યુરોપના અન્ય દેશો કરતાં જર્મનીમાં સરળતાથી કેવી રીતે પીઆર મળી શકે?

German

ઇમેજ સ્રોત, Getty Images

પશ્ચિમના અનેક દેશોએ પોતાની વિઝા નીતિમાં ફેરફાર કર્યા છે. કૅનેડા, બ્રિટન, ફ્રાન્સ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોએ ઇમિગ્રન્ટ્સ માટે અલગ-અલગ પ્રકારના વિઝા મેળવવાના કાયદાઓ અને નિયમોને વધારે કડક કર્યા છે.

જોકે જર્મની આમાં અપવાદ છે અને જર્મનીની સરકારે પાછલાં વર્ષોમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝા મેળવવા માટેની નીતિઓ વધારે સરળ બનાવી છે.

જર્મનીએ એવી સુવિધા શરૂ કરી છે જેમાં નોકરીનો ઍપૉઇન્ટમૅન્ટ લેટર ન હોય તો પણ જર્મની જઈને નોકરી શોધવા થોડો સમય મળે છે.

જર્મનીએ કામદારોની અછત દૂર કરવા “ઑપર્ચ્યુનિટી કાર્ડ” જેવી યોજના પણ શરૂ કરી છે.

જર્મનીમાં કાયમી વસવાટ મેળવવા માટે પણ કેટલાક વિકલ્પો છે અને ખાસ કરીને કુશળ કામદારો માટે તે વધારે આકર્ષક બની શકે છે.

જોકે અહીં એ વાતની નોંધ લેવી મહત્ત્વપૂર્ણ છે કે પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર)ની પરમિટ મળવાની સાથે જર્મનીની નાગરિકતા નહીં મળે. જર્મનીની નાગરિકતા મેળવવા કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા આઠ વર્ષ ત્યાંના રહેવાસી હોવા જોઈએ અને અમુક નિશ્ચિત જરૂરિયાતો પૂરી કરવી મહત્ત્વપૂર્ણ છે.

કાયમી વસવાટની અરજીની ફી અલગ-અલગ પ્રકારના વ્યવ્સાય કરતા લોકો માટે અલગ-અલગ છે. જેમકે સામન્ય રીતે પીઆર માટેની અરજીની કિંમત 113 યુરો છે. જ્યારે સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિ માટે આ અરજીની કિંમત 124 યુરો છે. ઉચ્ચ લાયકાત ધરાવતા વ્યાવસાયિકોએ પીઆરની અરજી માટે 147 યુરો ચૂકવવા જરૂરી છે.

પીઆર મેળવવા માટે લાયકાત ધરાવતા પ્રોફેશનલોએ કઈ શરતો પૂરી કરવી પડશે?

જર્મની વિઝા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • સ્કિલ્ડ વર્કરોએ પીઆર મેળવવા માટે તેઓ ઓછામાં ઓછા ચાર વર્ષ માટે જર્મનીમાં રહેવાની પરમિટ ધરાવતા હોવા જોઈએ.
  • જર્મનીમાં તમારી પાસે એવી નોકરી હોવી જોઈએ જેના માટે તમે લાયકાત ધરાવો છો અથવા જે તમારી યોગ્યતાઓને પર્યાપ્ત રીતે અનુરૂપ છે.
  • આ ઉપરાંત અરજદાર પબ્લિક ફંડનો ઉપયોગ કર્યા વિના પોતાના જીવનનિભાવના ખર્ચને આવરી લેવા સક્ષમ હોવા જોઈએ.
  • વૈધાનિક પેન્શન વીમા ફંડમાં ઓછામાં ઓછા 48 મહિનાના ફરજિયાત અથવા સ્વૈચ્છિક યોગદાનરૂપે જમા કરતા હોવા જોઈએ.
  • તેમની પાસે પોતાના માટે અને પોતાના પરિવાર માટે રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ.
  • અરજીકર્તા પાસે જર્મન ભાષા પર બી-1 સ્તરની પકડ હોવી જોઈએ. આ સિવાય તેમની પાસે કાયદાકીય અને સામાજિક વ્યવસ્થા અને જર્મન જીવનશૈલીનું જ્ઞાન હોવું જરૂરી છે. આ વાત અરજીકર્તા "જર્મનીમાં જીવન" પરીક્ષા પાસ કરીને સાબિત કરી શકે છે.

આ પ્રોગામ અંગે વધુ માહિતી આપતા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં ઇમિગ્રેશન વકીલ અને અજમેરા લૉ ગ્રુપના સ્થાપક પ્રશાંત અજમેરાએ જણાવ્યું, “જર્મનીમાં કાયમી વસવાટ મેળવવા જર્મન ભાષા પર મજબૂત પકડ હોવી અનિવાર્ય છે. જર્મનીમાં આઈટી, મિકેનિકલ, રોબોટિંગ, ઑટોમેશન અને થોડા ઘણા અંશે સ્વાસ્થ્ય સેવા જેવાં ક્ષેત્રોમાં કામ કરતા કુશળ અને અનુભવી કારીગરો માટે પીઆર મેળવવા માટેની સારી તકો છે. જો કે અરજીકર્તા પાસે જર્મન કંપની તરફથી નોકરીની ઑફર હોવી જોઈએ જેનો ઓછામાં ઓછો વાર્ષિક પગાર 40,000 હજાર યુરોની આસપાસ હોવો જરૂરી છે.”

તેમણે ઉમેર્યું કે જર્મનીમાં કૅનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોની જેમ ઓપન ઇમિગ્રેશનની પોલિસી નથી. જેથી જર્મનીમાં પીઆરની પરમિટ મેળવવા અરજીકર્તા પાસે નોકરીની ઑફર અત્યંત જરૂરી છે નહિંતર તેમને પીઆરની પરમિટ મળવાની તકો લગભગ નહિવત્ છે.

સ્વ-રોજગાર કરીને જર્મનીમાં પીઆર મેળવવા માટે શું વિકલ્પો છે?

જર્મની વિઝા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જર્મનીના રેસિડેન્ટ કાયદાના સૅક્શન 21 અનુસાર જો વ્યક્તિ પાસે સ્વ-રોજગાર માટે ત્રણ વર્ષથી વધારે સમય માટે રહેવાની પરમિટ હોય તો તે પીઆરની મંજૂરી મેળવવા અરજી કરી શકે છે.

અરજીકર્તાએ પુરાવો આપવો પડશે કે તે સફળ સ્વ-રોજગાર ધરાવે છે. આ ઉપરાંત તે વ્યક્તિ અને તેનો પરિવાર પોતાના જીવનખર્ચને પહોંચી વળવા સક્ષમ છે.

ઍજ્યુકેશન વર્લ્ડના સીઈઓ અને ઇમિગ્રેશન નિષ્ણાત પ્રસન્ન આચાર્યએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, “સામાન્ય રીતે ઘણા યુરોપિયન દેશોમાં પીઆરની પરમિટ લેવા માટે નિયમોની સ્પષ્ટતા ઓછી છે. જોકે જર્મનીમાં પીઆર મેળવવા માટે અલગ-અલગ કૅટેગરી બનાવેલી છે. દરેક કૅટેગરીમાં અરજી કરવા માટે અલગ-અલગ ફી છે. જોકે આ બધી જ કૅટેગરીમાં અરજી કરવા જર્મન ભાષા પર મજબૂત પકડ અત્યંત મહત્ત્વની છે.”

જેમણે ભણતર કે વૉકેશનલ ટ્રેનિંગ જર્મનીમાં પૂરી કરેલી હોય તેવા લોકો માટે પીઆર મેળવવાના શું વિકલ્પો છે?

જર્મની વિઝા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જે વ્યક્તિએ પોતાનું ભણતર કે વૉકેશનલ ટ્રેનિંગ જર્મનીમાં પૂર્ણ કરી હોય તેમને કાયમી વસવાટ મેળવવા માટે અમુક રાહત મળે છે.

તેમની પાસે ઓછામાં ઓછી બે વર્ષની રહેઠાણ પરમિટ હોવી જોઈએ જે અન્ય અરજીકર્તા માટે મર્યાદા ચાર વર્ષની છે.

આ ઉપરાંત જર્મનીમાં તેમની પાસે એવી નોકરી હોવી જોઈએ જે તેમની લાયકાત અનુસાર હોવી જોઈએ અથવા તેમની યોગ્યતાઓને પર્યાપ્ત રીતે હોવી જોઈએ.

અરજીકર્તાએ વૈધાનિક પેન્શન વીમા ફંડમાં ઓછામાં ઓછા 24 મહિનાના ફરજિયાત અથવા સ્વૈચ્છિક યોગદાનરૂપે જમા કરતા હોવા જોઈએ જ્યારે અન્ય અરજીકર્તાઓ માટે આ મર્યાદા 48 મહિનાની છે. તેમની પાસે પોતાના રહેઠાણની જગ્યાનું પ્રમાણ હોવું જોઈએ.

અન્ય અરજીકર્તાની જેમ તેમની પાસે પણ બી-1 સ્તરની જર્મન ભાષા પર પકડ હોવી જોઈએ.

આ સિવાય તેમની પાસે કાનૂની અને સામાજિક વ્યવસ્થા અને જર્મન જીવનશૈલીનું જ્ઞાન હોવું જરૂરી છે. આ વાત અરજીકર્તા "જર્મનીમાં જીવન" પરીક્ષા પાસ કરીને અરજીકર્તા સાબિત કરી શકે છે.

પ્રશાંત અજમેરાએ કહ્યું, “જર્મનીમાં કાયમી વસવાટ પરમિટ મેળવવાની તક કૉલેજ પાસઆઉટ યુવાનો માટે ઓછી છે. કેમકે તેમને જર્મનીમાં નોકરીની ઑફર મળવી મુશ્કેલ છે. કારણ કે જર્મનીમાં અનુભવી કુશળ કારીગરોની અછત છે.”

“જોકે અરજીકર્તાએ પોતાનું ભણતર કે વૉકેશનલ ટ્રેનિંગ જર્મનીમાં પૂર્ણ કરી હોય તેમને કાયમી વસવાટ મેળવવા માટે અમુક રાહત મળે છે.”

પ્રસન્ન આચાર્યએ કહ્યું, "કોઈપણ વિદ્યાર્થીને સ્નાતક કે માસ્ટર ડિગ્રી જર્મનીથી પૂરી કર્યા પછી 18 મહિના માટે નોકરી શોધવા માટે વિઝા મળે છે. નોકરી મળતાની સાથે જ વ્યક્તિ પોતાના સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં બદલાવવા માટે અરજી આપી શકે છે."

આ વર્ક વિઝા પરમિટ પર બે વર્ષ નોકરી કર્યા પછી જે તે વ્યક્તિ પીઆરની પરમિટ માટે અરજી કરી શકે છે.