અમેરિકામાં 'ગેરકાયદે' રહેતા 33 ગુજરાતીઓને ગુજરાત લવાયા, તેમની સાથે અમેરિકામાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL/BBC
અમેરિકાથી ડિપૉર્ટ કરાયેલા 33 ગુજરાતીને લઈને એક વિમાન આજે સવારે 6-30 કલાકે અમદાવાદના સરદાર પટેલ ઍરપૉર્ટ પર ઊતર્યું હતું. અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા આ 33 ગુજરાતીઓને અમૃતસરથી અહીં લાવવામાં આવ્યા હતા.
અગાઉ અમેરિકામાં દસ્તાવેજ વગર રહેતા ભારતીયોને લઈને અમેરિકાની સેનાનું વિમાન બુધવારના રોજ અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર ઊતર્યું હતું. સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર તેમાં ભારતનાં વિવિધ રાજ્યોના કુલ 104 ભારતીયો હતા.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સવારથી જ અમદાવાદ ઍરપૉર્ટ પર હતા. જોકે ગુજરાત સરકારે એવી વ્યવસ્થા ગોઠવી હતી કે કોઈ પણ ડિપૉર્ટ કરાયેલા લોકો મીડિયા સાથે વાતચીત ન કરી શકે.
રૉક્સી ગાગડેકર છારાના જણાવ્યા અનુસાર, "તેમના આવ્યા બાદ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમને કડક સુરક્ષાના પહેરા સાથે જિલ્લાવાર અલગ-અલગ વાહનોમાં બેસાડીને તેમના વતન લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી."
રૉક્સી ગાગડેકર છારાના જણાવ્યા અનુસાર આ તમામ 33 લોકો સામે હાલ કોઈ કાયદાકીય પ્રક્રીયા હાથ નહીં ધરાય.
અમેરિકાથી 104 લોકો પૈકી 33-33 ગુજરાત અને હરિયાણાના, 30 પંજાબના, ત્રણ-ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના તથા બે ચંદીગઢના હોવાનું સામે આવ્યું છે.
જે પૈકી 19 મહિલાઓ અને 13 સગીરો પણ છે.
આ ડિપૉર્ટ કરવામાં આવેલા 104 ભારતીયો પૈકી એક જસપાલસિંહે દાવો કર્યો હતો કે તેમના હાથ અને પગ આખી મુસાફરી દરમિયાન સાંકળથી બાંધવામાં આવ્યા હતા અને તેમને હથકડી પહેરાવવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'મને ખબર નથી મારી દીકરી કેવી રીતે અમેરિકા પહોંચી'

ઇમેજ સ્રોત, KETAN PATEL/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહેસાણા જિલ્લાના ચંદ્રનગર ગામમાંથી પણ એક યુવતી અમેરિકા ગઈ હતી તેને પરત મોકલવામાં આવી છે.
મહેસાણાના બીબીસી સહયોગી કેતન પટેલે આ યુવતીના કાકા કનુભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી.
કનુભાઈ પટેલે બીબીસીને જણાવ્યું હતું, "બીજું તો શું કહીએ, મીડિયા દ્વારા જાણ થઈ છે કે ડિપૉર્ટ થઈ છે. ચંદ્રનગર ડાભલા ગામનું નામ છે."
"તેઓ એક મહિના પહેલાં ગયાં હતાં. બહેનપણીઓ સાથે ગયાં હતાં યુરોપ ફરવા માટે. તેમના કાયદેસરના યુરોપના વિઝા હતા. તે પછી આગળ કઈ રીતે ગયાં તે અમને ખબર નથી. છેલ્લી વાત અમારી 14મી જાન્યુઆરીના રોજ થઈ હતી."
કનુભાઈ કહે છે કે તેમણે અમને એવું નહોતું કહ્યું કે તે અમેરિકા પણ જવાની છે. તે અમને ફરવા જાય છે તેવું કહીને જ ગઈ હતી.
તેમની સાથે જે છેલ્લી વાત થઈ તે વિશે જણાવતા કનુભાઈ કહે છે, "અમને એવું જ કહ્યું હતું કે વિઝા છે ત્યાં સુધી ફરવાના છે. આ પ્રકારે ત્યાં જવાનો નિર્ણય તો ખોટો જ છે. હવે ઘણા ગુજરાતીઓએ રડવાનો વારો આવ્યો છે."
કનુભાઈ કહે છે કે તેમનાં ભત્રીજીએ અહીં એમએસસીનો અભ્યાસ કર્યો હતો પરંતુ તેમના આ ખોટા નિર્ણયને કારણે બધા તકલીફમાં મુકાઈ ગયા.
બીજી તરફ ગુજરાત સરકારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પણ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ લોકોએ કંઈ ગુનો નથી કર્યો. તેમણે કહ્યું, "મારી તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. તેઓ પરત આવ્યા છે તો કંઈ ગુનો નથી કર્યો."
"કેટલાક લોકો કદાચ મંજૂરી વગર ગયા હશે પરંતુ બાકીના બધા ગુજરાતીઓ ત્યાં વ્યવસાય કે ઘંધા-રોજગારાર્થે ગયા છે. તેઓ ત્યાં કાયદાને માન આપીને રહે છે."
અમેરિકાથી પરત આવેલા લોકોનું શું કહેવું છે?

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ ગુરુદાસપુર જિલ્લાના હરદોરવાલ ગામના વતની એવા જસપાલસિંહે કહ્યું કે તેમને 24મી જાન્યુઆરીએ યુએસ બૉર્ડર પેટ્રોલ દ્વારા પકડવામાં આવ્યા હતા.
જસપાલસિંહનું કહેવું હતું, "મારા ટ્રાવેલ એજન્ટે મારી સાથે છેતરપિંડી કરી હતી. મને વચન આપવામાં આવ્યું હતું કે તેઓ મને કાયદેસર મને અમેરિકા લઈ જશે. મેં એજન્ટને યોગ્ય વિઝા દ્વારા મોકલવા માટે કહ્યું હતું પરંતુ તેણે મને છેતર્યો. આખો સોદો 30 લાખ રૂપિયામાં થયો હતો."
જસપાલે તેના ડંકી રૂટનું વિવરણ કરતા જણાવ્યું, "ગયા વર્ષે જુલાઈમાં મને બ્રાઝિલ લઈ જવામાં આવ્યો હતો. તેણે મને વચન આપ્યું હતું કે હવે પછીની યાત્રા અમેરિકાની હશે. પરંતુ તેણે મને ગેરકાયદેસર સરહદ ઓળંગવા દબાણ કર્યું."
"જ્યારે છ મહિના બ્રાઝિલમાં રહ્યા બાદ સરહદ પાર કરીને હું યુએસ ગયો તો યુએસ બૉર્ડર પેટ્રોલ દ્વારા મારી ધરપકડ કરવામાં આવી."
તેમણે કહ્યું કે 11 દિવસ સુધી અમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા. તેમના કહ્યા અનુસાર તેમને ખબર નહોતી કે તેમને ભારત ડિપૉર્ટ કરવામાં આવી રહ્યા છે.
જસપાલસિંહ કહે છે, "અમને એવું હતું કે અમને કોઈ અન્ય કૅમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે. પણ એક પોલીસ અધિકારીએ અમને જમાવ્યું કે તેઓ અમને ભારત પરત લઈ જાય છે."
"અમને હથકડી પહેરાવી અને અમારા પગને સાંકળથી બાંધવામાં આવ્યા. અમૃતસર ઍરપૉર્ટ ખાતે હથકડી અને સાંકળ ખોલવામાં આવી."
જસપાલે કહ્યું તેઓ હવે ભાંગી પડ્યા છે. તેમની મોટી રકમ ખર્ચાઈ ગઈ. તેણે અમેરિકા જવા માટે ઉછીના પૈસા લીધા હતા.
જસપાલના પિતરાઈ ભાઈ જસબીરસિંહે કહ્યું, "અમને બુધવારે સવારે મીડિયા મારફતે ખબર પડી કે તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે."
તેમણે કહ્યું, "આ સરકારોનો મુદ્દો છે. જ્યારે આપણે કામ માટે વિદેશ જઈએ છીએ ત્યારે આપણી પાસે મોટાં સપનાં હોય છે. હવે તે ચકનાચૂર થઈ ગયાં છે.
6 દેશો ફરીને કેવી રીતે અમેરિકા પહોંચ્યા?

ઇમેજ સ્રોત, US Govt/Representative
પંજાબના હોશિયારપુર ખાતેથી અમેરિકા ગયેલા અને હવે દેશનિકાલ પામેલા બે અન્ય લોકોએ પણ તેમની દુ:ખભરી કહાણી શૅર કરી.
હોશિયારપુરના તાહલી ગામના વતની હરવિંદરસિંહે પીટીઆઈને જણાવ્યું કે તેઓ ગયા વર્ષે ઑગસ્ટમાં અમેરિકા ગયા હતા.
તેને પહેલાં કતાર, બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, પનામા, નિકારાગુઆ અને પછી મૅક્સિકો લઈ જવાયા.
મૅક્સિકોથી તેમને અન્ય લોકો સાથે અમેરિકા લઈ જવામાં આવ્યા હતા.
હરવિંદરસિંહ કહે છે, "અમે ડુંગરો પાર કર્યા. નદી-નાળા પાર કર્યા. એક હોડીમાં અમે જતા હતા ત્યારે ત્યારે ડૂબતા-ડૂબતા બચ્યા."
તેઓ કહે છે, "મેં પનામાના જંગલમાં એક વ્યક્તિને મરતા જોઈ, એકને પાણીમાં ડૂબતા જોયો."
હરવિંદરસિંહએ પણ કહ્યું કે તેમના એજન્ટે તેમને વચન આપ્યું હતું કે તેમને પહેલાં યુરોપ લઈ જવાશે અને બાદમાં મૅક્સિકો. મૅક્સિકોથી તેમને અમેરિકા લઈ જવામાં આવશે.
હરવિંદરસિંહ કહે છે, "આ માટે તેણે 42 લાખ રૂપિયાનું પાણી કર્યું. ક્યારેક અમને માત્ર ખાવામાં ભાત મળતો ક્યારે કંઈ જ નહીં. ક્યારેક માત્ર બિસ્કિટ મળતાં."
પંજાબના અને અમેરિકાથી દેશનિકાલ પામેલ અન્ય એક વ્યક્તિએ નામ ન આપવાન શરતે કહ્યું, "રસ્તામાં અમારાં કપડાં ચોરાઈ ગયાં. અમને પહેલા ઇટાલી અને પછી લૅટિન અમેરિકાના દેશોમાં લઈ જવામાં આવ્યા. 15 કલાકની હોડીથી સવારી કરી. 40થી 50 કિમી લાંબી પદયાત્રા કરી. 15 જેટલી ટેકરીઓ પસાર કરી. કોઈ લપસી જાય તો તેના બચવાની કોઈ સંભાવના નહોતી. ઘાયલ લોકોને રસ્તામાં જ છોડી દેવામાં આવતા હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
















