Income tax બચાવવા માટે શું કરવું જોઈએ?
બજેટમાં સામાન્ય માણસની નજર બે બાબતો પર હોય છે. ભાવની વધઘટ અને ટૅક્સ.
ટૅક્સ બચાવવાની વાત અગાઉ દેશનું કરમાળખું સમજી લેવું જોઈએ. બે પ્રકારનો કર હોય છે. એક પ્રત્યક્ષ કર, એટલે નાગરિકો દ્વારા સરકારને સીધો ચૂકવવામાં આવતો વેરો. એ વેરો વ્યક્તિએ તેમની વ્યક્તિગત આવક સંબંધે ચૂકવવાનો હોય છે. પ્રત્યક્ષ કરમાં ઇન્કમટૅક્સ, વેલ્થ ટૅક્સ અને કૉર્પોરેટ ટૅક્સનો સમાવેશ થાય છે.
પરોક્ષ કરમાં ચુકવણીનો બોજ અન્ય વ્યક્તિ પર ટ્રાન્સફર થતો હોય છે. તેમાં સર્વિસ પ્રોવાઇડર કે ઉત્પાદક દ્વારા આપવામાં આવતી સેવા કે સામગ્રીના અંતિમ વપરાશકર્તા પર કર ટ્રાન્સફર કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
વેલ્યૂ એડેડ ટૅક્સ, સેલ્સ ટૅક્સ, સર્વિસ ટૅક્સ, લક્ઝરી ટૅક્સ, એન્ટરટેઈન્મૅન્ટ ટૅક્સ અને ઑક્ટ્રોય વગેરે જેવા વિવિધ પરોક્ષ વેરાનું સ્થાન હવે જીએસટીએ લીધું છે.
પ્રત્યેક નાણાકીય વર્ષ દરમિયાન 2.5 લાખથી વધારે આવક ધરાવતા તમામ લોકોએ ઇન્કમટૅક્સ ભરવાનો હોય છે અને સૌથી વધારે ચિંતિત પણ આ નોકરી કરનારો વર્ગ જ હોય છે કારણ કે એણે મોંધવારીની સાથે ઘર પણ ચલાવવાનું છે અને ટૅક્સ બચાવવા માટે રોકાણ પણ કરવાનું છે.
ટૅક્સ બચાવવો એ પણ એક કળાની જેમ છે. જોકે, આ કળા સામાન્ય લોકોને ગૂંચવી નાખે તેવી છે. ત્યારે ટૅક્સ બચાવવા માટે શું કરી શકાય તેને લગતી કેટલીક માહિતી પ્રસ્તુત છે.

ટૅક્સ બચાવવો કળા નહીં, પરંતુ પ્લાનિંગ છે

ઇમેજ સ્રોત, Getty Images
ટૅક્સ બચાવવાને કળા નહીં, પરંતુ 'પ્લાનિંગ' તરીકે ઓળખાવતા ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ હિતેશભાઈ જણાવે છે કે, તેની શરૂઆત સ્લૅબની પસંદગી સાથે જ થાય છે. આવક અને બચતને ધ્યાનમાં રાખીને સ્લૅબની પસંદગી કરવાની રહે છે.
તેમના કહેવા પ્રમાણે, "દર વર્ષે કરદાતાને રોકાણો પર ટૅક્સમાફી મળે છે. આ રોકાણોમાં લાઇફ ઇન્શ્યૉરન્સનાં પ્રીમિયમ, ઈપીએફ, હાઉસિંગ લોન, ફિક્સ ડિપૉઝિટ વગેરેનો સમાવેશ થાય છે. જોકે, તેમાં પણ સરકાર દ્વારા દોઢ લાખ સુધીની લિમિટ રાખેલી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોકરિયાત લોકો માટે તેઓ કહે છે કે, "નાણાકીય વર્ષની શરૂઆતમાં જ મોટીમોટી કંપનીઓ પોતાના કર્મચારીઓ પાસેથી ડિક્લૅરેશન માગી લેતી હોય છે. જેમાં ટૅક્સના સ્લૅબની પસંદગી સાથે તેમના રોકાણોની પણ જાણકારી મેળવી લેવાતી હોય છે. આ જાણકારી મેળવ્યા બાદ દર મહિને કંપની સીધા જ પગારમાંથી ટૅક્સ કાપી લેતી હોય છે અને સરકારને જમા કરાવી દેતી હોય છે."
જોકે, ધંધાદારીઓ માટે ટૅક્સની પ્રક્રિયા અલગ છે. આ અંગે હિતેશભાઈ કહે છે કે, "ધંધાદારીઓએ મોટાભાગે એડવાન્સ ટૅક્સનું પ્લાનિંગ કરવું પડતું હોય છે. તેમણે ત્રિમાસિક ટૅક્સ ઍડવાન્સમાં ભરવો પડતો હોય છે અને જો તેઓ ન ભરે તો વર્ષાન્તે ટૅક્સેબલ ઇન્કમ પર વ્યાજ સહિત પૈસાની ચુકવણી કરવી પડે છે."
કઈકઈ બાબતોમાં ટૅક્સમુક્તિ મળે છે? આ પ્રશ્નનાં જવાબમાં હિતેશભાઈ જણાવે છે કે, "લાઇફ ઇન્શ્યોરન્સ, મેડિક્લૅઇમ, હાઉસિંગ લૉનની મુદ્દલ અને વ્યાજ પર, સેવિંગ્સ ઍકાઉન્ટ્સમાં મળતું વ્યાજ તેમજ સંતાનોના ઉચ્ચ શિક્ષણનાં ખર્ચ, સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલી કેટલીક બીમારીઓના સારવારનો ખર્ચ સહિત કેટલોક ખર્ચ ટૅક્સમાંથી બાકાત રહે છે."

આ છે ટૅક્સ બચાવવાની રીતો

ઇમેજ સ્રોત, Getty Images
1. હેલ્થ ઇન્શ્યોરન્સ : સૅક્શન 80ડી અંતર્ગત પરિવારના હેલ્થ ઇન્શ્યોરન્સનાં પ્રીમિયમની 25 હજાર સુધીની રકમ ટૅક્સમાફી માટે પાત્ર છે. જો પરિવારમાં સિનિયર સિટીઝન હોય તો વધુ 30 હજાર સુધીની રકમ પર ટૅક્સમાફી પાત્ર થાય છે. આ લિમિટમાં હેલ્થ ચૅકઅપ માટે ખર્ચાયેલા પાંચ હજાર રૂપિયાનો પણ સમાવેશ થાય છે.
2. લાઇફ ઇન્શ્યોરન્સ : લાઇફ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ સૅક્શન 80સી અંતર્ગત ટૅક્સ ડિડક્શનને પાત્ર છે. આ સૅક્શન અંતર્ગત પીપીએફ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, સુકન્યા સમૃદ્ધિ, નેશનલ પૅન્શન સિસ્ટમ અને બાળકોની ફી પણ ટૅક્સમુક્તિને પાત્ર ગણાય છે. જોકે, તેની લિમિટ દોઢ લાખ નક્કી કરવામાં આવી છે.
3. ઉચ્ચ શિક્ષણ માટેની ફી ચૂકવીને : ઇન્કમટૅક્સ માટેના સૅક્શન 80ઈ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ માટે લીધેલી લોનનું વ્યાજ કરમાફી માટે પાત્ર ગણાય છે. આઠ વર્ષ અથવા તો વ્યાજ ચૂકવવાનું પૂર્ણ થાય, આ બન્નેમાંથી જે વહેલું પૂરું થાય તે મુજબ કરમાફી નક્કી થાય છે.
4. ઘર ખરીદીને : સૅક્શન 24 અંતર્ગત હોમ લોન પર ચૂકવેલું 2 લાખ સુધીનું વ્યાજ કરમાફીને પાત્ર છે. જોકે, તેને લગતા કેટલાક અન્ય નિયમો પણ છે, જે ધ્યાને રાખવા જરૂરી છે.
5. કેપિટલ ગેઇન ટૅક્સ બચાવીને : લાંબા સમયથી પોતાની પાસે રહેલી સંપત્તિનું વેચાણ કર્યા બાદ નફાની રકમનું ફરીથી રોકાણ કરવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે. લાંબા ગાળાની સંપત્તિ તરીકે ગણવામાં આવે તે માટે સંપત્તિ 3 વર્ષથી વધુ સમય માટે હોવી જોઈએ.
6. 6. ઇક્વિટી શૅર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ : આ બન્ને લાંબા ગાળાના લાભો પણ (એક લાખની મર્યાદામાં) કરમુક્ત છે, જો કે આ શૅરો અને ભંડોળ ઓછામાં ઓછા એક વર્ષ માટે પાસે હોવા જરૂરી છે. આ ઉપરાંત પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ (દોઢ લાખની ટોચમર્યાદામાં), તેની ઉપર મળતું વ્યાજ તથા પાકતી મુદ્દતે તેમાંથી મળતી કુલ રકમ પણ કરમુક્ત હોય છે. આથી, તેને મુક્તિ-મુક્તિ અને મુક્તિ એમ ટ્રીપલ મુક્તિની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
7. દાન : કોઈ પણ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાને કરેલું દાન પણ કરમુક્તિને પાત્ર છે. જોકે, તેમાં માત્ર રોકડ દાનની જ ગણતરી કરવામાં આવે છે. કોઈ વસ્તુ કે સામગ્રીના દાનની કોઈ નોંધ લેવાતી નથી.
8. પોસ્ટ ઑફિસની બચત યોજનાઓ : પોસ્ટ ઑફિસમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ફિક્સ્ડ ડિપૉઝિટમાં મુકાયેલી રકમ પર ટૅક્સ માફ હોય છે. તેનો બીજો ફાયદો એ પણ છે કે, બૅન્કો કરતા ત્યાં વ્યાજનો દર પણ વધારે મળે છે.
9. નાના ગાળાની બચત યોજનાઓ : નાના ગાળાની બચત યોજનાઓ જેવી કે એસઆઈપી એ ટૅક્સ બચાવવા માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેના પર મળતું રિટર્ન પણ ઘણું વધારે હોય છે. સૅક્શન 80સી અંતર્ગત એસઆઈપી દ્વારા ટૅક્સેબલ ઇન્કમમાંથી 1.5 લાખ સુધીના પૈસા બાદ કરી શકાય છે. ટૅક્સ માટેનાં સૌથી ઊંચા સ્લૅબ 30 ટકા પ્રમાણે વર્ષમાં અંદાજે 45 હજાર સુધીની બચત કરી શકાય છે.

ઇન્કમટૅક્સના જૂના અને નવા સ્લૅબ વચ્ચે શું ફરક છે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2019ના બજેટમાં ઇન્કમટૅક્સના નવા સ્લેબની જાહેરાત કરવામાં આવી હતી.
અગાઉ આવક પ્રમાણે માત્ર 5, 20 અને 30 ટકા જ ઇન્કમટૅક્સ કપાતો હતો. જ્યારે નવા સ્લૅબમાં આ ટકાવારીના સ્લૅબ વધારીને વ્યક્તિગત કરદાતાઓને ફાયદો પહોંચે તે રીતે ટકાવારી ઘટાડવામાં આવી છે.
હાલમાં ઇન્કમટૅક્સ ભરવા માટે બન્ને સ્લૅબ કાર્યરત છે. જોકે, સ્લૅબ પસંદ કરવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા, વડોદરા ચૅપ્ટરનાં પૂર્વ ચૅરમૅન હિતેશ અગ્રવાલ જણાવે છે કે, લોકોએ પોતાની બચત અને ટૅક્સેબલ ઇન્કમના આધારે સ્લૅબની પસંદગી કરવી જોઈએ.
તેઓ આગળ કહે છે કે, "આમ તો ટૅક્સેબલ ઇન્કમ એ 2.5 લાખ રૂપિયા છે, પરંતુ સરકાર સૅક્શન 87(એ) અંતર્ગત બન્ને સ્લૅબમાં પાંચ લાખ સુધીની આવક પર રિબેટ આપે છે. એટલે કે તેમને ટૅક્સમાંથી મુક્તિ મળે છે. જેથી પાંચ લાખ કે તેથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોએ જ ઇન્કમટૅક્સ ભરવાનો થાય છે.
આ ઉપરાંત નવા સ્લૅબમાં નોકરિયાત લોકો માટે ખાસ 'સ્ટાન્ડર્ડ ડિડક્શન' રાખવામાં આવ્યું છે, જેની લિમિટ 50 હજાર રાખવામાં આવી છે.
જૂના સ્લૅબમાં રોકાણની રકમ ટૅક્સમાંથી બાદ થાય છે. જ્યારે નવા સ્લૅબમાંથી આ જોગવાઈ કાઢી નાખવામાં આવી છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો-












