વ્હેલ માછલીના ગળી ગયા બાદ પેટમાંથી જીવતા બહાર આવેલા માણસને અંદર કેવો અનુભવ થયો?

- લેેખક, એન્ડ્રીયા ડિયાઝ અને આઇલિન ઓલિવા
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
"એડ્રિયન સિમનકાસ દક્ષિણ ચીલીમાં મેજલાનની સામુદ્રધુનીમાં કાયકિંગ કરી રહ્યા હતા, ત્યારે જ અચાનક તેમને તેમની પીઠ તરફ એક આઘાત મહેસૂસ થયો, આ એટલો પ્રબળ હતો કે તેઓ હવામાં ઉપર ઊંચકાઈ ગયા. તેમણે તેમની આંખો બંધ કરી લીધી અને જ્યારે તેમણે ફરી પોતાની આંખ ખોલી ત્યારે તેમને ખબર પડી કે તેઓ એક વ્હેલના શરીરમાં છે."
23 વર્ષના એડ્રિયન વેનેઝુએલાના છે. તેમણે પુન્તા અરેનાસથી બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મને મારા મોં પર કંઈક ચીકણો પદાર્થ હોય એવું લાગ્યું. એ ક્ષણે વધુ એક આઘાતની અપેક્ષાએ મેં મારી આંખો બંધ કરી દીધી. પરંતુ ત્યારે મને માર નહીં, એવું અનુભવાયું કે હું ઊલટપૂલટ થઈ રહ્યો છું. બસ એ જ ક્ષણે હું ચત્તો સૂઈ ગયો."
જોકે, એડ્રિયનના 49 વર્ષીય પિતા ડેલ સિમનકાસને ખબર ન પડી કે ખરેખર થઈ શું રહ્યું છે.
એ દિવસે આ પિતા-પુત્રની જોડીએ ઇગલ ખાડી પાર જ કરી હતી. બરાબર એ જ સમયે ડેલે ઊંચાઈ પકડી રહેલાં મોજાં રેકૉર્ડ કરવા માટે તેમની નાનકડી હોડી સાથે જોડાયેલ કૅમેરામાં પોતાની મુસાફરીનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું.
જોકે, એ સમયે અચાનક ડેલને તેમની પાછળ મોજાના અથડાવાનો અવાજ સંભળાયો.
એડ્રિયનના પિતાએ કહ્યું, "જ્યારે હું પાછો ફર્યો, ત્યારે મને એડ્રિયન ન દેખાયો. જ્યાં સુધી મેં એને દરિયાના પાણીમાંથી બહાર આવતો ન જોયો ત્યાં સુધીની એક ઘડી માટે હું ચિંતિત થઈ ગયો. બરાબર એ જ સમયે મેં અન્ય પણ એક શરીર જોયું, તેની સાઇઝના કારણે મને ખબર પડી ગઈ કે નક્કી આ એક વ્હેલ છે."
બસ ત્યારે જ બંનેએ બચાવઅભિયાન શરૂ કર્યું, અને વ્હેલને એ સ્થળેથી દૂર મોકલવામાં સફળ રહ્યા. તે બાદ આ પિતા-પુત્રની જોડીએ પરત ફરવાનું શરૂ કર્યું.
એડ્રિયન માને છે કે આ વ્હેલ કુતૂહલ સંતોષવા માટે અંદરોઅંદર રમી રહી હશે અથવા ફરી રહી હશે. તેઓ કહે છે કે, "મને ખબર પડી ગઈ કે એ મને ખાઈ નહોતી ગઈ, એ શિકારી નહોતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિમનકાસ પરિવાર સાત વર્ષ પહેલાં પોતાના જીવનની ગુણવત્તા સુધારવાના વિચાર સાથે વેનેઝુએલાના એમેઝોનાસ રાજ્યમાંથી ચિલીમાં આવ્યો હતો. જોકે, તેમણે ક્યારેય વ્હેલ સાથે આવો અનુભવ થશે એવું નહીં વિચાર્યું હોય.
એડ્રિયને કહ્યું, "આ વિશ્વના અંતિમ છેડે પ્રાણીસૃષ્ટિ સાથેનું એક ઍન્કાઉન્ટર હતું."
એ ક્ષણ કેવી હતી?

ઇમેજ સ્રોત, Dell Simancas
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમે બે કલાકથી હોડીમાં હતા. હું થોડો થાકી ગયો હતું. જોકે, અમે બંને સારું પ્રદર્શન કરી રહ્યા હતા. અમને મોસમનો પણ સાથ મળ્યો. એ ક્ષણ જ્યારે મને પાછળથી આઘાત અનુભવાયો અને ડુબાડી દેવાયો ત્યાં સુધી બધું જ કાબૂમાં હતું.
આ બધું માત્ર એક સેકન્ડમાં જ બની ગયું.
તમે શું જોયું?
હું ઘેરો વાદળી અને સફેદ રંગ જોઈ શક્યો. મને શરીર પર કોઈ ચીકણો પદાર્થ હોવાનું અનુભવાયું, જે મારા મોંને પણ સ્પર્શી રહ્યો હતો. એ ક્ષણે મેં વધુ એક આઘાતની અપેક્ષાએ આંખો બંધ કરી, પરંતુ મને લાગ્યું કે હું માત્ર ઊલટપુલટ થઈ ગયો, એ ફટકો નહોતો. બસ એ જ ઘડીએ હું ચત્તો સૂઈ ગયો.
હું કોઈક જીવના મોંમાં છું એ વિચાર સાથે મેં લગભગ એક ઘડી જેટલો સમય પસાર કર્યો, મને વિચાર આવ્યો કે કદાચ આ જીવ મને ખાઈ ગયો છે. મને લાગ્યું કે એ એક ઓર્કા કે દરિયાઈ રાક્ષસ હોઈ શકે.
પરંતુ આ જીવે મને બહાર ફેંક્યા બાદ મને ભાન થયું કે હું ફરીથી સપાટી તરફ જઈ રહ્યો છું. હું બે સેકન્ડમાં સપાટી પર પહોંચી ગયો અને ત્યારે મને સમજ પડી કે એણે મને ખાધો નહોતો, એ શિકારી નહોતો.
શું તમને લાગે છે કે તમને કંઈ થઈ ગયું હોત?
વ્હેલ હોવા છતાં આ ખતરનાક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જો એણે કૂદવાનું શરૂ કરી દીધું હોત અને મારા પિતાને પણ ગળવાની કોશિશ કરી હોત તો, પછી ભલે એ આવું કુતૂહલતાપૂર્વક કે રમતની દૃષ્ટિએ કરી રહી હોત. જોકે, સદ્નસીબે વ્હેલ આઘી ખસી ગઈ.
બની શકે કે કદાચ એ પણ અમારી નીચે જ તરી રહી હતી, અમને જોઈ રહી હતી, આના કારણે પણ એ સમયે હું ચિંતિત હતો.
પરંતુ મારા પિતાએ મને શાંત પાડ્યો અને બાદમાં અમે બચાવઅભિયાન સફળતાપૂર્વક પાર પાડી શક્યા.
તમે ક્યારેય વ્હેલ સાથે આવું ઍન્કાઉન્ટર થશે એવું વિચાર્યું હતું?
ખરેખર તો ના.

ઇમેજ સ્રોત, Dell Simancas
તમને કેવું લાગ્યું?
મેં વ્હેલની અંદર પિનોશીઓની માફક બચી રહેવાની શક્યતા અંગે વિચાર કર્યો. મેં એ મને ગળી ગઈ એ બાદ હું શું કરી શકું એ દિશામાં વિચાર કરવાનું શરૂ કર્યું. કારણ કે હવે એ ઘડી વીતી ગઈ હતી કે હું એને મને ગળતી અટકાવવા સામનો કરી શકું. મારી હવે શું કરવું એ વિચારવું પડ્યું.
જ્યાં સુધી પાછો બહાર ન ફેંકે ત્યાં સુધી...
આ બધું એક ઘડીમાં જ બની ગયું. હું એક સેકન્ડ તેના મોંમાં હતો. અને ત્યાંથી બહાર નીકળવાના પ્રયાસના વધુ બે સેકન્ડ.
હું કેટલી ઊંડાઈમાં હતો એની મને ખબર નહોતી, તેથી હું મારો શ્વાસ રોકી શકીશ કે નહીં એ વિચારી થોડી ચિંતામાં હતો. મને લાગ્યું કે મને બહાર નીકળવામાં વધુ સમય લાગ્યો.
અને સ્વાભાવિકપણે જ મને જીવતદાન મળ્યાની લાગણી અનુભવાઈ. કારણ કે હું ખૂબ જ ઝડપથી બનેલી એ ઘડીમાં બચી ગયો હતો, પરંતુ મને લાગે છે કે મેં એ સમયે ઘડીઓ ગણવાનું બંધ કરી દીધું હતું.
તમારા પિતાએ રેકૉર્ડ કરેલો વીડિયો બાદમાં જોઈને તમને કેવું લાગ્યું?
આ ખૂબ જ આશ્ચર્યચકિત કરનારું હતું. આ બનાવનો વીડિયો જોવો એ પણ એક નવો આઘાત હતો. મેં વ્હેલનું શરીર દેખાય છે એ દૃશ્ય નહોતું જોયું. મેં એ ઘડીના અવાજો પણ નહોતા સાંભળ્યા. આ વાતથી હું મૂંઝવાઈ ગયો હતો. જોકે, કદાચ મેં આ બધું જોયું હતું, પરંતુ હું એ બધું ભૂલી ગયો હતો.
પરંતુ બાદમાં આ વીડિયોમાં મને વિશાળકાય વ્હેલ દેખાઈ, એ જોઈને મને લાગ્યું કે કદાચ એ મારી સામે આવી હોત તો હું એ સમયે ગભરાઈ ગયો હોત.
આ બધું રેકૉર્ડ કરાઈ રહ્યું છે એનો તમને ખ્યાલ હતો?
આ અદ્ભુત છે. જ્યારે હું વ્હેલની અંદર હતો ત્યારે મને આ ઘટનાનું રેકૉર્ડિંગ થયું છે એનો ખ્યાલ નહોતો. પરંતુ જ્યારે હું લગભગ કાંઠે પહોંચ્યો ત્યારે મને મારા પિતાએ કહ્યું કે આ ઘટનાનો વીડિયો બની ગયો છે. આ વાત પણ મારા માટે એક આશ્ચર્ય હતી.
પરંતુ જ્યારે મેં જોયું કે એ વિસ્તારમાં વધુ વ્હેલ હતી, ત્યારે જાણે હું એ અનુભવ ફરીથી જીવી રહ્યો હતો. વીડિયો જોઈને જાણે હું એ વિસ્તારથી વધુ વાકેફ થઈ રહ્યો હતો અને એ ક્ષણને ફરીથી અનુભવી રહ્યો હતો.
આ ખૂબ જ આશ્ચર્યચકિત કરનારું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












