એ દેશ જેનો ગોલ્ડન પાસપોર્ટ મેળવવા દુનિયાભરમાં હોડ લાગી છે

તુર્કીએ ઇસ્તાંબુલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મહમૂત હમસીચી
    • પદ, બીબીસી સંવાદદાતા

આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્સી કંપનીની વેબસાઇટ પરના વિશેષ વિભાગમાં એવા દેશોની યાદી છે જ્યાં આર્થિક રોકાણ કરીને તે દેશની નાગરિકતા મેળવી શકાય છે.

આ દેશોની યાદીમાં તુર્કીનું નામ પણ છે. આ વિભાગમાં જણાવાયું છે કે તમે અહીં કેવી રીતે અને કેટલા રોકાણથી નાગરિકતા મેળવી શકો છો.

તુર્કીવાળા ભાગના અંતમાં લખ્યું છે કે, 'રિયલ ઍસ્ટેટમાં રોકાણ એ તુર્કીની નાગરિકત્વ મેળવવાની સૌથી આકર્ષક રીત છે અને તમે ત્યાં ચાર લાખ ડૉલરની કિંમતની મિલકત ખરીદીને આ કરી શકો છો.'

આ પદ્ધતિથી તુર્કીની નાગરિકતા મેળવવી એ આવી જ રીતે નાગરિકતા આપતા અન્ય દેશો કરતાં સસ્તી છે. 2022 પહેલાં આ રકમ માત્ર 2.5 લાખ ડૉલર હતી જે બાદમાં વધારી દેવામાં આવી.

તુર્કીમાં આ યોજના વિશે સારી અને ખરાબ બંને લાગણીઓ છે. આ રીતે નાગરિકતા આપવી યોગ્ય છે કે નહીં તેની ચર્ચા વિશ્વના અન્ય દેશોમાં પણ થઈ રહી છે.

ચાલો જોઈએ કે તુર્કીમાં રોકાણ દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરવાની યોજનાની શું સિસ્ટમ છે અને આવી યોજનાઓના લાભ અને ગેરલાભ શું છે?

ગોલ્ડન પાસપોર્ટ

તુર્કીનો પાસપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તુર્કીનો પાસપોર્ટ

રોકાણ થકી કોઈ દેશની નાગરિકતા મેળવવાને ગોલ્ડન પાસપોર્ટ મેળવવો કહેવાય છે. આ ગોલ્ડ વિઝાથી અલગ છે. જે અંતર્ગત વિદેશીઓને દેશમાં રોકાણ કરવાની કે રહેવાની છૂટ છે.

ગોલ્ડન પાસપોર્ટ મેળવવા વિદેશી નાગરિકો તે દેશમાં ચોક્કસ રકમનું રોકાણ કરી શકે છે અને અન્ય કેટલીક શરતોનું પાલન કરીને નાગરિકતા મેળવી શકે છે.

આ પ્રકારની સિસ્ટમ 1980ના દાયકાથી વિશ્વમાં છે પરંતુ તાજેતરનાં વર્ષોમાં તે એક મોટા ઉદ્યોગ તરીકે ઊભરી આવી છે.

બ્રિટનની લા વિડા ગોલ્ડન વિઝા કંપનીના માર્કેટિંગ મૅનેજર લિઝી ઍડવર્ડ્સે બીબીસી તુર્કીને જણાવ્યું કે શા માટે રોકાણકારો વિદેશી નાગરિકતા મેળવવા માગે છે.

તેઓ કહે છે, "આ દિવસોમાં વિશ્વમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને જોતાં, રોકાણકારો તેમના પ્લાન-બી વિશે વિચારી રહ્યા છે. આજકાલ, વધારાની નાગરિકતાની જરૂરિયાત પહેલાં કરતાં વધુ છે."

લિઝીના મતે, રોકાણકારોના નાગરિકતા મેળવવાનાં કારણો અલગ-અલગ હોવા છતાં આવું કરવાના મુખ્ય કારણોમાં સુરક્ષા, વિઝા-મુક્ત મુસાફરી અને શિક્ષણ અથવા રોજગાર માટેની વધુ સારી તકો છે.

આ અંગે તુર્કીની અલ્ટીનબાસ યુનિવર્સિટીના કાયદા વિભાગના વડા ડૉ. ઇલ્યાસે કહ્યું, 'જે લોકો આ પ્રક્રિયાને સમર્થન આપે છે તેમની નજરમાં વિકાસશીલ દેશો માટે રોકાણ વધારવાની આ તક છે.'

તુર્કીની નીતિ શું છે?

ગોલ્ડન પાસપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

2016-2017માં તુર્કીમાં વિદેશીઓને નાગરિકતા મેળવવા વધારાના વિકલ્પો આપવા કાયદો લાવવામાંં આવ્યો હતો. રોકાણ થકી નાગરિકતા મેળવવાની પણ જોગવાઈ હતી.

2017માં 10 લાખ ડૉલરની પ્રૉપર્ટી ખરીદવી અથવા 20 લાખનું મૂડી રોકાણ કરવું અથવા ઓછામાં ઓછા 100 લોકોને રોજગારી આપવી જરૂરી હતી.

2018માં આમાં સંશોધન કરીને નિયમો બદલી દેવાયા. પ્રૉપર્ટીમાં રોકાણને પાંચ લાખ ડૉલર કરી દેવાયું, મૂડીરોકાણની રકમ અઢી લાખ ડૉલર કરાઈ અને રોજગારની સંખ્યા 50 કરી દેવાઈ.

જોકે આ પછી આ યોજનામાં વિદેશીઓનો રસ વધી તો રકમને 2022માં ફરી વધારી દેવાઈ. રિયલ ઍસ્ટેરમાં રોકાણની રકમ વધારીને ચાર લાખ ડૉલર કરી દેવાઈ.

લિઝીનું કહેવું છે કે આ રકમમાં વધારો કરવાથી તુર્કીની નાગરિકતાની માગને અસર થઈ છે. તેમનું કહેવું છે કે જ્યારે રકમ ઓછી હતી ત્યારે વધારે અરજીઓ થઈ હતી. આ હજુ પણ સારો કાર્યક્રમ છે પણ હવે તે ઘણાની પહોંચથી બહાર જતો રહ્યો છે.

કેટલા લોકોને નાગરિકતા મળી?

ગોલ્ડન પાસપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મારી જેમ તમને પણ રસ હશે કે કેટલા વિદેશીઓને રોકાણ કરવાથી તુર્કીની નાગરિકતા મળી.

સપ્ટેમ્બર 2019માં તુર્કીના સંબંધિત મંત્રાલયે બહાર પાડેલા રિપોર્ટ અનુસાર એક વર્ષની અંદર 2,611 લોકોએ નાગરિકતા લીધી.

દેશમાં આ પદ્ધતિથી નાગરિકતા મેળવનારા રોકાણકારો અને તેમના પરિવારોની સંખ્યા 9,962 થઈ ગઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

તુર્કીના પૂર્વ ગૃહ મંત્રી સુલેમાન સોયલુએ વર્ષ 2022માં એક રિપોર્ટ શૅર કર્યો હતો અને કહ્યું હતું કે 25,969 લોકોએ રોકાણ કરીને નાગરિકતા મેળવવાના માપદંડો પૂરા કર્યા છે.

તેમના મતે આ પદ્ધતિથી તુર્કીમાં સાત અબજ ડૉલરનું રોકાણ આવ્યું છે. તેમાંથી રિયલ ઍસ્ટેટમાં 530 મિલિયન ડૉલરનું રોકાણ થયું છે.

જો આપણે તુર્કી સરકારે જારી કરેલા નિવેદન પર નજર કરીએ તો વર્ષ 2019માં મધ્ય પૂર્વના દેશોમાં આ નીતિ ખૂબ જ લોકપ્રિય હતી.

પાકિસ્તાન પણ આ પદ્ધતિથી નાગરિકતા લેનારા ટોચના 10 દેશોમાં સામેલ છે.

બીબીસી તુર્કીએ તુર્કીના ગૃહ મંત્રાલયના વસતી અને નાગરિક બાબતોના નિર્દેશાલય અને વસ્તીના આંકડા સંબંધિત સંસ્થા ટીયૂઆઈકે (TUIK) પાસેથી આ સંદર્ભમાં નવીનતમ ડેટા માગ્યો હતો પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

ગોલ્ડન પાસપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

2022માં તુર્કીમાં મકાનોના વેચાણના આંકડા દર્શાવે છે કે વિદેશીઓને 67,490 મકાનો વેચવામાં આવ્યાં હતાં. મોટાભાગનાં ઘર ખરીદનારા રશિયન હતા. તેમની સંખ્યા 16,312 હતી. રશિયનો પછી ઈરાનીઓ છે જેમની સંખ્યા હતી 8,223 અને તે પછી ઇરાકીઓ છે જેમાં 6,241 હતા.

તુર્કીમાં પ્રૉપર્ટી ખરીદનારા યુક્રેનિયનોની સંખ્યામાં પણ વધી છે, જેમણે આ સમયગાળા દરમિયાન 2,574 મકાનો ખરીદ્યાં હતાં.

આ તમામ મકાનો રોકાણ થકી નાગરિકતા મેળવવાં નહોતાં ખરીદાયાં.

ડૉ. ઇલ્યાસ કહે છે કે વિદેશી રોકાણ લાવવા અનેક પદ્ધતિઓ અપનાવાઈ રહી છે પણ રિયલ ઍસ્ટેટમાં રોકાણનો સૌથી વધુ ઉપયોગ કરાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે રશિયનો તુર્કીમાં વધુ રોકાણ કરે તે આશ્ચર્યજનક નથી.

ઈરાન, રશિયા, ઇરાક અને અફઘાનિસ્તાનના રોકાણકારો માટે પણ તુર્કી એક પ્રિય સ્થળ બની ગયું છે. આ એવા દેશો છે જેમના નાગરિકોને યુરોપિયન યુનિયનના દેશોમાં નાગરિકતા મેળવવામાં મુશ્કેલી પડે છે.

લિઝી એમ પણ કહે છે કે તુર્કીમાં નાગરિકતા લેવાનું ચલણ એટલે પણ વધ્યું છે કારણ કે તે મધ્ય પૂર્વની નજીક છે અને લોકોને ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ વધારે તકલીફોનો સામનો નથી કરવો પડતો.

કેમ થઈ રહી છે ગોલ્ડન પાસપોર્ટની ટીકા?

ગોલ્ડન પાસપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

આ યોજનાનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે નાગરિકતા વેપારની વસ્તુ બની ગઈ છે.

પ્રો. ઇલ્યાસ કહે છે, "નાગરિકતા ‘રાષ્ટ્રીયતા’નો વિષય છે જેમાં એક કાયદાકીય અને રાજકીય સંબંધ હોય છે. દેશ પ્રત્યે વફાદારીનો સંબંધ હોય છે. પણ આ રીતે નાગરિકતા મેળવનારાઓ સાથે આ વાતો નથી સંકળાયેલી હોતી."

તુર્કી બાર ઍસોસિયેશનોના સંઘે જૂન 2022માં આ યોજનાને રોકવા માટે એક અરજી દાખલ કરી હતી.

તેમણે તેને ગેરબંધારણીય અને ગેરકાયદે ગણાવી હતી. તેમનું કહેવું હતું કે આનાથી તો નાગરિકતાની અવધારણા જ ખતમ થઈ જાય છે. જોકે આ અરજીને ફગાવી દેવાઈ હતી.

દુનિયામાં આ યોજનાનો એટલે પણ વિરોધ થઈ રહ્યો છે કારણ કે આનાથી ગુનેગારો વિકસી શકે છે. મની લૉન્ડ્રિંગ થઈ શકે છે અને પ્રૉપર્ટીના ભાવ વધી શકે છે. તુર્કીમાં પણ મકાનોના ભાવ આ જ કારણે વધ્યા હતા.

હાલનાં વર્ષોમાં કેટલાક દેશોએ પોતાની આવી યોજનાઓની સમીક્ષા કરી છે. યુરોપીય સંઘે પણ ચેતવણી આપી છે કે રોકાણ થકી નાગરિકતા આપવાથી સુરક્ષા, ટૅક્સ ચોરી અને મની લૉન્ડ્રિંગ જેવા મુદ્દાઓ સામે આવી શકે છે.

આવાં જ કારણોને લીધે સાઇપ્રસે 2020માં અને બલ્ગેરિયાએ 2022માં પોતાની ગોલ્ડન પાસપોર્ટ યોજનાને બંધ કરી હતી.

સાઇપ્રસમાં રશિયા, ચીન અને યુક્રેનથી મોટી સંખ્યામાં અરજીઓ આવી રહી હતી અને કહેવાતું હતું કે ગુનેગારોને પણ પાસપોર્ટ આપવામાં આવે છે. પોર્ટુગલે આ વર્ષે જ તેની આવી યોજનાને બંધ કરી છે.

બીબીસી
બીબીસી