કતાર : કચ્છ કરતાં પણ નાનો દેશ આઝાદીનાં 50 વર્ષમાં જ સમૃદ્ધ કઈ રીતે બની ગયો?

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પૂર્વમાં આવેલો દેશ કતાર ક્ષેત્રફળની બાબતમાં ટચુકડો કહી શકાય છતાં તે વિશ્વના સૌથી ધનિક દેશો પૈકી એક ગણાય છે અને મિડલ ઇસ્ટની રાજનીતિમાં પણ તે મોટી ભૂમિકા ભજવે છે.
એટલે જ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની ભારત આવ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે તેમને આવકારવા માટે નવી દિલ્હીના ઍરપૉર્ટ ખાતે ગયા હતા.
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં કતારના અમીર સાથે મુલાકાત કરી હતી.
કતારમાં ભારતીયો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે, અહીં આઠ લાખથી વધારે ભારતીયો વસે છે.
કતારમાં રહેતા ભારતીયો હેલ્થ, એન્જિનિયરિંગ, શિક્ષણ, ફાઇનાન્સ, બૅન્કિંગ, બિઝનેસ, મીડિયા અને લેબર સહિત ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે.
કતાર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના આંકડા મુજબ, ત્યાં 20 હજારથી વધારે નાની-મોટી કંપનીઓ કાર્યરત છે.
એક તબક્કે બંને દેશોના સંબંધોમાં કડવાશ પણ આવી હતી. જૂન 2022માં ભાજપના પ્રવક્તા નુપુર શર્માએ એક ટીવી શૉમાં મોહમ્મદ પયગંબર વિશે કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી, ત્યારે કતારે ભારતના રાજદૂતને બોલાવીને નારાજગી દર્શાવી હતી.
ઑગસ્ટ 2022માં કતારમાં જાસૂસીના આરોપો હેઠળ ભારતીય નેવીના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને પકડવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરૂઆતમાં તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ ભારતના હસ્તક્ષેપ પછી તેમને છોડી મૂકાયા હતા.

કતાર દેશ કેવો હતો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કતાર ફારસના અખાતનું આવેલું એક નાનકડું પણ ભારે સમૃદ્ધ રાષ્ટ્ર છે.
એક સદી પહેલાં વર્ષ 1922માં 12 હજાર વર્ગ કિલોમિટરમાં ફેલાયેલા આ દેશમાં વ્યાવહારિક રીતે વસવાટ શક્ય જ નહોતો.
અહીં રહેનારા લોકોમાં મોટી સંખ્યામાં માછીમારો અને મોતીની ખેતી કરનારા સામેલ હતા. આ લોકો પણ ત્યાંના મૂળ રહેવાસી નહોતા. તેઓ આરબ દ્વીપ પર ફરતા રહેતા હતા.
જે લોકો પોતાની ઉંમરના નવમા દશકમાં છે. તેમને 1930-40ની આર્થિક મંદી યાદ હશે.એ સમયે જાપાનીઓએ મોતીની ખેતી અને તેનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરી દીધું હતું. પરિણામરૂપે કતારની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી.
તે જ દાયકામાં કતારની 30 ટકા વસતી સ્થળાંતર કરીને વધુ સારી તકોની શોધમાં વિદેશ જતી રહી હતી. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, અહીંની વસતી ઘટીને 24 હજાર થઈ ગઈ હતી. પરંતુ ગણતરીનાં વર્ષોમાં કતારની અર્થવ્યવસ્થાએ યુ-ટર્ન માર્યો અને જાદુની જેમ કતાર વિશ્વના સૌથી મોટા તેલભંડાર તરીકે ઊભરી આવ્યું.
20મી સદીના મધ્યમાં, કતારની તિજોરી ઝડપથી ભરાવા લાગી અને તે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાં પૈકી એક બની ગયો. આજે કતારમાં સેંકડો ગગનચુંબી ઇમારતો, અદભૂત કૃત્રિમ ટાપુઓ અને અદ્યતન સ્ટેડિયમો છે.
બીબીસી સંવાદદાતા જૉસ કારલોસ ક્યૂટોએ ફિફા વર્લ્ડ કપના આયોજન સમયે ત્રણ ફેરફારોનું વિશ્લેષણ કર્યું હતું, જેના કારણે કતારને વિશ્વના સૌથી ધનાઢ્ય દેશોમાં સ્થાન મળ્યું.
કતારમાં ઑઇલની શોધ થતાં કેવા પરિવર્તન આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે કતારમાં 'બ્લૅક ગોલ્ડ' મળી આવ્યું ત્યારે કતાર સ્વતંત્ર દેશ ન હતો. વર્ષ 1916થી આ વિસ્તાર બ્રિટિશ શાસન હેઠળ હતો.
કતારે તેલ શોધી કાઢ્યું ત્યારે તે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે એનું અસ્તિત્ત્વમાં નહોતું.
ઘણાં વર્ષોની શોધ બાદ દેશના પશ્ચિમ કિનારે દોહાથી લગભગ 80 કિલોમિટર દૂર દુખાન ખાતે 1939માં પ્રથમ વખત ઑઇલ મળી આવ્યું હતું. જોકે, કતારને તેનો ફાયદો મળવામાં વર્ષોના વહાણાં વીતી ગયા હતા.
અમેરિકામાં બૅકર ઇન્સ્ટિટ્યૂટશનના કતારની બાબતોના નિષ્ણાત ક્રિશ્ચિયન કૉટ્સ કહે છે, "આ શોધ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સમયે થઈ હતી. જેથી 1949 સુધી અહીંના તેલની નિકાસ થઈ શકી નહોતી."
તેલની નિકાસ શરૂ થયા બાદ કતારમાં તકો ખુલી અને ઝડપથી પરિવર્તન અને આધુનિકીકરણ થયું.
ઝડપથી વધી રહેલા તેલઉદ્યોગથી આકર્ષાઈને વસાહતીઓ અને રોકાણકારો કતાર તરફ આકર્ષાયા. પરિણામરૂપે કતારની વસતી વધવા લાગી. 1950માં કતારની વસતી 25 હજારથી ઓછી હતી, જે 1970 સુધીમાં એક લાખથી વધુ થઈ ગઈ.
એક સમયે માછીમારો અને મોતી વીણનારાઓ માટે જાણીતા દેશની જીડીપી 1970ના દાયકામાં 300 મિલિયન ડૉલર્સથી પણ વધુ થઈ ગઈ હતી.
એક વર્ષ પછી બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને કતાર એક સ્વતંત્ર દેશ બન્યો. આ સાથે અહીં એક નવો યુગ શરૂ થયો, જેણે કતારને વધુ સમૃદ્ધ બનાવ્યું.
પ્રાકૃત્તિક ગૅસની શોધ થતાં કતારમાં કેવા પરિવર્તન આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1971માં જ્યારે ઇજનેરોએ કતારના ઉત્તરપૂર્વ કિનારે નૉર્થ ફિલ્ડમાં વિશાળ કુદરતી ગૅસ રિઝર્વની શોધ કરી ત્યારે થોડા જ લોકો તેનું મહત્ત્વ સમજી શક્યા હતા.
નૉર્થ ફિલ્ડ એ પૃથ્વી પરનું સૌથી મોટું કુદરતી ગૅસ ક્ષેત્ર છે તે સમજવામાં 14 વર્ષ અને સંખ્યાબંધ પ્રયાસ લાગ્યા.
બાદમાં ખબર પડી કે ઈરાન અને રશિયા પછી કતાર કુદરતી ગૅસના ભંડારથી સૌથી વધુ સમૃદ્ધ દેશ છે.
નૉર્થ ફિલ્ડનો વિસ્તાર લગભગ 6,000 વર્ગ કિલોમિટર છે. જે સમગ્ર કતારના અડધા ભાગ જેટલો છે. કતાર વિશ્વમાં લિક્વિફાઇડ નૅચરલ ગૅસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તે દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જોકે, તેલની જેમ ગૅસમાંથી કમાણી કરવામાં પણ કતારને સમય લાગ્યો. કૉટ્સના મતે, "લાંબા સમયથી ગૅસની વધુ માગ નહોતી. તેથી તેને વિકસાવવા પર ધ્યાન આપવામાં નહોતું આવ્યું. જોકે, 80ના દાયકામાં જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થવાનું શરૂ થયું ત્યારે બધું બદલાવા લાગ્યું."
કતારમાં 1995ના બળવા સમયે શુું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
21મી સદીના આગમન સાથે કતારના આર્થિક વિકાસદરના ગ્રાફમાં મોટો ઉછાળો આવ્યો. વર્ષ 20013થી 2004માં કતારની જીડીપીનો દર 3.7 ટકાથી વધીને 19.2 ટકા થયો. વર્ષ 2006માં તે વધીને 26.2 ટકા થયો.
આ વધતો જીડીપી દર ઘણાં વર્ષોથી કતારની તાકાત દર્શાવે છે અને આ વૃદ્ધિ માત્ર ગૅસના ભાવ સુધી મર્યાદિત ન હોઈ શકે.
મહમદ સૈદી કતાર યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને અર્થશાસ્ત્રના નિષ્ણાત છે. તેઓ કહે છે, "આ આર્થિક ફેરફારો ત્યારે થઈ રહ્યા હતા જ્યારે દેશમાં રાજકીય પરિવર્તનો પણ થઈ રહ્યાં હતાં."
"1995માં વર્તમાન અમીર તમીમ બિન હમદ અલથાનીના પિતા હમાદ બિન ખલીફા અલથાનીએ સત્તા સંભાળી હતી, આ કેટલાક લોકો માટે વિવાદાસ્પદ ઘટના હતી કે આવું કેવી રીતે થયું?"
હમાદ બિન ખલીફા અલથાનીએ પોતાના પિતાની જગ્યા ત્યારે લીધી જ્યારે તેઓ સ્વિત્ઝર્લૅન્ડની મુલાકાતે હતા.
અલથાની પરિવાર દોઢસો વર્ષથી કતાર પર રાજ કરી રહ્યો હતો અને પરિવારમાં આ રીતે સત્તા પર કબજો જમાવવો એ કોઈ નવી વાત નહોતી. પણ મહેલના ષડ્યંત્રોને બાદ કરતાં આ સત્તાપરિવર્તનથી કતારની અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર થયો.
ગૅસ અને તેલના ઉત્ખનનમાં કરાયેલાં રોકાણ અને નિકાસ માટે તૈયાર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરે દેશને વિદેશો સાથે જોડવાનું કામ કર્યું.
વર્ષ 1996માં પ્રાકૃતિક ગૅસની પ્રથમ ખેપ કતારથી જાપાન માટે રવાના થઈ. આ કતાર ગૅસની પહેલી મોટી ખેપ હતી અને અબજો ડૉલરના ઉદ્યોગની શરૂઆત ત્યાંથી જ થઈ હતી.
2021માં કતારમાં પ્રતિ વ્યક્તિ જીડીપી 61,276 અમેરિકન ડૉલર હતી. જો તેને સમખરીદ શક્તિની સમાનતાના દર મુજબ જોઈએ તો વિશ્વ બૅન્ક અનુસાર એ આંકડો વધીને 93,521 ડૉલર થઈ જાય છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.
જોકે, કતારની ઓછી વસતી પણ તેના માટે જવાબદાર છે. કતારની જનસંખ્યા ત્રણથી સાડા ત્રણ લાખની આસપાસ છે. જેમાંથી મોટા ભાગના પ્રવાસી છે. કતાર સરકાર ઊંચું વેતન આપે છે અને સાથે જ ઉત્કૃષ્ઠ શિક્ષણ અને સ્વાસ્થ્યવ્યવસ્થા પણ પોતાના લોકોને આપે છે.
કતારની અર્થવ્યવસ્થા સામે કેવા પડકાર છે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલનાં વર્ષોમાં કતારની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે અને એની ગતિ થોડી ઘટી છે. ભવિષ્યમાં તેની સામે પડકારો છે. ફૉસિલ ફ્યુલ પર નિર્ભરતા અને જળવાયુ પરિવર્તનના પ્રભાવના કારણે તેમણે ભારે દેખરેખનો સામનો કરવો પડી રહ્યો છે.
સઇદી કહે છે, "2013 અને 2014માં તેલની કિંમતમાં ઘટાડો થયો હતો, ત્યારે આવકના સ્ત્રોતો બદલવાની જરૂરિયાત ચર્ચાનો મુખ્ય વિષય બની હતી."
કતાર સાથે એક રાજનૈતિક વિવાદ બાદ સાઉદી અરેબિયા, યુએઈ, બહેરિન અને ઇજિપ્તે 2017 અને 2021 વચ્ચે નાકાબંધી કરી હતી. જેથી કતારની અર્થવ્યવસ્થાએ પડકાર સહન કરવા પડ્યા હતા.
કૉટ્સ અનુસાર, કતારે ગૅસ અને તેલ સિવાય પૈસા કમાવવાના કોઈ રસ્તા વિશે વિચાર્યું નથી અને આ વચ્ચે તેઓ ખાનગી સૅક્ટરને ફેલાવવા માગે છે. તેઓ તેમાં રોકાણ કરી રહ્યા છે જેથી હાઇડ્રોકાર્બન પર તેમની નિર્ભરતા ઘટાડી શકાય.
આ પ્રયાસનું એક સારું ઉદાહરણ એ છે કે ન્યૂ યૉર્ક જેવાં શહેરોમાં ઘણી પ્રસિદ્ધ સંપત્તિઓમાં કતારના રોકાણ પ્રાધિકરણ અને કતારના ફંડનો ભાગ છે.
કતારે ફૂટબૉલ વર્લ્ડકપના આયોજન માટે બે લાખ મિલિયન ડૉલરથી વધુ ખર્ચ કર્યો હતો, જે ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ફિફા વર્લ્ડકપ હતો. તેમાં આઠ સ્ટેડિયમ, નવું ઍરપૉર્ટ અને એક નવી મેટ્રો લાઇન જેવાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યાં હતા.
વિશ્વનો એક મોટો ભાગ જે રીતે કતારમાં ઊભાં કરાયેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેના નિર્માણમાં સામેલ ઘણા શ્રમિકો નેપાળ, ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવ્યા હતા. તેમણે અમાનવીય પરિસ્થિતિઓમાં કામ કર્યું અને ઘણાના જીવ પણ ગયા.
આ સિવાય કતાર અને ફિફા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો પણ લાગ્યા. ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે વર્ષ 2010માં કતારે લાંચના બદલે પોતાના નામે યજમાની લખાવી લીધી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












