ગુજરાત : બાળકીના મોઢામાંથી નીકળેલો એ શબ્દ જેને કારણે બે વર્ષ જૂનો માતાની હત્યાનો કેસ ઉકેલાઈ ગયો

નડિયાદ, ગુનો, હત્યા, માતા, બાળકી, બીબીસી ગુજરાતી, ક્રાઇમ, પ્રદીપ મહિડા

ઇમેજ સ્રોત, NACHIKET MEHTA

ઇમેજ કૅપ્શન, હેડ કૉન્સ્ટેબલ પ્રદીપ મહિડાનું બે વર્ષ જૂનો કેસ ઉકેલવા બદલ સન્માન કરવામાં આવ્યું
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક કેમ ન હોય પરંતુ તે એક પુરાવો તો છોડી જ જતો હોય છે જેને આધારે તે કાયદાની પકડથી બચી શકતો નથી.

"7 ફેબ્રુઆરી, 2025ના રોજ મેં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોઈ જેમાં એક બાળકનો ફોટો હતો. આ બાળકની આંખો મને બે વર્ષ પહેલાં એક નડિયાદ ઍક્સપ્રેસ હાઇવે પર એક અજાણી મહિલાની લાશ પાસે મળી આવેલી ખુશીની આંખો જેવી જ લાગી હતી."

"મેં પોસ્ટ વાંચી તો તેમાં લખ્યું હતું કે આ બાળક વાસદ ઍક્સ્પ્રેસ-વેના ગેટ નંબર 27 બાજુમાંથી ગંભીર ઇજાઓ સાથે મળી આવ્યું છે. બાળક પોતાનું નામ કનૈયા અને પિતાનું નામ ઉદય બતાવે છે. આ વાંચીને મને થયું કે ખુશી પણ પોતાના ભાઈનું નામ કનૈયા અને પિતાનું નામ ઉદય બતાવતી હતી."

"ખુશીને પણ આજ રીતે ફેંકી દેવામાં આવી હતી. આ વિગત અંગે મે તરત જ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરી અને તપાસ શરૂ કરી હતી."

આ શબ્દો છે હેડ કૉન્સ્ટેબલ પ્રદીપ મહિડાના.

પ્રદીપ મહિડા નડિયાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટૅકનીકલ શાખામાં હેડ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

પ્રદીપ મહિડાએ એક સોશિયલ મીડિયા પોસ્ટને આધારે બે વર્ષ પહેલાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

પ્રદીપ મહિડાની આ સર્તકતા ભરી કામગીરી બદલ ખેડા જીલ્લા પોલીસ, કલેક્ટર, રાજ્ય પોલીસ વડાએ સન્માન કર્યું હતું.

ઘટના શું હતી?

નડિયાદ, ગુનો, હત્યા, માતા, બાળકી, બીબીસી ગુજરાતી, ક્રાઇમ, પ્રદીપ મહિડા

ઇમેજ સ્રોત, KHEDA POLICE

ઇમેજ કૅપ્શન, પ્રદીપ મહિડા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2 ડીસેમ્બર, 2022ના રોજ નડિયાદ ઍક્સપ્રેસ-વે બિલોદરાની સીમમાં એક મહિલાની લાશ મળી હતી. આ લાશ પાસેથી લગભગ ત્રણ ચાર વર્ષની બાળકી મળી હતી.

તપાસમાં જાણવાં મળ્યું કે મહિલાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી હતી.

પ્રદીપ મહિડા જણાવે છે કે "ઍક્સપ્રેસ-વે પાસેથી મળેલી અજાણી મહિલાની લાશની ઓળખ માટે આસપાસના લોકોનાં નિવેદનો લીધાં હતાં. તેમજ સીસીટીવી કૅમેરા પણ ચેક કર્યા હતા. લાશ પાસેથી મળેલી બાળકીને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેની સારવાર કરાવી હતી. સારવાર બાદ બાળકીને માતૃછાયા સંસ્થામાં રાખવામાં આવી હતી."

તેમના જણાવ્યા મુજબ બાળકી સાજી થયા બાદ તેમણે સાદા ડ્રેસમાં તેમજ બાળજિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં પૂછપરછ કરી હતી.

ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "દીકરી એટલું જ બોલતી હતી કે 'પાપાને મમ્મીકો કચડ ડાલા. ઔર મુજે પટક દીયા. ઔર કનૈયા કો લે કે ભાગ ગયે.'

"દીકરી હિંદી ભાષામાં બોલતી હતી અને તેનો બોલીનો લહેકો થોડો ઉત્તર પ્રદેશની બોલી જેવો લાગતો હતો."

"જેથી અમે તપાસ અંગે ઉત્તર પ્રદેશની પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. દીકરી પોતાની માતાનું નામ પૂજા બતાવતી હતી. જેથી અમે મતદારયાદીમાં પણ તેમનાં નામ અંગે તપાસ કરી હતી. અમે વડોદરા, આણંદ, અમદાવાદમાં પણ તપાસ હાથ કરી હતી. આ ઉપરાંત ટૅક્નીકલ સર્વેલન્સના આધારે પણ અમે તપાસ શરૂ કરી હતી. પરંતુ કોઇ રીતે પોલીસને સફળતા મળી રહી ન હતી."

પ્રદીપ મહીડા જણાવે છે કે "મળી આવેલી અજાણી મહિલાની લાશ અને દીકરીના ફોટાનાં પોસ્ટરો બનાવીને આસપાસનાં રાજ્યોમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં. પરંતુ મળી આવેલ લાશ કે બાળકીની કોઈ ઓળખ થઈ શકી ન હતી. અમે ખેડા અને આણંદની આસપાસ પણ પોસ્ટરો લાગાવ્યાં હતાં."

રાજેશ ગઢીયા જણાવે છે કે ગુનો ગંભીર હતો જેથી આ ગુના અંગે અમે દરેક ક્રાઇમ કૉન્ફરન્સમાં આ કેસનું રીવ્યૂ કરતા હતા.

ખુશી એવું શું બોલી કે પોલીસને મળી કડી

નડિયાદ, ગુનો, હત્યા, માતા, બાળકી, બીબીસી ગુજરાતી, ક્રાઇમ, પ્રદીપ મહિડા

ઇમેજ સ્રોત, NACHIKET MEHTA

ઇમેજ કૅપ્શન, ખેડાના ડીએસપી રાજેશ ગઢીયા

સોશિયલ મીડિયા પરની પોસ્ટ વાંચ્યા બાદ ઉપરી અધિકારીઓ સાથે વાત કરીને હેડ કૉન્સ્ટેબલ પ્રદીપ મહિડા સીધા આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.

પ્રદીપ મહિડાએ પોલીસ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે કનૈયા પણ હિન્દી બોલે છે.

તેમજ તે પણ કહે છે કે 'પાપાને પટક દીયા'.

બન્ને કેસમાં સામ્યતા જણાતા પ્રદીપ મહિડા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કનૈયાની મુલાકાત લીધી હતી.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ખુશીને જ્યાં રાખવામાં આવી હતી તે માતૃછાયા સંસ્થામાં મોકલી હતી. જેને ખુશી સાથે વીડિયો કૉલ પર વાત કરાવી હતી.

પ્રદીપ મહિડા જણાવે છે, "વિડીયો કૉલમાં તેના ભાઈને જોઈને ખુશી તરત જ કનૈયા બોલી હતી. ખુશીનું આ વાક્ય સાંભળતાની સાથે જ અમને ખાતરી થઈ ગઈ હતી કે ખુશી અને કનૈયો ભાઈ-બહેન છે. અને તેના પિતાએ તેમની માતાની હત્યા કરી હતી. જોકે, આ અંગે વધુ માહિતી ન હતી."

પોલીસે આ ગુનાની તપાસ માટે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.

પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી?

કનૈયાને સારવાર બાદ ખુશી જે સંસ્થામાં રહેતી હતી તે માતૃછાયા સંસ્થામાં લાવવામાં આવ્યો હતો.

બન્ને ભાઈ-બહેન એકબીજાને મળીને ખુબ જ ખુશ હતાં.

પોલીસ પણ સાદા ડ્રેસમાં બન્નેને મળીને તેમની સાથે રમી રહી હતી. તેમની સાથે મિત્રતા કરીને પોલીસ માહિતી મેળવી રહી હતી.

પ્રદીપ મહિડાએ જણાવ્યુ કે "અમે ખુશી અને કનૈયા સાથે દોસ્તી કરી લીધી હતી. કનૈયાને રમવા માટે મોબાઇલ ફોન આપ્યો હતો. મોબાઈલ રમી રહેલા કનૈયાને કહ્યુ કે પાપા કો ફોન લગાઓ બેટા. કનૈયાએ તેના પપ્પાનો મોબાઈલ નંબર ડાયલ કર્યો. પરંતુ તે પાંચ આંકડા ડાયલ કરીને અટકી જતો હતો. તેને આટલો જ નંબર યાદ હતો. અમારી ટીમે મોબાઇલ નંબરના પાંચ આંકડાઓના આધારે ટૅક્નીકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. તેમજ થર્ડ પાર્ટી ઍપની મદદથી મોબાઇલ યુઝરનો ફોટો શોધ્યો હતો. આ ફોટો જોતા જ ખુશી અને કનૈયા પાપા બોલ્યાં હતાં."

પોલીસે ટૅકનીકલ સર્વેલન્સની મદદથી અમદાવાદ સોનીની ચાલી વિસ્તારમાં રહેતા ઉદયની ધરપકડ કરી હતી..

પોલીસ તપાસમાં બહાર આવ્યુ કે આરોપીનું નામ ઉદય વર્મા છે.

તે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો છે. જે તે વખતે તેને પોતાના વિસ્તારની સાયરાબાનો નામની યુવતી સાથે લગ્ન કરી ભાગીને અમદાવાદ આવી ગયો હતો.

તે અમદાવાદમાં ભરતકામ કરતો હતો. જોકે, 2022માં તે ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો અને 2023માં તે પરત આવીને સોનીની ચાલી વિસ્તારમાં રહેવા લાગ્યો હતો.

રાજેશ ગઢીયાએ વધુમાં જણાવ્યુ હતું કે "આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે તે પોતાની પત્ની પર હંમેશા શંકા કરતો હતો. શંકાને કારણે તેણે પોતાની પત્નીને ઘટના સ્થળ પર લાવીને પત્નીને ગળું દબાવીને મારી નાખી હતી. તેમજ તેની દીકરીને પણ પટકીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે માનતો હતો કે તેની પત્ની અને દીકરી બન્ને મરી ગયા છે. દીકરો નાનો હોવાથી તેની હત્યા કરી ન હતી. તે દીકરાને ત્યાંથી લઈને ભાગી ગયો હતો."

"વર્ષ 2022માં તે કનૈયાને લઈને ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો. જ્યાં તેને અન્ય યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. તેની બીજી પત્નીને કનૈયો ન ગમતો હોવાથી તેણે તેની હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.જોકે, કનૈયાને પણ ખુશીની માફક જ પટક્યો હતો. તે સમજ્યો હતો કે કનૈયો મરી ગયો છે."

માતાની હત્યા અને પિતા જેલમાં, બાળકોનું શું?

માતૃછાયા સંસ્થાના પદાધિકારી સંદીપ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે "ખુશી અને કનૈયા બન્ને ભાઈ-બહેન હાલ અમારી સંસ્થામાં છે. સામાન્ય રીતે કોઈ બાળક મળી આવે તો લગભગ 6 મહિનામાં તેની હાઇકોર્ટમાં પ્રક્રીયા પૂર્ણ કરીને લીગલ ફ્રી જાહેર કરવામાં આવે છે. હાઇકોર્ટ દ્વારા લીગલ ફ્રી જાહેર કર્યા બાદ બાળકને દત્તક આપવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે."

"જોકે, આ એક સ્પેશિયલ કેસ છે. તેમની માતાની લાશના ફીંગર પ્રિન્ટ લીધી હતી જેના આધારે તેમના પરિવાજનોની શોધ ચાલુ છે."

"બાળકોની માતાની હત્યા થઈ છે જ્યારે તેના પિતા તેમની માતાની હત્યાના આરોપી છે. પિતાએ બાળકોને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. કાયદા મુજબ બન્ને બાળકોનાં માતા અને પિતાના પરિવારનો અભિપ્રાય લેવામાં આવશે."

ખેડા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આ બન્ને બાળકોના કેસમાં તપાસ ચાલી રહી છે. બાળકોની માતા અને પિતાના પરિવારના લોકોમાંથી કોઇ પરિવાર તેમને લઈ જવા માંગતો હોય તેઓ બાળકો રાખવા સક્ષમ છે કે નહી તેની તપાસ કરવામાં આવે છે. જો તેઓ બાળકોનું પાલન-પોષણ કરવા સક્ષમ ન હોય તો કાયદાકીય પ્રક્રીયા કરીને બાળકોને દત્તક આપી શકાય છે."

"આ બન્ને બાળકો ભાઈ-બહેન છે તેથી કોઈ એક જ પરિવારને દત્તક આપવામાં આવશે. નિયમ મુજબ જૈવિક ભાઈ-બહેન હોય તો તેમને અલગ કરી શકાય નહીં. તેમને એક જ પરિવારને દત્તક આપવામાં આવે છે."

રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે "આરોપીને સખત સજા થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.