ગુજરાત : સલાયા નગરપાલિકામાં કૉંગ્રેસ અને આપે ભાજપનો વિજયરથ કેવી રીતે અટકાવ્યો?

બીબીસી ગુજરાતી, સલાયા બેઠક, બેટ દ્વારકા, જામનગર, ભાજપ, કૉંગ્રેસ, આપ, નગરપાલિકાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપના નેતા ઈસુદાન ગઢવી (ડાબે) અને કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે.

સાંજે પોણા સાત સુધીમાં હવે માત્ર નગરપાલિકાની 50 બેઠકોનાં જ પરિણામ જાહેર થવાનાં બાકી છે.

નગરપાલિકાની કુલ 1844માંથી 1794 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયાં છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો છે, પરંતુ દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપ ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહ્યો છે.

28 બેઠકો ધરાવતી સલાયા નગરપાલિકામાં કૉંગ્રેસે 15 બેઠક મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ મજબૂત દેખાવ કરીને 13 બેઠક જીતી છે. ભાજપને ફાળે એક પણ બેઠક નથી આવી.

ભૂતકાળમાં સલાયામાં ભાજપ અને કૉંગ્રેસ બંનેએ રાજ કરેલું છે. સાત વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કૉંગ્રેસ, આપ અને અપક્ષના કુલ 98 ઉમેદવારો મેદાનમાં હતા.

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે ધારણાં કરતાં અમને ઓછી બેઠકો મળી છે. તો કૉંગ્રેસે એમ કહ્યું કે અમારા માટે આ ચૂંટણીનાં પરિણામો નિરાશાજનક નથી.

મુસ્લિમ મતદારોની બહુમતી ધરાવતા સલાયામાં ભાજપ માટે આમ પણ જીતવું મુશ્કેલ હતું. પરંતુ તાજેતરનું ડિમોલિશન અભિયાન ભાજપને નડી ગયું હોય તેવું લાગે છે, તેમ નિષ્ણાતોનું માનવું છે.

બેટ-દ્વારકાની ડિમોલિશન કામગીરીની અસર?

બીબીસી ગુજરાતી, સલાયા બેઠક, બેટ દ્વારકા, જામનગર, ભાજપ, કૉંગ્રેસ, આપ, નગરપાલિકાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, રાજકારણ

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, બેટ દ્વારકામાં તાજેતરમાં મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સલાયા એ ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરાનો વિસ્તાર છે જ્યાં ભાજપને મોટી નિષ્ફળતા મળી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક છે જ્યાં ભાજપને એક પણ બેઠક નથી મળી. એટલું જ નહીં, ભાજપ અહીં માંડ અડધા ઉમેદવારો ઊભા રાખી શક્યો હતો.

સલાયામાં ભાજપની નિષ્ફળતાનાં કારણો જાણવા માટે બીબીસીએ જાણકારો સાથે વાત કરી હતી.

સલાયાની સ્થાનિક પરિસ્થિતિ પર નજર રાખતા પત્રકાર હિતેન્દ્ર આચાર્યે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "સલાયા નગરપાલિકાનાં પરિણામો આશ્ચર્યજનક નથી, કારણ કે આ મુસ્લિમ બહુમતીનો વિસ્તાર છે. સ્થાનિક સ્તરે બધાને ખબર જ હતી કે ભાજપને કોઈ બેઠક નહીં મળે."

તેઓ કહે છે કે, "સલાયામાં 1500 હિંદુ મતદારોની સામે લગભગ 25,000 મુસ્લિમોની વસતી છે. ભાજપને પણ ખબર હતી કે અહીં તેનો પરાજય થવાનો છે તેથી 28માંથી માત્ર 14 ઉમેદવારો ઊભા રાખી શક્યો હતો."

હિતેન્દ્ર આચાર્ય કહે છે કે, "તાજેતરમાં બેટ દ્વારકામાં સરકારે જે રીતે મોટા પાયે ડિમોલિશન કર્યું તેની પણ અસર પડી છે. સલાયામાં મુસ્લિમો ખાસ આસ્થા ધરાવતા હોય તેવા કેટલાક પીરની દરગાહ પણ સરકારે તોડી પાડી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી હતી."

તેમણે કહ્યું કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી ચૂંટણી લડ્યા ત્યારે તેમને સલાયામાંથી લગભગ 6500 વોટ મળ્યા હતા જ્યારે મુળુભાઈ બેરાને અહીં માત્ર 1500 વોટ મળ્યા હતા. એટલે કે આમ આદમી પાર્ટી લોકપ્રિય હતી.

તેમણે કહ્યું કે "હજુ ચાર દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીના એક નેતા સાલે મામદ ભગાડને એક કેસમાં 10 વર્ષની જેલની સજા થઈ. આ થયું ન હોત તો આપને વધુ બેઠક મળવાની શક્યતા હતી."

ભાજપને ઉમેદવારો શોધવામાં પણ મુશ્કેલી પડી?

બીબીસી ગુજરાતી, સલાયા બેઠક, બેટ દ્વારકા, જામનગર, ભાજપ, કૉંગ્રેસ, આપ, નગરપાલિકાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, રાજકારણ

ઇમેજ સ્રોત, Sachin pithava

ઇમેજ કૅપ્શન, સલાયા નગરપાલિકામાં કૉંગ્રેસનો વિજય થયો છે

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના મતે "તાજેતરમાં બેટ દ્વારકા વિસ્તારમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું તેના કારણે લોકોમાં નારાજગી હતી. ભાજપ માટે સ્થિતિ એવી હતી કે અડધી બેઠકો પર ઉમેદવારો જ ઊભા રાખી શક્યો ન હતો. ભાજપ વતી કોઈ ચૂંટણી લડવા જ તૈયાર ન હતું, તેથી જે લોકો પાસે પૂરતા ડૉક્યુમેન્ટ હોય તેમને ભાજપનો મેન્ડેટ આપી દેવાયો હતો."

તેમણે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે "સલાયામાં લોકો કોઈ પાર્ટીના કારણે નહીં પણ પોતાની વ્યક્તિગત ઓળખ અને તાકાતના આધારે ચૂંટાયા છે."

કૉંગ્રેસના હાથમાં કોઈ રીતે સત્તા ન જાય તે માટે ભાજપે આમ આદમી પાર્ટીને પરોક્ષ રીતે ટેકો આપ્યો હતો એમ જગદીશ આચાર્ય જણાવે છે.

તેઓ કહે છે કે, "જે મતદારો કૉંગ્રેસથી વિમુખ થયા હતા તેમણે આપને વોટ આપ્યો છે અને ભાજપના વોટરોના મત પણ આમ આદમી પાર્ટીને ગયા છે."

બેટ દ્વારકામાં દરગાહોને જે રીતે તોડી પાડવામાં આવી તેના કારણે મતોનું સ્પષ્ટ ધ્રુવીકરણ થયું હતું અને તેના આધારે જ વોટિંગ થયું છે તેમ જગદીશ આચાર્યે કહ્યું છે.

સ્થાનિક પત્રકાર હિતેન્દ્ર આચાર્યના મતે ભાજપને પૂરી ખાતરી હતી કે સલાયામાં તેને એક પણ બેઠક મળે તેમ નથી. તેથી તેણે ચૂંટણીપ્રચાર નહોતો કર્યો, ભાજપના એજન્ટો ન હતા અને કોઈ ચૂંટણી સાહિત્ય પણ છપાવ્યું ન હતું.

ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, સલાયા બેઠક, બેટ દ્વારકા, જામનગર, ભાજપ, કૉંગ્રેસ, આપ, નગરપાલિકાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, રાજકારણ

ઇમેજ સ્રોત, BJP GUJARAT

ઇમેજ કૅપ્શન, પ્રેસ કૉન્ફરન્સને સંબોધી રહેલા સી.આર.પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની થયેલી પ્રચંડ જીત પછી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી.

સી.આર. પાટીલે જીત પછી કહ્યું હતું કે, "સૌથી પહેલાં આ જીત માટે હું ભાજપના પાયાના કાર્યકર્તાઓનો આભાર માનું છું. આ ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઇકરેટ લગભગ 96 ટકા જેટલો રહ્યો છે, તે એક મોટો રેકૉર્ડ છે."

સી.આર. પાટીલે કહ્યું હતું કે, "જે અમારી ધારણા હતી તેમાં થોડી કચાશ રહી ગઈ છે. અમારે 68માંથી 68 નગરપાલિકા જીતવી હતી. પરંતુ અમે 68માંથી લગભગ 62 નગરપાલિકામાં સત્તા પર આવ્યા છીએ. કૉંગ્રેસને માત્ર એક જ નગરપાલિકામાં જીત મળી છે. કૉંગ્રેસની અતિશય નાલેશી થઈ છે."

કૉંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, "સાત નગરપાલિકાઓમાં કૉંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. કૉંગ્રેસના કહેવાતા મોટા નેતાઓના વિસ્તારમાં પણ ભાજપની જીત થઈ છે. કૉંગ્રેસે વિચારવાની જરૂર છે."

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે અને ભાજપે એકતરફી જીત મેળવી છે.

આ હાર પછી કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, "ગત વખતે 2018માં જ્યારે આ ચૂંટણી યોજાઈ ત્યારે અમારી પાસે 78 ધારાસભ્યો હતા, આ વખતે અમારી પાસે 12 જ ધારાસભ્ય હતા. આટલી નબળી પરિસ્થિતિમાં પણ અમે લડ્યા છીએ અને આ પરિણામ આવ્યું છે. અમારા માટે આ ચૂંટણીનાં પરિણામો નિરાશાજનક નથી. ઘણી વાર હાર-જીત કરતાં તમે તમારી વિચારધારાને વળગી રહો એ જરૂરી છે."

કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, "અમે કુતિયાણા અને રાણાવાવમાં પણ સ્થાનિક લોકોની સૂચન સાંભળીને અમે અમારા ઉમેદવારોને નહોતા લડાવ્યાં, કારણ કે અમે ભાજપને જીતવા દેવા માગતા નહોતા. અનેક જગ્યાએ અમે સમાન વિચારધારા વાળી પાર્ટી સાથે મળીને લડ્યા."

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીના મતવિસ્તાર સલાયામાં આમ આદમી પાર્ટીની દમદાર ઍન્ટ્રી થઈ છે."

તેમણે વધુમાં લખ્યું હતું કે, "ગુજરાતની બે નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી દળ બનીને ઊભરી છે."

પ્રાથમિક સુવિધાઓ કંગાળ, 12 દિવસે પાણી મળે છે

બીબીસી ગુજરાતી, સલાયા બેઠક, બેટ દ્વારકા, જામનગર, ભાજપ, કૉંગ્રેસ, આપ, નગરપાલિકાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ગુજરાત, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

સ્થાનિક પ્રશ્નોની વાત કરતા પત્રકાર હિતેન્દ્ર આચાર્ય કહે છે કે, "સલાયામાં પાયાની સુવિધાઓની સ્થિતિ બહુ જ ખરાબ છે. લોકોને 12 દિવસે એક વખત પાણી મળે છે."

તેમણે એમ પણ કહ્યું કે, "બીજે બધે સાતમું પગારપંચ આવી ગયું છે ત્યારે સલાયા નગરપાલિકા પાસે ફંડની ગંભીર અછત હોવાના કારણે અહીં હજુ પાંચમું પગારપંચ ચાલે છે. 45 હજારની વસતીમાં માત્ર એક હાઇસ્કૂલ છે અને તેની હાલત પણ સારી નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે પણ સારવાર માટે બધાએ ખંભાળિયા જવું પડે તેવી હાલત છે."

"રોજગારીની વાત કરીએ તો સલાયામાં વહાણવટાનો ઉદ્યોગ સારો એવો ખીલ્યો છે, કરોડોની કિંમતનાં જહાજો હથોડી અને ટાંકણાથી મેન્યુઅલી બનાવવામાં આવે છે, પણ સ્થાનિક વહીવટીતંત્રની લીડરશિપ એવી નબળી છે કે નાગરિક સુવિધાઓમાં સલાયા બહુ પાછળ પડે છે" તેવું તેઓ કહે છે.

સલાયાના એક નાગરિક મેસાભાઈ જોગલે બીબીસીને જણાવ્યું કે, "પાયાની સુવિધાઓમાં સલાયા બહુ પાછળ છે. લોકો મોટા ભાગે નાનો-મોટો વેપાર, ખેતી અથવા વહાણવટાનું કામ કરે છે. ખેતીની જમીનમાં 20 ફૂટે દરિયાનું ખારું પાણી આવી છે જેના કારણે જમીનમાં ખારાશ પ્રસરી ગઈ છે અને પાક લેવો મુશ્કેલ છે. સિંચાઈની સગવડ નથી અને માત્ર વરસાદ આધારિત ખેતી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.