અમેરિકામાં વસતા 18 હજાર ભારતીયો પર સંકટ, શું તેમને પાછા દેશમાં મોકલાશે?

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ લીધા છે અને હવે તેમના આગામી નિર્ણયો અંગે ચર્ચા અને ચિંતા સતાવા લાગી છે.
ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન વારંવાર કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બનશે તો યુએસની ઇમિગ્રેશન નીતિઓને કડક બનાવશે. એટલે કે અન્ય દેશોમાંથી અમેરિકા આવતા લોકો માટેના નિયમો આકરા બનવાના છે.
હવે લગભગ 18 હજાર ભારતીયોને ડિપોર્ટ કરાય, એટલે કે અમેરિકા છોડવું પડે તેવી સ્થિતિ છે.
આ કાર્યવાહી શા માટે કરાઈ રહી છે? ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ઇમિગ્રેશન નીતિઓમાં કેવી રીતે ફેરફાર થવાની અપેક્ષા છે? ચાલો આખી વાતને પાંચ મુદ્દામાં સમજીએ.


ઇમિગ્રન્ટ્સ વિશે ટ્રમ્પનું વલણ પહેલાંથી જ કેવું છે?
અમેરિકાના રાષ્ટ્રપતિની તાજેતરની ચૂંટણીમાં અન્ય દેશોમાંથી આવતા લોકો અને વિવિધ કારણસર અમેરિકામાં તેમના સેટલ થવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ આ મુદ્દે કડક વલણ અપનાવશે. તેમણે અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિપોર્ટેશન ઝુંબેશ કરવાની વાત કરી છે.
ટ્રમ્પે કહ્યું છે કે આ કામ માટે તેઓ સૈન્યનો ઉપયોગ કરવા તૈયાર છે અને જંગી ખર્ચ કરવાની પણ તૈયારી ધરાવે છે. યુએસ ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ આવા 14.5 લાખ લોકોની યાદી બહાર પાડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લોકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવશે, એટલે કે તેમના મૂળ દેશમાં પાછા મોકલવામાં આવશે. તેમાંથી લગભગ 18 હજાર ભારતીયો છે.

અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ કોને ગણવામાં આવે છે?
ગેરકાયદે અથવા અનડૉક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ એ એવા લોકો છે જેઓ સત્તાવાર ડૉક્યુમેન્ટ વગર અમેરિકામાં પ્રવેશ્યા હતા, જેઓ વિઝાની મુદત પૂરી થયા પછી પણ અમેરિકામાં રોકાયા હતા, અથવા જેમને કોઈ કારણસર અમેરિકામાંથી ડિપોર્ટ કરવા સામે રક્ષણ મળ્યું છે.
અમેરિકામાં અલગ-અલગ કામ માટે અલગ વિઝા લઈને આવવું પડે છે:
- શિક્ષણ માટે - F1 વિઝા લેવા પડે છે.
- રિસર્ચ માટે, રોજગાર માટે - H1B વિઝા જોઈએ (જે કામચલાઉ વર્ક પરમિટ છે)
- અમેરિકામાં વસતા લોકોનાં પતિ/પત્ની, પાર્ટનર અથવા બાળકો માટે - H4 વિઝા
- જેઓ સ્ટુડન્ટ તરીકે ગયા હોય, તેઓને ત્યાં જોબ મળે તો તેમણે H1B વિઝા માટે અરજી કરવી પડશે. H1B વિઝા મેળવ્યા પછી કર્મચારી કેટલીક અન્ય શરતો અને પ્રક્રિયાઓને પૂર્ણ કર્યા પછી ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે.
ગ્રીન કાર્ડ મેળવવા માટે અગાઉ પાંચથી સાત વર્ષ લાગતા હતા. પરંતુ હવે તેમાં ઘણી રાહ જોવી પડે છે. આનાં કેટલાંક કારણો છે.
પરંતુ ઘણા લોકોને અમેરિકાના વિઝા મેળવવામાં અવરોધોનો સામનો કરવો પડે છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો અમેરિકાની સરહદ પાર કરીને દેશમાં ગેરકાયદે પ્રવેશ કરે છે.
નવેમ્બર 2024ના આઇસીઇના ડેટા અનુસાર અમેરિકામાં સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પડોશી દેશો હોન્ડુરાસ અને ગ્વાટેમાલાથી આવ્યા હતા.
અમેરિકામાં ગેરકાયદે માઇગ્રન્ટની સંખ્યા
- હોન્ડુરાસ 261,000
- ગ્વાટેમાલા 253,000
- ચીન 37,908
- ભારત 17,940

અમેરિકાએ અગાઉ પણ ઇમિગ્રન્ટ્સને પાછા મોકલ્યા છે?
અમેરિકન એજન્સીઓ દ્વારા ગેરકાયદે લોકોને પાછા મોકલવામાં આવે તે નવી વાત નથી.
રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન 15 લાખથી વધુ લોકોને દેશમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. કોવિડ-19 રોગચાળા દરમિયાન અન્ય 10 લાખ લોકોને સરહદ પાર પાછા મોકલવામાં આવ્યા હતા.
બરાક ઓબામાના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમને ઘણી વાર "ડિપોર્ટર-ઇન-ચીફ" કહેવામાં આવતા હતા, કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન 30 લાખ લોકોને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પરંતુ ટ્રમ્પનું વહીવટીતંત્ર વધુ વ્યાપક અને આક્રમક પગલાં લેવા તૈયાર છે. એટલે કે સરહદ પર ચુસ્ત પગલાં તો લેવાશે, સાથે સાથે અમેરિકાના અન્ય ભાગોમાં લોકોની અટકાયત કરવા અથવા ડિપોર્ટ કરવા માટે નૅશનલ ગાર્ડ અને સૈન્ય વિમાનોનો ઉપયોગ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટ્રમ્પના નવા ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે કહ્યું હતું કે 10 લાખ લોકોને ડિપોર્ટ કરવાની સાથે ટ્રમ્પ વહીવટીતંત્રની ઝુંબેશ શરૂ થશે.

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશતા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકામાં ઑક્ટોબરથી સપ્ટેમ્બર સુધીનું નાણાકીય વર્ષ હોય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યૉરિટીના આસિસ્ટન્ટ સેક્રેટરી બર્નસ્ટેન મરેએ કહ્યું હતું કે સપ્ટેમ્બર 2024માં સમાપ્ત થતા નાણાકીય વર્ષ દરમિયાન 1,000થી વધુ ભારતીયોને ચાર્ટર અથવા કૉમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં મૅક્સિકન અથવા કૅનેડાની સરહદ મારફત યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે યુએસ સત્તાવાળાઓ દ્વારા અટકાવવામાં આવેલા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે."
ઑક્ટોબર 2024માં એક મીડિયા બ્રીફિંગમાં મરેએ જણાવ્યું કે, "આ ઉપરાંત, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકામાંથી ભારત પાછા મોકલવામાં આવતા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થયો છે."
ઑક્ટોબર 2020થી યુએસ કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શન (સીબીપી) દ્વારા ઉત્તર અને દક્ષિણની ભૂમિ સરહદેથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા 1.70 લાખ ભારતીય શરણાર્થીઓને પકડવામાં આવ્યા છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર 2022 સુધીમાં અમેરિકામાં લગભગ 7.25 લાખ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ હતા.

અમેરિકાની વસતિમાં કેટલા ટકા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે?
પ્યુ રિસર્ચનો ડેટા એ પણ દર્શાવે છે કે અમેરિકાની કુલ વસતીના લગભગ ત્રણ ટકા અને વિદેશમાં જન્મેલા લોકોમાંથી 22 ટકા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે.
ટ્રમ્પનું વલણ એકદમ કડક છે. તેમણે કહ્યું છે કે આ શરણાર્થીઓ અમેરિકન અર્થતંત્ર પર બોજ બને છે અને અસલી અમેરિકનોની તક છીનવી લે છે.
ટ્રમ્પે ટોમ હોમને સરહદોની જવાબદારી સોંપી છે જેઓ અગાઉ ઇમિગ્રેશન લૉ ઍન્ફોર્સમેન્ટ માટે કામ કરતા હતા.
આ ઉપરાંત, તેમણે કહ્યું કે જે ગેરકાયદે માઇગ્રન્ટના કારણે રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર સલામતી સામે જોખમ પેદા થાય છે, તેમની સામે સૌથી પહેલાં કાર્યવાહી કરાશે. સ્થાનિક સમુદાયને લાગે છે કે આનાથી ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકો પર અસર પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












