'હું ફરીથી બેઠી થઈ જાઉં છું', બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ વિજેતા મનુ ભાકરની કહાણી

ISWOTY, મનુ ભાકર, શૂટિંગ, બીબીસી, બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'
ઇમેજ કૅપ્શન, ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઍવૉર્ડનાં વિજેતા જાહેર કરાયાં છે
    • લેેખક, સૌરભ દુગ્ગલ
    • પદ, સ્પૉર્ટ્સ પત્રકાર

ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઍવૉર્ડનાં વિજેતા જાહેર કરાયાં છે. વિશ્વસ્તરે જાહેર મતદાન થયાં બાદ તેમની પસંદગી થઈ છે.

2024 પેરિસ ઑલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારાં પ્રથમ ભારતીય તરીકે તેમની ઐતિહાસિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી છે. નોંધપાત્ર છે કે મનુ ભાકરને અગાઉ 2021માં બીબીસીનાં 'ઇમર્જિંગ પ્લૅયર ઑફ ધ યર' જાહેર કરવામાં આવ્યાં હતાં.

તેમને આ ઍવૉર્ડ દિલ્હીમાં આયોજીત સમારોહમાં 17 ફેબ્રુઆરીના રોજ બીબીસીના ડાયરેક્ટર જનરલ ટીમ ડેવી તથા ઑલિમ્પિયન મૅરી કૉમે આપ્યો.

શૂટર મનુ ભાકરે 2024 પેરિસ ઑલિમ્પિકમાં જ્યારે બે કાંસ્ય પદક જીત્યાં, ત્યારે તેઓ ભારતમાં સ્વતંત્રતા પછી રમતની એક જ આવૃત્તિમાં એકથી વધુ વખત પોડિયમ ફિનિશ કરનારાં પ્રથમ ભારતીય મહિલા બની ગયાં.

રેકૉર્ડ બુક માટે તે બહુ નોંધપાત્ર સિદ્ધિ ગણાય, પરંતુ રેકૉર્ડ બુકનો વાંધો એ છે કે તેઓ હેડલાઇન વખતે ફાઇન પ્રિન્ટ ભુલી જાય છે.

તેવી જ રીતે 2021 ટૉક્યો ઑલિમ્પિક પછી મનુની દૃઢતાને ઉજાગર કર્યા વગર પેરિસ 2024ની સિદ્ધિ સંદર્ભ ગુમાવી બેસશે. ટૉક્યો ઑલિમ્પિક એ તેમની કારકિર્દીમાં સૌથી નીચેનું બિંદુ હતું.

મનુએ ટૉક્યો ગેમ્સમાં ભારત માટે પદકની સંભાવના તરીકે પ્રવેશ કર્યો હતો. તેનાથી અગાઉ તેમણે 2018ની કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તે જ વર્ષે આયોજિત યુથ ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

2021 સુધીમાં તેમણે શૂટિંગ વર્લ્ડ કપમાં અલગ અલગ સ્પર્ધાઓમાં શાનદાર નવ ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ જીત્યાં હતાં.

પરંતુ ટૉક્યોમાં તેમણે જેમાં ભાગ લીધો હતો તે ત્રણેય ઇવેન્ટના ક્વૉલિફાઇંગ રાઉન્ડને પાર કરવામાં નિષ્ફળ રહ્યાં.

વ્યક્તિગત 10 મીટર ઍર પિસ્ટલ ઇવેન્ટમાં, જે મનુને ખાસ પસંદ હતું, તેમાં તેમની ઍર પિસ્ટલમાં ખામી સર્જાઈ અને માત્ર બે પૉઇન્ટથી ક્વૉલિફિકેશન ચૂકી ગયાં.

તેમની ટીકા કરવામાં આવી અને હાંસી ઉડાવાઈ. પરંતુ મનુએ અગાઉ કરતાં વધુ મજબૂત બનીને વાપસી કરી.

16 વર્ષની ઉંમરમાં બે ગોલ્ડ મેડલ જીત્યાં

ISWOTY, મનુ ભાકર, શૂટિંગ, બીબીસી, બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'
ઇમેજ કૅપ્શન, 2020 ઑલિમ્પિકમાં તેમની પિસ્તોલ ખરાબ થઈ જવાના કારણે તેઓ મેડલ ચૂકી ગયાં હતાં. ત્યાર બાદ તેમણે 2024 પેરિસ ઑલિમ્પિક માટે તાલીમ લેવા તેમના લાંબા સમયના કોચ જસપાલ રાણા સાથે મળી તૈયારી કરી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મનુ હંમેશાંથી કુદરતી ઍથ્લીટ હતાં. શાળામાં તેમણે બૉક્સિંગ, રૉલર સ્કેટિંગ, ઍથ્લેટિક્સ અને કબડ્ડી જેવી વિવિધ શાખાઓમાં મેડલ જીત્યાં હતાં. ત્યાર બાદ તેમણે કરાટે અને અન્ય માર્શલ આર્ટમાં ભાગ લીધો. જેમાં પણ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીત્યાં.

2016માં તેઓ 10મા ધોરણમાં હતાં ત્યારે તેમણે શૂટિંગને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું.

2007-08માં ઇંગ્લૅન્ડમાં મરીન એન્જિનિયરિંગનો કોર્સ કરતી વખતે તેમના પિતાનો આ રમતથી પરિચય થયો હતો.

રામકિશન ભાકરે જણાવ્યું હતું કે, "મરીન ઍકેડમીમાં કેટલાક એન્જિનિયરો જ્યારે પણ પરેશાન હોય ત્યારે શૂટિંગ રેન્જમાં જતા અને પોતાનો ગુસ્સો ઉતારવા માટે રમતનો ઉપયોગ કરતા હતા."

"હું આ કૉન્સેપ્ટથી આકર્ષિત થયો હતો અને મને લાગ્યું કે તે ઊર્જાને હકારાત્મક રીતે દિશા આપવાની આ એક શ્રેષ્ઠ રીત છે."

ઇંગ્લૅન્ડથી પરત આવ્યા બાદ રામકિશન ભાકરે હરિયાણાના ઝજ્જર શહેરમાં પોતાના પરિવાર દ્વારા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે શૂટિંગને એક રમત તરીકે રજૂ કરી.

પ્રૉફેશનલ શૂટર બન્યાંના માત્ર બે વર્ષની અંદર 16 વર્ષીય મનુએ ગોલ્ડ કૉસ્ટમાં આયોજિત 2018ની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યું.

તેમણે 10 મીટર ઍર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. જેની સાથે તેમની તીવ્ર પ્રગતિ થઈ.

ત્યાર પછી ટૉક્યો આવ્યું.

પછડાયાં, પરંતુ હાર ન માની

ISWOTY, મનુ ભાકર, શૂટિંગ, બીબીસી, બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મનુ ભાકરે વર્ષોથી વર્લ્ડકપ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ઘણા મેડલ જીત્યાં છે

તેઓ ટૉક્યો પહોંચ્યાં ત્યારે મહિલાઓની 10 મીટર ઍર પિસ્ટલ સ્પર્ધામાં મનુ ભાકર દુનિયામાં બીજા સ્થાન પર હતાં.

ઑલિમ્પિક અગાઉ તમામ વૈશ્વિક આયોજનોમાં શાનદાર દેખાવનો અર્થ એ થયો કે તેઓ ભારતીય ટીમમાં એકમાત્ર શૂટર હતાં જેમણે ત્રણ આયોજનો માટે ક્વૉલિફાઇંગ કર્યું હતું.

પરંતુ તેમના પર મોટા સ્ટેજનું પ્રેશર આવી ગયું, ઑલિમ્પિક પછી એક ઇન્ટર્વ્યૂમાં તેમણે આ વાત સ્વીકારી હતી.

તેમણે ઇન્ડિયન ઍક્સપ્રેસને જણાવ્યું કે "આ પહેલી વખત હતું જ્યારે મને આટલું બધું દબાણ અનુભવાયું હતું. હું રાતે સૂઈ શકતી ન હતી. દિવસે પણ ચિંતિત અને અવ્યવસ્થિત અનુભવ કરતી હતી."

ત્યાર પછી તો સ્થિતિ વધુ ખરાબ થવા લાગી જ્યારે તેમને સૌથી વધારે આશા હતી તે 10 મીટર ઍર પિસ્ટલ સ્પર્ધાના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ટૅકનિકલ ખરાબી પેદા થઈ.

આ ઘટનાઓથી તેમને એટલો આઘાત લાગ્યો કે મનુએ શૂટિંગ છોડવાનું વિચારી લીધું. તેમણે એક મુલાકાતમાં કહ્યું કે આ રમત તેમને "9થી 5ની નોકરી" જેવી લાગતી હતી.

પરંતુ 2023માં તેઓ પોતાના કોચ જસપાલ રાણાને ફરીથી મળ્યાં. જેમનાથી તેઓ બે વર્ષ અગાઉ અલગ થઈ ગયાં હતાં.

તેમણે સ્થિતિ બદલી નાખી. 2023 એશિયન ગેમ્સમાં મનુએ 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ સાથે પુનરાગમન કર્યું.

એશિયન ગેમ્સ પછી પોતાની કૉલેજમાં આયોજિત એક સન્માન સમારોહમાં મનુએ પોતાની વાપસીના સિદ્ધાંતને ટૂંકમાં જણાવ્યો.

તેમણે કહ્યું હતું, "તમે જ્યારે નિરાશ થાવ છો ત્યારે તમારે ક્યારેય હાર માનવી ન જોઈએ અને વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે પોતાની આકરી મહેનત સતત ચાલુ રાખો."

એ ટેટૂ જેણે મનુ ભાકરને પેરિસ ઑલિમ્પિકમાં મેડલ જીતવા પ્રેરણા આપી

ISWOTY, મનુ ભાકર, શૂટિંગ, બીબીસી, બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2018માં મનુ શૂટિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ જીતનાર સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી બન્યાં હતાં. ત્યારે તેઓ માત્ર 16 વર્ષનાં હતાં

"તમે મને પોતાના કડવા, વિકૃત જૂઠ સાથે ઇતિહાસમાં લખી શકો છો, તમે મને ગંદકીમાં કચડી શકો છો, પરંતુ આમ છતાં હું ધૂળની જેમ ફરી ઉઠીશ."

ટૉક્યોમાં હાર પછી મનુને સિવિલ અધિકાર કાર્યકર્તા માયા ઍન્જેલોની એક કવિતાની આ પંક્તિઓમાંથી પ્રેરણા મળી.

પોતાને પ્રેરિત થવાની યાદ અપાવવા માટે તેમણે પોતાની ગરદન પાછળ 'સ્ટીલ આઈ રાઇઝ' ટેટૂ ચિતરાવ્યું.

પોતાનાં પુનરાગમન પર વિચાર રજુ કરતાં મનુએ કહ્યું, "સફળતા અને નિષ્ફળતા એ ખેલાડીના જીવનનો ભાગ છે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે આંચકાને કેવી રીતે હૅન્ડલ કરો છો અને તમે કેવી રીતે વાપસી કરવા માટે તૈયાર થાવ."

"ટૉક્યોમાં જે થયું તેમાંથી બહાર આવવું મુશ્કેલ હતું, પરંતુ હું હંમેશાં માનતી કે હું ફરીથી ઊભી થઈશ. હું આ શબ્દો સાથે નિકટતાથી સંકળાયેલ છું તેથી જ મેં આ શબ્દો લખાવવાનો નિર્ણય લીધો."

મનુની રાખમાંથી બેઠા થવાની કહાણી જેટલી ઉલ્લેખનીય લાગે છે, પરંતુ જેમણે તેને નિકટથી જોઈ છે તેમને ખબર હતી કે મનુ માટે કંઈ પણ અશક્ય ન હતું.

તેમના પિતા રામ કિશન ભાકરે પોતાની દીકરીની ઉત્કૃષ્ટતાની ખોજને ઉજાગર કરવા માટે 2018ની કૉમનવેલ્થ ગેમ્સનો એક કિસ્સો સંભળાવ્યો.

ભાકરને યાદ કરતા તેમણે કહ્યું, "ત્યાં એક મેદાન હતું જ્યાં માત્ર વર્તમાન કે ભૂતપૂર્વ ગોલ્ડ મેડલ વિજેતાઓ માટે દિવાલ પર સહી કરવાની છૂટ હતી."

"પોતાની સ્પર્ધાના એક દિવસ અગાઉ મનુએ ઍરિનાની મુલાકાત લીધી. તેઓ પોતાના નામને સાઇન કરવા માટે માર્કર પેન શોધતાં હતાં. જ્યારે એક સ્વયંસેવકે તેમને પૂછ્યું કે શું તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે... મનુ ઍરિના છોડીને જવા લાગ્યાં અને સ્વયંસેવકને જણાવ્યું કે તેઓ બીજા દિવસે પરત આવશે."

તેઓ ખરેખર ફરી આવ્યાં. 10 મીટર ઍર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી.

તેમના પિતા ગર્વથી કહે છે, "હું કોઈથી પાછળ નથી તે વલણ મનુ માટે હંમેશા પ્રેરક પરિબળ રહ્યું છે."

ISWOTY, મનુ ભાકર, શૂટિંગ, બીબીસી, બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'
ઇમેજ કૅપ્શન, વર્ષ 2021માં બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ મનુ ભાકરને મળ્યો હતો તે વખતની તસવીર

ઉત્કૃષ્ટતા પ્રત્યે તેમનું વલણ શૂટિંગ રેન્જથી પણ આગળ વધેલું છે.

મનુએ જે કૉલેજમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી તે કૉલેજના ઍસોસિયેટ પ્રોફેસર અમનેન્દ્ર માન આ વાતની પુષ્ટિ કરે છે.

પ્રોફસર માને બીબીસીને જણાવ્યું કે પેરિસ ઑલિમ્પિક અગાઉ પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે મનુએ પોતાની ત્રીજા અને ચોથા સેમિસ્ટરની પરીક્ષા છોડવી પડી હતી.

તેમણે કહ્યું, "ઑલિમ્પિક પછી તેમણે બંને સેમિસ્ટરની પરીક્ષા એક સાથે આપી અને 74 ટકાના કુલ સ્કોર સાથે પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર કાર્યક્રમમાં કૉલેજ ટોપર બની ગયાં."

પરંતુ મનુ સંતુષ્ટ ન હતા.

સ્પૉર્ટ્સ સાયકોલૉજીમાં પીએચડી મેળવનાર પ્રોફેસર માને કહ્યું કે, "તેમણે પોતાના ગ્રૅજ્યુએશનમાં 78 ટકા ગુણ મેળવ્યાં હતાં. તેઓ પોતાના પોસ્ટ-ગ્રૅજ્યુએશનમાં કમસે કમ એટલા ટકા મેળવવા માંગતાં હતાં. તેમની કહાણી માત્ર મેડલ અને આંકડા વિશે નથી પરંતુ તે માનસિકતા વિશે છે જે ઉત્કૃષ્ટતાથી નીચે કંઈ પણ સ્વીકારવા તૈયાર નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.