વેનેઝુએલા : એ દેશ જેનું કોરોનાકાળમાં દેવાળું ફૂંકાયું, 'દર ચારમાંથી ત્રણ વ્યક્તિ અતિ ગરીબ'

    • લેેખક, ન્યૂઝ ડેસ્ક
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

વેનેઝુએલામાં હવે દર ચારમાંથી ત્રણ નાગરિકો ગરીબીની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયા છે.

કોરોના મહામારી અને ઈંધણની કટોકટીને કારણે વેનેઝુએલાનું અર્થતંત્ર ખરાબે ચડ્યું છે.

ક્રૂડઑઇલની નિકાસ પર આધાર રાખતો આ દેશ આર્થિક કટોકટીના જાળામાં ફસાઈ ગયો છે એવું એન્ડ્રેસ બેલ્લો કેથલિક યુનિવર્સિટી (UCAB)ના એક અભ્યાસમાં જણાવાયું છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

2014થી દેશમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની તંગી સર્જાયેલી છે અને દુનિયામાં સૌથી વધુ ઊંચા ફુગાવાએ નાગરિકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

કરોડો લોકોને તાકીદે અનાજ સહાય અને રોજગારી આપવી જરૂરી બની છે.

UCABના સંશોધક અને પ્રોફેસર લૂઇ પેડ્રો સ્પેને પોતાના અભ્યાસમાં જણાવ્યું છે કે ગરીબી છેક ટોચ પર પહોંચી ગઈ છે, લગભગ 94.5% સુધી અને હવે તેમાં વધારાની કોઈ શક્યતા રહી નથી.

સ્પેન સમજાવતા કહે છે, "હવે ગરીબી નહીં વધે, કેમ કે મહત્તમ શક્ય હોય ત્યાં સુધી તે પહોંચી ગઈ છે. હવે (સમાજના) 5% જેટલા લોકો જ બાકી રહ્યા છે, જેમને મોંઘવારી ભથ્થાં સાથે પગારો મળે છે એટલે ગમે તેટલા ઊંચા ફુગાવા છતાં તેમની આવક જળવાઈ રહે છે."

તેમનું કહેવું છે કે ગરીબી વધવાની વાત છે, તેમાં હવે "મૂળભૂત રીતે અત્યંત દરિદ્રતાની વાત છે."

આ નવા આંકડા જાહેર થયા છે તેના વિશે સરકાર તરફથી કોઈ ટીપ્પણી કરવામાં આવી નથી, પણ સરકાર તરફથી સામાન્ય રીતે સહમતી સાથે જણાવાતું હોય છે કે અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોને કારણે દેશની આર્થિક સ્થિતિ કથળી છે.

જોકે વિશ્લેષકો કહે છે કે આ સંકટ પ્રમુખ નિકોલાસ માદુરોના નાણાકીય ગેરવહીવટને કારણે આવી પડ્યું છે.

સરકારી સેવાઓ ઠપ થઈ ગઈ છે, બેરોજગારીનો દર વધી ગયો છે અને દેશના ચલણનું સતત ધોવાણ થતું રહ્યું છે તેના કારણે સમસ્યા વકરી છે એમ વિશ્લેષકો કહે છે.

line

અહેવાલમાં બીજું શું જણાવાયું છે?

2014થી દેશમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની તંગી સર્જાયેલી છે અને દુનિયામાં સૌથી વધુ ઊંચા ફુગાવાએ નાગરિકોની કમર તોડી નાખી છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, 2014થી દેશમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની તંગી સર્જાયેલી છે અને દુનિયામાં સૌથી વધુ ઊંચા ફુગાવાએ નાગરિકોની કમર તોડી નાખી છે.

રાષ્ટ્રીય જીવનધોરણ અંગેના સર્વેના આંકડાઓના આધારે UCAB તરફથી આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

તેમાં જણાવાયું છે કે અત્યંત ગરીબીની સ્થિતિ ગયા વર્ષે 67.7 ટકા હતી, તે આ વર્ષે વધીને 76.6 ટકા થઈ છે.

કોઈ વ્યક્તિએ માત્ર રોજના 1.90 અમેરિકન ડૉલર પર જીવવું પડે તેને અત્યંત ગરીબીની સ્થિતિ ગણવામાં આવે છે.

ગરીબીના જુદાજુદા આયામોને પણ આ અભ્યાસમાં આવરી લેવાયા છે. તેમાં રહેવા માટે ઘર ન હોવું, રોજગારીનો અભાવ વગેરે સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

રાષ્ટ્રીય જીવનધોરણના સર્વેમાં ખ્યાલ આવ્યો હતો કે વેનેઝુએલાના 65.2 ટકા પરિવારો "અભાવો વચ્ચે જીવી રહ્યા છે."

ઈંધણની અછત હતી, જે 2020માં વણસી છે અને તેના પર કોરોના રોગચાળાને કારણે પ્રતિબંધો આવ્યા, જેના કારણે ગરીબીમાં અત્યંત વધારો થયો છે એવું અભ્યાસમાં જણાવાયું છે.

રાષ્ટ્રીય જીવનધોરણના સર્વેમાં ખ્યાલ આવ્યો હતો કે વેનેઝુએલાના 65.2% પરિવારો "અભાવો વચ્ચે જીવી રહ્યા છે."

ઇમેજ સ્રોત, RAUL ARBOLEDA

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય જીવનધોરણના સર્વેમાં ખ્યાલ આવ્યો હતો કે વેનેઝુએલાના 65.2% પરિવારો "અભાવો વચ્ચે જીવી રહ્યા છે."

બગડેલી સ્થિતિમાં સૌથી વધુ ગરીબોએ જ ભોગવવાનું આવ્યું, કેમ કે મજૂરોને કામ મળવાનું બંધ થઈ ગયું. દેશના 50 ટકા કરતાં વધુ લોકો રોજમદારી પર જીવે છે અને રોજનું લાવીને રોજ ખાય છે.

આગલા વર્ષે સ્થિતિમાં થોડો સુધારો દેખાયો હતો, પણ આ વખતે અત્યંત ગરીબીના સ્તરમાં વધારો થયો એટલે તે સુધારો ધોવાઈ ગયો છે.

સરકારે વંચિત લોકોને સીધી આર્થિક સહાય શરૂ કરી હતી અને ભાવ નિયંત્રણો હળવા કરવા સહિતના કેટલાક આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા તેના કારણે થોડો સુધારો થયો, પણ તે કોરોનાકાળમાં ધોવાઈ ગયો.

ક્રૂડઑઇલનો દુનિયામાં સૌથી વધુ અનામત જથ્થો ધરાવતું હોવા છતાં વેનેઝુએલાની ઑઇલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી હતી.

આ ક્ષેત્રમાં વર્ષો સુધી ઓછું રોકાણ થયું અને ગેરવહીવટ થયો તેના કારણે આખું તંત્ર ભાંગી પડ્યું.

ખનીજ તેલની નિકાસ પર જ દેશનો આધાર હતો તે આ રીતે તૂટી પડ્યો છે.

બીજું કે 2018માં વિવાદાસ્પદ સંજોગોમાં વેનેઝુએલામાં પ્રમુખપદની ચૂંટણી થઈ તે પછી અમેરિકાએ વેનેઝુએલામાંથી ક્રૂડઑઇલની નિકાસ પર પ્રતિબંધો મૂક્યા છે તેનાથી સમસ્યા વકરી છે.

line

મંદીનાં મંડાણ

વેનેઝુએલામાં હવે દર 4માંથી 3 નાગરિકો હવે ગરીબીની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયા છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલામાં હવે દર 4માંથી 3 નાગરિકો હવે ગરીબીની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયા છે.

રાષ્ટ્રીય જીવનધોરણ સર્વે અનુસાર વેનેઝુએલાના જીડીપીમાં 2014થી 2020 સુધીમાં 74 ટકાનો ઘટાડો થયો છે.

દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યું તેના કારણે દેશની 2.8 કરોડ પ્રજાની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

કોરોના રોગચાળો શરૂ થયો તે પહેલાંથી જ સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના અંદાજ અનુસાર દર ત્રણમાંથી એક માણસ કુપોષણથી પીડાતો હતો.

આ કપરી સ્થિતિને કારણે વેનેઝુએલામાંથી દુનિયાના ઇતિહાસની સૌથી મોટી હિજરત થઈ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અનુમાન અનુસાર 56 લાખ લોકો દેશ છોડીને જતા રહ્યા છે.

દેશની સ્થિતિ વિશે કોઈ સત્તાવાર આંકડા નહોતા, તેના કારણે 2014માં રાષ્ટ્રીય જીવનધોરણ સર્વે કરવામાં આવ્યો હતો.

આ વર્ષ ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન આ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં દેશનાં 23 રાજ્યોમાંથી 21 રાજ્યોના 14,000 પરિવારોને પ્રશ્નોતરી આપીને માહિતી મેળવવામાં આવી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો