મનુ ભાકર બીબીસીનાં ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર જાહેર, ઍવૉર્ડ જીત્યા બાદ તેમણે શું કહ્યું?

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, મનુ ભાકર, બીબીસી ગુજરાતી, મનુ ભાકર સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યરથી સન્માનિત

ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઍવૉર્ડનાં વિજેતા જાહેર કરાયાં છે. વિશ્વસ્તરે જાહેર મતદાન થયાં બાદ તેમની પસંદગી થઈ છે.

2024 પેરિસ ઑલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારાં પ્રથમ ભારતીય તરીકે તેમની ઐતિહાસિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી છે. નોંધપાત્ર છે કે મનુ ભાકરને અગાઉ 2021માં બીબીસીનાં 'ઇમર્જિંગ પ્લૅયર ઑફ ધ યર' જાહેર કરવામાં આવ્યાં હતાં.

ઍવૉર્ડ જીત્યા બાદ મનુ ભાકરે કહ્યું હતું કે, "બીબીસીનો આ ઍવૉર્ડ માટે આભાર. આ ખૂબ ઉતારચઢાવ વાળી સફર રહી છે. મેં ઘણી મૅચ જીતી છે. પરંતુ અહીં તમારી સામે આજે હોવું એ મારા માટે ગર્વની વાત છે. મને આશા છે કે આનાથી ન માત્ર દેશની મહિલાઓને પરંતુ એ ખેલાડીઓને પણ પ્રેરણા મળશે કે જેમનાં સ્વપ્નો મોટા છે અને તેમને જીવનમાં કંઈક ઊંચું હાંસલ કરવું છે."

"આપણા માટે હજુ ઘણો લાંબો રસ્તો છે. આપણે ઘણો લાંબો રસ્તો કાપી લીધો છે. 30 વર્ષ પહેલાં મહિલાઓ માટે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પરંતુ મહિલાઓએ જ તેને સરળ બનાવી છે."

"આપણા દેશમાં સ્ટાર રહી ચૂકેલાં મહિલાઓનાં બલિદાન અને મહેનતે આપણા માટે વસ્તુઓ સરળ બનાવી છે. મને આશા છે કે આવનારી પેઢીઓ માટે વસ્તુઓ હજુ સરળ બનશે, પછી ભલે તેઓ કોઈપણ ક્ષેત્રમાંથી આવેલાં હોય."

એ સિવાય અવની લેખરાને પૅરા-શૂટિંગમાં તેમની ઐતિહાસિક સિદ્ધિઓ બદલ બીબીસી 'પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'નો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. ટોકિયો 2020માં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક તથા પેરિસ 2024માં સુવર્ણ ચંદ્રક સાથે ત્રણ પૅરાલિમ્પિક ચંદ્રક જીતનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા છે.

કોને કયો ઍવૉર્ડ મળ્યો?

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, મનુ ભાકર, બીબીસી ગુજરાતી
  • બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર: મનુ ભાકર
  • બીબીસી પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર: અવની લેખરા
  • બીબીસી ઇમર્જિંગ પ્લૅયર ઍવૉર્ડ: શીતલ દેવી
  • બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ: મિતાલી રાજ
  • બીબીસી ચૅન્જમેકર 2024: તાનિયા સચદેવ
  • બીબીસી ચૅન્જમેકર 2024: નસરીન શેખ
  • બીબીસી સ્ટાર પર્ફોમર 2024: થુલાસિમથી મુરુગેસન
  • બીબીસી સ્ટાર પર્ફોમર 2024: પ્રીતિ પાલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શું કહ્યું?

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, મનુ ભાકર, બીબીસી ગુજરાતી, મનુ ભાકર સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યરથી સન્માનિત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઍવૉર્ડ વિજેતાઓને અભિનંદન આપતાં કહ્યું: "હું બીબીસીની સમગ્ર ટીમને 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' પુરસ્કારનું આયોજન કરવાની પ્રશંસનીય પહેલ બદલ બિરદાવું છું. આ પહેલ દ્વારા બિરદાવાયેલાં અસાધારણ રમતવીરોએ માત્ર તેમની રમતગમતમાં જ ઉત્કૃષ્ટ દેખાવ નથી કર્યો, પરંતુ યુવા મહિલાઓને નિર્ભય બનીને તેમનાં સપનાંને આગળ ધપાવવા માટે પ્રેરણા પણ આપી છે."

18 વર્ષીય તીરંદાજ શીતલ દેવીને 'બીબીસી ઇમર્જિંગ પ્લૅયર ઍવૉર્ડ' આપવામાં આવ્યો છે. ભારતનાં સૌથી નાની વયના પૅરાલિમ્પિક ચંદ્રકવિજેતા તરીકે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરવા બદલ આ ઍવૉર્ડ અપાયો છે. તેમણે માત્ર ત્રણ વર્ષના ગાળામાં 2024 પેરિસ પૅરાલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક, 2022 એશિયન પૅરા ગેમ્સમાં બે સુવર્ણ અને એક રજત ચંદ્રક તથા વર્લ્ડ પૅરા આર્ચરી ચૅમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો છે.

મિતાલી રાજને 2004થી 2022 દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની રેકૉર્ડ 18 વર્ષ સુધી કૅપ્ટનશિપ માટે 'બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યાં છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં કૅપ્ટન તરીકે આ સૌથી લાંબો ગાળો છે.

બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવીએ શું કહ્યું?

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, મનુ ભાકર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીમાં આયોજિત પુરસ્કાર અર્પણ સમારંભમાં બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવીએ જણાવ્યું, "ઓલિમ્પિકમાં મનુ ભાકરનું ઐતિહાસિક પ્રદર્શન એ ભારતીય રમતજગત માટે એક નિર્ણાયક ક્ષણ છે. એક આશાસ્પદ યુવા શૂટરથી શરૂઆત કરીને વિક્રમ રચનાર ઓલિમ્પિક ખેલાડી બનવા સુધીની તેમની સફર દેશવિદેશમાં રમતવીરોને પ્રેરણા આપે છે. અમે અવની લેખરાને 'પૅરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' તરીકે સન્માનિત કર્યાં છે. તેમની વિક્રમજનક સફળતાના કારણે પૅરા-સ્પૉર્ટ્સમાં વધુ સર્વસમાવેશિતા અને શ્રેષ્ઠતા માટેનો માર્ગ મોકળો થતો રહેશે."

"બીબીસીની ભારતમાં દર્શકો માટે પ્રતિબદ્ધતા અમારા સંબંધોને ખાસ બનાવે છે, તથા ભારતના અસાધારણ ખેલાડીઓની સિદ્ધિઓની ઉજવણી કરતા અમને ગર્વ થાય છે."

ટીમ ડેવીએ કહ્યું,"અમે જાણીએ છીએ કે યુવા મહિલા ખેલાડીઓ માટે મહાન ખેલાડીઓની જીત વિશે જાણવું કેટલું મહત્ત્વપૂર્ણ છે. તેમના માટે એ મુદ્દાઓ અને પડકારો માટે પણ જાણવું જરૂરી છે કે જેનો સામનો આ મહિલા ખેલાડીઓએ પોતાના જીવનમાં કર્યો છે. આ કહાણીઓને રજૂ કરીને, શરૂઆત કરીને જ લૈંગિક રૂઢીઓને તોડી શકાશે અને તેનાથી નવી પેઢીને પ્રેરણા આપી શકાશે."

પૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે શું કહ્યું?

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, મનુ ભાકર, બીબીસી ગુજરાતી, ચંદ્રચૂડ, અવની લેખરા
ઇમેજ કૅપ્શન, ઍવૉર્ડ આપી રહેલા જસ્ટિસ ચંદ્રચૂડ જમણેથી બીજે

દેશની સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે ઍવૉર્ડ વિશે કહ્યું હતું, "બીબીસીને મારા અભિનંદન. આ પુરસ્કારો દ્વારા આપણે યુવા ભારતીય મહિલા ખેલાડીઓની હિંમત અને દૃઢ નિશ્ચયના સાક્ષી બની રહ્યા છીએ. આપણે શ્રેષ્ઠતા માટેની તેમની પ્રતિબદ્ધતાની ઉજવણી કરીએ છીએ અને મને લાગે છે કે આવા પ્રયત્નોથી આપણા સમાજની કૂચ વધુ લૈંગિક સમાનતા ધરાવતા સમાજ બનવા તરફ થઈ રહી છે."

જસ્ટિસ ચંદ્રચૂડે ઉમેર્યું હતું, "મહિલાઓ હવે બૉર્ડરૂમમાં છે, તેઓ ઑપરેટિંગ થિયેટરમાં છે, ટેકનૉલૉજીના આ ક્ષેત્રમાં તેઓ અવકાશ સંશોધનમાં છે, ફાઇટર પાઇલટ્સ તરીકે છે, નૌકાદળના સબમરીનર્સ છે તરીકે છે અને મને લાગે છે કે આ ખરેખર એક ઉભરતા ભારતની નિશાની છે જ્યાં મહિલાઓ આગળ વધીને નેતૃત્વ કરી રહી છે."

તેમણે કહ્યું હતું કે, "મારી બે પુત્રીઓ છે જેમને અમે દત્તક લીધી છે, તેઓ બંને સ્પેશિયલી ઍબલ્ડ બાળકો છે અને તેઓ ચેસ ચૅમ્પિયન છે. જ્યારે પણ હું આ પ્રકારના પુરસ્કારો અને આ કાર્યક્રમો જોઉં છું, ત્યારે મને ખબર પડે છે કે મારી પુત્રીઓ માટે અને તેમના દ્વારા ભારતની બાકીની મહિલાઓ માટે આશા છે."

બૉક્સર મૅરીકોમે શું કહ્યું?

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધી યર, મનુ ભાકર, બીબીસી ગુજરાતી, ચંદ્રચૂડ, અવની લેખરા, મેરીકોમ
ઇમેજ કૅપ્શન, મૅરીકોમ (જમણે)

બૉક્સર મૅરી કોમ અને બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવીએ મનુ ભાકરને ઍવૉર્ડ આપીને સન્માનિત કર્યાં હતાં.

મૅરી કોમે કહ્યું હતું કે, "આ પ્લૅટફૉર્મ ખરેખર અદ્ભુત છે અને હું ખરેખર તેની પ્રશંસા કરું છું. આજે, હું બધા વિજેતાઓને અને ખાસ કરીને મનુ ભાકરને બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ જીતવા બદલ અભિનંદન આપવા માગું છું. મને ખૂબ ગર્વ છે."

તેમણે કહ્યું કે, "છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓએ રમતગમતમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. જો હું છેલ્લા ઘણા વર્ષોની મારી સફર વિશે વાત કરું તો, હું બૉક્સિંગમાં છેલ્લા 20 વર્ષથી રમી રહી છું. એક છોકરી તરીકે, એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે, છેલ્લા 20 વર્ષથી રમવું એ સરળ કાર્ય નથી. અમે ઘણા પડકારોનો સામનો કર્યો છે."

"જો હું છેલ્લા 20 વર્ષોની મારી પડકારોની સફર વિશે વાત કરવાનું શરૂ કરું, તો એ પૂર્ણ નહીં થાય. મેં મારા જીવનમાં ખૂબ પડકારોનો સામનો કર્યો છે. હું ઇચ્છું છું અને પ્રાર્થના કરું છું કે આપણા રમતવીરો આવનારા વર્ષોમાં દેશ માટે ઘણા વધુ મેડલ લાવે."

ધ કલેક્ટિવ ન્યૂઝરૂમના સીઇઓ રૂપા ઝાએ શું કહ્યું?

કલેક્ટિવ ન્યૂઝરૂમનાં સીઈઓ રૂપા ઝાએ જણાવ્યું, "આ પુરસ્કારો રમતગમત ક્ષેત્રે ભારતીય મહિલાઓ પર જે પ્રભાવ પેદા કરે છે તે જોતાં મને આનંદ થાય છે. તે તેમની સિદ્ધિઓને અનેક ગણી વધારે છે, અવરોધોને પાર કરીને ભાવિ પેઢીઓને પ્રેરણા આપે છે. આ પુરસ્કારો માત્ર સન્માન ખાતર નથી, પરંતુ ભારતમાં રમતગમત ક્ષેત્રે લાંબાગાળાની ઊંડી અસર પાડવા માટે છે."

આ વર્ષની થીમ 'ચૅમ્પિયન્સ ચૅમ્પિયન' છે, જેણે એવા લોકોને બિરદાવ્યા છે, જેમણે ચંદ્રક વિજેતા ઍથ્લીટ્સને ઘડ્યા છે અને તેમને ટેકો આપ્યો છે. દૃષ્ટિહીન ઍથ્લીટ્સનાં માર્ગદર્શક દોડવીરોને દર્શાવતી એક વિશેષ ડૉક્યુમેન્ટરી બીબીસીનાં છ ભારતીય ભાષાનાં પ્લૅટફૉર્મ્સ પર તેમજ તેનાં અંગ્રેજીના પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે.

કલેક્ટિવ ન્યૂઝરૂમ વિશે

કલેક્ટિવ ન્યૂઝરૂમ બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર કાર્યક્રમનું પ્રોડ્યુસર અને મૅનેજર છે. ભારતના સૌથી ભરોસાપાત્ર, સર્જનાત્મક અને હિંમતવાન પત્રકારત્વનું કેન્દ્ર બનવાના વિઝન સાથે એપ્રિલ 2024માં સ્વતંત્ર ભારતીય માલિકીની મીડિયા કંપની તરીકે તેને શરૂ કરવામાં આવી હતી. ભારતમાંથી પ્રકાશિત થઈને કલેક્ટિવ ન્યૂઝરૂમ બીબીસીની છ ભારતીય ભાષાઓ અને બીબીસી ન્યૂઝ ઇન્ડિયાની અંગ્રેજીમાં યુટ્યૂબ ચેનલ માટે કાર્યક્રમો અને કન્ટેન્ટ તૈયાર કરે છે.

બીબીસી વર્લ્ડ સર્વિસ વિશે

બીબીસી એ વિશ્વનું સૌથી વધારે ભરોસાપાત્ર આંતરરાષ્ટ્રીય સમાચાર પ્રસારણકર્તા છે, જે વિશ્વભરના પ્રેક્ષકોને સચોટ, તટસ્થ અને સ્વતંત્ર સમાચાર પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે. બીબીસી વર્લ્ડ સર્વિસ એ બીબીસીનું આંતરરાષ્ટ્રીય પ્રસારણકર્તા છે, જે રેડિયો, ટીવી પર તથા ડિજિટલી કાર્યક્રમો અને સર્વિસની વિશાળ શ્રેણી રજૂ કરે છે. બીબીસી દર અઠવાડિયે લગભગ 32 કરોડ લોકો સુધી પહોંચે છે (બીબીસી ગ્લોબલ ઑડિયન્સ મેઝર 2024) અને અંગ્રેજી સહિત 42 ભાષાઓમાં કાર્ય કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.