શું અંગ્રેજોના સમયે ભારતના બધા રાજાઓ વિલાસી અને ભ્રષ્ટ હતા?

ભારતમાં આઝાદી પહેલાંના રાજા-મહારાજાઓનું જે ચિત્ર છે એમાં, હાથી-ઘોડા, નર્તકીઓ અને રાજમહેલોની કલ્પના અંકિત થયેલી છે. પરંતુ શું સાચે જ તેઓ આવા હતા?

ઇતિહાસકાર મનુ પિલ્લઈએ ભારતના મહારાજાઓના સમયનું ફરીથી અવલોકન કર્યું છે.

જો તમે ઘરેણાંથી લદાયેલી તેમની તસવીરો, મહેલો અને ભવ્ય દરબારોથી ઉપર ઊઠીને જોશો તો ભારતના આ મહારાજાઓ વિશેની બીજી કેટલીક અજાણી વાતો પણ જાણવા મળશે.

રાજા

ઇમેજ સ્રોત, JUGERNAUT

તમે જોશો કે એમનો ઘણો તિરસ્કાર કરવામાં આવેલો, મજાક બનાવી દેવાયેલા અને મજા લેવાના ઇરાદાથી એમની જિંદગીને કુતૂહલની વસ્તુ બનાવી દેવાયેલી.

અંગ્રેજોએ પોતાના જમાનામાં 'દેશી' રાજકુમારોને ભયંકર હદે નૈતિક રીતે ભ્રષ્ટ થયેલા માનવરૂપે રજૂ કર્યા, જેમનું મન રાજકાજથી વધુ સેક્સ અને ફૅશન જેવી બાબતોમાં રચ્યુંપચ્યું રહેતું હતું.

ઉદાહરણ તરીકે, એક ગોરા અધિકારીએ મહારાજાઓને "દૈત્ય જેવા, જાડા, દેખાવમાં ઘૃણા ઊપજે એવા" અને કોઈ નાચનારીની જેમ "હાર અને કુંડળ પહેરેલા" માણસના રૂપે વર્ણવ્યા.

એમણે કહ્યું કે આ મહારાજા ગોરાઓ જેવા નહીં બલકે સ્ત્રીઓ જેવા દેખાતા 'બેવકૂફ' છે.

line

રાજાઓને બદનામ કરવાનો સુનિયોજિત પ્રયાસ

મૈસૂરના કૃષ્ણરાજા વાડિયાર તૃતીય પર કુશાસનનો આરોપ મૂકી સત્તા પરથી ઉતારી મુકાયા હતા પણ, અંગ્રેજોએ બાદમાં માનેલું કે એમનાથી ભૂલ થઈ છે

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, મૈસૂરના કૃષ્ણરાજા વાડિયાર તૃતીય પર કુશાસનનો આરોપ મૂકી સત્તા પરથી ઉતારી મુકાયા હતા પણ, અંગ્રેજોએ બાદમાં માનેલું કે એમનાથી ભૂલ થઈ છે

રાજાઓ માટે ઊભી કરેલી આ ઓળખ દાયકાઓ સુધી એવી ને એવી જ રહી. 1947માં, લાઇફ મૅગેઝિન તો આંકડા સાથે આ હોડમાં જોડાયું.

એણે જણાવ્યું કે એક સાધારણ મહારાજાની પાસે "11 ઉપાધિ, 3 યુનિફૉર્મ, 5.8 પત્ની, 12.6 બાળકો, 9.2 હાથી અને 3.4 રૉલ્સ રોય્સ કાર્સ" છે.

આ બધું મજેદાર હતું, પરંતુ આ આંકડા ભરમાવનારા હતા. કેમ કે બધા રાજા કંઈ એકસરખા નહોતા. કુલ 562 'રાજ્યો'માંથી મોટા ભાગનાં નાનાં રજવાડાં હતાં, જેમનું રાજકીય અસ્તિત્વ નગણ્ય જેવું હતું.

લાખો લોકો પર રાજ કરનારા લગભગ 100 રાજાઓને ખૂબ ઓછી મિલકતવાળા જમીનદારોની સમકક્ષ કહી દેવા એ યોગ્ય નહોતું અને આનાથી માત્ર એમની હેસિયત જ કમજોર સાબિત ન થઈ, બલકે, તેઓ એક કાર્ટૂન જેવા પણ બની ગયા.

હકીકત એ હતી કે ત્યારે સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 40 ટકા ધરતી પર આ રજવાડાં ફેલાયેલાં હતાં અને તેમના પર બ્રિટિશ શાસકોનું સીધું શાસન નહોતું.

આ રાજાઓ, બ્રિટિશરાજ સાથે કરાયેલી સંધિઓ અને સમજૂતીઓ દ્વારા જાગીરદાર તરીકે એમની સાથે જોડાયા હતા, પરંતુ બધેબધા રાજાઓ ક્યારેય એવા નહોતા જેવી એમની છબિ આંકવામાં આવી છે.

line

કેટલાય રાજાઓ યોગ્ય અને શિસ્તબદ્ધ હતા

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ અને મહિલાઓના ઉત્થાન માટે ઘણાં ગર્વાન્વિત કામ કર્યાં

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ અને મહિલાઓના ઉત્થાન માટે ઘણાં ગર્વાન્વિત કામ કર્યાં

લાઇફ મૅગેઝિને પોતાના રિપૉર્ટમાં એમ પણ સ્વીકાર્યું હતું કે કોચીનના મહારાજા કોઈ રખાતના ખોળામાં હોય એ કરતાં તેઓ સંસ્કૃત પાંડુલિપિમાં મગ્ન હોય, એવી સંભાવના વધુ હતી. તો ગોંડલના રાજા એક પ્રશિક્ષિત ડૉક્ટર હતા.

મોટાં રાજ્યો પર દારૂ પીનારા અને વ્યભિચારી રાજકર્તાઓનું રાજ નહોતું. ત્યાં ગંભીર રાજનીતિક ચમરબંધીઓ રાજ કરતા હતા.

એમાં કોઈ શંકા નથી કે શાસકો સનકી હોવાના આરોપોમાં થોડી સચ્ચાઈ છે.

જેમ કે, એક મહારાજાએ સ્કૉટલૅન્ડની એક સૈન્ય ટુકડીને જોઈને એમની જેમ જ પોતાના સૈનિકોને પણ સ્કર્ટવાળો પોશાક પહેરાવી દીધો હતો. તો બીજા એક રાજા એમ માનતા હતા કે પોતે ફ્રાન્સના રાજા લુઈ 14મા છે, જેમનો પંજાબી તરીકે પુનર્જન્મ થયો છે.

એમ તો બ્રિટિશ શાસકોની પણ આવી ગાંડીઘેલી-તરંગી વાર્તાઓ છે. જેમ કે, ભારતના વાઇસરૉય રહેલા લૉર્ડ કર્ઝન એક વાર નગ્ન અવસ્થામાં ટેનિસ રમતા હતા.

line

કેટલાય શાસકોનાં કાર્યો બહુ શાનદાર હતાં

મૈસૂર સ્ટેટના રાજા ચમારાજેન્દ્ર વાડિયારે પોતાના રાજ્યમાં ઔદ્યોગિકીકરણ માટે ઘણું કાર્ય કર્યું

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ઇમેજ કૅપ્શન, મૈસૂર સ્ટેટના રાજા ચમારાજેન્દ્ર વાડિયારે પોતાના રાજ્યમાં ઔદ્યોગિકીકરણ માટે ઘણું કાર્ય કર્યું

મારા નવા પુસ્તક માટે રિસર્ચ કરતી વખતે મેં જાણ્યું કે મહારાજાની 'આત્મકેન્દ્રી મૂર્ખ'વાળી છબિની આડમાં માત્ર કેવળ દિલચસ્પ વાર્તાઓ જ છૂટી ન ગઈ, પણ એવી કેટલીય કહાણીઓને જાણીબૂઝીને છુપાવવામાં આવી છે.

મૈસૂરના રાજાની પાસે હાથી હતા, પણ એમના રાજમાં ઉદ્યોગો પણ શરૂ થયા હતા. વડોદરામાં, એક પત્રકારને જાણવા મળ્યું કે ત્યાંના રાજાએ 55 લોકોના શિક્ષણ માટે 5 ડૉલર જેટલી રકમનો ખર્ચ કર્યો હતો, જ્યારે બીજી તરફ, બ્રિટિશ શાસન હેઠળ આવતાં ક્ષેત્રોમાં આટલો ખર્ચ 1000 લોકો માટે કરવામાં આવ્યો હતો.

તો, ત્રાવણકોર એટલે કે આજના કેરળની ગણના સ્કૂલ્સ અને બુનિયાદી માળખાની મજબૂતી માટે 'મૉડલ રાજ્ય' તરીકે થતી હતી. વાસ્તવમાં, ભારતમાં બંધારણીય બાબતની પ્રારંભિક ચર્ચાઓ આ રજવાડામાં જ થઈ હતી.

તો એવું શા માટે છે કે જ્યારે પણ આપણે રાજાઓ સંદર્ભની વાતો કરીએ છીએ તો આપણને માત્ર રાણીવાસ, આકર્ષક કાર અને સેક્સ સ્કૅન્ડલ્સ જ સૂઝે છે.

પહેલી વાત તો એ કે, બ્રિટિશ શાસનને એવી સ્થિતિ યોગ્ય લાગતી હતી કે જેમાં તેઓ પોતાને એવા નિષ્ઠાવાન શિક્ષક તરીકે રજૂ કરી શકે જે ઉદ્દંડ બાળકોને શિસ્તના પાઠ ભણાવવાનો પ્રયાસ કરતા હતા.

જો તેઓ એમ સ્વીકારી લે કે ભારતના લોકો માત્ર શાસન જ નથી કરી શકતા બલકે ઘણી બાબતોમાં અંગ્રેજોથી આગળ નીકળી જાય એમ છે, તો તેનાથી બ્રિટિશ સામ્રાજ્યનું તથાકથિત 'સભ્ય બનાવનારું' મિશન ખુલ્લું પડી જતું.

line

બ્રિટિશરાજ સાથે ગૂંચવાડાભર્યા સંબંધો

મૈસૂરના રાજા

ઇમેજ સ્રોત, JUGGERNAUT

ખરેખર તો આ વાતો રાજ્યને પરિભાષિત કરનારી સૂક્ષ્મતા અને પાગલપણાને પણ દર્શાવે છે. આ મહારાજાઓ ઔપચારિક રીતે ભલે 'સામ્રાજ્યના સ્તંભ' હતા, પરંતુ વ્યવહારમાં તેઓ અશાંત ભાગીદાર હતા અને હંમેશાં પોતાના સ્વામીઓની પરીક્ષા કરતા રહેતા હતા.

ઉદાહરણ તરીકે જોઈએ તો, વડોદરા સ્ટેટ બ્રિટિશ-વિરોધી ક્રાંતિકારી સાહિત્યનો સ્રોત હતું. ત્યાં 'શાકભાજીની દવા' જેવાં શીર્ષકો હેઠળ ક્રાંતિકારી પુસ્તકો છપાતાં હતાં.

મૈસૂર સ્ટેટ પોતાના રાજપરિવારની પાછળ પડી જનારા સ્થાનિક પ્રેસને સહન નહોતું કરતું, પરંતુ બ્રિટિશરાજની ટીકા કરવાની ત્યાંના કેટલાક સંપાદકોને છૂટ આપતું હતું.

જયપુરના શાસકોએ વધારે કર આપવામાંથી બચવા માટે રાજીખુશીથી પોતાનાં ખેતરોમાં હેરાફેરી કરી અને એના વડે લાખો રૂપિયા બચાવ્યા.

આ ઉપરાંત, ઘણા શાસકોએ આઝાદીની લડાઈમાં કૉંગ્રેસ પાર્ટીને આર્થિક મદદ કરી. તો, 1920ના દાયકામાં લૉર્ડ કર્ઝન એમ માનતા હતા કે આઝાદીની ચળવળને સમર્થન આપવા ભારતીય રાજાઓ વચ્ચે પણ ઘણા 'ફિલિપ એગ્લિટ્સ' (બર્બૉનના એક રાજા, જેમણે ફ્રાન્સની ક્રાંતિને સમર્થન આપેલું) અસ્તિત્વ ધરાવતા હતા.

સાંભળવામાં ભલે અજબ લાગે, પણ આઝાદી માટેની મોટા ભાગની લડાઈઓમાં રાજાઓને નાયક (સૂત્રધાર) રૂપે જોવાતા હતા.

મોટાં રાજ્યોની ઉપલબ્ધિઓએ મહાત્મા ગાંધી સહિત કેટલાય રાષ્ટ્રવાદીઓને અભિભૂત કર્યા હતા. તેમણે એ જાતિવાદી ધારણાને જડમૂળમાંથી ઉખાડી ફેંકી કે 'મૂળનિવાસી' જાતે શાસન ન કરી શકે. પરંતુ 1930 અને 1940ના બે દાયકામાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ.

ઘણાં રજવાડાંમાં લોકો સુધી શિક્ષણની તક ઉપલબ્ધ કરાવવાની તેમની સફળતાને કારણે ત્યાં લોકતાંત્રિક પ્રતિનિધિત્વની માગણી થવા લાગી. ભારતમાંથી અંગ્રેજો ચાલ્યા ગયા એ પહેલાં ઘણા મહારાજાઓએ પોતાની વ્પાપક વિરાસતને ધૂળમાં મેળવી અને દમનકારી બની ગયા.

પરંતુ ઇતિહાસમાંથી આ જ પાઠ ભણવા મળે છે કે, બાબતો જેવી દેખાય છે એના કરતાં ઘણી ગૂંચવાયેલી હોય છે, અને આ મહારાજાઓની બાબતે તો આ વાત ઘણી રીતે સાચી છે.

રાજાઓમાંના ઘણા દૂરદર્શી આધુનિકતાવાદી અને ચતુર રાજનેતા હતા. નર્તકીઓ અને હાથીઓની જૂનીપુરાણી વાતોની પાછળ ઘણા લાંબા અરસાની ઘણીએક વિગતો છુપાયેલી પડી છે.

(મનુ પિલ્લઈ એક ઇતિહાસકાર હોવા ઉપરાંત 'ફૉલ્સ ઍલાયન્સઃ ઇન્ડિયાઝ મહારાજાસ ઇન દ એજ ઑફ રવિ વર્મા'ના લેખક છે.)

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો