#Meta : ફેસબુકનું નવું નામ, ઇન્ટરનેટનું ભવિષ્ય ગણાવાતું 'મેટાવર્સ' શું છે?

ફેસબુકે પોતાનું કૉર્પોરેટ નામ બદલીને 'મેટા' કરી લીધું છે. ફેસબુકની વ્યાપક રિબ્રાન્ડિંગનો આ ભાગ છે.

કંપનીએ કહ્યું છે કે તે સોશિયલ મીડિયા આગળ વર્ચુઅલ રિયાલિટીમાં પોતાની પહોંચ વધારશે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વૉટ્સઍપ જેવાં કપનીનાં અલગઅલગ પ્લૅટફૉર્મનાં નામમાં ફેરફાર નહીં થાય.

આ ફેરફાર પ્લૅટફૉર્મની માલિકી ધરાવતી પૅરેન્ટ કંપની માટે છે. એટલે કે મેટા પૅરેન્ટ કંપની છે અને ફેસબુક, વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ એનો ભાગ છે.

આ દરમિયાન મેટાવર્સને વિકસાવવા માટે યુરોપમાં 10,000 લોકોની નિમણૂકની જાહેરાત ફેસબુકે કરી છે.

આ સંકલ્પના ઇન્ટરનેટનું ભવિષ્ય હોવાનું કહેવાય છે, પરંતુ ખરેખર એ છે શું?

line

શું છે આ કૉન્સેપ્ટ?

મેટાવર્સ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મેટાવર્સ

કોઈ દર્શકને કદાચ આ વર્ચ્યુઅલ રિયાલિટીની સુધારેલી આવૃત્તિ જેવું લાગી શકે, પરંતુ કેટલાક લોકો માને છે કે મેટાવર્સ ઇન્ટરનેટનું ભવિષ્ય છે.

મેટાવર્સ વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા સર્જવામાં આવેલું વિશ્વ છે, જેમાં તમારો ડિજિટલ અવતાર હશે અને કમ્પ્યુટરે સર્જેલા આ વિશ્વનો અનુભવ તમે અન્ય યૂઝર્સ સાથે કરી શકશો.

ટૂંકમાં કહીએ તો 1980ના દાયકાના ભારેખમ મોબાઇલ હૅન્ડસેટ્સનું સ્થાન આજે જે રીતે સ્માર્ટફોન્સે લીધું છે, એવું જ કંઈક વર્ચ્યુઅલ રિયાલિટી અને મેટાવર્સ વચ્ચે થશે.

તેનો અર્થ એવો થાય કે તમે કમ્પ્યુટરને બદલે એકાદ હેડસેટ વડે મેટાવર્સનો અનુભવ મેળવી શકશો. તમારો હેડસેટ તમને તમામ પ્રકારના ડિજિટલ અનુભવયુક્ત વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે આભાસી જગત સાથે જોડી આપશે.

અત્યારે વર્ચ્યુઅલ રિયાલિટીનો વધારે ઉપયોગ ગેઇમિંગ માટે કરવામાં આવે છે, પરંતુ મેટાવર્સનો ઉપયોગ કામ ઉપરાંત ટાઇમપાસ, કાર્યક્રમો કે સિનેમા નિહાળવા માટે અને મોજમસ્તી માટે પણ કરી શકાશે.

અત્યાર સુધી મેટાવર્સની કોઈ ચોક્કસ વ્યાખ્યા થઈ નથી, પરંતુ ઘણા લોકો માને છે કે તેમાં તમારું પ્રતિનિધિત્વ કરતો તમારો થ્રી ડાઈમેન્શનલ અવતાર હશે.

line

મેટાવર્સની ચર્ચા અચાનક શા માટે શરૂ થઈ?

ફેસબુક વર્કપ્લેસમાં મીટિંગ્ઝ વર્ચ્યુઅલ રિયાલિટી મારફત થશે અને લોકો પોતપોતાનાં કમ્પ્યુટર્સનો ઉપયોગ પણ કરી શકશે

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, ફેસબુક વર્કપ્લેસમાં મીટિંગ્ઝ વર્ચ્યુઅલ રિયાલિટી મારફત થશે અને લોકો પોતપોતાનાં કમ્પ્યુટર્સનો ઉપયોગ પણ કરી શકશે

આભાસી વિશ્વ અને ઑગમૅન્ટેડ રિયાલિટી વિશેની ચર્ચા ચાલી જ રહી છે.

પણ મેટાવર્સ બાબતે મોટી ટેકનૉલૉજી કંપનીઓ તથા સમૃદ્ધ રોકાણકારોમાં પ્રચંડ ઉત્સુકતા હોય અને મેટાવર્સ ઇન્ટરનેટનું ભવિષ્ય હોય તો આપણે પણ તેમાં પાછળ રહેવું ન જોઈએ.

એ ઉપરાંત વર્ચ્યુઅલ રિયાલિટી વડે ઍડવાન્સ ગેઇમિંગ તથા કનેક્ટિવિટી બહેતર બની રહી છે ત્યારે આપણે ટેકનૉલૉજીના આ નવા આગામી તબક્કાની બહુ નજીક પહોંચી ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

line

મેટાવર્સમાં ફેસબુકની શું ભૂમિકા?

માર્ક ઝુકરબર્ગ

ઇમેજ સ્રોત, Getty Images

ફેસબુકે જણાવ્યું છે કે મેટાવર્સ વિકસાવવાના કામને તે પ્રાધાન્ય આપશે.

કેટલાક વિશ્લેષકો કહે છે કે ફેસબુકે ઑક્યુલસ હેડસેટ્સના માધ્યમ વડે વર્ચ્ચુઅલ રિયાલિટીમાં જંગી રોકાણ કર્યું છે અને પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતાં ઓછા ભાવે આ હેડસેટ્સ વેચવામાં તેને ખોટ ખમવી પડે તે શક્ય છે.

એ ઉપરાંત સોશિયલ હૅંગઆઉટ અને વર્કપ્લેસ માટે ફેસબુક વર્ચ્યુઅલ રિયાલિટી ઍપ્લિકેશન પણ બનાવી રહી છે.

ફેસબુકે અગાઉ તેની પ્રતિસ્પર્ધી કંપનીઓને ખરીદી લીધી હતી, પરંતુ “મેટાવર્સને કોઈ કંપની રાતોરાત વિકસાવી શકશે નહીં,” તેવો દાવો ફેસબુકે કર્યો છે.

ભવિષ્યમાં આ સંદર્ભમાં અન્ય કંપનીઓ સાથે કામ કરવાની તૈયારી પણ ફેસબુકે દાખવી છે.

સલામત મેટાવર્સનું નિર્માણ કરતા એક નૉન-પ્રૉફિટ ગ્રૂપને ફેસબુકે તાજેતરમાં પાંચ કરોડ ડૉલરનું દાન કર્યું હતું.

જોકે, મેટાવર્સ ખરા અર્થમાં વાસ્તવિકતા બનવામાં હજુ દસથી 15 વર્ષ લાગશે એવું ફેસબુકનું કહેવું છે.

line

મેટાવર્સમાં બીજા કોને-કોને રસ છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુનિટી નામના એક થ્રી-ડી પ્લૅટફોર્મે 'ડિજિટલટ્વિન્સ' એટલે કે રિયલ-વર્લ્ડ ડિજિટલ વર્લ્ડ કૉપીમાં મોટું રોકાણ કર્યું છે

ફોર્ટનાઈટ નામની ગેઇમની નિર્માતા કંપની એપિક ગેઇમ્સના વડા સ્વીનેએ જણાવ્યું છે કે તેમને મેટાવર્સમાં રસ પડ્યો છે.

ઑનલાઇન મલ્ટિપ્લેયર્સ ગેઇમ્સ યૂઝર્સ સામે એક એવું ઈન્ટરૅક્ટિવ વિશ્વ લાવી છે, જેનો અનુભવ બધા એકસાથે કરી શકે છે. તે ભલે મેટાવર્સ ન હોય, પરંતુ મેટાવર્સનું હાર્દ તો હશે જ.

ફૉર્ટનાઈટ ગેઇમમાં પાછલાં કેટલાંક વર્ષોમાં ભારે પરિવર્તન થયું છે. તેમણે તેમના ડિજિટલ વિશ્વમાં કૉન્સર્ટ્સ યોજ્યા છે, બેન્ડ ઇવેન્ટ્સ યોજી છે. ભવિષ્યમાં શું થઈ શકે તેની એક ઝલક તેમણે દુનિયાને દેખાડી છે.

અન્ય ગેઇમ્સ પણ મેટાવર્સના કૉન્સેપ્ટની નજીક આવી રહી છે. રોબ્લોક્સ નામનું પ્લૅટફોર્મ અનેક અન્ય પર્સનલ ગેઇમ્સના ખેલાડીઓને એક મંચ પર લાવે છે.

યુનિટી નામના એક થ્રી-ડી પ્લૅટફોર્મે ‘ડિજિટલટ્વિન્સ’ એટલે કે રિયલ-વર્લ્ડ ડિજિટલ વર્લ્ડ કૉપીમાં મોટું રોકાણ કર્યું છે.

એનવીડિયા નામની ગ્રાફિક્સ કંપની પોતાનું ઓમ્નીવર્સ તૈયાર કરી રહી છે, જે અન્ય વર્ચ્યુઅલથ્રી-ડી વર્લ્ડ્ઝને એકમેકની સાથે જોડવાનું પ્લૅટફોર્મ હશે.

line

આ બધું ગેમિંગ પૂરતું મર્યાદિત હશે?

વીડિયો કૅપ્શન, મળો આઈ-ડાને, જે છે દુનિયાની પ્રથમ રોબૉટ કલાકાર

મેટાવર્સના સ્વરૂપ બાબત અનેક પ્રકારની કલ્પના છે, પરંતુ સોશિયલ હ્યુમન ઈન્ટરૅક્શન એટલે કે વ્યક્તિઓ વચ્ચેનો પારસ્પરિક સંવાદ તેનું હાર્દ હશે તે નક્કી છે.

દાખલા તરીકે, ફેસબુક અત્યારે વર્કપ્લેસ નામની એક વર્ચ્યુઅલ રિયાલિટી ઍપ્લિકેશન અને હોરાઈઝન્સ નામની સોશિયલ સ્પેસનું પરીક્ષણ કરી રહી છે. એ બન્નેમાં વર્ચ્યુઅલ અવતારનો ઉપયોગ કરવામાં આવે છે.

ઑનલાઇન ચૅટિંગ માટે VRChat નામની એક વર્ચ્યુઅલ રિયાલિટી ઍપ્લિકેશન છે. તેનો હેતુ એકમેકને મળવાનો અને એકમેકને જાણવાનો છે.

line

આવી કોઈ ટેકનૉલૉજીનું અસ્તિત્વ છે?

વીડિયો કૅપ્શન, કચ્છના એ શિક્ષક જે સાઇકલ પર 'ડિજિટલ શાળા' લઈને ગરીબ બાળકોને ભણાવે છે

વર્ચ્યુઅલ રિયાલિટીમાં પાછલાં કેટલાંક વર્ષોમાં વ્યાપક પરિવર્તન થયું છે. તેમાં એવા મોંઘાદાટ હેડસેટ્સ આવી ગયા છે કે વર્ચ્યુઅલ વર્લ્ડના ગેમિંગ પ્લેયરને થ્રી-ડીમાં અન્ય ખેલાડીઓ તેની બાજુમાં બેઠા હોય તેવો ભાસ થાય છે.

એ ઉપરાંત હવે આ ટેકનૉલૉજીનો વ્યાપક વપરાશ શરૂ થઈ રહ્યો છે. 2020માં ક્રિસમસ ગિફ્ટ માટે ઑક્યુલસ ક્વેસ્ટ 2 VR ગેઇમિંગ હેડસેટ્સની ભારે માગ જોવા મળી હતી.

એનએફટીમાં લોકોનો રસ વધી રહ્યો છે ત્યારે હવે વર્ચ્યુઅલ ઇકૉનૉમીને પણ અલગ નજરે નિહાળવામાં આવી રહી છે.

5Gના આગમન સાથે ડિજિટલ વર્લ્ડ વધુ કનેક્ટેડ હશે અને કનેક્ટિવિટીમાંના તમામ નડતર દૂર થઈ જશે.

અત્યારે તો આ બધું પ્રારંભિક તબક્કામાં છે, પણ મેટાવર્સ વિકસાવવા માટે મોટી ટેક્નોલૉજી કંપનીઓ વચ્ચેની સ્પર્ધા આગામી દાયકા સુધી ચાલુ રહેશે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો