આ GDP વળી શું બલા છે અને એને આપણી જિંદગી સાથે શું લેવાદેવા?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

GDP એટલે કે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપી અર્થવ્યવસ્થાનો એક આર્થિક અને પ્રાથમિક માપદંડ છે. કોઈ પણ દેશની આર્થિક હાલત માપવા માટે જીડીપી મહત્ત્વનો છે.

જીડીપી એટલે કોઈ ચોક્કસ સમય દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનની કુલ કિંમત.

ભારતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા મુખ્ય ત્રણ ઘટક છે, જેમાં ઉત્પાદનની વધઘટના સરેરાશ પર જીડીપીનો આધાર રહેલો છે.

જીડીપી વધે તો આર્થિક વિકાસદર વધે છે. આ આંકડા દેશના વિકાસ પર આંગળી ચીંધે છે.

ભારતમાં જીડીપીની ગણના દર ત્રણ મહિને થાય છે.

line

જીડીપી કઈ રીતે નક્કી થાય છે?

કામ કરતાં મજૂર

ઇમેજ સ્રોત, Getty Images

જીડીપી બે રીતે નક્કી કરવામાં આવે છે, કેમ કે ઉત્પાદનનો પડતરખર્ચ મોંઘવારી સાથે વધતોઘટતો રહે છે. આ માપદંડ છે કૉસ્ટેન્ટ પ્રાઇઝ.

આ આધારે જીડીપીનો દર અને ઉત્પાદનનું મૂલ્ય એક વર્ષના આધારે ઉત્પાદનની કિંમત પર નક્કી થાય છે.

એટલે કે જો વર્ષ 2019નો આધાર લઈને તો એના પર જ ઉત્પાદનનું મૂલ્ય અને તેમાં થતી વધઘટને ધ્યાને લેવામાં આવે છે.

બીજી રીત છે કરન્ટ પ્રાઇઝ. જેમાં ઉત્પાદન મૂલ્યમાં મોંઘવારીનો દર પણ સામેલ હોય છે.

કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય એટલે કે સીએસઓ ઉત્પાદન અને સેવાઓના મૂલ્યાંકન માટે એક 'આધારવર્ષ' એટલે બેઝ નક્કી કરે છે.

આ બેઝ પ્રમાણે કિંમતને આધાર બનાવીને ઉત્પાદન અને સેવાઓની કિંમત જોવામાં આવે છે અને એ હિસાબે તુલનાત્મક વૃદ્ધિ કે ઘટાડો આંકવામાં આવે છે.

કૉસ્ટેન્ટ પ્રાઇઝના આધારે જીડીપીની ગણના કરવાનું કારણ એ પણ છે કે આ આંકડાને મોંઘવારીના ઉતારચડાવથી અલગ રાખીને માપી શકાય.

line

જીડીપી મુદ્દે શું ફેરફાર થયા?

કૃષિક્ષેત્રની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની કૉસ્ટેન્ટ પ્રાઇઝ ગણનાનું આધારવર્ષ હાલમાં 2011-12 છે.

વર્ષ 2015માં ભારતે જીડીપીના માપદંડની રીત બદલી નાખી છે. જીડીપીનો માપદંડ બજારમૂલ્યની જગ્યાએ આધારભૂત મૂલ્યના આધારે આંકવાનો નક્કી થયો.

અગાઉ જીડીપી જથ્થાબંધ મૂલ્ય પર નક્કી થતો હતો, પરંતુ હવે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ એટલે કે ગ્રાહકોએ ચૂકવેલા બજારમૂલ્યને આધારે નક્કી થાય છે.

line

આંકડા કોણ એકત્ર કરે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સીએસઓ (કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંગઠન) દેશભરમાંથી ઉત્પાદન અને સેવાઓના આંકડા મેળવે છે.

આ પ્રક્રિયામાં ઘણા સૂચકાંક સામેલ હોય છે, જેમાં મુખ્ય ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક એટલે કે આઈઆઈપી અને ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક એટલે કે સીપીઆઈ.

સીએસઓ વિભિન્ન કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓના સમન્વયથી આંકડાઓ એકત્ર કરે છે.

જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક એટલે કે ડબલ્યુપીઆઈ અને ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક એટલે કે સીપીઆઈની ગણના માટે મૅન્યુફૅક્ચરિંગ, કૃષિ ઉત્પાદના આંકડા ગ્રાહક મંત્રાલય એકત્ર કરે છે.

એ રીતે આઈઆઈપીના આંકડા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવતા વિભાગ એકત્ર કરે છે.

સીએસઓ આ બધા આંકડાને એકત્ર કરે છે, પછી ગણના કરીને જીડીપીનો આંક જાહેર કરે છે.

મુખ્ય રીતે આઠ ઔદ્યોગિક ક્ષેત્રોના આંકડા એકત્ર કરવામાં આવે છે, જેમાં કૃષિ, ખનન, મૅન્યુફૅક્ચરિંગ, વીજળી, બાંધકામ, વેપાર, રક્ષા અને અન્ય સેવાઓનો સમાવેશ થાય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો