એ ખતરનાક રસ્તા જેનો ઉપયોગ લોકો અમેરિકામાં 'ગેરકાયદેસર રીતે' પ્રવેશવા માટે કરે છે

ઇમેજ સ્રોત, Getty Images
ગયા અઠવાડિયે અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા ગુજરાતીઓનું પ્લેન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે પહોંચ્યું એ સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શપથવિધિ સમારોહમાં 'દેશમાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે સૌથી મોટું અભિયાન' શરૂ કરવાની વાત કર્યા બાદથી અમેરિકા દ્વારા આવાં જ કંઈક પગલાં ભરાશે એવી આશંકા સેવાઈ રહી હતી.
અમેરિકાથી તાજેતરમાં ડિપૉર્ટ કરાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓ સામેલ હતા.
અમેરિકાથી પાછા મોકલાવાયેલા લોકો પૈકી ઘણાએ અમેરિકન ઑથૉરિટિઝ દ્વારા પોતાની સાથે 'દુર્વ્યવહાર કરાયાની' અને 'પોતે કેટલી મહામુસીબતે અને ગેરકાયદેસર પ્રવેશ માટેના કયા રૂટથી અમેરિકા પહોંચ્યા' હતા એની વાત કરી હતી.
હવે જ્યારે આ સમગ્ર મુદ્દો ચર્ચામાં છે ત્યારે અમેરિકામાં 'ગેરકાયદેસર રીતે' પ્રવેશ માટેના રસ્તાઓ અંગેની પણ ચર્ચા થઈ રહી છે.
અમેરિકા-મૅક્સિકો બૉર્ડર

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય અમેરિકાના કેટલાક દેશોમાંથી લોકો ગૅંગ હિંસા, ગરીબી, રાજકીય દમન અને કુદરતી આપત્તિ સહિતની જટીલ સમસ્યાઓથી બચવા માટે મોટા પ્રમાણમાં અમેરિકા-મૅક્સિકો બૉર્ડરેથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હોય છે. વર્ષ 2018થી આ વલણમાં વધારો જોવા મળી રહ્યો છે.
અમેરિકા-મૅક્સિકોની 3000 કિમી (1900 માઇલ) લાંબી સરહદ 'ગેરકાયદેસર' રીતે અમેરિકામાં પ્રવેશવા માગતા લોકોની ધરપકડ માટેનું પણ જાણે 'કેન્દ્રબિંદુ' છે.
જોકે, પાછલાં કેટલાંક વર્ષોથી આ સરહદેથી માત્ર મધ્ય અમેરિકાના લોકો જ નહીં, પરંતુ પશ્ચિમ આફ્રિકા, ભારત અને મધ્ય પૂર્વના લોકો પણ અમેરિકામાં 'ગેરકાયદેસર રીતે' પ્રવેશવાનો પ્રયાસ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાનાં ક્ષેત્રોમાંથી આવતા લોકો બાદ આ સરહદેથી પકડાતા લોકોમાં બીજા ક્રમે ચાઇનીઝ લોકો આવે છે. વર્ષ 2023માં યુએસ-મૅક્સિકો બૉર્ડરેથી 37 હજાર જેટલા ચાઇનીઝ નાગરિકોની અમેરિકામાં 'ગેરકાયદેસર રીતે' પ્રવેશવાના પ્રયાસમાં અટકાયત કરાઈ હતી.
2019ના ઉનાળામાં આ બૉર્ડરે અટકાયતમાં ફરી ઘટાડો થયો, જેનું શ્રેય ત્યારે યુએસ અધિકારીઓએ મૅક્સિકો અને ગ્વાટેમાલા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને આપ્યો હતો.
અલબત્ત, સૌથી મોટો ઘટાડો 2020ની શરૂઆતમાં થયો હતો. એ સમયે કોવિડ મહામારીના પ્રતિબંધોને કારણે માર્ચ અને એપ્રિલ વચ્ચે 53 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો.
2021ની શરૂઆતમાં જ્યારે આ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા ત્યારથી સંખ્યામાં સતત વધારો થયો છે.
ડિસેમ્બર 2023માં આ સંખ્યા ત્રણ લાખ બે હજારનો આંક વટાવી જઈને અત્યાર સુધીના સર્વોચ્ચ આંકડા પર પહોંચી હતી.
વૉશિંગ્ટન ડીસીમાં મુખ્ય મથક ધરાવતા એક માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટના પૉલિસી ઍનાલિસ્ટ ઍરિયલ રુઇઝ સોટોએ જણાવ્યું હતું :
"મુખ્યત્વે મધ્ય અમેરિકા અને સમગ્ર પ્રદેશમાં અવરજવર માટેના પ્રતિબંધો હળવા થયા પછી અમે સરહદ પર ફરીથી સંખ્યામાં વધારો નોંધ્યો હતો."
"તે સમયે અનેક મોટા ફેરફાર થયા. વેનેઝુએલા, કોલંબિયા, ઍક્વાડોર અને તેનાથી દૂરનાં સ્થળો પરથી પણ વિવિધ લોકોનો પ્રવાહ અહીં જોવા મળ્યો."
છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુએસ-મૅક્સિકો સરહદ પરથી સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
હવે જો અમેરિકામાં 'ગેરકાયદેસર' પ્રવેશ માટે મૅક્સિકો રૂટની પસંદગીની વાત કરીએ તો બીજી તરફ, વૈશ્વિક સ્તરે વિકસિત અને સમૃદ્ધ દેશોમાં સ્થળાંતર કરનારા લોકોનો આંકડો અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે છે.
ગયા વર્ષના અંતમાં જાહેર કરાયેલા ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કૉ-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી)ના આંકડા દર્શાવે છે કે 2022માં 61 લાખ નવા કાયમી સ્થળાંતર કરનારા લોકો ઓઈસીડીના 38 સભ્ય દેશોમાં ગયા હતા.
આ આંકડો 2021 કરતાં 26 ટકા વધુ અને 2019 કરતાં 14 ટકા વધુ છે.
2022માં યુએસમાં આશ્રય મેળવનારા લોકોની સંખ્યા બમણી થઈ છે, જેમાંથી મોટા ભાગે વેનેઝુએલા, નિકારાગુઆ અને ક્યૂબાના શરણાર્થીઓ હતા.
હ્યુમનિટેરિયન માઇગ્રેશન(માનવતાવાદી સ્થળાંતર)ની બાબતે હવે યુએસ જર્મની પછી બીજા ક્રમે છે.
રાષ્ટ્રપતિ જો બાઇડનના શાસનકાળમાં સરકારનાં વલણ અને નીતિમાં પરિવર્તન આવ્યું. દેશનિકાલમાં ઘટાડો થયો અને મૅક્સિકોમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકોને ઝડપથી પાછા મોકલવા અને સરહદ પર દીવાલ બનાવવા જેવી "અવરોધક" નીતિઓ સમાપ્ત થઈ હતી.
ઇમિગ્રેશન કોર્ટની તારીખોની રાહ જોવા માટે સ્થળાંતર કરનારા લોકોને અમેરિકામાં પેરોલ પર મુક્ત કરવામાં આવતા હતા, જે પ્રક્રિયાને ઘણી વાર વર્ષો લાગી જતાં.
સંખ્યાબંધ દેશો પાર કરીને અમેરિકા વાયા મૅક્સિકો બૉર્ડર

ઇમેજ સ્રોત, JOHN MOORE/GETTY IMAGES
બીબીસી પંજાબી સેવાના એક અહેવાલ અનુસાર અગાઉ ભારતીયો અમેરિકાની દક્ષિણે આવેલી મૅક્સિકોની ભારે ભીડવાળી સરહદનો અમેરિકામાં 'ગેરકાયદેસર રીતે' પ્રવેશવાના આશયથી ઉપયોગ કરતા હતા. જ્યાં તેઓ એલ સલ્વાડોર અને નિકારાગુઆ મારફતે પહોંચતા.
બીબીસી પંજાબીના સરબજિતસિંહે નામ ન આપવાની શરતે કેટલાક જાણકાર એજન્ટો સાથે વાત કરીને આ સંબંધે માહિતી મેળવી હતી.
તેમના એક અહેવાલ અનુસાર નવેમ્બર 2022 સુધી ભારતીય નાગરિકોને એલ સલ્વાડોરમાં વિઝા-ફ્રી ઍન્ટ્રી અપાતી.
જોકે, અમેરિકા પહોંચવા માટે હાલનો પ્રચલિત રૂટ ઇક્વાડોરથી થઈને પસાર થાય છે. જ્યાંથી 'ગેરકાયદેસર રીતે' અમેરિકા જવા માગતા લોકો બોટ મારફતે કોલંબિયા અને પનામા જાય છે.
પનામાનાં ખતરનાક જંગલો પાર કર્યા બાદ આવી રીતે પ્રવાસ કરતી વ્યક્તિ કોસ્ટા રિકા પહોંચે છે, જ્યાંથી તે નિકારાગુઆમાં પ્રવેશે છે.
નિકારાગુઆથી હોન્ડુરાસ અને ત્યાંથી ગ્વાટેમાલા અને મૅક્સિકો જવાય છે.
મૅક્સિકો પહોંચ્યા બાદ યુવાનો બૉર્ડર પાર કરીને અમેરિકામાં પ્રવેશે છે. આ સિવાય કેટલાક એજન્ટો વેનેઝુએલા અને બ્રાઝિલથી પણ મૅક્સિકો પહોંચાડે છે.
કૅનેડા-યુએસ બૉર્ડર

ઇમેજ સ્રોત, RCMP MANITOBA
કૅનેડા અને અમેરિકાની બૉર્ડર લગભગ 8891 કિલોમીટર લાંબી છે જે બંને દેશો વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર મનાય છે.
કૅનેડાના મોટા ભાગના લોકો અમેરિકાની નજીક સરહદી વિસ્તારોમાં રહે છે. તેના પાછળનું સીધું જ કારણ એ વધુ અનુકૂળ હવામાન છે. કૅનેડાના ઉત્તરી પ્રાંત કરતાં આ ઘણો ગરમ પ્રદેશ છે.
24 કલાક બૉર્ડર ક્રૉસ કરીને બંને દેશોમાં લોકોની અવરજવર ચાલુ રહે છે. આમ, આ બધી અનુકૂળતાઓને કારણે કૅનેડાની વસ્તી ત્યાં કેન્દ્રિત છે.
જોકે, આ બૉર્ડરનો પણ ઘણી વખત અમેરિકામાં 'ગેરકાયદેસર રીતે' પ્રવેશ કરવા માટે ઉપયોગ થયાના બનાવો સામે આવે છે.
આવો જ એક બનાવ જાન્યુઆરી 2022માં પણ બન્યો હતો, જેના કારણે કૅનેડા-અમેરિકાની બૉર્ડરેથી ચાલી રહેલા 'ગેરકાયદેસર અમેરિકા પ્રવેશ'ની બાબત પર લોકોનું ધ્યાન આકર્ષિત થયું હતું.
આ ઘટનામાં ગુજરાતી પટેલ પરિવારના ચાર સભ્યો 'ગેરકાયદેસર રીતે કૅનેડામાંથી અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી' વખતે મૃત્યુ પામ્યા હતા. જેમાં બે બાળકો પણ સમાવિષ્ટ હતાં.
19 જાન્યુઆરીએ કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચારના મૃતદેહ મળ્યા હતા.
ગુજરાત સહિત અન્ય સ્થળોએથી ગેરકાયદેસર રીતે કૅનેડાથી અમેરિકામાં પ્રવેશ કરતા મોટા ભાગના લોકો વાનકુવર બૉર્ડરનો ઉપયોગ કરતા હોય છે.
જોકે, ઘણી વખત આ બૉર્ડર પર ખૂબ લાંબી લાઇન હોવાને કારણે આસપાસની બીજી ઓછી જાણીતી બૉર્ડરો તરફ લોકો વળતા હોય છે.
ગુજરાતી પટેલ પરિવારના કિસ્સામાં કંઈક આવું જ બન્યું હતું તેમને વાનકુવર બૉર્ડરે લાંબી લાઇન હોવાને કારણે માનિટોબા બૉર્ડરથી અમેરિકામાં પ્રવેશ કરાવવાનું નક્કી કરાયું હતું.
સામાન્ય રીતે માત્ર અડધો કલાકમાં પાર કરી શકાતો આ વિસ્તાર બરફવર્ષા દરમિયાન ભારે જોખમી બની જતો હોય છે અને પોલીસના જણાવ્યા અનુસાર એ દિવસે બરફવર્ષાને લીધે જ પટેલ પરિવાર રસ્તો ભૂલી ગયો હતો અને તીવ્ર બરફના તોફાનમાં ફસાઈ જવાને કારણે મૃત્યુ પામ્યો.
ડંકી રૂટ

પાકિસ્તાનના બલૂચિસ્તાનના બંજર પહાડોની વચ્ચેથી 'લંડન રોડ' પસાર થાય છે, એમ કહીએ તો કદાચ જ કોઈને વિશ્વાસ બેસે. જોકે, કેટલાક દાયકા પહેલાં સુધી આ રસ્તો યુરોપિયન પર્યટકો માટે પાકિસ્તાન પહોંચવાનો તે મહત્ત્વપૂર્ણ માર્ગ હતો.
તાજેતરનાં વર્ષો દરમિયાન આ રસ્તાને 'ડંકી રૂટ' તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે યુરોપ જનારાઓને કારણે આ માર્ગ ચર્ચામાં આવ્યો છે.
પાકિસ્તાનને યુરોપ સાથે જોડતા આ માર્ગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. તે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાને તફ્તાન સાથે જોડે છે. જે પાકિસ્તાનનું સરહદી નગર છે.
એથી આગળ ઈરાન, તુર્કી, ઇજિપ્ત તથા કેટલાક યુરોપિયન દેશોમાંથી પસાર થઈને બ્રિટન પહોંચી શકાય છે. તેનો છેલ્લો મુકામ લંડન છે અને તેના નામ પર જ આ રસ્તો ઓળખાય છે.
વિભાજન પહેલાંના સમય સુધી આ રૂટ અંગ્રેજો સહિત વિદેશી મુસાફરોમાં ખૂબ જ 'લોકપ્રિય' હતો. જાણકારો પ્રમાણે અહીં એ સમયે 'અહીં દેશ-વિદેશથી મુસાફરો આવતા' અને 'ત્યાં એક સમયે પગ મૂકવાની પણ જગ્યા નહોતી મળતી.'
સમયની સાથે-સાથે અહીંની રાજકીય પરિસ્થિતિ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે યુરોપિયન મુસાફરોની સંખ્યા સતત ઘટતી રહી છે. બીજી બાજુ, આ માર્ગ ગેરકાયદેસર રીતે વિદેશપ્રવાસ ખેડવા માગતા લોકોમાં "સહેલા રસ્તા" તરીકે બદનામ થઈ ગયો.
વર્ષ 2023માં આ રૂટ ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે શાહરુખ ખાન સ્ટારર એક ફિલ્મ 'ડંકી' રિલીઝ થઈ હતી. તેની કહાણી પણ પંજાબથી વિદેશ જવા માગતા ચાર યુવાનોની આસપાસ જ ફરતી હતી.
ગુજરાત સહિત ભારતનાં કેટલાંક રાજ્યોમાંથી આ રૂટનો ઉપયોગ કરીને યુરોપ થઈને વાયા-વાયા અમેરિકા સુધી પહોંચવાના બનાવો ઘણી વાર ચર્ચાનો મુદ્દો બનતા રહે છે.
છેલ્લા લગભગ એક દાયકા કરતાં વધુ સમયથી 'ડૉન્કી ફ્લાઇટ' શબ્દ પ્રચલિત છે, જે હવે 'રૂટ'ના સંદર્ભમાં પણ વાપરવામાં આવે છે. બીબીસી પંજાબી સેવાના દલિપસિંહના કહેવા પ્રમાણે:
"ખચ્ચર પોતાના ગંતવ્ય સુધી પહોંચતાં પહેલાં રસ્તામાં આમતેમ ભટકે છે, એટલે સ્થાનિકોમાં ગમે તે રીતે વિદેશ જવા માગતા લોકો માટે 'ડૉન્કી' શબ્દ પ્રચલિત બન્યો હતો, જે આગળ જતાં મીડિયામાં પણ વપરાવા લાગ્યો."
એક સમયે પ્રાદેશિક કે રાષ્ટ્રીય અખબારો પૂરતો મર્યાદિત શબ્દ વૉશિંગ્ટન ડીસીસ્થિત માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ (ડૉન્કી ફ્લાઇટ્સ, ફેબ્રુઆરી-2014, પેજ નં. 2) દ્વારા વપરાશમાં લેવાયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચલિત થઈ ગયો છે.
અનેક મુશ્કેલીઓ, પડકારો અને ખર્ચ વેઠીને અમેરિકામાં 'ગેરકાયદેસર' રીતે પ્રવેશવા માટેના આ રસ્તામાં કેટકેટલી મુસીબતો આવે છે અને તેનો સામનો કરવા કેવી યુક્તિઓ અજમાવાય છે તે અંગે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. આવું જ એક સ્થળ છે ડારિએન ગૅપ.
"ડારિએનમાં (ગૅપ) અપહરણ કે બળાત્કાર જેવું અનિચ્છનીય ઘણું બધું બની શકે છે. મને અહીં સુધીના રસ્તામાં બે લાશ જોવા મળી, જેમાં એક બાળકની પણ લાશ હતી. મને સાપથી બહુ બીક લાગે છે. એક વખત મેં સાપની ઉપર પગ મૂકી દીધો હતો. એક વખત હું ઝાડ ઉપર હતો, ત્યારે ત્યાં સાપ હતો. મારે પણ એક દીકરી છે એટલે મને બાળકોની ખૂબ જ દયા આવે છે."
પનામા અને કોલંબિયાના જંગલની વચ્ચે આવેલા ડારિએન ગૅપ વિશે માનવતસ્કર આ વાત કહે છે.
જેઓ અમુક સો ડૉલરના બદલે ડારિએન ગૅપ સુધી સલામત રીતે પહોંચાડવાનું કામ કરે છે. H-1B વિઝા, L-1A અને L-1B અને અભ્યાસ માટેના અનેક વિકલ્પો હોવા છતાં દર વર્ષે અમુક ગુજરાતી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો વિચાર કરે છે, જેમાં અતિ જોખમી 'ડારિએન ગૅપ'નો રસ્તો પણ સામેલ છે.
કુદરતી હોનારતોને કારણે આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયેલાં હૈત્તી અને કોસ્ટા રિકાના રહેવાસીઓ સારા ભવિષ્યની આશામાં અમેરિકા જવા માટે જોખમ ખેડે છે, તો ગુજરાતીઓ-પંજાબીઓની આંખોમાં વધુ સારી સામાજિક જિંદગી અને વધુ કમાણીનાં અમેરિકન ડ્રીમ હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












