હવાલાનો ધંધો શું છે, ક્યાંથી શરૂ થયો અને કેટલો મોટો કારોબાર છે?

    • લેેખક, ડેનિયર ગોન્ઝાલેઝ કપ્પા
    • પદ, બીબીસી મુન્ડો

એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપિયા પહોંચાડવાના અને નગદ ફેરવવાની જરૂર પણ ના પડે. તે માટે ના કોઈ બૅંકની જરૂર પડે કે ના કરન્સી એક્સચેન્જની પણ જરૂર પડે, ના ફૉર્મ ભરવા પડે કે કોઈ ફી ભરવાની જરૂર.

આખી રીત એવી રીતે કામ કરે કે એક જણ નાણાં મોકલે અને બીજાને મળી જાય અને તેમની વચ્ચે બંને બાજુ કમસે કમ બે મધ્યસ્થી હોય.

આનું નામ હવાલાનો કારોબાર, જે પરંપરાગત બૅંકિંગ સિસ્ટમ શરૂ થઈ તેના બહુ પહેલાંથી પ્રચલિત છે.

ચલણ

ઇમેજ સ્રોત, Getty Images

હવાલાનું કામકાજ બહુ આસાન છે અને તેનો કારોબાર ચલાવનારાને તેમાંથી સારી કમાણી થાય છે એટલે સદીઓથી આ રીત ચાલતી આવી છે.

દુનિયાભરમાં એક ખૂણેથી બીજા ખૂણે લાખો-કરોડોની હેરફેર કરી શકાય છે, એ ખબર પડ્યા વગર કે કેટલી રકમ છે અને તેને નિયંત્રિત કોણ કરી રહ્યું છે.

દુનિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેરકાયદે રીતે નાણાકીય હેરફેર કરવાનું નામ જ હવાલા. તેમાં સૌથી મોટી ભૂમિકા વચેટિયા એટલે કે એજન્ટની હોય છે.

આ વચેટિયા લાખોની હેરફેર કરે, પણ ક્યારેય કોઈ હિસાબ નોંધાય નહીં. તેના કારણે હવાલાનો કારોબાર કેટલો ચાલે છે અને કેટલાં નાણાં ક્યાંથી ક્યાં પહોંચ્યાં તે જાણવામાં બહુ મુશ્કેલી હોય છે.

આ હવાલાખોરો આ કામમાં નાણાંની સાદી હેરફેર કરવાની સાથોસાથ નશીલા પદાર્થોની હેરફેર, મની લૉન્ડરિંગ, ઉદ્દામવાદી જૂથોને નાણાં પહોંચાડવા જેવાં કામમાં પણ સંડોવાઈ જતા હોય છે.

મેડ્રિડની પૉન્ટિફિસિયા કોમિલા યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર અલ્બર્ટો પ્રીગો મોરેનોએ બીબીસી મુન્ડોને જણાવ્યું કે, "હવાલાના કારોબારી પોતે આ બધા ધંધામાં સામેલ હોતા નથી, પણ ગેરકાયદે કૃત્યો માટે નાણાંની હેરફેરમાં તેમનો સાધન તરીકે ઉપયોગ થઈ જતો હોય છે."

ફારસની ખાડી, પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા અને અગ્નિ એશિયા સુધી હવાલાની જાળ ફેલાયેલી છે.

line

કઈ રીતે ચાલે છે કારોબાર?

મની એક્સચેન્જ

ઇમેજ સ્રોત, Getty Images

હવાલાની પારંપરિક અને અનૌપચારિક વ્યાખ્યા એવી છે કે નાણાંની હેરફેર બૅંકિંગ સિસ્ટમની સમાંતર ચાલે છે અને તેમાં વચેટિયાનું મહત્ત્વ હોય છે અને તેના પર ભરોસાના આધારે કામકાજ ચાલતું હોય છે.

દાખલા તરીકે ન્યૂયૉર્કમાંથી કોઈ વ્યક્તિ કોઈ બૅંક ખાતાં વિના ઇસ્લામાબાદમાં નાણાં મોકલી શકે છે.

આ માટે તેણે સ્થાનિક વચેટિયાનો સંપર્ક કરવાનો હોય છે. તેને રોકડા આપી દેવાના અને તેની પાસેથી પાસવર્ડ મેળવવાનો.

આ માટે પૈસા મોકલનાર અને લેનાર બંનેની સહમતી હોવી જોઈએ. એટલે કે બંને પાર્ટી ઉપરાંત વચેટિયાને પાસવર્ડ ખબર હોય છે.

હવે ન્યૂયૉર્કનો વચેટિયો પાકિસ્તાનના પાટનગરમાં રહેલા હવાલાના વચેટિયાનો સંપર્ક કરે. તેને કેટલું નાણું આપવાનું છે અને પાસવર્ડ શું છે તેની માહિતી આપે.

હવે આ બીજો વચેટિયો નક્કી કરેલી રકમ બીજી વ્યક્તિને આપવા માટે તૈયાર થાય છે. તેણે યોગ્ય વ્યક્તિના હાથમાં નાણાં પહોંચી ગયાં તેની ખાતરી માટે પૈસા મેળવનારા પાસેથી પાસવર્ડ મેળવવાનો હોય છે.

આ આખી પ્રક્રિયા થોડા જ કલાકોમાં પૂરી થઈ જાય છે. આ કામકાજ માટે વચેટિયા નક્કી કર્યા પ્રમાણેની રકમ કમિશન તરીકે લઈ લે છે.

line

હવાલાની શરૂઆત ક્યાંથી થઈ?

સિલ્ક રૂટ

ઇમેજ સ્રોત, Getty Images

હવાલાની શરૂઆત ક્યારે થઈ તે સ્પષ્ટ નથી, પરંતુ ઘણા લોકો તેને આઠમી સદીથી 'સિલ્ક રૂટ'ના અંતર્ગત ભારત સાથે જોડે છે.

સિલ્ક રૂટ પ્રાચીન સમયનો ચીન સાથે વેપારનો મુખ્ય માર્ગ હતો. ઈસવીસન પૂર્વથી બીજી સદીની વચ્ચે હાન સામ્રાજ્યના શાસન વખતે રેશમનો વેપાર ખીલ્યો હતો.

રેશમનો માલ લઈને વેપારીકાફલા ચીનના ઉત્તરના વિસ્તારોથી પશ્ચિમની સરહદ સુધી પહોંચતા હતા. તે પછી મધ્ય એશિયાના કબીલાઓ સાથે પણ સંપર્ક થયો અને ધીમેધીમે આ માર્ગ ચીન, મધ્ય એશિયા, ઉત્તર ભારત, હાલના ઈરાન, ઇરાક અને સીરિયા થઈને રોમ સુધી પહોંચ્યો હતો.

આ માર્ગ પર માત્ર રેશમનો જ નહીં, પણ અન્ય ચીજવસ્તુઓનો પણ વેપાર થતો હતો.

જોકે સિલ્ક રૂટ પર પસાર થતા વેપારી કાફલાઓને અનેક વાર લૂંટી લેવામાં આવતા હતા. ભારતીય, અરબ અને મુસ્લિમ વેપારીઓએ લૂંટ સામે બચવા માટે પોતપોતાની રીતે ઉપાયો શોધ્યા હતા.

હવાલાનો અર્થ જ એવો થાય છે કે 'ના બદલામાં આપવું'.

સિલ્ક રૂટ

વેપારી એક પાસવર્ડ નક્કી કરતો હોય છે, જે કોઈ પણ વસ્તુ, શબ્દ કે ઈશારાના રૂપમાં પણ હોય. આ જ પાસવર્ડ, શબ્દ કે ઈશારો સામેની વ્યક્તિને, માલ મેળવનારી વ્યક્તિને પણ ખબર હોવો જોઈએ.

આ રીતે નાણું કે સામાન યોગ્ય લોકોના હાથમાં પહોંચે તેની ખાતરી કરાતી હતી.

આ વ્યવસ્થા કેટલી જૂની હશે તેનો અંદાજ એ રીતે લગાવી શકાય કે ભારતમાં પ્રથમ બૅંક 'બૅંક ઑફ હિન્દુસ્તાન'ની સ્થાપના છેક 18મી સદીમાં કોલકાતામાં થઈ હતી.

આજે ટેકનિકની બાબતમાં દુનિયા આગળ વધી છે ત્યારે હવાલાનું કામકાજ વધારે આસાન થઈ ગયું છે. આજે ઇન્સ્ટન્ટ મૅસેજ ઍપથી તરત જ પાસવર્ડ મોકલી શકાય છે. તેના કારણે એજન્ટો માટે પોતાનું કામકાજ પાર પાડવાનું વધારે સરળ બની ગયું છે.

line

પરંતુ આવી લેતીદેતી ખાનગી રીતે કેમ કરવામાં આવે છે?

ચલણ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર અલ્બર્ટો પ્રીગો મોરેના કહે છે, "આવું એટલા માટે થાય છે કે ઘણી વાર આ રીતે મોકલવામાં આવી રહેલું નાણું કાયદેસરનું હોતું નથી. ઘણી વાર ટૅક્સ બચાવવા માટે આવું થતું હોય છે."

"બીજું કે બીજા દેશમાં નાણાં મોકલવાના હોય ત્યારે વચેટિયાને ઓછામાં ઓછું કમિશન આપીને કામ થઈ જાય તેવી પણ ગણતરી હોય છે."

આ રીતે હવાલાથી નાણાં મોકલવાનું એક કારણ એ પણ છે કે અમેરિકા કે બીજા દેશોમાંથી પોતાના દેશમાં સત્તાવાર રીતે નાણાં મોકલવા માટે ઘણી બધી પળોજણમાંથી પસાર થવું પડતું હોય છે.

તમારે બૅંકિંગ સિસ્ટમથી નાણું મોકલવું હોય તો તેના માટે ચોક્કસ રકમ હોવી જોઈએ. બૅંકમાં ખાતું ખોલાવવા માટે તમારી ઓળખના પુરાવા, કાનૂની રીતે હાજરી વગેરે દસ્તાવેજો પણ દેખાડવાના હોય છે.

આંતરરાષ્ટ્રીય ધોરણે મની ટ્રાન્સફરની સેવા આપતી કંપનીઓ 20 ટકા સુધીનું કમિશન લેતી હોય છે. બીજાં પણ ઘણાં નિયંત્રણો અને નિયમો હોય છે, જે મની લૉન્ડરિંગ રોકવા માટેનાં હોય છે.

હવાલામાં આવા કોઈ નિયમો કે કાયદાની પરવા કરવાની હોતી નથી.

ટેકનૉલૉજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બદલાતી અને વિકસિત ટેકનિક બિનપરંપરાગત પદ્ધતિઓથી નાણાં ટ્રાન્સફર કરવા સરળ બનાવી શકે છે.

પ્રીગો મોરેનો કહે છે, "આ વધારે અસરકારક એટલા માટે છે કે જેને મોકલવાના હોય તેને નાણાં જલદી પહોંચી જાય છે અને કમિશન પણ ઓછું આપવું પડે છે."

"આ માટે વચેટિયાઓનું નેટવર્ક બહુ સારું હોવું જોઈએ. તમારા જેટલા વધારે કૉન્ટેક્સ હોય તેટલો વધારે સારો બિઝનેસ ચાલી શકે. તેના કારણે તમે બહુ ઓછો ચાર્જ લો છો અને વધુમાં વધુ ફાયદો આપો છો."

"વચેટિયાએ પોતાની શાખ બચાવી રાખવી પડતી હોય છે. પહેલાં વ્યાજખોરી ઓછી હતી અને વ્યાજ પણ ઓછું હતું એટલે વચેટિયાઓ વધારે કમાણી કરી શકતા નહોતા. આ જ કારણે પશ્ચિમના દેશોની સરખામણીએ મધ્ય પૂર્વ અને એશિયામાં આ કારોબાર વધારે ફેલાયો, કેમ કે ત્યાં બૅંકિંગ લેતીદેતી પર વધારે કડક નિયંત્રણો છે."

મોરેનો કહે છે, "કેટલીક જગ્યાએ લોકો બૅંકો કરતાં હવાલાના વચેટિયાઓ પર વધારે ભરોસો કરતાં હોય છે, કેમ કે તેમના માટે આ પેઢી દર પેઢી ચાલ્યો આવતો વ્યવસાય હોય છે. તેથી તેને બૅંકો કરતાંય વધારે ભરોસાપાત્ર માનવામાં આવે છે."

જર્મનીના ફ્રૅન્કફર્ટની મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટના દક્ષિણ એશિયાના કાનૂની ઇતિહાસ વિભાગનાં સંયોજિકા મારિના માર્ટિન કહે છે, "પહેલાંના જમાનામાં હવાલો અને તેના જેવી જ હુંડીની રીત બહુ પ્રચલિત હતી. આજની તારીખમાં તેની સમજ બદલાઈ ગઈ છે, કેમ કે તેણે આધુનિક બૅંકિંગથી અલગ રહીને કામ કરવાનું હોય છે."

line

કેટલો મોટો છે હવાલાનો કારોબાર?

રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવાલાના દલાલ અથવા વચેટિયા લેવડદેવડના બહુ ઓછા અથવા કોઈ રેકૉર્ડ નથી રાખતા.

હવાલાથી થતી હેરફેરનો સૌથી મોટો ફાયદો એ છે કે નાણાંની લેતીદેતી કોણ કરી રહ્યું છે તેની કોઈ માહિતી સરકાર કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના હાથમાં આવતી નથી.

હવાલાના કામકાજમાં બહુ જ ઓછો કે બિલકુલ હિસાબ નોંધી રાખવામાં આવતો નથી, તેના કારણે પણ હવાલાથી થતી હેરફેર પકડાતી નથી.

એવું માનવામાં આવે છે કે ન્યૂયૉર્કમાં 9/11 આતંકવાદી હુમલો કરનારા ત્રાસવાદીઓને હવાલાના માધ્યમથી જ નાણાં પહોંચતા હતા.

માત્ર અમેરિકા જ નહીં, પણ પરંતુ સમગ્ર દુનિયામાં કેટલાક નવા સખત નિયમોને કારણે થોડા હજાર ડૉલરની આંતરરાષ્ટ્રીય હેરફેર કરવી બહુ મુશ્કેલ બની ગઈ છે.

માર્ટિન કહે છે, "9/11ના હુમલા પછી અમેરિકામાં હવાલાને આતંકવાદને પોષનારા એક માધ્યમ તરીકે જોવામાં આવે છે."

તેઓ કહે છે, "હવાલા (અને અન્ય ગેરકાયદે રીતોને) થોડાં વર્ષોથી મની લૉન્ડરિંગ અને રાજકીય ભ્રષ્ટાચારથી માંડીને માનવઅંગોની દાણચોરી સહિતના ગુનાઓ સાથે જોડવામાં આવી રહી છે."

2018માં સંગઠિત અપરાધ અને કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટના એક અભ્યાસમાં જણાવાયું હતું કે દુબઈમાં હવાલા જેવી વ્યવસ્થાનો ઉપયોગ કરીને લાખો વિદેશી કામદારો ભારત, ફિલિપાઇન્સ જેવા પોતાના દેશોમાં પરિવારોને નાણાં મોકલે છે.

આ રીતે 240 કરોડ રૂપિયાથી વધારેની હેરાફેરી થતી હોવાનું અભ્યાસમાં જણાવાયું હતું.

ફેબ્રુઆરી 2016માં અમેરિકાની ડ્રગ ઍન્ફોર્સમેન્ટ એજન્સી (ડીઈએ)એ કોલંબિયા અને હિઝબુલ્લાહ સંગઠન વચ્ચે યુરોપના માધ્યમથી થતા મની લૉન્ડરિંગ અને નશીલા પદાર્થોની હેરાફેરી વચ્ચેની કડી જાહેર કરીને જણાવ્યું હતું કે લાખો યુરો અને ડ્રગ્ઝની હેરફેર થઈ હતી.

દુબાઈ

ઇમેજ સ્રોત, Getty Images

ડીઈએના દસ્તાવેજો અનુસાર લેબનનના રસ્તે થઈને ડ્રગ્સ મધ્ય પૂર્વમાં પહોંચાડાતું હતું અને તેની સામે હવાલાના માધ્યમથી યુરો કોલંબિયા પહોંચાડવામાં આવતા હતા.

પૂર્વ આફ્રિકા, ખાસ કરીને સોમાલિયામાં શસ્ત્રોની દાણચોરી હવાલાના માધ્યમથી જ લાખો ડૉલરમાં થતી રહે છે.

વિશ્વ બૅંકના જણાવ્યા અનુસાર વિકાસશીલ દેશોમાં રેમિટન્સથી પોતાના પરિવારોને નાણાં મોકલનારા પ્રવાસી કામદારોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.

કોવિડ-19ની મહામારીની મુશ્કેલી વચ્ચેય સત્તાવાર આંકડાં અનુસાર નીમ્ન અને મધ્ય આવક ધરાવતા દેશોમાં મોકલવામાં આવતી રેમિટન્સ 2020માં 400 અબજ રૂપિયા હતી, આ રકમ વર્ષ 2019ના આંકડાં કરતાં માત્ર 1.6 ટકા ઓછી છે. 2019માં આ આંકડો 406.31 અબજ રૂપિયા હતો.

જોકે વિશ્વ બૅંકે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે "પરંપરાગત અને બિનપરંપરાગત બંને રીતે મોકલાતા રેમિટન્સની રકમ આ સત્તાવાર આંકડા કરતાં ઘણી વધારે છે."

અર્થતંત્રમાં વૈશ્વિક ધોરણે સુધારાની આશા દર્શાવાઈ રહી છે, ત્યારે પરંપરાગત અને હવાલા જેવા બિનપરંપરાગત માધ્યમથી મોકલવામાં આવનારી રેમિટન્સની રકમ 2021 અને 2022માં ઘણી વધારે હશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો