‘એક વર્ષના વીઝા, નોકરી મળી જાય તો વીઝા લંબાશે’ – આવી મોટી તક આપતું જર્મનીનું ‘ઑપોર્ચ્યુનિટી કાર્ડ’ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતીઓ અમેરિકા, યુકે, કૅનેડા, ઑસ્ટ્રેલિયા સિવાય યુરોપના દેશોમાં પણ નોકરી કે પછી અભ્યાસ માટે જતા હોય છે. કેટલીક એવી પણ નોકરીઓ હોય છે જેના માટે ઉચ્ચ શિક્ષણની જરૂર નથી હોતી પરંતુ ખાસ પ્રકારનું કૌશલ્ય પણ અમુક પ્રકારની નોકરીઓ માટે વર્ક વિઝા અપાવી શકે છે.
ઉચ્ચ શિક્ષણની ડિગ્રી ધરાવતા કેટલાય લોકો વિદેશમાં નોકરી માટે વર્ક વિઝા મેળવીને જાય છે અને ત્યાં ઠરીઠામ થતા હોય છે.
સામાન્ય રીતે કોઈ પણ દેશમાં નોકરી માટે જવું હોય તો ત્યાંનો વર્ક વિઝા મેળવવા માટે વ્યક્તિ પાસે જે તે દેશની કંપની સાથે કામ કરવાનો કરાર હોવો જરૂરી છે.
વિદેશમાં નોકરી કરવાની લાયકાત હોય પણ કોઈ કંપનીની નોકરી હાથમાં ન હોય તો? આવી પરિસ્થિતિમાં કામ કરવા માટે વિદેશ જવું શક્ય છે?
જર્મનીએ એવી સુવિધા શરૂ કરી છે જેમાં નોકરીનો ઍપૉઇન્ટમૅન્ટ લેટર ન હોય તો પણ જર્મની જઈને નોકરી શોધવા માટે થોડો સમય મળે છે.
જર્મનીએ કામદારોની અછત દૂર કરવા માટે “ઑપર્ચ્યુનિટી કાર્ડ” યોજના શરૂ કરી છે.
ઑપર્ચ્યુનિટી કાર્ડ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
જર્મનીએ કુશળ વિદેશી કામદારોને આકર્ષવા માટે અને દેશમાં કામદારોની અછત દૂર કરવા માટે ઇમિગ્રેશન કાયદાઓમાં જૂન મહિનામાં સુધારા કર્યા હતા.
આ સુધારાઓને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કો નવેમ્બર 2023, બીજો તબક્કો માર્ચ 2024 અને અંતિમ તબક્કો જૂન 2024માં લાગુ કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જર્મન ફેડરલ ફૉરેન ઑફિસના જણાવ્યા અનુસાર, 2022 માં ભારતીય નાગરિકોને રેકર્ડ 17,379 વર્ક વિઝા આપવામાં આવ્યા હતા. જર્મનીએ હાલમાં પોતાના નાગરિકતા અંગેના કાયદામાં પણ ફેરફારો કર્યા છે અને ત્યાંની નાગરિકતા મેળવવાનું સરળ બનાવ્યું છે.
ભારતમાં જર્મનીનાં રાજદૂત ફિલિપ એકરમૅને સમાચાર એજન્સી એએનઆઈ સાથે 12 ડિસેમ્બરની વાતચીતમાં જણાવ્યું કે, “અમે છેલ્લા કેટલાક મહિનાઓમાં વિઝા સર્વિસમાં સુધારો કર્યો છે અને ભારતમાં જર્મની માટે વિઝાની અરજીના ઇન્ટરવ્યૂ માટે માત્ર બેથી પાંચ દિવસનો સમય લાગશે. અમને ગર્વ છે કે અમારી વર્તમાન સેવાનો વિસ્તાર અમે ભારતની જનતા માટે કરીએ છીએ અને વિઝા હવે ખૂબ જ ટૂંકા સમયમાં આપી શકાશે.”
ઑપર્ચ્યુનિટી કાર્ડ યુરોપની બહારના નાગરિકને જર્મનીમાં નોકરી શોધવા માટે એક વર્ષ માટે રહેવાની કાયદાકીય મંજૂરી આપે છે. આ કાર્ડ થકી અઠવાડિયામાં 20 કલાક સુધીનો પાર્ટ-ટાઇમ રોજગાર મેળવવો પણ શક્ય છે અને બે અઠવાડિયા માટે નોકરીનું ટ્રાયલ પણ આપી શકાય છે. આ કાર્ડ થકી તમારી વ્યાવ્સાયિક લાયકાતને પણ માન્યતા મળી શકે છે.
વ્યક્તિને નોકરી મળે કે નહીં આ સમયગાળાને એક વર્ષથી વધારે લંબાવી શકાય નહીં. નોકરી મેળવનાર વ્યક્તિએ જર્મનીમાં એક વર્ષથી વધુ રોકાવા માટે વિદેશીઓની નોંધણી કરતા સ્થાનિક કાર્યાલયમાં આગળની કાર્યવાહી વિશે તપાસ કરવાની રહેશે.
ઑપર્ચ્યુનિટી કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઑપર્ચ્યુનિટી કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા જૂન 1, 2024થી શરૂ થશે. આ કાર્ડ મેળવવા માટે ઓછામાં ઓછી બે વર્ષની વૉકેશનલ ટ્રેઇનિંગ અથવા જે તે દેશ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ડિગ્રી હોવી જરૂરી છે.
આ ઉપરાંત A1 લેવલ સુધીની જર્મન ભાષા અથવા B2 લેવલ સુધીની અંગ્રેજી ભાષા પર પકડ જરૂરી છે.
આ કાર્ડ મેળવવા માટે જે તે વ્યક્તિએ તે દેશના જર્મન મિશન કાર્યાલય પર જઈને અરજી કરવાની રહેશે. ભારતમાં અરજી કરવા માટે જર્મન ઍમ્બસીની મુલાકાત જરૂરી રહેશે.
અરજીકર્તા પાસે માન્ય પાસપૉર્ટ સાથે ભણતરનું પ્રમાણપત્ર, ભાષાની આવડત અને ભૂતકાળના રેકર્ડનો દસ્તાવેજ હોવા જરૂરી છે. આ સિવાય જે તે વ્યક્તિએ પોતાની આર્થિક સધ્ધરતા સાબિત કરવા માટે બૅન્ક ખાતામાં ઓછામાં ઓછા 11,208 યુરો (10,19,984 રૂપિયા) હોવા જરૂરી છે.
આ ઉપરાંત જે તે વ્યક્તિ ઑપર્ચ્યુનિટી કાર્ડ માટે અરજી કરતા પહેલાં જર્મની સ્થિત કંપની રોજગારના કરાર કરી શકે જ્યાં તેને ઓછામાં ઓછા અઠવાડિયાના 20 કલાક માટે કામ મળી રહે.
પૂરતી આવક પુરવાર કરવાનો અન્ય એક માર્ગ એ છે કે આ કાર્ડ માટે અરજી કરતા પહેલાં જર્મન ઍમ્પ્લોયર સાથે દર અઠવાડિયે 20 કલાક માટે રોજગાર કરાર પર હસ્તાક્ષર કરવા.

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઇમિગ્રેશનનાં નિષ્ણાત ડૉ. જૂલી દેસાઈએ કહ્યું, “અત્યાર સુધી વર્ક વિઝા મેળવવા માટે જે તે દેશમાં નોકરી માટેનો કરાર હોવો જરૂરી છે. પરંતુ ઑપર્ચ્યુનિટી કાર્ડ થકી જર્મની એવી તક આપી રહ્યું છે જેમાં લોકો એક વર્ષ માટે ત્યાં રહીને કાયમી નોકરી માટે તકો શોધી શકે છે. ઑપર્ચ્યુનિટી કાર્ડ જર્મનીમાં નોકરીને લગતા વિઝા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવશે.”
તેમણે ઉમેર્યું કે, “જર્મનીમાં સારી ટેકનિકલ આવડત ઘરાવતા લોકોની ખૂબ જ માંગ છે. ઑપર્ચ્યુનિટી કાર્ડ મેળવવા માટે જર્મન ભાષા પરની પકડ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે પૉઇન્ટ સિસ્ટમમાં ભાષાનું મહત્ત્વ સૌથી વધારે છે.”
ડૉ. દેસાઈની વાતને સમર્થન આપતા ઍજ્યુકશનવર્લ્ડના સીઈઓ અને ઇમિગ્રેશનના નિષ્ણાંત પ્રસન્ન આચાર્યએ જણાવ્યું કે, “જર્મનીએ યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેની ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા માટે સારી ટેકનિકલ આવડત ઘરાવતા લોકોની જરૂરત છે."
તેમણે વધુમાં કહ્યું, "હાલમાં જર્મનીમાં એન્જિનિયરો ખાસ કરીને મિકેનિકલ અને કૉમ્પ્યુટર એન્જિનિયરોની ખૂબ જ માગ છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં નર્સ અને ફિઝિયોથૅરાપિસ્ટની માગ પણ વધી રહી છે. આ પરિસ્થિતમાં જે વ્યક્તિની ટેકનિકલ સ્કિલ પર અને જર્મન ભાષા પરની પકડ મજબૂત હશે તેના માટે જર્મનીમાં ઑપર્ચ્યુનિટી કાર્ડ થકી નોકરી મેળવવી આસાન બની જશે.”
ઑપર્ચ્યુનિટી કાર્ડ મેળવવા માટેનો માપદંડ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઑપર્ચ્યુનિટી કાર્ડ મેળવવા માટે એક પૉઇન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે અને તેમાં મુખ્ય ચાર માપદંડો છે. જેમાં જર્મન અને અંગ્રેજી ભાષા પરની પકડ, કામનો અનુભવ, ઉંમર અને જર્મની સાથેની લિંકનો સમાવેશ કરવામાં આવેલ છે.
ઑપર્ચ્યુનિટી કાર્ડ મેળવવા માટે કોઈપણ વ્યક્તિને ઓછામાં ઓછા છ પૉઇન્ટસ મેળવવા જરૂરી છે.
કોઈપણ વ્યક્તિને ત્રણ પૉઇન્ટ મેળવવા માટે જે તે ક્ષેત્રમાં ઓછાંમાં ઓછાં પાંચ વર્ષનો કામનો અનુભવ જરૂરી છે. આ સિવાય જર્મન ભાષા પર સારી પકડ જે B2 લેવલ કે તેનાથી વધારે હોય તો પણ તે વ્યક્તિને ત્રણ પૉઇન્ટ મળશે.
જો વ્યક્તિને જે તે ક્ષેત્રમાં કામ કરાવાનો ઓછાંમાં ઓછાં બે વર્ષનો અનુભવ હોય તો તેમને બે પૉઇન્ટસ મળશે. આ સિવાય જો તેમની ઉંમર 35 વર્ષથી ઓછી હોય તો પણ તેમને બે પૉઇન્ટસ મળશે. જર્મન ભાષામાં B1 લેવલનાં સર્ટિફિકેટ માટે પણ બે પૉઇન્ટસ મળે છે.
જે તે વ્યક્તિની ઉંમર 40 વર્ષથી ઓછી હોય અને તે ભૂતકાળમાં જર્મનીમાં ઓછામાં ઓછા છ મહિના રહી હોય તો તેમને એક પૉઇન્ટ મળશે પરંતુ જો તમે ટૂરિસ્ટ તરીકે રહ્યા હોય તો તેને ગણવામાં નહીં આવે. આ સિવાય અંગ્રેજી ભાષા પર મજબૂત પકડ માટે એક પૉઇન્ટ મળે છે.












