ઇ–પાસપોર્ટ : જાણો ઇ–પાસપોર્ટ શું છે, સરકાર શા માટે શરૂ કરી રહી છે આ સુવિધા?
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં વર્ષ 2022–23માં ઇ–પાસપોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. કહેવાય છે કે આ ઇ–પાસપોર્ટથી વિદેશ જતા–આવતા લોકોને ઘણા પ્રકારની સુવિધા મળશે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ, આ ઇ–પાસપોર્ટ છે શું, એ કઈ રીતે કાર્ય કરે છે? અને આગામી દિવસોમાં સામાન્ય પાસપોર્ટની જગ્યા ઇ–પાસપોર્ટ કઈ રીતે લઈ લેશે?
આ તમામ સવાલો માટે બીબીસીએ ઘણા વિશેષજ્ઞો અને એવા લોકો સાથે વાતચીત કરી જેઓ ઇ–પાસપોર્ટનો પહેલેથી ઉપયોગ કરી રહ્યા છે.

ઇ–પાસપોર્ટ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇ–પાસપોર્ટ સામાન્ય પાસપોર્ટના જેવો જ દેખાય છે. એમાં ઇલેક્ટ્રૉનિક માઇક્રોપ્રૉસેસર ચિપનો ઉપયોગ કરાય છે.
તેને પાસપોર્ટના કવર કે એના પાના પર લગાડવામાં આવે છે. રાજ્યસભામાં રાજ્યમંત્રી વી. મુરલીધરને જણાવેલું કે, “ઇ–પાસપોર્ટમાં આવેદકોની માહિતીને ડિજિટલ સાઇનની રીતે ચિપમાં સુરક્ષિત કરવામાં આવશે.” એમાં પાસપોર્ટ ધારક સાથે સંકળાયેલી બધી જ માહિતી હશે.
એ ચિપમાં નોંધાયેલી સૂચનાઓને બદલી નહીં શકાય. જો ચિપની સાથે કશી છેડછાડ થશે તો ઇ–પાસપોર્ટ કામ કરવાનું બંધ કરી દેશે.

શું પહેલાં પણ જારી થયો હતો ઇ–પાસપોર્ટ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ઈ.સ. 2008માં વિદેશમંત્રાલયની આગેવાનીમાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રે ઇ–પાસપોર્ટ જારી કરવા માટે એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.
એ પ્રોજેક્ટ અંતર્ગત રાજદ્વારીઓ અને અધિકારીઓ માટે લગભગ 20 હજાર ઇ–પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા.
એ અનુભવના આધારે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રને સામાન્ય નાગરિકો, અધિકારીઓ અને રાજદ્વારીઓ માટે ઇ–પાસપોર્ટ બનાવવા અને એને અમલમાં મૂકવાની જવાબદારી સોંપાઈ હતી.
એ ઇ–પાસપોર્ટના કવર પેજ પર ઇલેક્ટ્રૉનિક ચિપ લગાડવામાં આવી હતી.

ઇ–પાસપોર્ટમાં કેવા પ્રકારની માહિતી હશે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇ–પાસપોર્ટ માટે બાયોમૅટ્રિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચૅટબૉટ્સ, ઑટો-રિસપૉન્સ જેવી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે.
પાસપોર્ટમાં ફિંગરપ્રિન્ટનો ઉપયોગ પહેલાંથી જ થાય છે. ઇ–પાસપોર્ટમાં ફિંગરપ્રિન્ટ ઉપરાંત આંખોના સ્કૅનને પણ સામેલ કરવામાં આવશે.
જે રીતે આધારકાર્ડ બનાવતી વખતે આંગળીઓ અને આંખોની કીકીને સ્કૅન કરવામાં આવે છે, એ જ રીતે એ બધી માહિતી ચિપમાં સ્ટોર કરવામાં આવશે.
એનાથી ઇમિગ્રેશન માટે મુકાયેલા મશીનને સાચી વ્યક્તિને ઓળખવામાં મદદ મળશે.

સામાન્ય પાસપોર્ટની સરખામણીએ ઇ–પાસપોર્ટ કઈ રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે આપ સામાન્ય પાસપોર્ટ દ્વારા કોઈ દેશનો પ્રવાસ ખેડો છો તો સૌથી પહેલાં સંબંધિત દેશનો વિઝા લેવો પડે છે.
પાસપોર્ટ પર વિઝાનો સિક્કો છાપવામાં આવે છે. મુસાફરી કરતાં પહેલાં વિમાનમથકે ઇમિગ્રેશન વિભાગના અધિકારી પાસપોર્ટ અને વિઝાની તપાસ કરે છે.
વખત ઇમિગ્રેશનમાંથી પસાર થવા માટે ઘણી લાંબી લાઇનો લાગી હોય છે. કલાકો સુધી રાહ જોયા પછી જ વ્યક્તિનો નંબર આવે છે અને એને મુસાફરી કરવાની મંજૂરી મળે છે.
ઇ–પાસપોર્ટમાં ઇમિગ્રેશનમાંથી પસાર થવા માટે ત્યાં ઉપસ્થિત અધિકારીઓ જે તે વ્યક્તિના પાસપોર્ટ અને વિઝા ચેક નથી કરતા, બલકે ઑટોમેટિક મશીન ચેક કરે છે.
જે રીતે મેટ્રોમાં ટોકન બતાવતાં જ ગેટ ખૂલી જાય છે, એ જ રીતે ઇ–પાસપોર્ટને ઇમિગ્રેશન ગેટ પર સ્કૅન કરવાથી ગેટ ખૂલે છે.

ઇ–પાસપોર્ટ મળી જાય પછી ઇ–વિઝા પણ મળી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક દેશોમાં એવી સગવડ છે કે આપ ઘેર બેઠાં ઇ–પાસપોર્ટની મદદથી ઇ–વિઝા મેળવી શકો છો.
મેટાવર્સ બ્લૉકચેન સૉલ્યુશનનાં ફાઉન્ડર પ્રીતિ આહૂજા પાસે ઇ–પાસપોર્ટ છે. તેમણે જણાવ્યું કે તેઓ ઘેર બેઠાં જ ઇ–વિઝા મેળવી લે છે. જ્યારે કોઈ દેશ ઇ–વિઝા આપે છે ત્યારે એને પાસપોર્ટમાં લગાડવામાં આવેલી ઇલેક્ટ્રૉનિક ચિપમાં અપડેટ કરી દે છે.
ઇ–પાસપોર્ટ ધારક જ્યારે ઇમિગ્રેશન ગેટ પર પહોંચે છે ત્યારે ત્યાં મુકાયેલાં મશીન અને કૅમેરા પાસપોર્ટમાં લગાડેલી ચિપને સ્કૅન કરી લે છે.
સ્કૅન થયા બાદ ગેટ ખૂલી જાય છે. પાસપૉર્ટ ધારકની મુસાફરીની તમામ પ્રવૃત્તિઓની ચિપમાં નોંધણી કરવામાં આવે છે.
કમ્પ્યૂટર પર સિંગલ વિન્ડોની મદદથી ઘણાં વરસો જૂનો રેકૉર્ડ પણ આસાનીથી જોઈ શકાય છે. ભારત સરકાર ક્યારથી ઇ–વિઝા આપવાનું શરૂ કરશે એ બાબત હજુ સુધી સ્પષ્ટ નથી થઈ.

અન્ય દેશનો ઇ–પાસપૉર્ટ ભારતમાં કઈ રીતે કામ કરે છે?
ઇ–પાસપોર્ટ પર લગાડવામાં આવેલી ચિપને સ્કૅન કરવા માટે હાલ તો ભારતમાં ઇમિગ્રેશન ગેટ નથી.
પ્રીતિ આહૂજાએ જણાવ્યું કે, “પાસપોર્ટ પર લગાડેલી ચિપ ભારતમાં કામ નથી કરતી. પાસપોર્ટની અંદર જે કાગળ હોય છે એના પર ઇમિગ્રેશન અધિકારી સિક્કો મારે છે, ત્યાર બાદ ભારતમાં પ્રવેશ મળે છે. એનો અર્થ એ કે ઇ–પાસપોર્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની પણ જરૂરિયાત ઊભી થશે.”
કોણ બનાવશે ઇ–પાસપોર્ટ?
કેન્દ્ર સરકારે નાસિકના ઇન્ડિયા સિક્યૉરિટી પ્રેસને ઇ–પાસપોર્ટ તૈયાર કરવા માટે ઇલેક્ટ્રૉનિક કૉન્ટેક્ટલેસ ઇનલેજ અને ઑપરેટિંગ સિસ્ટમ ખરીદવાનું ટેન્ડર આપ્યું છે. નાસિકની ઇન્ડિયા સિક્યૉરિટી પ્રેસ જ્યારે ખરીદ-પ્રક્રિયા પૂરી કરી લેશે ત્યાર બાદ જ ઇ–પાસપોર્ટ જારી કરવામાં આવશે.

કયા દેશોમાં ઇ–પાસપોર્ટનું ચલણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાસપોર્ટને માન્યતા આપવાનું કામ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઑર્ગનાઇઝેશન કરે છે, જે યુએનનો જ એક ભાગ છે.
એના ઉપરાંત દેશોની પાસે પોતાના હિસાબે એ માપદંડો લાગુ કરવાનો અધિકાર હોય છે. ઈ.સ. 2016માં એવું નક્કી થયું હતું કે બધા પાસપોર્ટ મશીન વાંચી શકે એવી યોગ્યતા ધરાવતા હોવા જોઈએ.
દુનિયાના ઘણા દેશ પાસપોર્ટની શાખને વધારવા માટે ઇ–પાસપોર્ટનો ઉપયોગ કરે છે.
આઈસીએઓએ પાસપોર્ટમાં ચિપ લગાડવાને અર્થાત ઇ–પાસપોર્ટને ફરજિયાત નથી કર્યું.
આઈસીએઓ અનુસાર હાલમાં 100થી વધારે દેશ ઇ–પાસપોર્ટ આપે છે. એક અંદાજ પ્રમાણે હાલ દુનિયામાં લગભગ 45 કરોડથી વધારે ઇ–પાસપોર્ટ લોકો પાસે છે. યુરોપના મોટા ભાગના દેશોમાં ઇ–પાસપોર્ટ જ ચાલે છે.
શું ઇ–પાસપોર્ટમાંથી ચોરી થઈ શકે?
સાઇબર ઍક્સ્પર્ટ પવન દુગ્ગલ માને છે કે, “ઇ–પાસપોર્ટ બોલવા–સાંભળવામાં તો ઘણો સારો લાગે છે. ઇ–પાસપોર્ટ (ચલણમાં) આવ્યા પછી સરકારે સાઇબર સુરક્ષા પર ખાસ્સું ધ્યાન આપવું પડશે. સરકાર માટે એ કોઈ પડકારથી ઓછું નહીં હોય. ઇ–પાસપોર્ટમાંથી ચોરી કરીને એના ડેટાનો દુરુપયોગ કરી શકાય એમ છે.”

ઇ–પાસપોર્ટ વાપરનારા લોકોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Visage
મેટાવર્સ બ્લૉકચેન સૉલ્યુશનનાં ફાઉન્ડર પ્રીતિ આહૂજા પાસે ઇ–પાસપોર્ટ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, “મારી પાસે છેલ્લાં 20 વર્ષથી યુકેનો ઇ–પાસપોર્ટ છે. પાસપોર્ટના કવર પેજ પર એક નાનકડી ઇલેક્ટ્રૉનિક ચિપ લગાડેલી છે, જે દેખાતી નથી. કવર પેજ ઉપરાંત અંદરના પાના પર પણ મારી બધી માહિતી છે જે સામાન્ય પાસપોર્ટ જેવી જ છે.”
તેમણે ઉમેર્યું કે, “સામાન્ય પાસપોર્ટની જેમ જ ઇ–પાસપોર્ટમાં પણ 30 કે 60 પેજ હોય છે. જ્યારે હું લંડનના હિથ્રો ઍરપૉર્ટ પર જાઉં છું તો ત્યાં ઇમિગ્રેશન માટે ઇ–પાસપોર્ટની જુદી લાઈન હોય છે અને સામાન્ય પાસપોર્ટવાળાની જુદી. ઇ–પાસપોર્ટવાળાની લાઇન ઘણી નાની હોય છે અને ઘણી ઝડપથી આગળ વધે છે, કેમ કે વેરિફિકેશનનું કામ મશીન કરે છે.”



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












