખક અને રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાને પૂછ્યું કે ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મને જાતિવ્યવસ્થા સહિત અનેક સામાજિક બદીઓ માટે જવાબદાર ઠેરવ્યો છે, એ અંગે તમારો અભિપ્રાય શું છે?
તેમણે કહ્યું, “સનાતન પ્રગતિશીલ પ્રક્રિયાનું નામ છે. સમાનતા, સમરસતા અને વિવિધતા સનાતન ધર્મનાં મૂળ આયામ છે. જો વિવિધતા આયામ ન હોત તો પછી ઉપનિષદોમાં ‘નેતિ-નેતિ’ એટલે કે ‘આ પણ નહીં, એ પણ નહીં’ની વાત ન આવી હોત. જો સનાતન ધર્મમાં સમાનતાની પ્રવૃત્તિ ન હોત તો વ્યવસ્થા સામે પ્રતિકારની વાત ન હોત. ‘નેતિ-નેતિ’નો સવાલ જ ન ઊઠ્યો હોત.”
તેઓ કહે છે કે, “સમાજમાં સંપ્રદાયો, જીવનપદ્ધતિ અને વિવિધતાઓનો નિરંતર પ્રવાહ ચાલતો રહે છે અને આ વાતને કોઈ અસહજ સ્વરૂપે નથી જોતું તેથી સનાતન અને હિંદુ ધર્મ વચ્ચે ભેદ કરવુંય ખોટું છે. કારણ કે હિંદુ ધર્મનો જે મૂળ આત્મા છે એ સનાતન ધર્મ જ છે.”
રાકેશ સિંહા જણાવે છે કે, “ગાંધી અને સનાતન ધર્મ વચ્ચે કોઈ ભેદ નહોતા, ગાંધી હરિજનો વચ્ચે કામ કરતા, હરિજન નામની પત્રિકા બહાર પાડતા, અને તેમનાં આ કામોને હિંદુ સમાજની વ્યાપક ચેતનાનું સમર્થન હાંસલ થયું હતું.”

શું સનાતન ધર્મ ભેદભાવ કરે છે?

ઇમેજ સ્રોત, X
રાકેશ સિંહા જણાવે છે કે, “સનાતન ધર્મને મલેરિયા, ડેન્ગ્યુ કહેનારા ઉદયનિધિ સ્ટાલિનને ખબર નથી કે સનાતન ધર્મ જ તામિલ સંસ્કૃતિ અને ભાષાનો આધાર છે.”
તેઓ કહે છે કે, “સ્થાપિત આધ્યાત્મિક માન્યતા છે કે તમિલ ભાષા ભગવાન શંકરે અગસ્ત્ય મુનિને શીખવી હતી. અગસ્ત્ય મુનિએ જ તામિલ સંસ્કૃતિ અને ભાષાના પ્રચાર સાથે ઉત્તર અને દક્ષિણ ભારતની એકતા માટે કામ કર્યું. ઉદયનિધિ જેવા લોકો તામિલ સંસ્કૃતિ અને ભાષાનો આધાર નથી જાણતા. તેથી તેનો વિરોધ કરીને ભારતીય આત્માના મૂળ પર પ્રહાર કરી રહ્યા છે.”
પરંતુ ઇતિહાસકાર અશોકકુમાર પાંડેય કહે છે કે સનાતન એટલે આદિકાળથી ચાલતું આવતું. બૌદ્ધ અને જૈન ધર્મ પોતાની જાતને સનાતન કહે છે. વેદોમાં સનાતન શબ્દ નથી.
તેઓ કહે છે કે, “ખરેખર 19મી અને 20મી સદીમાં જ્યારે હિંદુ ધર્મની અંદર સુધારવાદી આંદોલન શરૂ થયાં ત્યારે એ અંગે ઉચ્ચ જાતિઓ, ખાસ કરીને બ્રાહ્મણોના સમૂહે પોતાની જાતને ‘સનાતની હિંદુ’ કહેવાનું શરૂ કરી દીધું. નોંધનીય છે કે અહીં સનાતની હિંદુનો સમાનાર્થી શબ્દ નથી બલકે હિંદુ ધર્મની અંદરનું એક સમૂહ છે.”
અશોકકુમાર પાંડેય કહે છે કે, “પોતાની જાતને સનાતની હિંદુ કહેનારા આ લોકો જ્ઞાતિપ્રથાનું સમર્થન કરનારામાં પ્રથમ ક્રમે હતા. જ્યારે મહર્ષિ દયાનંદે વેદોની તરફ પરત ફરવાનો નારો આપીને અંધવિશ્વાસો અને અમુક હદ સુધી જાતિવાદનો વિરોધ કર્યો તો સનાતની લોકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો.”
તેઓ જણાવે છે કે, “જ્યારે મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતાવિરોધી અભિયાન ચલાવ્યું તો તેમના પર હુમલા કરવામાં પ્રથમ પંક્તિમાં સનાતી હતા, જ્યારે હિંદુ સમાજનો મોટો વર્ગ આ અમાનવીય પ્રથાની વિરુદ્ધ ઊભો હતો.”
તેઓ કહે છે કે, “સનાતનીઓએ ઘણી જગ્યાએ અસ્પૃશ્યતાવિરોધી આંદોલનોનો વિરોધ કર્યો અને એવાં અભિયાન ચલાવી રહેલા લોકો પર હુમલા કર્યા. નોંધનીય છે કે મહાત્મા ગાંધી સાથે અભિયાન ચલાવી રહેલા તમામ લોકો હિંદુ હતા. હા, તેઓ જાતિગત ભેદભાવોનો વિરોધ કરનારા હિંદુ હતા તેથી સનાતની તેમનાથી નારાજ હતા.”

આરએસએસ અને સનાતની
અશોકકુમાર પાંડેય કહે છે કે, “સંઘ એવી જ સનાતની વિચારધારાનો સંઘ રહ્યો છે, જેનાં ઉચ્ચ પદો પર સતત પરિવર્તન અને સુધારાવાદવિરોધી બ્રાહ્મણ રહ્યા, આ જ કારણે સંઘે બંધારણની જગ્યાએ મનુસ્મૃતિ લાગુ કરવાની માગ કરી હતી. હિંદુ કોડ બિલનો વિરોધ કરેલો અને અનામતના કારણે ડૉ. આંબેડકર વિરુદ્ધ અભિયાન ચલાવેલું.”

સનાતની વિચારો અંગે દ્રવિડો-દલિતોનો મત

ઇમેજ સ્રોત, GETTY IMAGES
દલિત મામલાના વિશેષજ્ઞ અને દ્રવિડ આંદોલનના જાણકાર ચંદ્રભાન પ્રસાદ કહે છે કે સનાતન ધર્મ વિશે ઉદયનિધિ સ્ટાલિને જે કહ્યું એ 100 ટકા સાચું છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “ભગવદગીતામાં ધર્મની વ્યાખ્યા જાતિ અનુક્રમના આધારે કરાઈ છે, દરેક જાતિના ધર્મની વાત કરાઈ છે. તેમાં કહેવાયું છે કે તમામ જાતિઓએ પોતાના માટે નિર્ધારિત ધર્મનું પાલન કરવું જોઈએ. શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે કે તેમણે એટલા માટે યુદ્ધ ન કરવું જોઈએ કે એ યુદ્ધ છે. તેમણે એટલા માટે યુદ્ધ કરવું જોઈએ, કારણ કે તેઓ ક્ષત્રિય છે.”
ચંદ્રભાન પ્રસાદ કહે છે કે, “વર્ષ 1909માં પ્રથમ વખત પ્રકાશિત શ્રીમદ ભગવદગીતાના પરિચયમાં સ્વામી સ્વરૂપાનંદ લખે છે કે ગીતાનો સાર એ જ છે કે પોતપોતાના સ્વધર્મ કે કર્તવ્યનું પાલન કરતાં કરતાં મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. રામકૃષ્ણ મિશન આ જ ભગવદગીતાનો પ્રચાર કરે છે. તેમાં શ્રીકૃષ્ણે જે સ્વધર્મની વાત કરી છે તેને આધુનિક હિંદુ સનાતન ધર્મ કહે છે. એટલે કે જાતિના આધારે જે કામ જણાવાયાં છે તે કરતાં કરતાં મોશ્ર પ્રાપ્ત કરાય.”
ચંદ્રભાન પ્રસાદ કહે છે કે, “ગીતામાં વર્ણાશ્રમ વ્યવસ્થામાં સામેલ તમામ વર્ણોની વાત કરાઈ છે. તેમની વિશેષતા બતાવાઈ છે પરંતુ શુદ્રો વિશે અપમાનજક લહેજામાં વાત કરાઈ છે.”

શું ઉદયનિધિએ સનાતનીઓના નરસંહારની વાત કહી?
અત્યાર સુધી ઉદયનિધિ વિરુદ્ધ દેશનાં અનેક સ્થળોએ ફરિયાદ દાખલ કરાવી છે. બીજી તરફ, તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એ વાતની સ્પષ્ટતા કરી છે કે તેમણે ક્યારેય સનાતનીઓના નરસંહારની વાત નથી કરી. તેમણે “માત્ર એટલું કહ્યું કે સનાતન ધર્મ એક એવો વિચાર છે જે લોકોને જાતિ અને ધર્મના નામે વિભાજિત કરે છે. સનાતન ધર્મને ખતમ કરવાનો અર્થ માનવાત અને લોકો વચ્ચે સમાનતાનું સમર્થન કરવું એવું છે.”
સનાતન પર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન બાદ દક્ષિણપંથી રાજકારણ સાથે જોડાયેલા લોકોને આ વિવાદથી રાજકીય સરસાઈ સુનિશ્ચિત કરવાની તક દેખાઈ રહી છે. તેથી સ્ટાલિનના આ નિવેદન અંગે ચર્ચા ચાલી રહી છે. એવું મનાઈ રહ્યું છે કે ભાજપ આ મુદ્દાને નિકટના ભવિષ્યમાં ઠંડો નહીં પડવા દે.
ભાજપ અને આરએસએસ સનાતન ધર્મ વિરુદ્ધ અપાયેલા નિવેદનને પોતાના લાભ માટે કેવી રીતે ઉપયોગ કરે છે, તેનો ઉદાહરણ આપ્યો વિદુથલઈ ચિરુથઈગલ કચ્ચિ (વીસીકે)ના સંસ્થાપક થિરુમાલવને. વીસીકે એટલે કે લિબરેશન પૅન્થર પાર્ટી અગાઉ દલિત પૅન્થર્સ ઑફ ઇન્ડિયાના નામે ઓળખાતી હતી.
‘ધ હિંદુ’માં છપાયેલ એક રિપોર્ટ પ્રમાણે તેમણે કહ્યું કે તેઓ પાછલાં 20 વર્ષથી સનાતન ધર્મ વિરુદ્ધ બોલતા રહ્યા છે.
ચેન્નાઈમાં તેમણે કહ્યું, “હિંદુત્વ અને સંઘ પરિવારના રાજકારણ પર હુમલા કરતી વખતે તેમણે જાણીજોઈને સનાતન ધર્મનો ઉપયોગ કર્યો, જેથી સંઘ પરિવાર તેમને હિંદુવિરોધી કહીને રાજકીય ફાયદો ન લઈ શકે.”
તેમણે કહ્યું, “હિંદુત્વ, હિંદુવાદ અને સનાતન ધર્મનાં અલગ અલગ મહત્ત્વ છે. સનાતન આર્યોનાં ધર્મ (આજના સંદર્ભમાં હિંદુ ધર્મ)નું મૂળ છે અને અસમાનતા તેનો આધાર છે. તેમાં ભેદભાવ છે અને તેમાં સામાજિક સ્થિતિ એ વાતથી નક્કી થાય છે કે તમને કયાં વર્ણ કે જાતિમાં પેદા થયા છો.”
જોકે, હવે આ વાત સંપૂર્ણપણે રાજકીય મુદ્દો બની ચૂકી છે જેનો અર્થ ભાજપ ઇન્ડિયા ગઠબંધને ઘેરવા માટે કરી રહ્યો છે.














