બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ વિજેતા શીતલ દેવીની કહાણી, 'ગામના લોકો મારાં માતા-પિતાને ટોણા મારતા'

શીતલ દેવી, પૅરા ઍથ્લીટ, પૅરાલિમ્પિક, ISWOTY, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર, તીરંદાજી, આર્ચરી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શીતલ દેવીએ બહુ મોડેથી તીરંદાજી શીખવાનું શરૂ કર્યું
    • લેેખક, આયુષ મજૂમદાર
    • પદ, બીબીસી સંવાદદાતા

શું તમે કલ્પના કરી શકો છો કે બંને હાથ વગરના કોઈ તીરંદાજ ગોલ્ડ મેડલ જીતવા માટે નિશાન લગાવવાની પ્રૅક્ટિસ કરતાં હોય?

શીતલ દેવી આવા જ એક તીરંદાજ છે.

એક તાલીમ ઍકેડમીમાં અન્ય તીરંદાજોથી અલગ શીતલ દેવી પોતાની ખુરશી પર બેસીને ધનુષ પર તીર ચઢાવે છે અને લગભગ 50 મીટર (164 ફૂટ)ના અંતરેથી પોતાના લક્ષ્ય પર નિશાન તાકે છે.

શીતલ દેવી એક ખુરશી પર બેસીને જમણા પગેથી ધનુષ ઉઠાવે છે, જમણા ખભાનો ઉપયોગ કરીને પણછ ખેંચે છે. ત્યાર પછી જડબાંની તાકાતનો ઉપયોગ કરીને તીર છોડે છે.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન બાબત બદલાતી. શીતલ દેવીના ચહેરા પરનો સંપૂર્ણ સ્થિર ભાવ અને શાંતિ.

શીતલને થયેલી જ્વલ્લે જ જોવા મળતી બીમારી કઈ છે?

બીબીસી ગુજરાતી શીતલ દેવી તીરંદાજ ગોલ્ડ મેડલ ઈમર્જિંગ પ્લેયર પેરાલિમ્પિક

ઇમેજ સ્રોત, Abhilasha Chaudhary

ઇમેજ કૅપ્શન, શીતલને ફોકોમેલિયા નામે દુર્લભ બીમારી છે

જમ્મુના 18 વર્ષીય શીતલ એક અત્યંત દુર્ભલ બીમારી ફોકોમેલિયા સાથે જન્મયાં હતાં.

આ કારણથી તેઓ હાથ વગર સ્પર્ધામાં ભાગ લેનાર વિશ્વનાં પ્રથમ અને એકમાત્ર મહિલા તીરંદાજ પણ બની ગયાં.

એશિયન પૅરા ગૅમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શીતલે પેરિસ પૅરાલિમ્પિકમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ ગૅમ્સ અગાઉ તેમણે કહ્યું હતું કે, ગોલ્ડ માટે મેં સંકલ્પ લીધો છે. હું વધારે ગોલ્ડ મેડલ જીતવા માટે પ્રતિબદ્ધ છું. હજુ તો મેં શરૂઆત કરી છે.

ગયા વર્ષે પૅરાલિમ્પિકમાં વિશ્વના લગભગ 4000 ઍથ્લીટ્સે 22 સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. પૅરાલિમ્પિકમાં 1960થી તીરંદાજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ગૅમ્સમાં બ્રિટન, અમેરિકા અને દક્ષિણ કોરિયા જેવા દેશો મેડલ લિસ્ટમાં ટોપ પર હોય છે.

પૅરા-તીરંદાજોને તેમની વિકલાંગતાના આધારે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે.

તેના આધારે આ ખેલાડીઓ માટે શૂટ કરવા માટે ખેલાડી અને ટાર્ગેટ વચ્ચેનું અંતર પણ નક્કી કરવામાં આવે છે.

પૅરાલિમ્પિકમાં માપદંડ

વીડિયો કૅપ્શન, Sheetal Devi: 'લોકો કહેતાં કે તમારા ઘરે આવી છોકરીનો જન્મ થયો' શીતલ દેવીને ઇમર્જિંગ પ્લૅયરનો ઍવૉર્ડ

પૅરાલિમ્પિકમાં તીરંદાજને વ્હીલચેર અને સહાયક ઉપકરણોનો ઉપયોગ કરવા દેવો કે નહીં તે પણ તેના પરથી નક્કી થાય છે.

ડબલ્યુ-વન કૅટેગરીમાં ભાગ લેતા તીરંદાજ વ્હીલચેરનો ઉપયોગ કરતા ખેલાડીઓ હોય છે તેમની માંસપેશીઓની શક્તિની સાથે ચારમાંથી ઓછામાં ઓછા ત્રણ અંગ નબળા હોય છે.

આ ઉપરાંત ઓપન કૅટેગરીમાં ભાગ લેનારા ખેલાડીને ઉપરના ભાગે, નીચેના ભાગે અથવા કોઈ પણ એક બાજુના અંગમાં સમસ્યા હોય અને વ્હીલચેરનો ઉપયોગ કરતા હોય.

અથવા સંતુલન ન હોવાના કારણે તેઓ ઊભા થઈને અથવા સ્ટૂલની મદદ લેતા હોય છે. આવામાં સ્પર્ધકો સ્પર્ધાના આધારે રિકર્વ અથવા કમ્પાઉન્ડ તીરનો ઉપયોગ કરે છે.

હાલમાં શીતલ દેવી કમ્પાઉન્ડ ઓપન મહિલા કૅટેગરીમાં સમગ્ર દુનિયામાં તીરંદાજીમાં પ્રથમ ક્રમે છે.

બીબીસી ગુજરાતી શીતલ દેવી તીરંદાજ ગોલ્ડ મેડલ ઈમર્જિંગ પ્લેયર પેરાલિમ્પિક

ઇમેજ સ્રોત, Abhilasha Chaudhary

ઇમેજ કૅપ્શન, પૅરાલિમ્પિક્સમાં દરેક કૅટેગરી માટે અલગ-અલગ ધોરણો હોય છે

2023ની પૅરા આર્ચરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. તેના આધારે તેઓ પેરિસ માટે ક્વૉલિફાઈ થયાં હતાં.

પેરિસમાં તેમનો મુકાબલો વિશ્વના ટોચના ખેલાડી કાર્લા ગોગેલ અને ઓજનુર ક્યોર સાથે થયો હતો.

શીતલ દેવીના બે નૅશનલ કોચ પૈકી એક અભિલાષા ચૌધરી કહે છે કે, "શીતલે તીરંદાજીને પસંદ નથી કરી, પરંતુ તીરંદાજીએ શીતલને પસંદ કર્યાં છે."

એ નાનકડા ગામમાં ખેડૂતના ઘરે જન્મેલાં શીતલે 15 વર્ષની ઉંમર સુધી તીર અને ધનુષ જોયાં પણ ન હતાં.

વર્ષ 2022માં તેમનાં જીવનમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો જ્યારે તેમની મુલાકાત બીજા કોચ કુલદીપ વેદવાન સાથે થઈ. તેમણે શીતલનો પરિચય તીરંદાજીની દુનિયા સાથે કરાવ્યો.

એક પરિચિતની ભલામણના આધારે તેઓ જમ્મુના કટરા ખાતે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સમાં કોચ કુલદીપ વેદવાને મળ્યાં હતાં.

ત્યાર પછી તેઓ કટરા શહેરમાં એક તાલીમ શિબિરમાં રહેવાં આવી ગયાં. ત્યાં શીતલના કોચ તેમની ધીરજથી બહુ પ્રભાવિત હતા.

શીતલની કોચિંગમાં ખાસ ડિવાઇસનો ઉપયોગ

બીબીસી ગુજરાતી શીતલ દેવી તીરંદાજ ગોલ્ડ મેડલ ઈમર્જિંગ પ્લેયર પેરાલિમ્પિક

ઇમેજ સ્રોત, Abhilasha Chaudhary

ઇમેજ કૅપ્શન, શીતલ પોતાના શરીરને મહત્તમ ઉપયોગ કરી શકે તે રીતે એમને તાલીમ અપાઈ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પડકાર બહુ મોટો હતો, પરંતુ શીતલના કોચનો લક્ષ્ય એ હતો કે તેઓ પોતાના પગ અને શરીરના ઉપરના ભાગની શક્તિનો મહત્તમ ઉપયોગ કરી શકે. તેમાં તેઓ અંતે સફળ થયાં.

શીતલ કહે છે કે તેઓ મિત્રોની સાથે રમવા અને ઝાડ પર ચઢવા જેવી પ્રવૃત્તિઓમાં પગનો જ વધારે ઉપયોગ કરતાં. તેમાંથી જ તેમને શક્તિ મળી.

આવામાં તીરંદાજીમાં કારકિર્દી બનાવવા માટે વિચારવામાં ઘણા સંદેહ હતા. તેઓ કહે છે, "પગમાં એટલો દુખાવો થતો કે મને લાગતું કે આ અસંભવ છે, પરંતુ મેં કોઈ રીતે તે કરી લીધું."

શીતલનો ઉત્સાહ જ્યારે ઘટી જતો ત્યારે તેઓ અમેરિકન તીરંદાજ મેટ સ્ટુટ્ઝમૅન પાસેથી પ્રેરણા મેળવતાં હતાં, જેઓ પોતે એક અનુકુલિત ડિવાઇસનો ઉપયોગ કરીને પોતાના પગથી શૂટિંગ કરે છે.

પરંતુ શીતલનો પરિવાર તેનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતો. તેથી તેમના કોચ વેદવાને તેમના માટે ધનુષ તૈયાર કરવાની જવાબદારી લીધી.

વેદવાને સ્થાનિક સ્તરે મળતી સામગ્રીઓનો ઉપયોગ કર્યો અને સ્થાનિક દુકાનોમાં તેને પોતાની જરૂરિયાત પ્રમાણે મૉડિફાઈ કર્યું.

તે કિટમાં બૅગ બેલ્ટમાં વપરાતી એક ચીજમાંથી બનેલ શરીરના ઉપરના ભાગ માટેના એક પટ્ટા અને એક નાનકડું ઉપકરણ સામેલ છે. જેને શીતલ તીર છોડવા માટે પોતાના મોઢામાં રાખે છે.

તેમના કોચ ચૌધરી જણાવે છે, "અમારે એ આયોજન કરવાનું હતું કે શીતલના પગની સ્ટ્રૅન્થને કઈ રીતે સંતુલિત કરીને ટેકનિકલ રીતે તેનો ઉપયોગ કરી શકાય. શીતલના પગ મજબૂત છે, પરંતુ શૂટિંગ વખતે તેઓ પોતાની પીઠનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે જોવાનું હતું."

સફળતા માટે બલિદાન આપવા પડે

બીબીસી ગુજરાતી શીતલ દેવી તીરંદાજ ગોલ્ડ મેડલ ઈમર્જિંગ પ્લેયર પેરાલિમ્પિક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાલીમ શરૂ કર્યા પછી શીતલ દેવી ઘરે જ નથી જઈ શક્યાં

તેના માટે ત્રણેયે કસ્ટ્માઇઝ્ડ ટ્રેનિંગ રૂટિન તૈયાર કર્યું. જે મુજબ, શીતલને ધનુષના બદલે રબર બૅન્ડ અથવા થેરાબૅન્ડનો ઉપયોગ કરીને માત્ર પાંચ મીટરના અંતરે રાખેલા લક્ષ્યો પર નિશાન સાધી શકે.

શીતલ દેવી આત્મવિશ્વાસ વધતો ગયો. માત્ર ચાર મહિનામાં તેમણે 50 મીટરના અંતરે રહેલા લક્ષ્યને વીંધવા માટે એક પ્રૉપર ધનુષનો ઉપયોગ શરૂ કરી દીધો.

તે કમ્પાઉન્ડ ઓપન શ્રેણી માટે સ્પર્ધાનું માપદંડ હોવાના કારણે મહત્ત્વપૂર્ણ છે.

બે વર્ષની અંદર જ 2023માં એશિયન પૅરા ગૅમ્સમાં શીતલે મહિલાઓની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધાની ફાઇનલમાં સળંગ 6 અને 10 હિટ કરવા માટે ટૂંકા અંતર માટે તીર ચલાવવાનું શીખ્યાં અને ગોલ્ડ મેડલ જીત્યો.

અહીં જણાવી દઈએ કે ખેલાડી ટાર્ગેટ બોર્ડ પર બુલ્સ આઈ હિટ કરીને વધુમાં વધુ 10 પૉઈન્ટ મેળવી શકે છે.

શીતલ કહે છે, "હું જ્યારે નવમું શૂટ કરું ત્યારે પણ આગલા શૉટમાં તેને 10માં કઈ રીતે બદલવા તેનો જ વિચાર કરું છું."

અહીં માત્ર સખત મહેનતની વાત નથી. તેમણે ઘણા બલિદાન પણ આપવા પડ્યાં છે.

શીતલ કહે છે કે તાલીમ માટે બે વર્ષ અગાઉ તેઓ કટરા આવ્યાં હતાં, ત્યારથી તેઓ ઘરે નથી ગયાં.

તેઓ દરેક રીતે પોતાનું શ્રેષ્ઠ પર્ફૉર્મન્સ આપવાનો સંકલ્પ ધરાવે છે.

શીતલ દેવી કહે છે, "મારું માનવું છે કે કોઈ ચીજની કોઈ હદ હોતી નથી. આ બધું શક્ય હોય એટલું કઠિન કામ કરવા વિશે છે. હું આને કરી શકું તો કોઈ પણ કરી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.