Budget 2024 : બજેટમાં વપરાતાં એ ભારેખમ શબ્દોને સમજો સાવ સરળ રીતે

ભારત સરકારના 2024-25ના નાણાકીય વર્ષના બજેટની ચર્ચાઓ થઈ રહી છે. આ બજેટ દેશના અર્થતંત્રની દિશા નક્કી કરતું હોય છે પણ તેની ચર્ચા આર્થિક બાબતોના જાણકારો સુધી જ સીમિત રહી જાય છે કારણ કે સામાન્ય નાગરિકો બજેટમાં વપરાતી આર્થિક ભાષાને સમજી શકતા નથી.

દેશના તમામ નાગરિકોને સ્પર્શતી આ વાર્ષિક કવાયત વખતે ઘણા શબ્દો વારંવાર સંભળાતા રહે છે. બજેટના એ શબ્દોની પરિભાષાને સમજી લઈએ તો બજેટ સમજવાનું વધારે આસાન બની જાય.

ભારતીય નાણાકીય વર્ષની શરૂઆત પહેલી એપ્રિલથી થાય છે અને તેનો અંત પછીના વર્ષની 31 માર્ચે થાય છે. આ વખતે લોકસભાની ચૂંટણીઓ આવતી હોવાથી આ વર્ષનું બજેટ 2024-25ના નાણાકીય વર્ષ માટેનું વચગાળાનું બજેટ જ હશે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SEAN GLADWELL

ઇમેજ કૅપ્શન, બજેટની એ પરિભાષાને સમજી લઈએ તો બજેટ સમજવાનું વધારે આસાન બની જાય.

ઇકૉનોમિક સર્વે એટલે કે આર્થિક સમીક્ષા

અંદાજપત્ર રજૂ કરતા પહેલાં થોડા દિવસ અગાઉ નાણામંત્રી ઇકૉનોમિક સર્વે એટલે કે આર્થિક સમીક્ષા સંસદ સમક્ષ રજૂ કરે છે. આ આર્થિક સમીક્ષામાં અર્થતંત્રમાં ગત વર્ષ દરમિયાન થયેલા ફેરફારો તથા તેની પાછળનાં કારણો અને શક્ય અસરોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આપણા દેશમાં 'આર્થિક સમીક્ષા' બહુ મહત્વનો દસ્તાવેજ છે. તેમાંથી અર્થતંત્રને લગતી ઘણી વિગતો તેમજ વિકાસની દિશા અંગેની ઉપયોગી માહિતી મળે છે.

line

બજેટ સ્ટિમેટ્સ, રિવાઈઝ્ડ સ્ટિમેટ્સ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Mayur Kakade

ઇમેજ કૅપ્શન, બજેટ રેવેન્યુ એટલે મહેસુલ અને કૅપિટલ એટલે કે મૂડી એમ બે વિભાગમાં વહેંચાયેલું હોય છે.

બજેટમાં આગામી વર્ષ માટેની આવક-જાવકના અંદાજો હોય છે. તેને બજેટ ઍસ્ટિમેટ્સ કહેવામાં આવે છે. પૂરા થઈ રહેલા કે થયેલા વર્ષ દરમિયાનની આવક-જાવકનું રિવાઈઝ્ડ ઍસ્ટિમેટ્સ એટલે કે સુધારેલો અંદાજ આપવામાં આવે છે અને અગાઉના વર્ષના ખરેખર થયેલા આવક-ખર્ચના આંકડા પણ તેમાં આપવામાં આવે છે.

બજેટના બે વિભાગ

બજેટ રેવેન્યુ એટલે મહેસૂલ અને કૅપિટલ એટલે કે મૂડી એમ બે વિભાગમાં વહેંચાયેલું હોય છે. જેની પ્રાપ્તિથી સરકારની નાણાકીય જવાબદારીમાં વધારો ન થતો હોય એવી આવકને મહેસુલી વિભાગમાં દર્શાવવામાં આવે છે, જ્યારે જે આવકપ્રાપ્તિને કારણે સરકાર માટે નાણાકીય જવાબદારી સર્જાતી હોય તેને મૂડી વિભાગમાં દર્શાવવામાં આવે છે.

line

પ્રત્યક્ષ અને પરોક્ષ કર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Mayur Kakade

ઇમેજ કૅપ્શન, વેલ્યૂ એડેડ ટૅક્સ, સેલ્સૅટેક્સ, સર્વિસ ટૅક્સ, લક્ઝરી ટૅક્સ, એન્ટરટેઈન્મૅન્ટ ટૅક્સ અને ઑક્ટ્રોય વગેરે જેવા વિવિધ પરોક્ષ વેરાનું સ્થાન હવે જીએસટીએ લીધું છે.

પ્રત્યક્ષ કર એટલે નાગરિકો દ્વારા સરકારને સીધો ચૂકવવામાં આવતો વેરો. એ વેરો વ્યક્તિએ તેમની વ્યક્તિગત આવક સંબંધે ચૂકવવાનો હોય છે. પ્રત્યક્ષ કરમાં ઇન્કમ ટૅક્સ, વેલ્થ ટૅક્સ અને કૉર્પોરેટ ટૅક્સનો સમાવેશ થાય છે.

પરોક્ષ કરમાં ચૂકવણીનો બોજ અન્ય વ્યક્તિ પર ટ્રાન્સફર થતો હોય છે. તેમાં સર્વિસ પ્રોવાઇડર કે ઉત્પાદક દ્વારા આપવામાં આવતી સેવા કે સામગ્રીના અંતિમ વપરાશકર્તા પર કર ટ્રાન્સફર કરવામાં આવે છે.

વેલ્યૂ એડેડ ટૅક્સ, સેલ્સ ટૅક્સ, સર્વિસ ટૅક્સ, લક્ઝરી ટૅક્સ, એન્ટરટેઈન્મૅન્ટ ટૅક્સ અને ઑક્ટ્રોય વગેરે જેવા વિવિધ પરોક્ષ વેરાનું સ્થાન હવે જીએસટીએ લીધું છે.

કસ્ટમ્સ ડ્યૂટી

દેશમાં જે માલ-સામાનની આયાત કે નિકાસ કરવામાં આવતી હોય તેના પર કસ્ટમ્સ ડ્યૂટી વસૂલવામાં આવે છે. કસ્ટમ્સ ડ્યૂટી સામાન્ય રીતે આયાતકારો અથવા નિકાસકારો ચૂકવતા હોય છે. આખરે તેનો બોજ ગ્રાહકો પર લદાય છે.

જાતજાતની ખાધ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્ટમ્સ ડ્યૂટી સામાન્ય રીતે આયાતકારો અથવા નિકાસકારો ચૂકવતા હોય છે. આખરે તેનો બોજ ગ્રાહકો પર લદાય છે.

બજેટમાં સરકારની આવક કરતાં ખર્ચ વધારે હોય એવી સ્થિતિ વર્ષોથી સામાન્ય બની ગઈ છે. તેને ખાધ કહેવામાં આવે છે.

ફિસ્કલ ડેફિસિટ એટલે કે રાજકોષીય ખાધ

સરકારની કુલ મહેસુલી આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે રાજકોષીય ખાધ સર્જાતી હોય છે. તેમાં બોરોઇઁગ્ઝ એટલે કે સરકારે લીધેલી લોનનો સમાવેશ થતો નથી.

line

રેવેન્યુ ડેફિસિટ એટલે કે મહેસુલી ખાધ

મહેસુલી ખર્ચ અને મહેસુલી આવક વચ્ચેનો તફાવત મહેસુલી ખાધ તરીકે ઓળખાય છે. તે સરકારના વર્તમાન ખર્ચ સામે વર્તમાન આવકમાંના ઘટાડાને દર્શાવે છે.

પ્રાયમરી ડેફિસિટ એટલે કે પ્રાથમિક ખાધ

પ્રાયમરી ડેફિસિટ એટલે વ્યાજની ચૂકવણી વિનાની રાજકોષીય ખાધ. તે દર્શાવે છે કે વ્યાજની ચૂકવણી સિવાયના અન્ય ખર્ચને પહોંચી વળવા માટે સરકાર બજારમાંથી કેટલું ઋણ લે છે.

સરકાર બજારમાં દેવું કરીને તથા રિઝર્વ બૅન્ક પાસેથી ધિરાણ મેળવીને ખાધ પૂરી શકે, પરંતુ ખાધ પૂરવાના આ બંને વિકલ્પોનું અનિચ્છનીય પરિણામ આવતું હોવાથી રાજકોષીય ખાધને રાષ્ટ્રીય આવકના ત્રણેક ટકાની આસપાસ રાખવાની હિમાયત કરવામાં આવે છે.

ફિસ્કલ પૉલિસી એટલે કે રાજકોષીય નીતિ

રાજકોષીય નીતિ આવક અને ખર્ચના એકંદર સ્તરના સંદર્ભમાં સરકાર દ્વારા લેવામાં આવતાં પગલાં છે. આ નીતિનો અમલ બજેટ મારફત કરવામાં આવે છે અને સરકાર આ નીતિ દ્વારા અર્થતંત્ર પર પોતાનો પ્રભાવ જાળવે છે.

કૅપિટલ બજેટ

આ બજેટમાં સ્થિર અસ્કામતોમાંથી થતી આવક અને ચૂકવણી સમાહિત હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને, સરકારી કંપનીઓને, નિગમોને અને અન્ય પાર્ટીઝને આપવામાં આવેલી લોન તથા એડવાન્સિસ અને શેરોમાંના રોકાણનો સમાવેશ થાય છે.

line

રેવેન્યુ બજેટ એટલે મહેસુલી અંદાજપત્ર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ બજેટમાં સ્થિર અસ્કામતોમાંથી થતી આવક અને ચૂકવણી સમાહિત હોય છે.

આ બજેટમાં સરકારની મહેસુલી આવક તથા તેના ખર્ચનો સમાવેશ થાય છે. મહેસુલી આવક ટૅક્સ અને નોન-ટૅક્સ એમ બે પ્રકારની આવકમાં વિભાજિત હોય છે. ટૅક્સ મારફત થતી આવકમાં ઇન્કમ ટૅક્સ, કૉર્પોરેટ ટૅક્સ, એક્સાઇઝ, કસ્ટમ્સ ડ્યૂટી, સર્વિસીસ તથા સરકાર દ્વારા લાદવામાં આવતી અન્ય ડ્યૂટીઝનો સમાવેશ થાય છે. નોન-ટૅક્સ રેવેન્યુ સોર્સિસમાં લોન પરના વ્યાજ અને રોકાણ પરના ડિવિડન્ડનો સમાવેશ થાય છે.

ફાનાન્સ બિલ એટલે કે નાણાકીય ખરડો

પ્રસ્તાવિત વેરા લાદવા કે નાબુદ કરવા કે તેમાં સુધારો કરવા કે પછી તેના નિયમનની વિગત આપતું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવે એ પછી ફાઇનાન્સ બિલ રજૂ કરવામાં આવે છે.

મૉનિટરી પૉલિસી એટલે કે નાણાકીય નીતિ

આ નીતિમાં મધ્યસ્થ બૅન્ક એટલે કે રિઝર્વ બૅન્ક દ્વારા, અર્થતંત્રમાં નાણાનું પ્રમાણ કે પ્રવાહિતા જાળવી રાખવા માટે લેવામાં આવતાં પગલાં અથવા વ્યાજદરમાં ફેરફારનો સમાવેશ થાય છે.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો