'અમેરિકા તો શું હવે તો અમરેલી જતાં પણ ડર લાગે છે' - અમેરિકાથી ડિપૉર્ટ થનારાં ગુજરાતીની કહાણી

Illegal' Indians deported from US

ઇમેજ સ્રોત, EPA

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

"એક મહિના પહેલાં અમે અમેરિકા જવા નીકળ્યા હતા. અમે ઇટાલી થઈ મૅક્સિકો ગયાં. મૅક્સિકો પાસે માફિયાઓએ અમારા લમણે બંદૂક મૂકી. અમે ગભરાઈ ગયાં. પછી કેટલું ચાલ્યાં તે ખબર નથી. અચાનક પોલીસવાન આવી અને અમને પકડી ગઈ."

"અઢી દિવસ અમારા હાથ હાથકડીમાં બાંધી રાખ્યા. મારા હાથમાં ઉઝરડા પડી ગયા. સફરજન અને કેળાં ખાઈને રહ્યાં. આજે પાંચમા દિવસે ખીચડી ખાધી છે. હવે અમેરિકા તો દૂરની વાત છે બહાર જતા પણ ડર લાગે છે."

આ શબ્દો છે અમેરિકાથી ડિપૉર્ટ થઈને આવેલાં એક ગુજરાતીના.

તેઓ એ 33 ગુજરાતીઓમાં છે જેમને અમેરિકાએ સૈન્ય વિમાનમાં બેસાડીને ભારત પાછા મોકલી દીધાં હતાં. આ બધા ગુજરાતીઓ સહિત 104 લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા અને ત્યાંથી ડિપૉર્ટ થઈ ગયા છે.

મધ્ય ગુજરાતના ગામમાં રહેતાં તેઓ તેમના ગામમાંથી અમેરિકા ગયેલા 21 જણાથી પ્રભાવિત હતાં.

તેમને હતું કે તેઓ પણ અમેરિકા જઈને ખાનગી કંપનીમાં કામ કરતા તેમના ભાઈ અને એરંડાની ખેતી કરતા તેમના પિતાને આર્થિક મદદ કરશે.

આ વિશે બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "મને ખબર નહોતી કે ગેરકાયદેસર અમેરિકા કેવી રીતે જવાય. મારી બહેનપણીએ મને કહ્યું કે અમેરિકા જવાથી પૈસા બહુ મળે"

તેઓ કહે છે કે તેઓ જ્યારે અમેરિકા જવાની પ્રક્રિયા કરવા માટે એજન્ટને મળ્યાં ત્યારે તેમની પાસે પૈસા નહોતા.

આ વિશે જાણકારી આપતાં કહે છે, "એજન્ટે મને કહ્યું કે પૈસા અમેરિકા જઈને આપવાના રહેશે. એટલે મેં તેની વાત માની લીધી અને અમેરિકા જવા તૈયાર થઈ ગઈ."

તેમના કહેવા પ્રમાણે તેમની પાસે જેટલા પૈસા હતા તેટલા તો એજન્ટને આપી દીધા. એજન્ટે જ તેમનો પાસપૉર્ટ કઢાવી આપ્યો અને ઇટાલીની ટિકિટ કઢાવી.

તેઓ કહે છે, "જ્યારે નીકળ્યા ત્યારે મારા ભાઈએ કહ્યું હતું કે હું અમેરિકા જાઉં છું. પરંતુ મને ખબર નહોતી. મારી સાથે ગુજરાતી લોકો ઉપરાંત પંજાબી લોકો પણ હતા. ઇટાલી પહોંચ્યા ત્યારે ભારતનો એજન્ટ જતો રહ્યો અને ઇટાલીનો એજન્ટ આવ્યો."

"તે અમને કારમાં બેસાડીને કોઈ જગ્યાએ લઈ ગયો. હોટલમાં બેસાડીને સૂચના આપી કે કોઈ સાથે વાતચીત નહીં કરવાની."

'મૅક્સિકોમાં માફિયાઓએ અમારા લમણે બંદૂક મૂકી'

Illegal' Indians deported from US

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકા-મેક્સિકો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇટાલીથી મૅક્સિકો અને ત્યારબાદ અમેરિકા જવાની તેમની કહાણી દુ:ખભરી હતી. એક પણ જાણે કે તેમને એક દિવસ જેવી લાગતી.

સફર દરમિયાન સહન કરેલી પીડાને વર્ણવતા તેઓ કહે છે, "સવારે સૂરજ ઊગતા જોઈએ અને સાંજે આથમતા. બસ આમને આમ આઠ દિવસ ઇટાલીમાં જ નીકળી ગયા."

"આઠ દિવસ બાદ એજન્ટ બદલાઈ ગયો. બસ એજન્ટો બદલાતા હતા, હોટેલો બદલાતી હતી. બહાર નીકળવાની પરવાનગી નહોતી. એટલે ખબર નહોતી કે અમે કયા દેશમાં છીએ."

તેઓ વાતચીતમાં કહે છે કે એક દિવસ એજન્ટે આવીને અમને કહ્યું કે હવે અમારે અમેરિકા જવાનું છે.

તેણે અમને કહ્યું, "મૅક્સિકોની સરહદ આવી ગઈ છે. તેણે અમારા બધાના ફોન લઈ લીધા. તેઓ અમને ક્યાં લઈ ગયા તેની ખબર નથી. બસ રાત્રે અમે ચાલતાં રહ્યાં. જંગલમાં કેટલું ચાલ્યાં તે ખબર નથી. અચાનક કેટલાક માફિયાઓ આવ્યા અને લમણે બંદૂક મૂકી. અમે ડરી ગયાં હતાં."

"તેમનો પરિચય આપતા અમારા એજન્ટે કહ્યું કે આ લોકો સરહદ ઓળંગીને અમેરિકા લઈ જનારા લોકો છે. જેને કારણે અમારો ભય ઓછો થયો."

તેઓ કહે છે કે એજન્ટે તેમની સાથે વાત કરી અને અડધા કલાક પછી અમને ચાલવાનું કહેવામાં આવ્યું. તેમણે અમને કોઈ પીણું આપ્યું અને આશ્વાસન આપ્યું કે થોડીવારમાં અમેરિકા આવી જશે.

"અમને ખબર નહોતી કે અમને ક્યાં લઈ જવામાં આવી રહ્યાં છે. એકાદ કલાક ચાલ્યાં ત્યાં તો અમેરિકાની પોલીસ આવી અને અમને પકડી લીધા."

'અમે ગુનેગાર હોઈએ તેવો વ્યવહાર થયો'

તેમને કહેવા પ્રમાણે અમેરિકામાં પકડાયા બાદ અમારી યાતના શરૂ થઈ.

તેઓ કહે છે, "એ લોકોએ અમારા હાથમાં હાથકડી બાંધી. પગમાં સાંકળ બાંધી. મારાથી ચાલી શકાતું નહોતું. મારા હાથમાં સોજા આવી ગયા. એ લોકોએ અમને ખાવા માટે સફરજન અને ચિપ્સ આપ્યાં."

તેમનો આરોપ છે કે અમેરિકાએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

તેઓ જણાવે છે, "અમે જાણે રીઢા ગુનેગાર હોય તેમ સાંકળ બાંધીને પ્લેનમાં બેસાડવામાં આવ્યા."

"અમેરિકાની સેનાના પ્લેનમાં અમને પંજાબ મોકલ્યા. પંજાબમાં અમને પહેલી વખત સારું ખાવાનું મળ્યું અને મારા હાથની સારવાર થઈ."

જોકે, તેને લઈ જનાર એજન્ટનું નામ આપવાનો ઇન્કાર કરે છે.

તેઓ કહે છે કે પોલીસે તેમને સૂચના આપી છે કે એજન્ટનું નામ અને તેનો ફોન નંબર કોઈ સાથે શૅર કરવાનો નથી.

આ વિશે તેઓ વાત કરતાં કહે છે, "મેં આ એજન્ટનું નામ અને ઠેકાણું તથા ફોન નંબર પોલીસને આપી દીધાં છે. આશા રાખું છું કે પોલીસ તેમને પકડીને પૈસા વસૂલ કરે. મહેસાણાના કેટલાક લોકોએ મને કહ્યું કે તેમણે 70 લાખ રૂપિયા સુધીની રકમ એજન્ટ લોકોને આપી છે."

પરિવારજનો શું કહે છે?

Illegal' Indians deported from US

તેમના ભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "તે હાલ માનસિક ટ્રોમામાં છે. તેની સાથે કેદીઓ જેવો વ્યવહાર થયો છે. તેથી તે કોઈ સાથે વાતચીત કરતી નથી."

અમેરિકા કેવી રીતે જાય છે તે વિશેની વાતચીત ઘરના પરિવારજનો સાથે કરી હતી ખરી? આ પ્રશ્નનો જવાબ આપતા તેઓ કહે છે, "અમેરિકા જતા પહેલાં તેણે અમારી સાથે વાત કરી હતી."

અમેરિકા જવા માટેના પૈસા તેણે કોની પાસે લીધા હતા? આ પ્રશ્નનો જવાબ આપતા તેઓ કહે છે, "આ પૈસા તેણે કોની પાસે લીધા? કોઈ દેવું કર્યું? આ વિશે અમને ખબર નથી. અમારા માટે રાહતની વાત એ છે કે તે સલામત રીતે ઘરે આવી ગઈ છે. તેમના મિત્રો સાથે બધા અમેરિકા જવા નીકળ્યા હતા તે પણ અમને ખબર નથી. સ્વસ્થ થાય પછી અમે તેમને પૂછીશું."

તેમના પિતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારી આર્થિક સ્થિતિ સારી નથી. તેને એમ થતું હતું કે ઘર માટે મારે બે પૈસા કમાવા જોઈએ. કારણકે લગ્નમાં પણ ખર્ચ થશે તે જાણીને તેણે કદાચ આ પગલું ભર્યું હોવું જોઈએ. તે ગેરકાયદેસર અમેરિકા જઈને અમારું ઘડપણ સુધારવાની ફિરાકમાં હતી."

ગામવાસીઓનું શું કહેવું છે?

Illegal' Indians deported from US

ગામમાં આ ઘટના બાદ માહોલ ગમગીન છે. બહુ ઓછા લોકો આ મામલે વાત કરે છે.

ગામનો ચોતરો જ્યાં કાયમ લોકોની ભીડ રહેતી તે આજે ખાલી છે. ગામના પાદરે ભરાતું શાકબજાર આજે બંધ છે.

એક ગ્રામવાસી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "આ ગામમાં એક મહિનાથી હું ઘંધો કરું છું. લોકો પાસે દૂધની ડેરીમાંથી પૈસા આવે કે નોકરિયાત વર્ગનો પગાર થાય કે તરત તેઓ દવા લેવા મારી પાસે આવે છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી અહીં કોઈ દેખાતું નથી."

"ગામનું પાદર સૂમસામ દેખાય છે. જ્યારથી અમેરિકાથી લોકો પરત આવ્યાના સમાચાર આવ્યા છે અહીં લોકો ફરકતાં સુદ્ધાં નથી."

બાજુમાં ચા-નાસ્તાની દુકાન ચલાવતી વ્યક્તિ કહે છે, "ગામમાં 600ની વસ્તી હશે. રોજ લોકો મારી દુકાને ચા પીવા બેસે છે. અમારા ગામમાંથી 21 લોકો અમેરિકા ગયા છે."

"નજીકની એક ફેકટરીમાંથી એક કામદાર અહીં આવ્યો હતો. તેણે તેના દીકરાને અમેરિકા મોકલવાની વાત કરી હતી તો અમે તેને ભગાડી દીધો."

તેઓ કહે છે કે મધ્ય ગુજરાતમાં એજન્ટો એવા છે જે ગેરકાયદે અમેરિકા લઈ જવાનું કામ કરે છે. જોકે, આ વિશે વધુ વાતચીત કરવાની તેમણે સ્પષ્ટ ના પાડી.

આ ગામમાં નાનકડી દુકાન ચલાવતી એક વ્યક્તિ કહે છે, "ગામના ઘણા છોકરાઓ પરદેશ જવા માગે છે. પરંતુ હું જવા માગતો નથી. કારણકે જમીન વેચવાની, ગેરકાયદે જવાનું. તેના કરતાં ન જવું સારું."

બે દિવસ પહેલાં અમેરિકાથી ભારતમાં આવેલા પત્રકાર યુનૂસ સૈયદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હાલ અમેરિકામાં ગૅસ સ્ટેશન, મૉટેલ, મૉલ અને રેસ્ટોરાંમાં કામ કરતા ભારતીયોમાં ભારે ડર છે. તેઓ હવે કામ પર જતા ડરે છે. ગેરકાયદેસર વસતા લોકોને મોકલવાની બાબત નવી નથી. પહેલાં પણ આમ થતું રહ્યું છે. પરંતુ જે પ્રકારે તેમને મોકલવામાં આવી રહ્યા છે તેને લઈને ડરનો માહોલ છે અને વિવાદનો વિષય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.